Prem - Nafrat - 114 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૧૧૪

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૧૧૪

પ્રેમ-નફરત      

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૧૪

 

રચનાના દિલની ધડકન વધી ગઈ હતી. એને થયું કે માએ આ પેપર્સ સંતાડી રાખવાના હતા.

રચના આરવને અટકાવે કે ધ્યાન ભટકાવે એ પહેલાં એણે પેપર્સ વાંચવાનું શરૂ કરી દીધું હતું. આરવ ગંભીર થઈને પેપર્સ જોઈ રહ્યો હતો. એના ચહેરાના ભાવ પરથી એના વિચારો જાણી શકાય એમ ન હતા.

રચનાએ એને પેપર્સ વાંચતો અટકાવવા કહ્યું:‘આરવ, ચિંતાની કોઈ વાત નથી... મને સારું છે...’

‘હા, મેં એ જ જોયું કે વિટામીન્સ ઓછા લાગે છે. તારે માનસિક અને શારિરીક કામ પણ વધારે રહે છે. તું થોડો આરામ કરી લે. આપણે નવો મોબાઈલ પછીથી લોન્ચ કરીશું...’ આરવને માત્ર વિટામિન્સની ગોળીઓના નામ વંચાયા અને બીજી દવાનો ખ્યાલ ના આવ્યો એટલે લાગણીથી કહ્યું.

‘હવે ખાવામાં પણ ધ્યાન રાખીશ...’ કહી રચના દિલમાં એ વાતની રાહત અનુભવી રહી કે એણે બાળકને પડાવ્યું છે એવો આરવને કોઈ ખ્યાલ આવ્યો નથી.

‘મારું માનવું છે કે તું આપણાં ઘરે આવી જા... મમ્મી અને ભાભીઓ તારી સારી સંભાળ રાખશે. તને આરામ મળશે. અહીં તારા મમ્મી એકલા પહોંચી વળશે નહીં...’ આરવે લાગણીથી કહ્યું.  

‘એ ઘરને મેં ક્યારેય મારું ઘર માન્યું નથી. અને તારા પરિવારની હું કોઈ સેવા લેવા માગતી નથી. વળી સ્ત્રીઓને આવી વાતનો જલદી ખ્યાલ આવી જાય છે. ભાભીઓ ચબરાક છે. એમને અંદાજ આવી જશે કે મેં બાળક પડાવી નાખ્યું છે. અને જ્યાં સુધી તારા પરિવારને આર્થિક રીતે બરબાદ કરીશ નહીં ત્યાં સુધી મારા માટે આરામ હરામ છે.’ એમ મનમાં જ વિચારી એ બોલી:‘આરવ, બે દિવસ જ આરામની જરૂર છે. ડૉક્ટરે કહ્યું છે કે બે દિવસ પછી તમે રૂટિન કામ કરી શકો છો.’

‘ઠીક છે. પણ સંભાળ રાખજે... અને હા, બે દિવસ પછી આપણાં ઘરે જ આવજે. કંપની પર જતી નહીં... થોડો વધુ આરામ કરજે.’ લાગણીભર્યા સ્વરે કહી થોડી ક્ષણ રચનાને જોઈ રહી આરવ નીકળી ગયો.

આરવ ગયા પછી રચનાની આંખ સહેજ ભીની થઈ ગઈ. પોતે એક સ્ત્રી તરીકે વિચાર કરી રહી હતી અને એ વાતનો અફસોસ હતો કે પોતાના બાળકને આ સૃષ્ટિ પર લાવતા અટકાવ્યું હતું. ડૉક્ટરે એબોર્શન કરતાં પહેલાં ચેતવણી આપી હતી કે બાળકને પડાવી નાખે છે પણ શરીર પર બધો આધાર છે. ભવિષ્યમાં બાળક લાવવામાં મુશ્કેલી પડી શકે અથવા બાળક ના પણ થાય. ત્યારે દિલ પર પથ્થર મૂકીને પણ પોતે બાળક પડાવવાનો કઠોર નિર્ણય લીધો હતો. એવા પરિવારના બાળકને જન્મ આપીને ફાયદો ન હતો જેમના લોહીમાં લોકોને મારવાની ભાવના વહેતી હોય.

આરવ ગયા પછી મીતાબેન આવીને એની બાજુમાં બેઠા. એમની આંખ પણ ભીની હતી.

રચનાએ કહ્યું:‘મા, મને પણ બાળક ગુમાવવાનો અફસોસ છે. આપણે બદલો પૂરો કરીને જ રહીશું. બે દિવસ પછી હું ફરી મારા કામે લાગી જઈશ.’

‘બેટા, નિયતિમાં જે લખ્યું હોય એ જ થાય છે. આપણાં હાથમાં કશું હોતું નથી. જો તું કોઈ બદલાની ભાવના વગર આરવ સાથે લગ્ન કરીને સાસરે ગઈ હોત અને માતા બનવાની હોત તો અત્યારે બંને ઘરે ઉત્સવનો માહોલ હોત. આપણે બાળકના આવવાની રાહ જોતાં હોત...’ બોલતાં બોલતાં મીતાબેન રડી પડ્યાં.

‘મા, નસીબમાં લખાયું હશે તો ફરી આ સુખ મળશે. હવે અફસોસ કરવાનો કોઈ મતલબ નથી. મને હવે બે દિવસ પછીનું આયોજન વિચારવા દે. હવે એમની બરબાદીના દિવસો નહીં કલાકો ગણવાના છે...’ રચના અચાનક ઝનૂનથી બોલી.

‘ભગવાન, જે કરો એ સારું કરજો...’ મીતાબેન મનોમન પ્રાર્થના કરી રહ્યા.

બે દિવસ પછી રચના એક નવા જ ઉત્સાહ અને ધ્યેય પૂર્ણ કરવાના નિશ્ચય સાથે કંપની પર પહોંચી ત્યારે કંપનીનો મુખ્ય દરવાજો બંધ હતો. સિક્યુરિટી ગાર્ડ નવો લાગ્યો. એ ઓળખતો નહીં હોય એટલે એને કહ્યું:‘દરવાજો ખોલ...’

‘મેડમ, અંદર કોઈ નથી. કંપની બંધ છે...’ સિક્યુરિટી ગાર્ડ વિનયથી બોલ્યો.

‘કંપની બંધ છે? આજે તો રજા હોતી નથી. બધાં ક્યાં ગયા?’ રચનાએ નવાઈથી પૂછ્યું. કેમકે ગઇકાલે રાત્રે આરવનો ફોન આવ્યો ત્યારે એણે કશું કહ્યું ન હતું.

‘મેડમ, તમે સમજ્યા નહીં. કંપની કાયમ માટે બંધ થઈ ગઈ છે...’ સિક્યુરિટી ગાર્ડ એની પાસે માહિતી હતી એ રજૂ કરતાં બોલ્યો.

‘શું?’ રચનાનો અવાજ ફાટી ગયો. એને થયું કે રાતોરાત શું થઈ ગયું હશે?       

ક્રમશ: