Bhootkhanu - 10 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | ભૂતખાનું - ભાગ 10

Featured Books
Categories
Share

ભૂતખાનું - ભાગ 10

( પ્રકરણ : ૧૦ )

‘જે રીતના ‘ડિબૂક બોકસ’ જોઈને યહૂદી ધર્મગુરુ-ફાધર જોશૂઆના ચહેરા પરના ભાવ પલટાયા હતા અને જે રીતના એમની આસપાસ ઊભેલા પાંચેય માણસો પણ ‘ડિબૂક બોકસ’ જોઈને એક-બે પગલાં પાછળ હટી ગયા હતા, એનાથી એ વાત સાબિત થઈ જતી હતી કે, તે પોતે ધારતો હતો એના કરતાં આ લાકડાનું બોકસ-ડિબૂક બોકસ ખૂબ જ વધુ ભયાનક અને ખતરનાક હતું.’ જેકસનના મગજ-માંથી આ વિચાર દોડી ગયો. તેણે તેને અહીં, આ ધર્મગુરૂ જોશૂઆ પાસે લઈ આવનાર માણસ આરોન સામે જોયું. આરોને જેકસનને કંઈ કહેવાને બદલે પોતાના ધર્મગુરૂ-ફાધર જોશૂઆ સામે જોયું.

ફાધર જોશૂઆ પોતાની ભાષામાં કંઈક બોલ્યા.

આરોને એનો અનુવાદ કર્યો : ‘જેકસન ! અમારા ફાધર તમને પૂછી રહ્યા છે કે, તમને આ બોકસ કયાંથી મળ્યું ?’

‘મેં એક મકાનની ઘરવખરી વેચાતી હતી, ત્યાંથી એને ખરીદયું હતું !’

‘શું તમે આ બોકસ ખોલ્યું હતું ?!’ આરોને પૂછયું.

‘મારી દીકરી સ્વીટીએ.., એણે આ બોકસ ખોલ્યું હતું, અને પછી...’ હજુ તો જેકસન જવાબ પૂરો કરે એ પહેલાં જ ફાધર જોશૂઆની આસપાસમાં ઊભેલા પેલા પાંચેય માણસો ગભરાટભર્યા અવાજમાં પોતાની ભાષામાં કંઈક બોલતાં ઝડપી પગલે મેઈન દરવાજા તરફ આગળ વધી ગયા.

એ પાંચે જણાં મેઈન દરવાજા બહાર નીકળી ગયા એટલે જેકસને ફરીથી ફાધર જોશૂઆ અને આરોન સામે જોયું. ‘મારી દીકરી સ્વીટીથી આ બોકસ ખોલવાની ભૂલ થઈ ગઈ, અને મેં પણ આ બોકસ ખોલવાની ભૂલ કરી નાંખી, પણ..,’ જેકસને ચિંતાથી કંપતા અવાજે પૂછયું : ‘...પણ હવે આ બોકસમાનું ડિબૂક.., એ આત્મા-એ સ્ત્રી આખરે મારી દીકરી સ્વીટી પાસે ઈચ્છે છે, શું ?! ?’

જોશૂઆએ આ સવાલનો જવાબ પોતાની ભાષામાં આપવા માંડયો, અને એની સાથોસાથ જ જોશૂઆની બાજુમાં ઊભેલો આરોન એનો અનુવાદ બોલવા માંડયો : ‘ડિબૂક માસૂમ અને પવિત્ર આત્માઓની તલાશમાં રહે છે ! તેઓ કોઈનેય ડિબૂક બોકસની આસપાસ આવવા નથી દેતા. જ્યાં સુધી તેમને ખાસ યજમાન નથી મળી જતો. યજમાનને પહેલાં ડિબૂકનો અવાજ સંભળાય છે, અને પછી તે પોતે દેખાય છે. એ ડિબૂક-એ આત્મા પોતાના યજમાનને બીજાથી દૂર રાખવા માટે જાત-જાતની ચાલ ચાલે છે, અને છેલ્લા સ્ટેજ પર ડિબૂક યજમાન સાથે જોડાઈ જાય છે, એ બન્ને એક થઈ જાય છે ! એ યજમાનને અંદરથી ખોખલું કરી નાંખે છે. એ આત્માને બસ એક જ વસ્તુ જોઈએ છે, જે એની પાસે નથી હોતી, અને એ છે, શરીર ! માનવીનું શરીર !’ ફાધર જોશૂઆ પોતાની ભાષામાં બોલતાં રોકાયા, એટલે એમની સાથોસાથ જ એમની વાતોનો અનુવાદ કરી રહેલો આરોન પણ બોલતાં રોકાયો.

જોશૂઆની-આરોનની આ વાત સાંભળીને જેકસન સાવ ઢીલો પડી ગયો. જે બની ગયું હતું અને જે બની રહ્યું હતું એ તેની કલ્પનાની અને કન્ટ્રોલની બહાર હતું. ‘ફાધર !’ જેકસનનો અવાજ ગળગળો થઈ ગયો : ‘એ આત્મા-એ સ્ત્રી મારી દીકરીની જિંદગી છીનવી રહી છે, એને...એને કેવી રીતના રોકી શકાય ?!’

જોશૂઆએ પોતાની ભાષામાં જવાબ આપવા માંડયો. આરોને એનો અનુવાદ કરીને કહેવા માંડયું : ‘ડિબૂકથી બચવાનો ફકત એક જ રસ્તો છે !’ આરોને સહેજ અટકીને આગળ  કહ્યું : ‘અને એ રસ્તો એ છે કે, એને પાછો એના બોકસમાં પૂરી દેવામાં આવે, અને એ પણ એનું નામ લઈને !’

‘હું..., હું એનું નામ નથી જાણતો !’ જેકસને આજીજીભર્યા અવાજે કહ્યું : ‘અને એટલા માટે તો હું અહીં આવ્યો છું ! મને તમારી મદદ જોઈએ !’

જોશૂઆ અને આરોન જેકસન સામે તાકી રહ્યા.

‘મને એ આત્માનું-એ સ્ત્રીનું નામ નથી ખબર, પણ.., પણ હું અહીં આવ્યો એ પહેલાં હું આ બોકસ મેં જેની પાસેથી ખરીદયું હતું એને મળ્યો હતો.’ જેકસને કહ્યું : ‘એણે જણાવ્યું કે, એને એ બોકસ કબ્રસ્તાન પાસેથી મળ્યું હતું. બોકસ સુંદર હતું, એટલે એ ઘરે ઊઠાવી લાવ્યો હતો. એ કબ્રસ્તાન કયાં આવ્યું છે, એ હું જાણું છું !’

જોશૂઆએ પોતાની ભાષામાં જે કહ્યું એનો આરોને તુરત જ અનુવાદ કર્યો : ‘આ કામમાં ખૂબ જ ખતરો છે ! જે કોઈ વ્યક્તિ એ આત્માને ભગાડવા માટેનો પ્રયત્ન કરશે, એના શરીરમાં પણ એ આત્મા સમાઈ શકે છે !!’

‘નહિ..,’ જેકસનથી હવે રડી પડાયું : ‘પ્લીઝ મારી વાત સાંભળો, પ્લીઝ ! તમે મારી મદદ કરો!’

જોશૂઆ અને આરોન જેકસનને તાકી રહ્યા.

‘પ્લીઝ !’ જેકસને રડતાં-રડતાં આજીજી કરી : ‘કોઈકે તો મારી મદદ કરવી પડશે, હવે...,’ જેકસનની આંખોમાંથી આંસુ રેલાઈ રહ્યા હતાં : ‘...હવે મારી સ્વીટી, મારી સ્વીટી માસૂમ નથી રહી ! એે જાણે બદલાયેલી-બદલાયેલી લાગે છે. મેં સ્વીટીની આંખોમાં જોયું તો જાણે એ આત્મા-એ સ્ત્રી મને ઘૂરી રહી હોય એવું લાગ્યું ! મને કહો, પ્લીઝ ! મને સાચું કહો, એ આત્મા મારી પ્યારી સ્વીટીના શરીરમાં દાખલ થઈ ગઈ છે ને ?! ?’

