Bhootkhanu - 9 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | ભૂતખાનું - ભાગ 9

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

ભૂતખાનું - ભાગ 9

( પ્રકરણ : ૯ )

‘આ ડિબૂક બોકસ છે, અને હિબ્રુ ભાષામાં ડિબૂકનો અર્થ થાય છે, ભટકેલી આત્મા !’ ફાધર ટાઈટસે કહ્યું હતું,

એટલે જેકસન પગથી માથા સુધી ધ્રુજી ગયો-ખળભળી ગયો : ‘એટલે..., એટલે...’ જેકસને પ્રોફેસર ટાઈટસ સામે તાકી રહેતાં ચિંતા ને અધિરાઈ સાથે પૂછયું : ‘તમારું એમ કહેવું છે કે, આમાં.., આ બોકસમાં કોઈ ભટકેલી આત્મા રહે છે !’

પ્રોફેસર ટાઈટસ પળવાર જેકસન સામે જોઈ રહ્યા, પછી બોલ્યા : ‘જેકસન ! હું તને બરાબર સમજાવું છું.’ અને પ્રોફેસર ટાઈટસે ટેબલ પર પડેલા લાકડાના મોટા બોકસ સામે જોઈ રહેતાં કહ્યું : ‘આ સુંદર કળા-કારીગરીવાળું બોકસ પોલેન્ડનું, ૧૯ર૦ કે ૩૦ની આસપાસનું છે. મને લાગે છે કે, આ જ્યુઈસ વિલેજનું છે. કારણ કે, બોકસના ઢાંકણા પર આ જે ડિઝાઈન જેવું લાગે છે, એ અસલમાં હિબ્રુ ભાષામાં લખાણ લખાયેલું છે, ને મારા ખ્યાલમાં આનો મતલબ થાય છે, ‘ડિબૂક !’

જેકસન પ્રોફેસર ટાઈટસ સામે જોઈ રહ્યો. તે બેચેની સાથે પ્રોફેસર ટાઈટસને સાંભળી રહ્યો.

‘અને મેં તને કહ્યું એમ હિબ્રુ ભાષામાં ‘ડિબૂક’નો અર્થ થાય છે, ભટકેલી આત્મા !’ પ્રોફેસર ટાઈટસે કહ્યું : ‘અને આ બોકસ એ ‘ડિબૂક બોકસ’ છે !’

‘એટલે તમારું કહેવું છે કે, આ બોકસનો સંબંધ જ્યુઈસ-યહૂદી પરંપરાથી છે ?!’ જેકસને પૂછયું.

‘હા !’ પ્રોફેસર ટાઈટસે જવાબ આપ્યો : ‘એક પુરાણા તંત્ર-મંત્રમાં માનતા સમાજની શાખા છે. એ જમાનામાં કેટલીય જાતના પંથ ચાલતા હતા, એમાંથી કેટલાંક શાંતિપ્રિય હતાં, તો કેટલાંક...’

‘...તો કેટલાંક શું ?! પ્રોફેસર ?!’

‘...તો કેટલાંક હિંસક હતાં ! હિંસક મતલબ, શયતાન !!’ પ્રોફેસર ટાઈટસે કહ્યું : ‘લોકોનું એવું માનવું હતું કે, ભટકેલી આત્માને-શયતાનને આ ‘ડિબૂક બોકસ’માં બંધ કરવામાં આવતો હતો !’ પ્રોફેસર ટાઈટસે આગળ કહ્યું : ‘તું મારી વાત પર વિશ્વાસ કરે કે, ન કરે, એનાથી કોઈ ફરક પડતો નથી. પણ એ એક ભયાનક હકીકત છે કે, આ એ બોકસ છે, જેમાં શયતાનને પુરવામાં આવે છે, જોકે..,’ પ્રોફેસરે સહેજ રોકાઈને આગળ કહ્યું : ‘જેણે પણ આ બોકસ બનાવ્યું એ ખૂબ જ સમજદાર હતો. કોઈ આ બોકસને ખોલી ન શકે એટલા માટે એણે બોકસનું લૉક છુપાવી દીધું અને આ બોકસ પર હિબ્રુ ભાષામાં ચેતવણી પણ લખી દીધી, જેનો અર્થ થાય છે, ‘‘મોત ! આને ખોલશો નહિ !’’ તો...,’ પ્રોફેસરે ટાઈટસે જેકસન સામે જોઈ રહેતાં કહ્યું : ‘...તો આને ખોલશો નહિ...!’

‘પણ, પ્રોફેસર ! હું તો આ બોકસ ખોલી ચૂકયો છું !’ એવા હોઠે આવી ગયેલા શબ્દોને જેકસને પાછા વાળી દીધા અને પછી પૂછયું : ‘પ્રોફેસર ! જો કોઈ ભૂલેચૂકે આ બોકસ ખોલી દે તો...?! ?’

‘..તો...’ જેકસન તરફ પળ-બે-પળ તાકી રહેતાં પ્રોફેસર ટાઈટસે કહ્યું : ‘...તો પછી ઈશ્વર જ એની રક્ષા કરે !’

અને આ પળે જ બેલનો અવાજ સંભળાયો.

‘ચાલ ! મારા લૅકચરનો સમય થઈ ગયો !’ પ્રોફેસર ટાઈટસ ઊભા થયા ને ત્યાંથી આગળ વધ્યા, પણ બે પગલાં ચાલીને રોકાઈ ગયા : ‘જેકસન !’ એમણે કહ્યું : ‘તું જેમ બને એમ જલદી આ બોકસથી છુટકારો મેળવી લે.’

‘ભલે, પ્રોફેસર !’ જેકસને કહ્યું.

પ્રોફેસર રૂમની બહાર નીકળી ગયા.

જેકસને ટેબલ પર પડેલું એ લાકડાનું મોટું બોકસ ઊઠાવ્યું, ને રૂમની બહારની તરફ આગળ વધ્યો. તેને ખ્યાલ આવી ચૂકયો હતો કે, ‘આ ‘ડિબૂક બોકસ’થી છુટકારો મેળવવાનું કામ આસાન નહોતું. કારણ કે, સ્વીટી આ બોકસને ખોલી ચૂકી હતી ! તે પણ આ બોકસને ખોલી ચૂકયો હતો. તે બન્ને જણાં જાણે-અજાણે આ બોકસમાં રહેતા ડિબૂકને-શયતાનને છેડી ચૂકયા હતાં-છંછેડી ચૂકયા હતાં !!!

જેકસન ઘરે પહોંચ્યો, તેણે લેપટોપ ચાલુ કર્યું અને નેટ પર ‘ડિબૂક’ વિશેની માહિતી મેળવી. તેણે ડિબૂક-શયતાનના શિકંજામાં સપડાયેલી એક ચાળીસેક વરસની સ્ત્રી અને એક સોળ વરસના છોકરાની વીડિયો જોઈ અને તે કંપી ઊઠયો. એ સ્ત્રી અને છોકરાના શરીરમાં જાણે કોઈ આત્મા પ્રવેશી ગયો હોય એમ તેઓ જમીન પર આળોટી રહ્યાં હતાં, અને કોઈક બીજાના જ અવાજમાં બૂમાબૂમ કરી રહ્યાં હતાં. અને જ્યુઈસ-યહૂદી ધર્મગુરુ એમના આ વળગાડને કાઢવાની વિધિ કરી રહ્યા હતા.

આ બન્ને વીડિયો જોઈને થોડી વાર સુધી તો જાણે જેકસનનું મગજ કામ કરવાનું બંધ થઈ ગયું. તે થોડી વાર સુધી બેસી રહ્યો, પછી તેણે જ્યુઈસમાં કેવી રીતના વળગાડ કાઢે છે, એ માટેની માહિતી મેળવવા માંડી.

તે પોતે જાતે જ એ વિધિ કરીને જોવા માંગતો હતો કે, ‘ડિબૂક બોકસ’માંનો શયતાન તેની દીકરી સ્વીટીના શરીરમાં દાખલ થયો છે કે, નહિ ?!

સવારના નવ વાગ્યા હતા. જેકસન પામેલાના ઘરથી સહેજ દૂર, કારમાં બેઠો હતો.

તેની એકસ વાઈફ પામેલાનું રુટિન હતું. એ સવારના નવ-સવા નવ વાગ્યે બજારમાં બધી વસ્તુઓ લેવા માટે નીકળતી હતી.

જેકસન પામેલા જાય એ પછી જ ઘરમાં દાખલ થઈને સ્વીટી પર વળગાડ દૂર કરવા માટેની વિધિ કરવા માંગતો હતો.

જેકસને વધુ વાટ જોવી પડી નહિ. દસેક મિનિટ થઈ ત્યાં તો પામેલા ઘરની બહાર નીકળીને કારમાં ત્યાંથી આગળ વધી ગઈ.

જેકસને ઘરના મેઈન દરવાજા પાસે કાર લાવીને ઊભી રાખી.

તે પુસ્તક લઈને કારની બહાર નીકળ્યો. તેની પાસે ઘરના મેઈન દરવાજાની લૅચ-કી વાળા લૉકની ચાવી હતી. તેણે એ ચાવીથી લૉક ખોલ્યું અને ધીમેથી દરવાજો ખોલીને અંદર દાખલ થયો. તેણે ધીમેથી દરવાજો પાછો બંધ કર્યો. તે બિલ્લી પગલે સ્વીટીના રૂમ તરફ આગળ વધવા ગયો, ત્યાં જ તેની મોટી દીકરી મરીના ખભે પર્સ લટકાવીને પોતાના રૂમમાંથી બહાર નીકળી.

‘ડેડી !’ જેકસનને જોતાં જ મરીનાના મોઢેથી સવાલ સરી પડયો : ‘તમે અહીં શું કરી રહ્યા છો ?!’

જેકસને મરીનાને સામો સવાલ કર્યો : ‘સ્વીટી કયાં છે ?’

‘ડેડી !’ મરીનાએ જેકસનના સવાલનો જવાબ આપવાને બદલે કહ્યું : ‘મમ્મીને ખબર પડશે કે, એના બહાર ગયા પછી તમે આમ ઘરમાં આવ્યા હતાં તો એ ખૂબ જ ગુસ્સે થશે !’

‘મને એની પરવા નથી !’ જેકસન બોલ્યો : ‘તું મને એ કહે, સ્વીટી ઘરમાં છે ?!’

‘એ એના રૂમમાં જ છે.’ મરીનાએ કહ્યું : ‘એ બીમાર છે.’

જેકસન સ્વીટીના રૂમ તરફ આગળ વધી ગયો.

મરીનાએ હાથમાંના મોબાઈલ ફોન પરથી તેની મમ્મી પામેલાને કૉલ લગાવવા માંડયો.

તો સ્વીટીના રૂમના દરવાજા પાસે પહોંચેલા જેકસને સ્વીટીના રૂમના દરવાજાને ધીમેથી ધકેલીને ખોલ્યો.

સામે પલંગ પર સ્વીટી સૂતી હતી. એનો ચહેરો દીવાલ તરફ અને પીઠ આ તરફ હતી.

જેકસન સ્વીટીના પલંગ નજીક પહોંચ્યો. તે પલંગ પર બેઠો. તેણે ચહેરો સહેજ આગળ વધારીને, બીજી તરફ ચહેરો કરીને સૂતેલી સ્વીટીને જોઈ. સ્વીટીની આંખો બંધ હતી.

જેકસને પોતાના હાથમાંનું પુસ્તક ખોલ્યું અને એમાંથી જોઈને બોલવા માંડયું : ‘જે પ્રસિદ્ધિ અને લાલચને ઠુકરાવશે, એને પરમેશ્વરની દયાનો ઠંઠો છાંયડો મળશે !’

સ્વીટીની આંખો પરની બંધ પાંપણો એકદમથી ખૂલી ગઈ. એ સામે દીવાલ તરફ તાકી રહી.

‘હું ઠુકરાવું છું, શયતાનની પ્રસિદ્ધિ ! માય ગૉડ !’ જેકસન પુસ્તકમાંથી જોઈને બોલ્યો.

સ્વીટી ધીરે-ધીરે જેકસન તરફ ફરી.

‘મને એની પર વિશ્વાસ છે, અને એ જ તને શયતાનની જાળમાંથી મુકત કરાવશે !’ જેકસને પુસ્તકમાંથી જોઈને બોલતા એક નજર સ્વીટી તરફ નાંખી, તો સ્વીટી તેની તરફ તાકી રહી હતી.

‘એ પોતાની દયાથી તને ઢાંકી લેશે !’ જેકસને આગળ વાંચ્યું, ત્યાં જ જોરદાર પવન આવ્યો અને જેકસનના હાથમાંના પુસ્તકનું પાનું ફરફર્યું. જેકસને ચહેરો અધ્ધર કરીને જોયું. જે બાજુથી પવન આવ્યો હતો, એ બાજુની બારી બંધ હતી.

જેકસને બારી પાસેથી નજર પાછી વાળીને સ્વીટી સામે જોયું.

સ્વીટી જેકસનને તાકી રહી હતી.

સ્વીટીની આંખો જોતાં જ જાણે જેકસનના શરીરમાંથી ભયની એક કંપારી પસાર થઈ ગઈ. સ્વીટીની આંખો જાણે એની આંખો નહિ, પણ કોઈક બીજી જ વ્યક્તિની આંખો હોય એવું જેકસનને લાગ્યું.

જેકસને સ્વીટીની આંખો પરથી પોતાની નજર પાછી વાળીને પુસ્તકમાં જોઈને આગળ વાંચવા માંડયું : ‘એની પાંખોના છાંયડાથી તારું રક્ષણ થશે ! આજ સહુથી મોટુ સત્ય છે !’

સ્વીટી એ જ રીતના જેકસનના ચહેરા તરફ તાકી રહી.

બારી બંધ હોવા છતાં જોરદાર પવન ફૂંકાવા માંડયો અને જેકસનના હાથમાંના પુસ્તકના પેજ ફરફરવા લાગ્યા. અને આની સાથે જાણે પવન જેકસનની જીભને પુસ્તકમાંનું લખાણ વાંચતા રોકી રહ્યો હતો ! છતાં જેકસને પૂરો પ્રયત્ન કરીને આગળ વાંચ્યું : ‘એ જ આખાય સંસારને પ્રકાશ આપે છે.’

જેકસનને તાકી રહેલી સ્વીટીની આંખોના ભાવ હવે બદલાયા. એની આંખોમાં ખૂની ભાવ આવ્યા.

‘તમારે રાતના અંધારાથી ડરવાની જરૂર નથી !’ જેકસને પુસ્તકમાંનું લખાણ વાંચ્યું, ત્યાં જ એટલા જોરથી પવન ફૂંકાયો કે, જેકસનના હાથમાંનું પુસ્તક છુટીને ઊડયું. જેકસન એકદમથી ઊભો થઈ ગયો. તેણે જે તરફ પુસ્તક ઊડી ગયું હતું એ તરફ જોયું.

પુસ્તક ખૂણામાં પડેલા ટેબલ પર જઈ પડયું હતું.

જેકસને પાછું સ્વીટી સામે જોયું.

સ્વીટી મારી નાંખવાની નજરે જેકસનને જોઈ રહી હતી.

‘કોણ...,’ જેકસને સ્વીટીની આંખોને તાકી રહેતાં  પૂછયું : ‘કોણ છે, તું ?!’

સ્વીટીએ કોઈ જવાબ આપ્યો નહિ. એ એ જ રીતના જેકસનને તાકી રહી.

‘તું...’ જેકસને સ્વીટીની આંખોને તાકી રહેતાં પૂછયું : ‘તું મારી દીકરી પાસેથી શું ઈચ્છે છે ?!’

સ્વીટી એ જ રીતના જોઈ રહી.

‘બોલતી કેમ નથી ?!’ જેકસન ચિલ્લાયો : ‘બતાવ મને ?! શું જોઈએ તને ?’

સ્વીટી એકીટશે જેકસન તરફ જોઈ રહી. એની છાતીમાં શ્વાસ ભરાવા માંડયો અને ચહેરા પર ખૂન્નસ ડોકાવા માંડયું.

જેકસન સહેજ સ્વીટી તરફ ઝૂકયો, અને સવાલ દોહરાવ્યો : ‘બતાવ મને, શું જોઈએ તને ?!’

અને એ જ પળે...,

....અને એજ પળે ‘ધમ્‌ !’ કરતાં રૂમનો દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો.

જેકસને એકદમથી ઊભા થઈ જતાં જોયું તો પામેલા દરવાજો ખોલીને અંદર આવી ચૂકી હતી : ‘તું અહીં શું કરી રહ્યો છે, જેકસન ?!’ પામેલાએ ગુસ્સાભેર પૂછયું.

જેકસન કંઈ બોલવા ગયો, પણ ત્યાં તો પામેલા આગળ ચિલ્લાઈ, ‘ચાલ્યો જા, તું અહીંથી ! નહિતર હું પોલીસને બોલાવીશ !’

જેકસને સ્વીટી તરફ જોયું.

સ્વીટીના ચહેરા પર હજુ પણ ખૂની ભાવ હતા. એ પાછી ધીમેથી બીજી તરફ પડખું ફરી ગઈ.

‘પામેલા !’ જેકસન સ્વીટી સાથે જે કંઈ પણ બની રહ્યું હતું એ પામેલાને સમજાવવા ગયો, પણ પામેલાની કમાન છટકેલી હતી : ‘મારે તારી કોઈ વાત નથી સાંભળવી ! તું અહીંથી જાય છે કે, પોલીસને બોલાવું !’

જેકસને નિશ્વાસ નાંખ્યો અને રૂમના દરવાજા બહાર નીકળ્યો.

બહાર મરીના ઊભી હતી. મરીનાના ચહેરા પર પણ તેની તરફનો ગુસ્સો ઝળકતો હતો.

મરીનાએ જ મોબાઈલ કરીને પામેલાને પાછી બોલાવી હતી, એ જેકસન સમજી ગયો, પણ આ વિશે વાત કરવાનો અત્યારે કોઈ મતલબ નહોતો, અને તેની પાસે સમય પણ નહોતો. સ્વીટીના શરીરમાં-સ્વીટીની આસપાસ એક બૂરી આત્મા ઘૂમી રહી હતી, એનાથી વહેલી તકે પીછો છોડાવવાનું જરૂરી હતું.

તે ઝડપી પગલે મેઈન દરવાજાની બહાર નીકળ્યો ને પછી કાર પાસે પહોંચ્યો. તે કારમાં બેઠો ને કાર દોડાવી મૂકી.

બપોરનો બે વાગ્યા હતા.

જેકસને ગોવા-પણજીની એક ગલીની બહાર કાર ઊભી રાખી.

આ ગલીમાં કેટલાંક જ્યુઈસ-યહૂદી રહેતાં હતાં.

જેકસન હાથમાં હેન્ડબેગ લઈને કારની બહાર નીકળ્યો. એ હેન્ડબગમાં પેલું લાકડાનું મોટું બોકસ-ડિબૂક બોકસ હતું.

જેકસને હેન્ડબેગ સાથે ગલીમાં આગળ વધતાં જોયું. પહોળી ગલીમાં બન્ને બાજુ મકાનોના મેઈન દરવાજા તેમજ સીડીઓ પડતી હતી, છતાં એ મકાનોમાં જાણે કોઈ રહેતું ન હોય એવો સન્નાટો હતો. થોડેક દૂર સીડીના પગથિયા પર એક માણસ બેઠો હતો.

તે એ સીડી નજીક પહોંચ્યો.

સીડીના પગથિયા પર બેઠેલો માણસ પીસ્તાળીસેક વરસનો લાગતો હતો. એના વાળ લાંબા હતા. એણે માથે ટોપી પહેરી હતી. એના ચહેરા પર લાંબી દાઢી હતી. એણે કાળા કપડાં પહેર્યા હતા.

