Valiant men in Gujarati Moral Stories by कुंवरसा चेतनसिंहजी गोहिल books and stories PDF | વીર માંગડા વાળા

Featured Books
Categories
Share

વીર માંગડા વાળા

વીર માંગડાવાળો


વીર માંગળા વાળા નો પાળીયો અને એ ઝાડ ભાણવડ માં આવેલ છે.

પાઘડીયુ પચાસ પણ આંટાળી એકેય નય,
એ ઘોડો એ અસવાર, હું ડીઠું નય માંગળા

પદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર,
મરતા બોલ્યો વિર માંગડો.
સૌ રુવે સંસાર એને પાપણિયેં પાણી જરે પણ ભુંત રુવે ભેંકાર એને લોચનીયે લોહિ જરે.

વીર માંગડા વાળાની જગ્યા -ભુતવડ (ભાણવડ)

👉 માંગડાવાળા અને પદમાવતી ની પે્મ કથા

જ્યારે પ્રેમની ચર્ચા થાય ત્યારે ઘણા બધા રોમીઓ-જુલિયેટ, હીર-રાંજા અને ઘણા ઍવા ઐતિહાસીક પાત્રોને યાદ કરતા હોય છે. કેમ આપણે હંમેશા હિન્દુસ્તાનની બહાર નામના પામેલા પ્રેમી યુગલોને જ આપણા દિલો દિમાગમા સ્થાન આપી રાખ્યુ છે? તેનુ ઍક કારણ પશ્ચિમી સંસ્કૃતિ તરફનો મોહ પણ ગણી શકાય. ગુજરાતી ભાષા, પાત્રો, ઘટનાઓ, ઇતીહાસ તરફ પાછુ વળીને નહી જોવાનો અભાવ.
ખૈર મૂળ વાત પર જરા પાછો આવુ છુ. પ્રેમની પરાકાષ્ટા સૌથી વધુ મને માગડાવાળા અને પદમાવતીમા જોવા મળે છે. રાજપુત જાતના માગડાવાળા અને વણીક જાતની પદમા. મામાના ઘરે મોટો થતો યુવાન માગડાવાળો ગામના વાણીયાની દીકરીના પ્રેમમા પડે છે અન તેટલો જ પ્રેમ પદમા માગડાવાળાને કરે છે. આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે, પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચક છે મિત્રો.
પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માગડાવાળો દુશ્મનો સાથે યુદ્ધ કરે છે. યુદ્ધમા જતા પહેલા પદમા પોતાની સાથે થોડો સમય પસાર કરવાની અરજ કરે છે, માગડો ક્ષત્રીયધર્મના પાલન અને પ્રેમની અરજ આ બન્ને શરતો નુ પાલન કરે છે, ઍક જીવતે જીવ અને બીજુ મૃત્યુ બાદ. યુદ્ધમા દુશ્મનો સાથે લડીને પોતાના પિતાના મારતલને હણે છે, અને માગડો મોતને ભેટે છે અને પણ મૃત્યુ બાદ તેનો આત્મા પદમા માટે ભટકે છે, માગડો અને પદમા ઍમ ઍક આત્મા અને ઍક જીવંત શરીર લગ્નગ્રંથીથી જોડાઈ પોતાનુ જીવન બાકી રહેલા અરમાનો સાથે પસાર કરે છે.

આને પ્રેમની પરાકાષ્ટાની હદ કહી શકાય. આ અજોડ કથાનુ વર્ણન ખૂબ સુંદર રીતે શ્રી ઝવેરચંદ મેઘાણીઍ પોતાની સૌરાષ્ટ્રની રસધારમાં કરેલ છે. 'ભુત રુવે ભેંકાર' નામની વાર્તા આપ વાંચશો ત્યારે મને લાગે છે ત્યા સુધી આપ ભારત બહારની પ્રેમ કથાઓ કરતા આ કથાને થોડી આગવી દ્રષ્ટીથી જોઈ રહેશો. આવા કઈંક કિસ્સાઓ અને કથાઓ ભારતમા બન્યા છે જેનાથી આપણે સૌ આજ અજાણ છીઍ.

આશા રાખુ કે આપણે પણ આવા પાત્રોને યાદ કરી આપણી સંસ્કૃતિની ગાથાઓને સહેજ આગળ લાવવા પ્રયત્ન હુ કરતો હોવ છુ જ.
ભૂત રૂવે ભેંકાર


નેસડામાં રાતે વાળુ કરીને સહુ માલધારી બેઠા હતા‌. આઘેથી ભૂતના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમો પર નો દેવતા ફૂંકે ફૂંકે ઝબૂકતો ને વળી પાછો જાંખો પડી જાતો. વરસાદ મોટે મોટે ફોરે ઠમ! ઠમ! ઠમ! પડતો હતો, અને નીચાં ઘરના નેવાં ટપકતાં હતાં. તેનાં ટીપાં નીચે ખબોચિયામાં પડીને ટપક ! ટપ ! ટપક ! ટપ એવાં ભાત ભાત ના સૂર કાઢી કાંઈક વાતો કરતા હતા. આખી ગીર ઉપ અંધારૂં પથરાઈ ગયું હતું.વાત તો એમ ચાલતી હતી કે –“ભાઈ, હમણાં એક ચમત્કાર બની ગયો.”શું ચમત્કાર ?” “કંટાળે ગામેતીને ઘેર એક ચારણ આવેલો. ચીંથરે હાલ ચારણ, વાર્તા – કવિતા તો કાંઈ આવડે નહિ, પણ ગામેતી જેવો આયર તે ક્યાંયિક થાવો છે, બા ? સહુને આપે એમ એને પણ શીખ આપી : ચારણ બંધાણી માણસ, પણ કંટાળે અફીણ રે’તુ નહોતુ : અને ચારણને ઉતાર આવી ગયેલો : એટલે દી આથમી ગયો હતો તોય રજા લઈ પડખેના ગામમાં ઝટ પહોંચી જવા માટે રવાના થયો : ઝોલાપરી નદીને કાઠે ચડ્યો અને માંગડાને ડુંગર આવ્યો ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયો. અંધારૂં ઠીકઠીક જામી ગયુ : અને નાડ્યું તુટતી હતી, એટલે ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી ગયો : થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાશ મારે તેવાં ધોળાં બાસ્તા જેવાં લૂગડાં પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીણનો એક ગોટો નાખીને કહ્યુ : ‘લ્યો ગઢવા!’

ગઢવો : ‘આ ક્યાંથી, બાપ ?’

આદમી કહે : ‘કંટાળેથી ગામેતીએ મોકલાવ્યું છે.’

ચારણે તરત જ અફીણ ખાધું : જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ: શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એજ ટાણે પાછો વળીને કંટાણે આવ્યો: ગામેતીને પગે પડીને બોલ્યો : ‘બાય ક્રોડ દિવાળી તારો વૈભવ ટકજો ! મને આજ નવું જીવતર દીધું.ગામેતી અચંબો પામીને કહે : ‘કેમ ભાઈ ?’

‘બાપ! મારી વાંસે ડુંગરામાં અફીણ પોગતું કર્યું એ તો તું વિના બીજો કોણ કરે ?’

‘ના ભાઈ! અમને તો ખબર પણ નથી. ગઢમાં તો ચણોઠી જેટલું પણ અફીણ નથી ને ! કોણ આવ્યું’તું ?’

‘અરે, બાપ! ધોળે લૂગડે જુવાન આદમી આવીને મને હાથોહાથ આપી ગયો, ને તમારું નામ લીધું! ‘

સાંભળીને સહુ એકબીજાની સામે સમસ્યાથી નીરખી રહ્યા. ગામેતી એટલું જ બોલ્યા : ‘નક્કી માંગડો વાળો !’

“આવો ચમત્કાર બન્યો, ભાઈ !” ઓહોહોહો! હજીયે શું માંગડ વાળાનો છૂટકારો નહિ થયો હોય ? માલધારી એકબીજાને પૂછવા લાગ્યા.

બીજાએ વળી જવાબ દીધો : “એની વાસના ભારી જોરાવર હતી ને, ભાઈ ! વાસના મટયા વિના નવું ખોળિયું ક્યાંથી લેવાય ? ગજબની વાસના હતી માંગડા વાળાની.”

અજાણ્યાએ સવાલ કર્યો : “એ શી વાત હતી, ભાઈ ? માંગડા વાળો કોણ ? ક્યાંનો ?”

“માંગડા વાળો આપણી ધાતરવડીને કાંઠે આવેલ ગામ ધાંતરવડના રજપૂત જેઠાવાળાનો દીકરો થાય.” વાળાઓ હજી વટલીને કાંઠી નહોતા થયા ઇ વખતમાં થઈ ગયો ને ભરજુવાનીમાં ભાલે વીંધાણો.”

એમ થાતા તો વાતચીતે વાર્તાનુ સ્વરૂપ ધારણ કર્યું. રવાજ નામના વાજિંત્ર પર ઝણેણાટી બોલાવતાં એ વાત ડાહ્યા પરોણાએ દુહા આરંભ્યા :

(અહી, દુહા નથી આપવામાં આવ્યાં સીધો જ તેનો અનુવાદ છે)

(શોભીતો ઘોડો રાંગમાં હોય, શિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરિર ઉપર હથિયાર ચક્ચકાટ કરે; આહા ! સાચા વીરને એક જ વાર મરવાની – મોટી ફોજમાં ઝંપલાવીને ભલી ભાંતે મરવાની – ઝંખના હોય છે.)

અસવાર પાટણની બજાર ચીરીને સોંસરવો નીકળ્યો; કેમકે જતાં જતાં નજરું એક કરી લેવી હતી. છેલ્લીવારના રામરામ કરવા હતા.

ઝરૂખામાં બેઠેલી નગરશેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો : ઘાટીલો ઘોડો, એવો જ લાયક અસવાર, આસમાનને માપતો ઊંચો ભાલો; એવા મનના માનેલા ક્ષત્રી કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરુંના તાર સંધાયા.

(હે સ્વામી માંગડા, આપણી જાતતો જુદી છે પણ પૂર્વભવની પ્રીતિએ આ જન્મે નાત જાતનાં બંધન ભેદીને આપણને જોડી દીધા છે.)

માટે –
હે સગા, મેડી ઉપર ચોપાટ માંડી છે. પીતળિયા પાસા પડ્યા છે. સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું. માટે તુ એક વાર ઉપર આવી, દાવ નાંખી સોગઠી મારતો જા, એટલે આપણું લગ્ન સફળ થાય.)

“ના, ના, પહ્માવતી ! રજપૂતની એ રીત ન હોય. હું તો ગા’ની વા’રે ચડ્યો છું. રસ્તે રમત રમવા મુજ્થી રોકાવાય નહી. પણ તું વાટ જોજે . હમણાં પાછો વળુ છું. પછી રમી લેશું”

ઘોડો દોડાવી મૂક્યો. ગયો ! ગયો ! ત્રીસ -ત્રીસ ગાઉનો પંથ કાપી નાંખ્યો. હીરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘૂમલીનું ગૌધણ ઊભુ છે ને લૂંટારો ચાડવો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે. ત્યાં તો માંગડો દેખાણો.

જીવતો પાછો જા, વઢિયાની વેળા નહી, રોશે તારી મા, તું પરદેશી પ્રોણલો.

પણ ત્યાં તો –

ચાડવા કાઠીના હાકલા પડકારા સાંભળીને માંગડો ન થડક્યો. એ હૂકળતા શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો. પહ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી. એણે જોયુ કે ભાણ જેઠવાની ફોજ ઝાંખાં મોં લઈને ચાલી આવે છે. પણ એકલવાયો ગયેલો અસવાર માંગડો કાં ન દેખાય?

આ પચાસ – પચાસ પાઘડીઓ વાળા દેખાય છે. પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રિતમ માંગંડો નથી. એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા. હોય તો સહુથી નોખો તરી રહે ને !

કોણ જાણે, કદાચ પાછળ રહ્યો હશે – મારી પાસે આવવા માટે જાણી જોઈને પાછળ રહી ગયો હશે. કોલ દઈને ગયા પછી પરબારો તે કેમ ચાલ્યો જાય ?

ત્યાં તો –

ઘોડો આવે ઘૂમતો, માથે સોનરી સાજ, એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો. સોનેરી સાજ થકી શોભતો એકલો ઘોડો ઘૂમતો ઘૂમતો ચાલ્યો આવે છે. એની પીઠ ઉપર એ એકલડો અસવાર ન દીઠો. જરૂર મારો માંગડો રણમાં ઠામ રિયો ..! અસવારોએ અટારી સામે આવીને સંદેશો કહ્યો : હે સતી પહ્માવતી, તારો પ્રીતમ હીરણ નદીને કાંઠે રહ્યો, અને એણે મરતી વેળાએ કહ્યું કે, પહ્માને મારા ઝાઝા કરીને જુહાર દેજો!

માંગડાના મોસાળમાંથી સાત સોડ્યો લાવીને એના શબને દેન દેવાય છે, અને પહ્માવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે તેને સહુ છાની રાખે છે.

મારા અંગ ઉપર રક્તના છાંટા પડ્યા હશે ! મને એવાં અપશુકન મળ્યાં હશે! એવી હું અભાગણી! એટલે મારે રોઈ રોઈને અવતાર ગુજારવો રહ્યો.

ભૂતવડલાની ઘટામાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે. અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતાંના ડબરા ઉઘાડી ઉઘાડીને ટીમણ કરે છે. ભેળો વાંકડી મૂંછોવાળો રજપૂત ગામધણી અરસીવાળો વોળાવિયો બનીને આવ્યો છે.

વડલાની ડાળ નીચે અરસીવાળો બેઠો છે, તે વખતે ટપાક ! ટપાક ! ટપાક ! વડલા ઉપરથી કંઇક ટીપાં પડ્યાં !

અરે ! આ શું ! આકાશમાં ક્યાય વાદળી ન મળે ને મે’ ક્યાંથી ? ના, ના, આતો ટાઢાનહિ, બરડો ખદખદી જાય એવા ઊનાં પાણીના છાંટા : અરે, નારે ના.! આ પાણી નો’ય, આ તો કોઈનું ધગધગતું લોહી !

વોળાવિયો ક્ષત્રિય અરસીવાળો ઊંચે નજર કરે, ત્યાં તો ડાળી પર બેસીને કોઈ જુવાન રૂદન કરે છે. એનુ મોં દેખીને અરસીને અનુકંપા વછૂટી :

“કોણ છો?”

“ભૂત છુ !”

સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે, (પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.

હે રજપૂત, સંસારના માનવીઓ રૂવે છે, છતાં એ રૂવે ત્યારે એની પાંપણે પાણી પડે, પરંતુ આતો ભૂતનાં રૂદન; ભયંકર રૂદન; હૈયાનાં લોહી નીતરી નીતરી એના લોચનમાંથી ઝરે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારૂણ!

“ભૂતડો છો? કોનો ભૂત?”

“ન ઓળખ્યો, કાકા?”

હુ બેટો, તુ બાપ, અરસી, કાં ઓળખ નહીં , પેલા ભવનાં પાપ, આ ભવમાં આવી નડ્યાં.

“હે કાકા અરસી, તારા સગા ભાઈ જેઠાવાળાનો હુ દીકરો એટલે તારો પણ હુ દીકરો : ને તુ મારો બાપ : છતાંય હજુય ન ઓળખ્યો ? આ ભૂતની દશાને પામ્યો એ મારા પૂર્વજન્મનાં પાપનું ફળ છે. મેં પૂર્વ ભવે પ્રીતિ બાંધેલી હતી .”

“અરે તું, માંગડો ? બેટા, તું અહીં ક્યાંથી ? તને એવાં શાં દુઃખ મરણ પછી પણ રહી ગયાં ?”

ભૂતડો ભેંકાર વિલાપ કરતો બોલે છે કે –

“હે કાકા, ભીતરની વેદના કોને ઉઘાડી કરી બતાવું. ? પહ્મા સાથે પરણ્યા વિના જ મારે આ વડલાની ઘટામા વિંધાવું પડ્યું . અને , કાકા , હવે તો –

આહીં ભૂતાવળનાં વૃંદમાં અમે બધાં આ ગીરને ઓળંગી બહાર નીકળવા તલખીએ છીએ, પણ અમારા અંગો વાસનાની આગથી સળગી ઉઠ્યાં છે, તે તારી મદદ વગર નહી ઓલવાય, હે કાકા ! ”

“તે હવે હું શું કરું, બેટા ?”

“મને પાટણ તેડતો જા. મારી પહ્માવતી સાથે પરણવા દે. મારી પરણેતર આજ બીજાને જાય છે, એ વિચાર મને સળગાવી મેલે છે, કાકા!”

“અરે ગાંડા! તું પ્રેત છો. તને કેમ કરી લઈ જાઉં ?”

“બસ, કાકા?”

“હે સગા, આજ તારા સ્નેહની સરવાણી કેમ તૂટી ગઈ ? એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતિનાં નીર આટલાં બધાં ઉંડાં ઉતરી ગયાં ?”

“ઓ અરસી, આ જાન જતી જોઉં છું ને અંતર ચિરાય છે, મારા પ્રાણ મેં પહ્માવતીની પાસે મૂક્યા છે.”

“હે સગા, સુખ તો બધું ત્યાં પહ્માવતીની પાસે રહ્યું અને આ જંગલમાં ભૂતોની સાથે રહેવું પડ્યુ છે. હવે હું સળગું છું. મને એક વાર પરણી લેવા દે.”

“શી રીતે ?”

“તમારી જાનનો વરરાજો કદરૂપો છે, ઓ કાકા ! એને બદલે મને વરરાજો બનીને માયરે જાવા દે. ચાર ફેરા ફરવા દે.”

“પછી ?”

“પછી પાછો વળીને આહીં વડલાને થાનક ઊતરી પડીશ. નદીની સામે કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે.”

કોઈ ગુફાના પોલાણમાંથી પવન સૂસવતો હોય તેવા ભૂતનાં વિલાપ સાંભળીને અરસી વાળાના શ્વાસ ઊંચા થઈ ગયા. વાણિયાને ભૂતની વાત કરીશ તો તો બી ને આહીં જ ફાટી પડશે ! શું કરું ? વિમાસણ થઈ પડી.

“કાકા !” ભૂતનો અવાજ આવ્યો : “વાણિયાને ભડકાવવા નથી. હુ આંહી મારી મોઢમેડિયું ઊભી કરું છું. આજ મારી ડેલીયે હું વાણિયાની જાનને ઉતારો આપીશ.”

ઉજ્જડ વનમાં હીરણ્યને કાંઠે મોટો દરબારગઢ ઊભો થઈ ગયો.

જાનમાં ઘોડાને માણું બાજરાનાં જોગાણ, વેલ્યના બળદને કપાસિયાનાં બહોળા ખાણ એ જાનૈયાને ભોજન દીધાં.શેઠે જાણ્યું કે કોઈક ગરાસિયાએ આંહીં અંતરીયાળ ગઢ બાંધ્યો હશે!

અરસીએ વાત ઉચ્ચારી : “શેઠીયા, આ કદરૂપો વરરાજો લઇને જાશું તો વેવાઈ ના પાડીને ઊભો રહેશે. માટે આ ગઢવાળા રૂડા રજપૂતને વર બનાવી તેડી જાયેં. વળતાં આંહી ઉતારી મેલશું.”

વાણિયા કબૂલ થયા.

(પીઠીભરી કન્યા પહ્માવતી પાટણની મેડીયે બેસીને વિલાપ કરે છે કે હે ધાંતરવડના ધણી માંગડા, આજ પરપુરુષ સાથે મારાં લગ્ન મંડાયેલ છે . હું કોઈને મોંએ મારું અંતર ઉધાડી શકતી નથી. મારે એક ભવમાં બે ભવ થાય છે. ઊંચે આભ સળગ્યો છે, નીચે ધરતી ધખધખે છે. માટે, હે સ્વામી, તું વહેલો વહેલો મારી જવાળાઓ ઓલવવા આવજે.)

જાનની વેલ્યો ગાજી, વર પરણવા આવ્યો.

હથેવાળો મેળવતાં પહ્માવતીએ સામા પુરુષને – પરપુરુષને નહીં, પણ ખુદ માંગડાને – દીઠો.

વાતનો ભેદ સમજ્યા વગર કલેજે ટાઢક વળી ગઈ.આ મરેલું માનવી આંહી ક્યાંથી ? શું પરલોકમાંથી મને લઈ જાવા આવ્યો ? કે શું કોઈ દેવતાએ એને માથે અમીનો કૂંપો છાંટી સજીવન કર્યો ?પરણી ઉતર્યા અને જાન પાછી વળી. હીરણ્યને કાંઠે ભૂતવડલો આવ્યો અને સંધ્યાનાં ઘેરાતા અંધારાંમાં, એ ભેંકાર જંગલની અંદર, વરરાજે ભડકારૂપે છલાંગ મારી વડલાની ઘટામાં અલોપ થયો ને આંહીં વેલડામાં કન્યાએ પોતાની બાજુએ જોયુ તો જેની સાથે ચાર ફેરા ફરવા ચોરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠો. છલાંગ મારીને પહ્માવતી પણ વેલ્યમાંથી નીચે ઉતરી પડી.

“અરે, હા ! હા ! વહુ દીકરા શું થયું ?”

“રામ રામ છે, વાણિયા ! જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું!”

“અરે દીકરી, એ તો બનાવટી હતો!”

“ગમે તે હોય, બીજાનાં મીંઢોળ ન બાંધું”

સમજાવી, પણ ન સમજી. ઘોર જંગલમાં એ અબળાને એકલી મૂકીને જાન ચાલી નીકળી.

વેલડાનાં પૈડાંનાં અવાજ સીમાડા સુધી સંભળાઇને બંધ પડી ગયા, અને મોટી મોટી ખાવા ધાતી ભેખડો વચ્ચે વહી જતી હીરણ નદીનાં નીર પણ ટાઢે પહોરે વિલાપનાં સૂર બાંધી પૂકારવા લાગ્યાં. ઝાડવે ઝાડવું પ્રેત જેવુ બનીને બિવરાવવા લાગ્યું, અને ‘માંગડા વાળા ! માંગડા વાળા ! માંગડા વાળા !’ એવા ત્રણ સાદ કરીને જ્યારે પહ્મા પોતાના પીયુને બોલાવવા લાગી, ત્યારે ભેખડોમાંથી પડછંદા ઉઠીને ભયંકર બની જતી એ એક એક ચિસનાં જવાબમાં ઝડડડ ! ઝડડડ ! એવા ભૂતભડકા વડલાની ડાળે ડાળે ઉઠવા લાગ્યા.

(વડલા, તારે પાંદડે ભૂતની જવાળાઓ સળગી ઉઠી છે. હું દિવસરાત એ જ્વાળાઓમાં સળગી રહી છું. હું આ આગને ક્યાં ઓલવું ?)

એ રીતે અદૃશ્ય ભૂતનાં ભડકામાં રાતને દિવસ આ એકલવાઇ સુંદરી સળગે છે. પોતાના નાથને ગોતવા એ વડલા ઉપર ચડીને ડાળે ડાળે ને પાંદડે પાંદડે જુએ છે.

એ ગોતાગોતમાં સળગવા સિવાય બીજું કાંઇએ નથી રહ્યું. એ મરેલા પિયુની અણછીપી વાસના જ જવાળારૂપે જંગલને સળગાવી રહી છે.

દિવસ બધો આવી આગ સળગે છે, ને રાતે એ ઉજ્જડ વગડામાં માયાવી દરબારગઢ ઊભો થાય છે. એ માંગડો ભૂત માનવીની કાયા કરીને પહ્માવતી પાસે વસે છે. પરોઢિયે પાછી એ બધી માયા સંકેલાઇ જાય છે. પહ્મા એકલી સળગતી રહે છે.


બે જુવાન ઘોડેસવારો ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે ને અંધારા ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ પંખી કે માનવી દેખાતાં નથી. જુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકીને લોથપોથ થઈ ગયા છે.

ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માંડણાંમાં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી.

જુવાનો જોઈ રહ્યા. એક કહે કે “આજ તો આવડી આજ ભેંસના દૂધે વિયાળુ કરીએ.”

અંધારે અંધારે ભેંસનું પૂંછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા. થોડી વારે ઉજ્જડ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાણો ને ભેંસ એ ગઢની ડેલીમાં ચાલી ગઈ.

અસવારો પણ ડેલીએ જઈ, પલાણ છાંડી, ઊતરીને ચોપાટમાં બેઠા. ગઢ મોટો,પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી. કોઈ દરવાન પણ હાજર નથી.

ઘડીક થયું ત્યાં સફેદ વસ્ત્રોવાળો ખૂબસૂરત યુવાન આવીને ઊભો રહ્યો. મૂંગો મૂંગો બાથ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો. જઇને એ ઘોડારમાં બેય ઘોડા બાંધી આવ્યો.

વાળુની વેળા થઈ. જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને બેય પારોણાને જમવા બેસાર્યા. રૂપ જેનાં સમાતાં નથી, એવી એક સ્ત્રીએ આવીને રોટલા, શાક ને દૂધ પીરસ્યાં. રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાણા. કોઈ કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સૂવા ગયા. મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે; આંહી અંતરિયાળ આ દરબારગઢ કોણે બંધાવ્યો? આવડા મોટા ગઢમાં સ્ત્રી-પુરુષ બે જ શી રીતે રહેતાં હશે? બોલતાં ચાલતાં કેમ નથી? આવાં રૂપાળાં બે મોઢાં ઉપર દુઃખની પીળાશ શા માટે?

ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાણું. કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે ઘરધણી કણકી રહ્યો છે. આખી રાત કણકયા જ કરે છે; જંપ લેતો જ નથી.

મુસાફરો ચોંકીને સાંભળ્યા જ રહ્યા. બેમાંથી એકેય ને ઊંધ આવી જ નહીં. વિચારમાં પડી ગયા. ભળકડાટાણે કણકારા બંધ પડ્યા. પછી મુસાફરોની આંખો મળી ગઈ.

સવારે સારી પેઠે તડકા ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઊઘડી. નજરે કરે, તો ન મળે દરબારગઢ, કે ન મળે ઢોલિયા ! બેય જણા ધરતી ઉપર પડેલા, ને બેયનાં ઘોડાં બોરડીના જાળાં સાથે બાંધેલાં, માથે વડલો છે, ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસેય બિવરાવે તેવા અવાજ કરતી નદી ચાલી જાય છે.

તાજુબ થઇને બેય બહારવટિયા ચાલી તો નિકળ્યા; બેઉનાં કલેજાં થડકી પણ ગયા, પણ સાંજ પડી ત્યાં બેમાંથી એક ભાઈ બોલ્યો :“ભાઈ, એ ગમે તે હોય, પણ આપણે એમનો રોટલો ખાધો, ને હવે શું એમનું દુઃખ મટાડયા વિના ભાગી જશું ! ”

“સાચું, ન જવાય. આજ પાછા પહોંચી પત્તો મેળવીએ.”

રાત પડતાં પાછા એ જ ઠેકાણે જઈ ને ઊભા રહ્યા: એ જ દરબારગઢ, એ જ ચોપાટ, એ જ જુવાન, એ જ રાંધીને પીરસનાર રંભા, અને એ જ પથારી.

વાળુ કરી ઊભા થયા. એટલે બેય મુસાફરો એ જુવાનની આડા ફરીને ઊભા રહ્યા અને પૂછ્યું : “બોલો, કોણ છો તમે ? ને આખી રાત કણકયા કરો છો કેમ ?”

“તમને એ જાણીને શો ફાયદો છે ?”

“અમે રજપૂતો છીએ. જેનો રોટલો જમ્યા એનું દુઃખ ટાળીએ નહીં તો જીવતર શા ખપનું છે ?”

“જુવાનો !” ભાલા જેવી તીણી નજર નોંધીને ઘરધણી બોલ્યો : “જુવાનો.! ડરશો નહીં ને ?”

“ડર્યા હોત તો પાછા શીદ આવત ?”

છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આંતરડાં કપાતાં હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો : “જુવાનો ! હું માંગડો વાળો !”

“માંગડો વાળો!!!”

મુસાફરોનાં મોંમાં ચીસ દબાઇ રહી.હા, હું ધાંતરવડીનો ધણી માંગડો: કમોતે મૂઓ. ભૂત સરજયો છું. પહ્માને લઇને આંહી એનાં લોહી ચૂસ્તો વસ્યો છું. તે દી ચાડવા બાયલની બરછી ખાઈ ને હું પડ્યો. એ બરછીની કરચ મારી છાતીના હાડકામાં વીંધાઇને ભાંગી ગઈ. હજી હાડકું ને એ બરછીની કરચ છાતીમાં દિવસ ને રાત ખટકે છે. તેથી કણકું છું, ભાઈ ! ”
“એનો ઇલાજ શો ?”
“તમારાથી બને તો હાડકું ગોતી ને બરછીની કરચ કાઢો, ને મારા હાડકાં દામા કુંડમાં પહોંચતા કરો. નીકર આ વાસના-દેહ ટકશે ત્યાં સુધી હું એના ખટકા ખમ્યા જ કરીશ.”
એટલું બોલીને ‘આહ ! આહ !’ કરતો યુવાન ઓરડામાં ગયો. મુસાફરો સૂતા, સવારે એ-ની એ દશા દેખી.
વડના થડમાં ખોદકામ કરીને ભૂતે કહેલું હાડકું શોધી કાઢ્યું. બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકાં લઈ બેય બહારવટિયા દામે કુંડ ચાલ્યા ગયા.
જેસાજી - વેજાજી

ભાદરવા મહિનાની મેઘલી રાતે એક નગરના દરબાર ગઢને ઝરૂખે પાદશાહ અને હુરમ જાગતાં બેઠાં છે. નદીમાં પૂર ઘૂઘવે છે. આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વીજળીએ એવી તો ઘૂમાઘૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે. હુરમ બોલી : “ઓહોહોહો ! કેવી કાળી રાત છે !”

પાદશાહે કહ્યું : “આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે ?”

“બીજું તો કોણ ભમતું હોય? બિચારા મારા ભાઈઓ, જેને માથે તમ સરખા રાજાનું વેર તોળાઇ રહ્યું છે !”

“કોણ? જેસો-વેજો?”

“હા, ખાવિંદા ! તમારા બાર’વટિયા, પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ !”

“બેગમ ! અટાણે મને એનું શૂરાતન સમજાય છે. આવી ભયંકર રાતે શું એ વગડા વીંઝતા હશે ? બખોલોમાં સૂતા હશે?”
“બીજું શું કરે, ખાવિંદ ?તમે એને સૂવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે?”
“સુણો ! અટાણે એ બેય ભાઈ હાજર થાય, તો માફી આપું, ગામડાં રહેવા પાછાં સોંપીને બાર’વટું પાર પાડું એવું મન થઈ જાય છે.”
“અરેરે! અટાણે ક્યાંથી હોય?”

“સાદ તો કરો !”
“ખાવિંદ, મશ્કરી ?”
“ના , ના , મારા સમ , સાદ તો કરો !”
ઝરૂખાની બારીએ જઈને હુરમે અંધારામાં સાદ દીધો : “જેસાજીભાઈ ! વેજાજીભાઈ ! ”

નીચેથી જવાબ આવ્યો: “રાણી મા, હાજર છીએ.”
“ઓહોહો ! ભાઈ, આ ટાણે તમે આંહી ક્યાંથી ?”
“પાદશાહની રખેવાળી કરવા, બોન.”
“તમારા શત્રુની રખેવાળી ?”

“હા , બોન!”

“કેમ ?”

“અમારે માથે આળ ચડે તે બીકે.”

“શેનું આળ ?”

“કોઈ બીજો દુશ્મન આવીને પાદશાહનું માથું વાઢે, ને નામ અમારા લેવાય ! અમે રહ્યા બહારવટિયા ! અમારી મથરાવટી જ મેલી, બોન ! અમારા માથે જ કાળી ટીલી આવે અમારું ખોટું નામ લેવાય એ કેમ સંખાય ?”

“વાહ રે મારા વીરાઓ ! રોજ ચોકી કરોછો ?”
“ના, બોન. આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણે જ.”
પાદશાહે કાનોકાન આ વાતચીત સાંભળી . અટારી પરથી કૂદી પડીને એ રજપૂત વીરને ભેટી લેવાનું દિલ થયું. છાતી ફાટવા લાગી. પાદશાહ બોલ્યો : “જેસાજી ! વેજાજી ! સવારે કચેરીએ આવજો. કસુંબા પીવા છે.”
“બાપુ ! દગો તો નહીં થાયને ?”
“રાજાનો બોલ છે. ઇતબાર આવતો હોય તો હાજર થજો.”

એ હોંકારા દેનાર કોણ હતું ? માંગડાવાળાનું પ્રેત હતું. બહારવટિયા ભાઈઓ પોતાનું કામ કરવા દામે કુંડ ગયા છે, અને આહીં પાદશાહની દેવડી હેઠળ બાર’વટું પાર પાડવાનો મોકો મળ્યો છે, એ જાણીને બાર ‘વટિયાનો ઓશિંગણ ભૂત જેસા-વેજાને નામે હાજર થયો હતો. પાદશાહનો કોલ મળતાં જ એણે બાર’વટિયાઓને જાણ દીધી.

કચેરીમાં બાર’વટાં પાર પડ્યાં.સામસામાં કસુંબા પીવાણા.

એ માંગડો વાળો ગીરમાં ઘણે ઠેકાણે રહ્યો હોવાનું કહેવાય છે, અને ડુંગર ઉપર એણે ચારણને અફીણનો ગોટો દીધો તે પણ એના વસવાટ ઉપરથી જ ‘માંગડાનો ડુંગર’ કહેવાય છે.
એટલું કહીને વાર્તા કહેનારે ચલમ હાથમાં લીધી .સગડીના ઓલવાયી જતાં અંગારામાં નવાં કરગઠિયા નાંખીને તાપણું સતેજ કર્યુ