હજુ તો રાતના બાર વાગ્યા પણ નહોતા ત્યાં એની ઊંઘ ઉડી ગઈ. ભોલુએ ઘડિયાળમાં જોયું તો હજુ બાર વાગવામાં ૧૫ મીનીટની વાર હતી. એ ફટાફટ ઉભો થયો અને પલંગમાંથી નીચે ઉતાર્યો કે તરત જ એને બહારથી મોટા મોટા અવાજ આવવા લાગ્યા. એ અવાજો ઘણા બધા લોકો બોલતા હોય તેવો હતો. જાણે કોઈનો જયઘોષ બોલાતો હોય તેવું લાગતું હતું. ભોલુ તો તરત જ બહાર નીકળ્યો અને એણે જે જોયું તે જોઇને એકદમ સ્તબ્ધ થઇ ગયો. એણે જોયું કે જે સભાખંડમાં બધી જ બેઠક ઉપર કોઈ ને કોઈ મૂર્તિ હતી તે બધી જ અત્યારે જાણે એમનામાં જીવ આવી ગયો હોય તેમ હાલતી હતી અને સાથે સાથે આજુ બાજુની મૂર્તિઓ જોડે વાતચીત પણ કરતી હતી.
જેવો એ સભાગૃહમાં દાખલ થયો કે બધા જ એની તરફ જોવા લાગ્યા. બધાના મો ઉપર આનંદ હતો અને જાણે બધા તેની તરફ કોઈક આશાની નજરે જોતા હોય તેવું લાગતું હતું. ધીમે ધીમે તે મુખ્ય સિંહાસન તરફ આગળ વધ્યો અને જોયું તો અત્યારે તે સિંહાસન ઉપર એક ખુબ જ સુંદર રાજકુમારી બેથી હતી. જે મૂર્તિ તેને જોઈ હતી એ જ મૂર્તિ અત્યારે જીવિત અવસ્થામાં બેઠી હતી. જ્યારે એ સિંહાસન નજીક પહોચ્યો કે તરત જ એ રાજકુમારી બોલી, “સ્વાગત છે તમારું. માફ કરજો અમે તમને જંગલમાંથી સીધા અહિયાં લઇ આવ્યા. પરંતુ અમારી મજબુરી હતી.”
ભોલુએ કહ્યું, “કોઈ વાંધો નહિ. મને મારી નહિ પરંતુ મારા માતા પિતાને ચિંતા થાય છે. તેઓ મારી રાહ જોતા હશે. ખેર, હવે તમે મને જણાવો કે શા માટે મને અહિયાં લાવવામાં આવ્યો છે?”
રાજકુમારીએ કહ્યું, “મારું નામ અવંતિકા છે અને અમારા રાજ્યનું નામ આનાદ્રાજ છે. અમો અહી પૃથ્વી ઉપર નહિ પરંતુ આ બ્રહ્માંદમાં એક અદ્રશ્ય એવી ગ્રહ ઉપરથી અહિયા આવી ગયા છીએ.”
ભોલુ રાજકુમારીની વાત આશ્ચર્યથી સાંભળી રહ્યો હતો. રાજકુમારીએ આગળ કહ્યું, “અમારૂ રાજ્ય ખુબ જ સરસ, સુંદર અને અને અદ્ભુત સ્થળો ધરાવતા સ્વર્ગ જેવું છે અને એ એક અદ્રશ્ય ગ્રહ ઉપર આવેલું છે. પરંતુ એક દિવસ અમારા આ ગ્રહ ઉપર બ્રહ્માંડમાથી જ એક અજીબોગરીબ શક્તિએ કબજો કરી લીધો. તેઓ અમારા ગ્રહના લોકોને હેરાન કરવા લાગ્યા. અમારી સાથે આવું પહેલી વાર થઇ રહ્યું હતું. અમારી પાસેથી બધું છીનવી લીધું. તેઓને ખબર હતી કે અમારા મહેલ ઉપર કબજો થઇ જશે તો આખા ગ્રહ ઉપર થઇ જશે. એટલે તે લોકોએ કોઈ વિચિત્ર શક્તિનો ઉપયોગ કરીને અમારા આખા મહેલની અંદરના બધા જ લોકોને મૂર્તિ બનાવી દીધા અને અમારા ગ્રહ ઉપરથી આખા મહેલને આ પૃથ્વી ઉપર ફેકી દીધો. હાલમાં આ મહેલમાં અમારી સેનાના સેનાપતિ સહીત મહત્વના હોદા ઉપર રહેલ દરેક વ્યક્તિ અમારા ગ્રહ ઉપર હોવા જોઈએ તેને બદલે આ પૃથ્વી ઉપર છીએ. અને પાછા મૂર્તિ બનાવેલ હોવાથી કોઈ કાઈ કરી શકતા નથી.
શરૂઆતના ૧૫ વર્ષ સુધી તો અમે બધા જ એકદમ મૂર્તિ જેવા હતા પરંતુ હવે તે લોકોની શક્તિનો પ્રભાવ થોડો થોડો ઓછો થવા લાગ્યો છે એટલે દરરોજ રાત્રે ૧૨ થી ૧.૦૦ વાગ્યા સુધી બધા લોકોમાં થોડો થોડો જીવ આવે છે પરતું એક જગ્યાએથી બીજી જગ્યાએ હજુ પણ ખસી શકતા નથી. માત્ર વાતો કરી શકીએ છીએ. અમને અમારા ગ્રહની અને અમારી પ્રજાની ખુબ જ ચિંતા થાય છે. અને તેના માટે જ અમારે તમારી મદદની જરૂર છે.”
ભોલુએ કહ્યું, “હું બધી જ રીતે તમને મદદ કરવા તૈયાર છું. પરંતુ હું તો સામાન્ય નાનો બાળક છું. હું તમારી મદદ કેવી રીતે કરી શકીશ?” ભોલુની વાત સાંભળીને રાજકુમારીનાં મો ઉપર હાસ્ય આવી ગયું. તેણે કહ્યું અત્યારે તમારામાં ભલે શક્તિઓ નથી પરંતુ અમારા આ મહેલમાં રહેલ દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ શક્તિઓ છે જે અમે તમને આપીશું જેનાથી તમે અમારી મદદ આસાનીથી કરી શકશો.” ભોલુ તો તૈયાર થઇ ગયો. રાજકુમારીએ કહ્યું, “સૌથી પહેલા અમે તમને અદ્રશ્ય થવાની અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ચપટી વગાડતા જ પહોચી શકાય તે શક્તિઓ આપીશું. એનાથી તમારે સૌપ્રથમ અમારા ગ્રહનું આહ્વાહન કરવાનું એટલે તરત જ તમે ત્યાં પહોચી જશો. અને પછી ત્યાં શું પરિસ્થિતિ છે એ અમને જણાવજો જેથી આપણે આગળની રણનીતિ તૈયાર કરીશું.
ભોલુ તો રોમાંચિત થઇ ગયો અને ખુબ જ ખુશ થઇ ગયો. આવી શક્તિઓ એની પાસે આવી જાય તો તો એ ઘણું બધું કરી શકે અને લોકોની મદદ પણ કરી શકે. ભોલુ એ રાજકુમારીને કહ્યું હું તમારા ગ્રહ ઉપર જાઉં એ પહેલા મને મારા ઘરે જવાની ઈચ્છા છે. તે લોકો મારી ચિંતા કરતા હશે કારણ કે હું ખાલી રમવા જાઉં છું એવું કહીને નીકળ્યો હતો. તમે આટલા વર્ષો સુધી રાહ જોઈ છે તો એક બે દિવસ વધારે રાહ જુઓ તો હું ઘરે જઈને કોઈક સારું બહાનું બનાવીને પાછો આવી જઈશ અને પછી તમારા બધી જ મદદ કરીશ.”
રાજકુમારી થોડી ઉદાસ થઇ પરંતુ પાછું હાસ્ય સાથે કહ્યું, “કોઈ વાંધો નહિ. તમે આ શક્તિનો ઉપયોગ કરીને તમારા ઘરે જઈ આવો. પરંતુ ત્યાં બહુ વાર ન લગાવતા. અને બીજું એ કે આ શક્તિ તમારી પાસે આવી જાય પછી તેના વિશે કોઈને પણ વાત કરવાની નથી. જો કોઈને આના વિશે ખબર પડશે તો તમારી શક્તિ જતી રહેશે અને પાછા નોર્મલ બાળક બની જશો. એટલે ખુબ જ સાવધાની સાથે એનો ઉપયોગ કરજો. અને એનો દુરુપયોગ કરશો તો તો તરત જ તમે આકાશમાંથી પછડાયા હોય એવો અનુભવ થશે અને તમારું મૃત્યુ થઇ જશે. એનો માત્ર સદુપયોગ જ કરી શકાય કારણ અમારી શક્તિઓ સાત્વિક છે જેનાથી બીજાને મદદ થાય પણ નુકશાન ન થાય.”
ત્યાર બાદ રાજકુમારીએ ભોલુંને કહ્યું તમારી આંખ બંધ કરો અને કોઈક મંત્ર મનમાં બોલ્યો એટલે એક જાદુઈ પ્રકાશ જાણે આકાશમાંથી ભોલુંના માથે પથરાયો અને તેનામાં નવી તાજગી આવી ગઈ. પછી રાજકુમારીએ ભોલુંને કહ્યું, હવે તમારામાં બંને શક્તિઓ આવી ગઈ છે અને તમે એનો ઉપયોગ કરી શકશો. વહેલી તકે તમારા ઘરે જઈને પહેલા અહિયાં પાછા આવજો પછી આગળની વાત કરીશું. અને રાજકુમારીએ ભોલુંને વિદાય આપી.
વધુ આવતા અંકે.