Narad Puran - Part 12 in Gujarati Spiritual Stories by Jyotindra Mehta books and stories PDF | નારદ પુરાણ - ભાગ 12

Featured Books
Categories
Share

નારદ પુરાણ - ભાગ 12

ઋષીઓ બોલ્યા, “હે મહાભાગ્યશાળી સૂત, આપનું કલ્યાણ થાઓ. ગંગાનું મહાત્મ્ય સાંભળ્યા બાદ દેવર્ષિ નારદે સનક મુનિને કયો પ્રશ્ન કર્યો?”

સૂતે કહ્યું, “દેવર્ષિ નારદે કયો પ્રશ્ન પૂછ્યો તે વિષે વિસ્તારથી કહું છું.”

નારદે કહ્યું, “હે મુને, ભગવાન વિષ્ણુ કયા વ્રતોથી પ્રસન્ન થાય છે, તેનું વર્ણન આપ કહો. જે માણસો વ્રત, પૂજન અને ધ્યાનમાં તત્પર થઈને શ્રીધર ભગવાનનું ભજન કરે છે તેને ભગવાન વિષ્ણુ મુક્તિ તો અનાયાસે જ આપી દે છે, પરંતુ તેઓ જલ્દીથી કોઈને ભક્તિયોગ આપતા નથી. પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિમાર્ગ સંબંધી જે કર્મ ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરનારું છે તે કહો.”

શ્રી સનકે કહ્યું, “બહુ જ સરસ વાત પૂછી. ભગવાન શ્રીહરિ જેમનાથી પ્રસન્ન થાય છે તેને અભયદાન આપે છે, જે પુરુષ ઉપર યજ્ઞસ્વરૂપ ભગવાન જનાર્દનની કૃપા થાય છે, તેને આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે.

હું એક વ્રત કહું છું તે ધ્યાનથી સાંભળો. માર્ગશીર્ષ માસમાં શુક્લપક્ષની બારસે ઉપવાસ કરીને મનુષ્યે શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા કરવી. હે દેવર્ષિ, પ્રથમ દાતણ કરીને સ્નાન કરવું, પછી શ્વેત વસ્ત્ર ધારણ કરીને મૌન રાખીને ગંધ,મ પુષ્પ, અક્ષત, ધૂપ, દીપ અને નૈવેદ્ય આદિ ઉપચારો દ્વારા શ્રીહરિનું પૂજા કરવું.  ‘કેશવાય નમસ્તુભ્યમ’ આ મંત્રથી વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તે જ મંત્રથી પ્રજ્વલિત અગ્નિમાં ધૃતમિશ્રિત તલની એકસો આઠ આહુતિ આપીને ભગવાન શાલગ્રામની સમીપે જાગરણ કરવું. તે જ રાત્રિએ બશેર દૂધથી ભગવાન શાલગ્રામ-શ્રીનારાયણને સ્નાન કરાવવું. ગીત-વાદ્ય, નૈવેદ્ય, ભક્ષ્ય અને ભોજ્ય પદાર્થો દ્વારા મહાલક્ષ્મી સહીત ભગવાન નારાયણનું ભક્તિપૂર્વક ત્રણ સમય પૂજન કરવું.

પછી સવારે નિત્યકર્મથી નિવૃત્ત થઈને પહેલાંની જેમ મૌન રાખીને ભગવાનનું પૂજન કરવું અને ત્યારબાદ મંત્ર

केशव: केशिहा देव: सर्वसंपत्प्रदायक: I

परमान्नप्रदानेन मम स्यादिष्टदायक: II

બોલીને દક્ષિણા સહિત ધૃતમિશ્રિત ખીર અને નારિયેળનું ફળ ભક્તિપૂર્વક બ્રાહ્મણને અર્પિત કરવાં.

(જેમણે કેશી દૈત્યનો સંહાર કર્યો છે તથા જેઓ સર્વ પ્રકારની સંપત્તિને આપનારા છો; તે ભગવાન કેશવ આ ઉત્તમ અન્નનું દાન કરવાથી મને અભીષ્ટ વસ્તુને આપનારા થાઓ.)

        ત્યારબાદ પોતાની શક્તિપ્રમાણે બ્રાહ્મણભોજન કરાવવું અને ભગવાન નારાયણનું ચિંતન કરતા રહીને મૌન રાખીને પોતે પણ ભાઈ-ભાંડુઓ સાથે ભોજન કરવું. આ પ્રમાણે જે ભક્તિભાવથી ભગવાન કેશવની પૂજા કરે છે, તે આઠ પૌંડરીક યજ્ઞ કરવાથી થતાં ફળને પામે છે.

        પૌષ માસની શુક્લ દ્વાદશીએ ઉપવાસ કરીને ‘નમો નારાયણાય’ આ મંત્રથી શ્રીહરિનું પૂજન કરવું. દૂધથી ભગવાનને નવડાવીને ખીરનું નૈવેદ્ય અર્પણ કરવું. માર્ગશીષ દ્વાદશીની જેમ રાત્રે જાગરણ કરવું અને ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, નૃત્ય, ગીત-વાદ્ય આદિ તથા સ્તોત્રો દ્વારા ભગવાન નારાયણનું પૂજન કરવું. 

        સવારની પૂજા પછી ઘી અને દક્ષિણા સહિત ખીચડી બ્રાહ્મણને આપવી અને સાથે મંત્ર પણ બોલવો.

सर्वात्मा सर्वलोकेश: सर्वव्यापी सनातन: I

नारायण: प्रसन्न: स्यात् कृशारन्नप्रदानत: II  

(જે સર્વના આત્મા, સર્વ લોકોના ઈશ્વર તથા સર્વત્ર વ્યાપક છે, તે સનાતન ભગવાન શ્રી નારાયણ આ ખીચડીનું દાન કરવાથી મારા પર પ્રસન્ન થાઓ.)

ત્યારબાદ યથાશક્તિ બ્રહ્મભોજન કરાવવું અને પોતે પણ ભાઈ-ભાંડુઓ સાથે ભોજન કરવું. આ રીતે પૂજન કરનારને આઠ અગ્નિષ્ટોમય યજ્ઞોનું પૂર્ણ ફળ પામે છે.

માઘ શુક્લ દ્વાદશીએ પણ અગાઉ કહ્યું તેમ ઉપવાસ કરીને ‘નમસ્તે માધવાય’ મંત્રથી અગ્નિમાં એકસો આઠવાર ઘીની આહુતિ આપવી અને તે દિવસે પહેલાંની જેમ બશેર દૂધથી માધવને સ્નાન કરાવવું, પછી અગાઉ કહ્યું તેમ ત્રણેય સમય પૂજા અને જાગરણ કરવાં. બીજે દિવસે બધાં પાપોમાંથી મુક્તિ પામવા માટે વસ્ત્ર અને દક્ષિણા સહિત બશેર તલ બ્રાહ્મણને દાન કરવાં. આ પ્રકારે પૂજન કરનારને વાજપેય યજ્ઞના સંપૂર્ણ ફળ મળે છે.

ફાગણ સુદ દ્વાદશીએ ઉપવાસ કરનારે ‘ગોવિંદાય નમસ્તુભ્યમ’ આ મંત્રથી ભગવાનનું પૂજન કરીને ધૃતમિશ્રિત તલની એકસો આઠ આહુતિ આપવી અને ભગવાનને બશેર દૂધથી નવડાવવા. રાત્રે જાગરણ કરવું અને ત્રણેય કાળ પૂજા કરવી. સવારે ભગવાન ગોવિંદની પૂજા કરીને વસ્ત્ર અને દક્ષિણા સહિત એક આઢક (આઠ શેર) અનાજ બ્રાહ્મણને દાન કરવું. આ વ્રત કરનારને બધાં પાપોમાંથી મુક્તિ મળી જાય છે અને મહાન યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

ચૈત્ર માસના શુક્લ પક્ષની દ્વાદશીએ ઉપવાસ કરીને ‘નમોસ્તુ વિષ્ણવે તુભ્યમ’ મંત્રથી ભગવાનની પૂજા કરવું અને દૂધથી સ્નાન કરાવવું. જાગરણ અને પૂજન બાદ બીજે દિવસે મધ, ઘી અને તલમિશ્રિત હવનસામગ્રીની એકસો આઠ આહુતિ આપવી અને પછી બ્રાહ્મણને દક્ષિણા સહિત એક આઢક ચોખાનું દાન કરવું. આ પ્રકારે ભક્તિભાવથી વ્રતનું પાલન કરનારને તે સર્વ પાપોથી મુક્ત થઇ જાય અને અત્યગ્નિષ્ટોમ  યજ્ઞના આઠગણા ફળને પામે છે.

વૈશાખ સુદ બારસે ઉપવાસ કરીને ભક્તિપૂર્વક દેવેશ્વર મધુસૂદનને એક દ્રોણ-ચાર આઢક (ચોવીસ શેર) દૂધથી સ્નાન કરાવવું અને રાત્રે ત્રણ વખતે પૂજન કરીને જાગરણ કરવું અને પછી ‘નમસ્તે મધુહન્ત્રે’ આ આ મંત્રથી ઘીની એકસો આઠ આહુતિ આપીને હોમ કરવો. ઘીનો ઉપયોગ પોતાના ગજા પ્રમાણે કરવો. આ વ્રત કરનારને આઠ અશ્વમેઘ યજ્ઞોનું ફળ પામે છે.