જોશૂઆ અને આરોન આ વખતે પણ કંઈ બોલ્યા નહિ, પણ એમની આંખોમાંના ભાવ જાણે હકારમાં જવાબ આપી રહ્યા હતા.

‘પ્લીઝ !’ જેકસને રડતાં-રડતાં કહ્યું : ‘તમે મારી મદદ કરો !’

જોશૂઆએ હાથ સહેજ અદ્ધર કર્યો, એટલે આરોને એમને ઊભા થવામાં મદદ કરી.

જોશૂઆ આરોનના ટેકે જેકસન અને જેકસનની પાસે-જમીન પર હેન્ડબેગમાં પડેલા એ ડિબૂક બોકસની નજીક આવ્યા.

જોશૂઆ બોકસને તાકી રહ્યા.

‘હવે..,’ જેકસનના મનમાં આશા જાગી, ‘...હવે જરૂર ફાધર જોશૂઆ તેની સ્વીટીને આ બોકસવાળી આત્મા-એ સ્ત્રીથી છૂટકારો અપાવવા માટે કંઈક કરશે !’ અને જેકસન આંખોમાંના આંસુ લૂંછતાં જોશૂઆ સામે આશાભરી નજરે જોઈ રહ્યો.

આરોન પણ જોશૂઆ તરફ જોઈ રહ્યો.

જોશૂઆએ ડિબૂક બોકસ પરથી નજર હટાવી અને જેકસન સામે જોયું. તેઓ પોતાની ભાષામાં જે બોલ્યા એનો આરોને અનુવાદ કર્યો : ‘જેકસન, આપણે આને ઈશ્વરના ભરોસો છોડવું પડશે !’

જેકસનના મનમાંની આશા મરી પરવારી. તેની આંખોમાંથી ફરી આંસુ ઊભરાવા માંડયા. ‘હું..,’ જેકસન બોલ્યો : ‘...હું ઈશ્વર પર ભરોસો મૂકું છું. પણ મને માફ કરજો, ફાધર ! જો સ્વીટી તમારી દીકરી હોત તો શું તમે પગ વાળીને બેસી જાત ?! સ્વીટીને મરતી ચૂપચાપ જોઈ રહેત ?’

જોશૂઆ કંઈ બોલ્યો નહિ.

આરોન પણ ચુપચાપ જેકસન તરફ જોઈ રહ્યો.

જેકસને એક નિશ્વાસ નાંખ્યો. આંખોમાંના આંસુ લૂંછયા, પણ તુરત બીજા આંસુ ઊભરાઈ આવ્યા. તેે જમીન પર ખુલ્લી પડેલી હેન્ડબેગ પાસે વાંકો વળ્યો.

-હેન્ડબેગમાં પડેલું ડિબૂક બોકસ જાણે જેકસનની લાચારી પર હસી રહ્યું હતું !!

જેકસને હેન્ડબેગની ચેઈન બંધ કરી. તેણે હાથમાં હેન્ડબેગ ઉઠાવી અને જોશૂઆ કે, આરોન તરફ જોવા રોકાયા વિના મેઈન દરવાજા તરફ વળ્યો, ને આગળ વધ્યો.

જોશૂઆએ આરોન તરફ જોયું અને ધીમા અવાજે પોતાની ભાષામાં કંઈક વાત કરવા લાગ્યા.

જેકસન નિરાશા અને ચિંતા સાથે મેઈન દરવાજાની બહાર નીકળ્યો ને ત્યાંથી આગળ વધ્યો. ‘જોશૂઆએ કે, આરોને ભલે સ્વીટીને આ ડિબૂક બોકસવાળા આત્માથી બચાવવા માટે મદદ કરવાની ના પાડી દીધી, પણ તે પગ વાળીને બેસી નહિ રહે. તે પોતાની સ્વીટીને એ બૂરી આત્મા-એ સ્ત્રીથી બચાવવા માટે  એડી-ચોટીનું જોર લગાવી દેશે, પોતાના જીવ પર ખેલી જશે !’

‘જેકસન !’ જેકસનના કાને અવાજ સંભળાયો, એટલે તેના મગજમાંના વિચારો રોકાયા અને સાથે જ તેના પગ પણ થોભ્યા. તેણે પાછું વળીને જોયું, તો આરોન તેની તરફ આવી રહ્યો હતો.

‘હું પણ તમારી સાથે આવું છું.’ આરોને કહ્યું.

‘કેમ...?! તમે તો...’

‘અમારા લોકોનો નિયમ છે,’ આરોને જેકસનની નજીક આવીને ઊભા રહેતાં કહ્યું : ‘જો કોઈના જીવ પર ખતરો હોય તો કોઈપણ કિંમતે એને બચાવવો એ અમારી ફરજ છે.’

‘ઠીક છે,’ જેકસનના મનમાંની હિંમત બેવડાઈ : ‘ચાલો !’ અને જેકસન ‘ડિબૂક બોકસ’વાળી બેગ સાથે પોતાની કાર તરફ આગળ વધ્યો.

આરોન પણ તેની સાથે ચાલ્યો.

 

રાતના બાર વાગ્યા હતા.

જેકસનની એકસવાઈફ પામેલા પોતાના ઘરમાં-બેડરૂમમાં ફેશન ડિઝાઈનિંગનું પોતાનું કામ કરતી બેઠી હતી.

-‘ઊંઊંઊંઊં....ઊં....!’

પામેલાને કોઈકના રડવાનો અવાજ સંભળાયો. તેણે તુરત જ હાથમાંની પેન ટેબલ પર પડતી મૂકી દેતાં ચહેરો અદ્ધર કરીને રૂમમાં જોયું.

-રૂમમાં કોઈ નહોતું.

‘તેને શું ખરેખર કોઈકના રડવાનો અવાજ સંભળાયો હતો કે પછી.., કે પછી એવો વહેમ થયો હતો ?!’ પામેલા મૂંઝાઈ.

-‘ઊંઊંઊંઊંઊં...!’ અને ફરી કોઈકના રડવાનો અવાજ સંભળાયો અને પામેલા એકદમથી ખુરશી પરથી ઊભી થઈ ગઈ.

-તેના રૂમના બંધ દરવાજા બહારથી રડવાનો અવાજ સંભળાતો હતો !

‘શું આ મરીનાનો રડવાનો અવાજ હતો ? કે પછી સ્વીટીના રડવાનો અવાજ હતો ?!’

-‘ઊંઊંઊંઊંઊંઊં...!’ ફરી રડવાનો અવાજ સંભળાયો.

‘ના ! આ અવાજ મરીનાનો નહોતો ! અને આ અવાજ સ્વીટીનો પણ નહોતો !! આ અવાજ, આ અવાજ કોઈ બીજી સ્ત્રીનો જ હતો !!! પણ...,’ પામેલા રૂમના બંધ દરવાજા પાસે પહોંચી, ‘...પણ આ કોઈ  બીજી સ્ત્રી એમના ઘરમાં આવી  કયાંથી ?! ?!’ આ સવાલ સાથે પામેલા રૂમનો દરવાજો ખોલીને બહાર-લૉબીમાં નીકળી અને તેના કાને અવાજ પડયો.

-‘ખિલખિલ..ખિલખિલ..!’

-હવે એ સ્ત્રી હસી રહી હતી.

પામેલા મૂંઝાઈ !

લૉબીમાં સામે, થોડાંક પગલાં દૂર, મરીના અને સ્વીટીના રૂમના દરવાજા આવેલા હતા. બન્નેના રૂમના દરવાજા બંધ હતાં.

‘કોઈ સ્ત્રીનો રડવાનો.., અને હસવાનો અવાજ મરીનાના રૂમમાંથી આવ્યો હતો કે, પછી સ્વીટીના રૂમમાંથી આવ્યો  હતો ?!’ વિચારતાં પામેલા ધીમા પગલે મરીના અને સ્વીટીના રૂમ તરફ આગળ વધી.

એક પગલું....,

....બીજું પગલું અને...

...અને તે ત્રીજું પગલું ભરવા જાય ત્યાં જ તેના કાને ફરીથી એ સ્ત્રીનો ‘ઊંઊંઊંઊંઊંઊં...!’નો રડવાનો અવાજ સંભળાયો, ને આ અવાજ તેની પીઠ પાછળથી સંભળાયો  હતો !

પામેલા આગળ વધેલો પગ પાછો ખેંચી લેતાં પાછળની તરફ ફરી ગઈ.

-પાછળ કોઈ નહોતું.

-પાછળ રસોડાનો દરવાજો હતો.

-રસોડાનો દરવાજો ખુલ્લો હતો.

-રસોડાની લાઈટ ચાલુ હતી.

-સ્ત્રીનો રડવાનો અવાજ રસોડાની અંદરથી જ સંભળાયો હતો ?!

પામેલા ગભરાટ સાથે રસોડા તરફ આગળ વધી.

તેણે અડધો-પોણો કલાક પહેલાં જાતે જ રસોડાની લાઈટ ઑફ કરી હતી અને દરવાજો વાસ્યો હતો. આખરે આ સ્ત્રી કોણ હતી જે આમ અડધી રાતના તેના ઘરમાં ઘૂસીને-રસોડામાં ભરાઈને રડી રહી હતી ?! ?

-‘ઊંઊંઊંઊંઊં...!’ એ સ્ત્રીનો રડવાનો અવાજ આવી રહ્યો હતો.

પામેલા રસોડાના દરવાજા પાસે પહોંચી.

-સ્ત્રીના રડવાનો અવાજ બંધ થયો.

પામેલાએ રસોડાની અંદર નજર નાંખી.

-રસોડું મોટું હતું. વચ્ચે સર્વિસ ટેબલ પડયું હતું. ટેબલ પાસે અંધારું હતું. ત્યાં ચાર પગે કોઈ બેઠું હતું. એનો ચહેરો અહીંથી ચોખ્ખો દેખાતો નહોતો, છતાંય પામેલા એને તુરત ઓળખી ગઈ.

-એ સ્વીટી હતી.

‘સ્વીટી !’ અને સ્વીટીએ ચહેરો ફેરવીને પામેલા તરફ જોયું, અને તુરત જ ચાર પગે ટેબલ પછળ સરકી ગઈ.

‘તેને જોતાં જ સ્વીટી આમ ટેબલ પાછળ કેમ સરકી ગઈ હતી ?!’ પામેલા મૂંઝવણ અનુભવતી ધીમા પગલે સર્વિસ ટેબલ તરફ આગળ વધી.

-સર્વિસ ટેબલ પાછળ લપાયેલી સ્વીટીની આંખોમાં ખૂની-શયતાની ભાવ હતાં !

‘સ્વીટી !!’ પામેલા સર્વિસ ટેબલ નજીક પહોંચીને, વાંકી વળી : ‘તું અહીં ટેબલ પાછળ શું કરી રહી છે, સ્વીટી ?!’ પૂછતાં પામેલા ટેબલ પાછળ ડોકિયું કરવા ગઈ, ત્યાં જ સ્વીટીએ એકદમથી જ ઊભી થઈ જતાં ટેબલ પર પડેલી અથાણાંની કાચની બોટલોને પામેલા તરફ ધક્કો મારી દીધો.

પામેલા એક-બે પગલાં પાછળ હટી ગઈ.

કાચની બોટલો પામેલાના પગ પાસે પડી-ફૂટી અને એના કાચના ટુકડાં આસપાસમાં ફેલાયા.

સ્વીટીની આ હરકત પામેલા માટે આઘાત અને આંચકાભરી હતી.

સ્વીટી પામેલા તરફ અથાણાંની બોટલ ફેંકીને પાછી ટેબલ પાછળ છુપાઈ ગઈ હતી !

‘સ્વીટી !’ પામેલા ટેબલ તરફ જોઈ રહેતાં ધૂંધવાટભર્યા અવાજે બોલી : ‘આ તું શું કરી રહી  છે, સ્વીટી ?! બહાર આવ, સ્વીટી !’

અને સ્વીટીનો ચહેરો એકદમથી જ ટેબલ પાછળથી દેખાયો. એના ચહેરા પર ખૂન્નસ હતું : ‘તારી સ્વીટી અહીં !! નથી !’ સ્વીટી ચિલ્લાઈ !

-આ સ્વીટી બોલી હતી, પણ આ સ્વીટીનો અવાજ નહોતો ! આ કોઈક બીજી સ્ત્રીનો અવાજ હતો !! સ્વીટી કોઈ બીજી જ સ્ત્રીના અવાજમાં બોલી રહી હતી !!!

‘જો, સ્વીટી...!’ પામેલા પરાણે પોતાના આઘાત અને આંચકાને દબાવતાં બોલી : ‘આ બધું બંધ કર, અને જલદીથી બહાર આવી જા !’

‘નહિ !’ સ્વીટી કોઈક સ્ત્રીના અવાજમાં બોલી : ‘અહીં સ્વીટી નથી !’

‘પ્લીઝ, સ્વીટી !’ પામેલાએ સ્વીટીને સમજાવવા-મનાવવાનો પ્રયત્ન કર્યો : ‘તારી મમ્મી પાસે આવી જા,  સ્વીટી !’

‘નહિ...!’

‘સ્વીટી !’ પામેલા બોલી : ‘અત્યારે આવી વિચિત્ર રમત રમવાનો, આવી મજાક-મશ્કરી કરવાનો સમય નથી, સ્વીટી !’

સ્વીટી ટેબલ પાછળથી ઊભી થઈ. ‘મેં કહ્યું ને, તને ! અહીં સ્વીટી નથી !’ સ્વીટી સ્ત્રીના અવાજમાં ગુસ્સાથી ચિલ્લાઈ અને એણે ટેબલ પર પડેલા કાચના ગ્લાસને ધક્કો માર્યો.

પામેલા પાછળ હટી ગઈ.

ટેબલ પર પડેલા એ ચારેય કાચના ગ્લાસ પામેલાના પગ પાસે પડયા-ફૂટયા.

‘સ્વીટી આટલી મોટી થઈ, પણ એણે કદી આવું વર્તન કર્યું નહોતું !’ પામેલા જાણે હેબતાઈ ગઈ હતી.

-‘અંઅંઅંઅંઅં..આં..!’ ટેબલ પાછળથી રડવાનો અવાજ સંભળાયો.

-હવે આ રડવાનો અવાજ કોઈ સ્ત્રીનો નહોતો !

-આ રડવાનો અવાજ સ્વીટીનો જ હતો !!

‘મમ્મી !’ ટેબલ પાછળથી સ્વીટીના રડવાના અવાજની સાથે જ સ્વીટીનો અવાજ સંભળાયો.

‘હા, સ્વીટી બેટા !’ પામેલા લાગણીભીના અવાજે બોલી : ‘બહાર આવી જા, સ્વીટી બેટા !’

હવે ટેબલ પાછળથી સ્વીટીનો કોઈ અવાજ-જવાબ-સળવળાટ સંભળાયો નહિ.

પામેલા ધીમા પગલે ટેબલ નજીક પહોંચી અને તેણે ટેબલ પાછળ નજર નાંખી.

-ટેબલ પાછળ સ્વીટી નહોતી.

પામેલાએ આખાય રસોડામાં નજર દોડાવી.

-રસોડામાં સ્વીટી નહોતી !

પામેલા મૂંઝાઈ ગઈ-ગભરાઈ ગઈ, ‘આમ પલકવારમાં સ્વીટી ટેબલ પાછળથી કયાં ગાયબ થઈ ગઈ ?! ?!!’

(ક્રમશઃ)