એ માણસ જેકસનને જોતાં જ ઊભો થઈ ગયો.

‘મારું નામ જેકસન છે, અને હું આરોનને શોધી રહ્યો છું.’

‘જી, હું જ આરોન છું.’ એ યહૂદી માણસે કહ્યું : ‘તમારે ફોન પર મારી સાથે જ વાત થઈ હતી.’

‘તમે મને સમય આપ્યો એ બદલ આભાર !’ જેકસને કહ્યું.

આરોને જેકસનના હાથમાં પકડાયેલી મોટી હેન્ડબેગ તરફ જાયું અને પૂછયું : ‘આ એ જ છે ને ?!’

‘હા !’ જેકસને કહ્યું.

‘ઠીક છે !’ આરોને કહ્યું : ‘હું તમને અમારા ફાધર પાસે લઈ જાઉં છું, ચાલો !’ અને આરોન આગળ થયો.

જેકસન હાથમાં પેલા લાકડાના મોટા બોકસ-ડિબૂક બોકસવાળી હેન્ડબેગ સાથે આરોનની પાછળ ચાલ્યો.

આરોન જેકસન સાથે એક મોટી ઈમારત પાસે પહોંચ્યો, ત્યારે જેકસનને જાણે કોઈ પોતાની અલગ ભાષામાં મંત્રો ભણી રહ્યું હોય એવો અવાજ સંભળાયો.

તે આરોન સાથે એ ઈમારતના મેઈન દરવાજા પાસે પહોંચ્યો અને અવાજ સંભળાવાનો બંધ થયો.

જેકસને જોયું તો એ એક મોટા હૉલ જેવું હતું. સામેની દીવાલ પાસે એક મોટી ખુરશી પડી હતી અને એની પર એક એંસી-બ્યાંસી વરસનો-લાંબી દાઢીવાળો માણસ બેઠો હતો. એણે કાળા કપડાં પહેર્યા હતાં અને માથે ટોપી પહેરી હતી. એની આંખ આગળ નંબરના ચશ્મા ગોઠવાયેલા હતા.

એ વૃધ્ધ માણસની આસપાસ બીજા પાંચ દાઢી-ટોપીવાળા-કાળા કપડાં પહેરેલા માણસો ઊભા હતા.

જેકસન સમજી ગયો. ખુરશી પર બેઠેલા વૃધ્ધ આ લોકોના ધર્મગુરૂ-ફાધર હતા.

આરોન અંદર દાખલ થયો.

જેકસન પણ અંદર દાખલ થયો.

આરોન ખુરશી પર બેઠેલા ધર્મગુરૂ-ફાધર પાસે પહોંચ્યો અને એમની સાથે કંઈ વાત કરી અને પછી જેકસન સામે જોયું : ‘અમારા ફાધર જોશૂઆ પૂછી રહ્યા છે કે, તમારી બેગમાં શું છે ?!’

જેકસને હેન્ડબેગ નીચે મૂકી અને એની ચેઈન ખોલી.

-અંદર રહેલું લાકડાનું મોટું બોકસ દેખાયું અને એ સાથે જ ફાધર જોશૂઆના કપાળની કરચલીઓ વધુ ઘેરી બની, તો એમની આસપાસ ઊભેલા પેલા પાંચ માણસો એક-બે પગલાં પાછળ હટી ગયાં.

જેકસનના મનની ચિંતા અને બેચેની વધી ગઈ.

જે રીતના ‘ડિબૂક બોકસ’ જોઈને આ ફાધર જોશૂઆના ચહેરા પરના ભાવ પલટાયા હતા, અને જે રીતના એમની આસપાસના એ પાંચેય માણસો પણ ‘ડિબૂક બોકસ’ જોઈને એક-બે પગલાં પાછળ હટી ગયાં હતાં, એનાથી એ વાત તો સાબિત થઈ જ જતી હતી કે, તે ધારતો હતો એના કરતાં આ લાકડાનું બોકસ-ડિબૂક બોકસ ખૂબ જ વધુ ભયાનક ને ખતરનાક હતું !!!

(ક્રમશઃ)