જેઠ મહિનાની શુક્લ દ્વાદશીએ ઉપવાસ કરીને છ શેર દૂધથી ભગવાન ત્રિવિક્રમને સ્નાન કરાવવું અને ‘નમસ્ત્રિવિક્રમાય’ આ મંત્રથી ભક્તિપૂર્વક પૂજન કરવું અને ખીરની એકસો આઠ આહુતિ આપીને હોમ કરવો. સવારે બ્રાહ્મણને દક્ષિણા સહિત વીસ માલપુઆ દાનમાં આપવા. ત્યારબાદ યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવીને પોતે પણ ભોજન કરવું. આ વ્રત કરનાર નિષ્પાપ થઈને આઠ યજ્ઞોનું ફળ પામે છે.

અષાઢ સુદ બારસે  ઉપવાસ કરીને છશેર દૂધથી વામન ભગવાનને સ્નાન કરાવવું. ‘નમસ્તે વામનાય’ મંત્રથી એકસો આઠ દુર્વા અને ઘીની આહુતિ આપીને રાત્રે જાગરણ કરીને ભગવાનનું પૂજન કરવું. સવારે પૂજન કર્યા બાદ દક્ષિણા સહિત દહીં, અન્ન અને નારિયેળનું ફળ બ્રાહ્મણને અર્પણ કરવું.

શ્રાવણ માસની શુક્લ પક્ષની દ્વાદશીએ ઉપવાસ કરીને મધ મિશ્રિત દૂધથી ભગવાન શ્રીધરને સ્નાન કરાવવું અને ‘નમોસ્તુ શ્રીધરાય’ મંત્રથી ગંધ, પુષ્પ ઈત્યાદી સામગ્રીથી પૂજન કરવું. દહીં મેળવેલા ઘીથી એકસો આઠ આહુતિઓ આપવી. રાત્રે જાગરણ કરીને પૂજા કરવી. સવારે બ્રાહ્મણને છશેર દૂધ દાનમાં આપવું અને તે સાથે જ સર્વકામનાઓની સિદ્ધિ માટે વસ્ત્ર અને દક્ષિણા સહીત સુવર્ણનાં બે કુંડળ પણ આપવાં.

ભાદ્રપદ માસના શુક્લ પક્ષની દ્વાદશીએ ઉપવાસ કરીને ચોવીસ શેર દૂધથી ભગવાન હૃષીકેશને સ્નાન કરાવવું. ‘હૃષીકેશ નમસ્તુભ્યમ’ મંત્રથી ભગવાનનું પૂજન કરવું. તે પછી મધ મેળવેલ ચરુથી એકસો આઠ આહુતિ આપવી. જાગરણ આદિ કાર્ય તથા પૂજન કરીને તત્ત્વવેત્તા બ્રાહ્મણને નવ શેર ઘઉં તથા ગજા પ્રમાણે સુવર્ણની દક્ષિણા આપવી. આ વ્રત કરનારને સર્વ પાપોથી મુક્ત થઈને મહાન યજ્ઞના ફળને પામે છે.

આસો માસની સુદ બારસને દિવસે ઉપવાસ કરીને ભગવાન પદ્મનાભને દૂધથી નવડાવવા અને ‘નમસ્તે પ્રદ્મનાભાય’ મંત્રથી યથાશક્તિ તલ, ચોખા, જાવ અને ઘી વાળે હોમ કરવો.રાત્રે જાગરણ કરીને ફરી ફરીને પૂજન કરવું. સવારે બ્રાહ્મણને દક્ષિણા સહિત પાશેર મધનું દાન કરવું.

કાર્તિક શુક્લ દ્વાદશીએ ઉપવાસ કરીને છ શેર દૂધ, દહીં અથવા ઘીથી ભગવાન દામોદરને નવડાવવા અને ‘ॐ નમો દામોદરાય’ મંત્રથી મધ અને ઘી મેળવેલા તલની એકસો આઠ આહુતિ આપવી. સવારે આવશ્યક કૃત્યોથી નિવૃત્ત થઈને કમળના ફૂલોથી ભગવાનની પૂજા કરવી, ત્યારબાદ એકસો આઠ આહુતિ આપવી એ પાંચ પ્રકારના ભક્ષ્ય પદાર્થોથી યુક્ત અન્ન બ્રાહ્મણને શ્રદ્ધાથી આપવું. પછી બ્રાહ્મણોને જમાડીને ભાઈ-ભાંડુઓ સાથે ભોજન કરવું. આમ કરવાથી બે હજાર અશ્વમેઘ યજ્ઞોનું ફળ મળે છે.

હે મુનિશ્રેષ્ઠ, આ પ્રમાણે એક વર્ષ સુધી જે દ્વાદશી વ્રત કરે છે, તે તે માસમાં બતાવેલાં ફળને પામે છે અને હરિના પરમ પદને પામે છે.

આ વ્રત ગ્રહણ કરનારે એક વર્ષ યથાયોગ્ય પાલન કરીને માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષમાં દ્વાદશી વ્રતનું વિધિસર ઉદ્યાપન કરવું.

 

ક્રમશ: