HUN ANE AME - 26 in Gujarati Love Stories by Rupesh Sutariya books and stories PDF | હું અને અમે - પ્રકરણ 26

Featured Books
Categories
Share

હું અને અમે - પ્રકરણ 26



રાધિકાને મયુર છેલ્લા સાત વર્ષથી જોઈ રહ્યો હતો. તે અલગ લગતી હતી. એના સમ્બન્ધમાં પણ પહેલા કરતા થોડી ભિન્નતા આવેલી. મયુરને અંદેશો હતો કે રાકેશના ગયા પછી રાધિકા પણ બદલાયેલી લાગે છે. મયુરનો દેખાવ પણ પહેલાથી અલગ પડી ગયો. હવે તે યુવાનમાંથી એક પુરુષ લાગતો હતો. ચહેરાએ ચશ્મા સાથે ઓળખ કરી લીધેલી. ભૂતકાળની તમામ વસ્તુઓ ફરી ગઈ. મયુર એટલા પૈસા કમાઈ ચુક્યો કે હવે તેને પોતાનું બધું પાછું મળી ગયેલું. પણ હજુ તે રાકેશના આપેલા ઘરમાં જ રહેતા હતા. કરણ કે તેઓની ઓળખ હવે એ ઘરથી જ બની ગયેલી.

"અરે આજની તો વાત જ જવા દ્યો કુમાર." ઘરમાં આવેલા ફઈએ મયુરને કહ્યું.

"ઓહો, તો તો આજે કંઈક સ્પેશિયલ લાવ્યા કે શું?"

"હા રે કુમાર, અમારી હાટુ તો હંધુંય પેસીયલ જ કેવાય. પણ આજની ખરીદીમાં અમી રાધિકાને એવો સાડલો લેવરાવ્યો કે તમી એને એ પેરીને ફરતા જોશો એટલે જોતા જ રહી જશો!" શાન્તાફઈની વાતને વચ્ચે ટોકતા રાધિકાએ પાણી આપ્યું.

"લ્યો ફઈ આ પાણી પીવો."

એટલામાં પાછળથી આવી મોહને મશ્કરી કરતા કહ્યું, "અરે ફઈ તમે ખરીદી કરવામાં સાથે હો, પછી બીજી વાત જ ક્યાં જોવાની બાકી રહે."

અભિમાન કરતા ફઈ બોલ્યા, "ઈ તો હું બધાંને કેવ છું પણ કોઈ માને છે જ ક્યાં? અરે મોહનિયા! આજ દિન લગી જો મારુ મનાયુ હોતને તો આ ઘર ક્યાંનું ક્યાંય નીકળી ગયું હોત."

મોહને વ્યંગ કરતા કહ્યું, "એ તો અમને ખબર જ છે." મયુર હસ્યો તો ફઈ મોહનની સામે જોઈ કહેવા લાગ્યા, "એટલે તું કહેવા હું માંગેસ?!"

"અરે ફઈ હું એમ કહું છું, કે તમે મહાન છો એની અમને ખબર જ છે. તમારી વાત તો બધાને માનવી પડેને, જે માને એનું તો સારું જ થાય. એટલે તો આજે તમને સાથે લઈ ગયેલા. હીહીહી...."

તેણે ફરી ભડકતા કહ્યું, "હવે આમ ઉભો ઉભો દાંત હું કાઢેસ! ઓલી રાધિકી અમારી હારે આવી 'તી. ઈ થાકી ગઈ હશે તોય કામ કરે છે ને તું નોકર થઈન આંય ઉભોસ. જા જયને કે એને પોરો ખાય અને તું અમારી હાટુ કાંક ટાઢું લાવ."

મોહન એ જ ક્ષણે ત્યાંથી રસોડામાં ગયો અને રાધિકાને બહાર મોકલી. તે આવીને તેઓની સાથે બેસી ગઈ. તેની સામે જોઈ મયુરે પૂછ્યું, "અરે રાધુ! તું પણ તો અમને કહે આજે શોપિંગ કરીને કેવું લાગ્યું?"

"આજે તો ફઈ સાથે હતાને, મારે કોઈ જાતની ચિંતા જ ન્હોતી."

"હા ને તારી તબિયત તો સારી હતીને?"

"હા, મને શું થવાનું?"

આ સાંભળી ફઈ બોલ્યા, "કેમ કુમાર? શું થયું પાછું?"

"ફઈ ખબર નહિ કેમ? પણ રાધિકા આજ-કાલ એક સરખી નીંદર જ નથી લેતી. ક્યારેક મોડે સુધી જાગતી હોય તોય સવારે વહેલા જાગી જાય અને ક્યારેક તો આખી રાત પડખા ફર્યા કરે છે. કાલે પણ મોડે સુધી બાલ્કનીમાં આંટા મારતી 'તી"

"હું થયું રાધિકા? આ કુમાર હું કે' છે?"

"ના ફઈ એમ વાત નથી. મારી તબિયત તો સારી જ છે. આ આજ કાલ ગરમી જ એટલી પડે છેને! એટલે. આકરો ઉનાળો છે."

મયુરે કહ્યું, "એ બધું તો ઠીક છે પણ એમ તો કહે કે આજે શાંતાફઈ જોડે શું શું લેવરાવ્યું?"

ફઈએ કહ્યું, "વાત જવા દ્યો કુમાર, આ રાધિકાએ તો ભાત-ભાતના કપડાને જોવા ઢગલો એક દુકાનું ફેરવી. તમને ખબર છે સસ્તુ ને સારું લેવા હારું હું એને મારા ભાણાની દુકાનમાં બોમ્બે માર્કિટમાં લઈ ગય. પણ એને કાંય ગમે જ નયને. છેવટે અમી સેટેલાઇટ ગયા, પણ કોઈ જાતનું ના ગમ્યું. ભલું થાય રઘુવીર મૉલનું કે એની એક દુકાનમાં એને કપડાં ગમ્યા. આખું સુરત વીંખીને કપડાં લીધા છે."

"હા ફઈ ..." મયુરે કહ્યું, "એ તો ખબર જ હતી. આખરે એની ખાસમ ખાસ ફ્રેન્ડના સીમંતમાં જો જવાનું છે."

"ઈ હાચુ હો કુમાર. આ નંદિની અને રાધિકા બૌ હળી-મળીને રે'લા. પણ કુમાર! આ નંદિનીના લગન તો તમારી પછી તણ વરહે થયેલા ને એનું સીમંતેય આવી ગયું. આ તમારે સાત સાત વરહ થયા છે. પણ રાધિકા સપાટ પેટ લઈને ફરે છે. તમારે કે'દી ગોઠવવું છે?"

"શું ફઈ તમે પણ!" કહી તેણે રાધિકા સામે જોયું તો તેની નજર નીચી ઢળી ગય. એટલામાં મોહન શરબત લઈને આવ્યો.

"અત્યાર હુંઘીમાં તે આ એક કામ હારું કર્યું, હો..."

"અરે ફઈ એમાં શું?" મોહને કહ્યું.

"હા મોહનિયા, બધું શારદા જ કરે છે. તું તો ક્યારેક જ કામમાં આવે છે. બાકી તો લવારો કરીને આ તારા પાડોશીની જેમ વેડફી મારે છે."

"હેં!..." મોહનને કશું ન સમજાયું "... શું કીધું ફઈ?"

"જેમ આ તારો પાડોશી આંય મકાન ચણીને બીજે રે'વા ભાગી ગયો એમ તુંય આંયનો પગાર લે છે ને વાતોમાં રોડવે છે. ને કામ તો કોણ જાણે ક્યાં કરતો હશે!"

આ સાંભળી મયુર બોલ્યો, " ફઈ તમે રોકાવાનો છોને?"

"ના રે ના, હું શું કામ રોકાવ? મારી તો ઘેર વાટ જોવાતી હશે."

મોહન બોલ્યો; "તેઓ પણ વિચારતા હશે કે આજે કોનું કરવા ગયા છે?"

"હે, હું બોલ્યો તું મોહનિયા? સાંભળ્યું રાધડી તે? આને હમજાવ."

રાધિકા બોલી, "મોહનભાઈ આ શું બોલો છો તમે?!"

મોહને વાત બદલતા કહ્યું, "અરે બેનબા હું તો એમ કહું છું કે ઘરે બધા કહેતા હશે, આજે ફઈ કોની ભાગની રેખા ફેરવવા ગયા હશે એમ."

રાધિકાએ કહ્યું, "જોયું ફઈ આ તમારે સમજણ ફેર થઈ."

મયુર બોલ્યો; "એ બધું છોડો ફઈ, હું તમને એમ કહું છું, આ વાતમાંથી વાત નીકળી જ છે તો જણાવી દઉં. આ જે તમે અમારા પાડોશીની વાત કરો છો તે સાત વર્ષથી નથી. પણ કાલે આપણો વોચમેન એક માણસની હાથે સફાઈ કરાવતો હતો. એને જોઈ મેં પૂછ્યું, 'કેમ ભાઈ શું થયું?' તો તે કહેવા લાગ્યો, 'આ સાહેબે કહેલું એટલે કરાવું છું.' એટલે મેં અમારા તે પાડોશીને ફોન કરીને પૂછ્યું કે આ અચાનક સાફ-સફાઈ કેમ કરાવો છો? તમને ખબર છે એણે શું કહ્યું?"

"ના શું?" "શું કીધું?" મોહન અને ફઈ બંને પૂછવા લાગ્યા.

"તો એણે કહ્યું કે આ સાફ સફાઈ હું એટલા માટે કરવું છું, કારણ કે અમે કાલે સવારમાં ત્યાં આવીયે છીયે." આટલું બોલતા જ મયુરે રાધિકા સામે નજર કરી અને તે નીચું જોઈને બેઠેલી.

ફઈ બોલ્યા, "લે, ખાલી કાલ પૂરતા આવે છે ને આટલું બધું કામ કરાવે છે?!"

મયુરે કહ્યું, "ફઈ એ ખાલી કાલ પૂરતા નથી આવતા, એણે નિર્ણય લીધો છે કે હવે તે અહીં જ રહેવાના છે."

વાત કરતા કરતા મયુરનું ધ્યાન રાધિકા સામે જ હતું, તેના ચેહરા પર કોઈ અસર ન્હોતી. મયુરે રાધિકાને રાકેશ સાથે જોડીને જોવાના આજ સુધી ઘણા પ્રયત્ન કર્યા પણ તેને એ ન જ સમજાયું કે રાધિકા એના વિશે કશું વિચારે છે કે નહીં. રાત્રે મયુર રૂમમાં ગયો તો રાધિકા બારીમાંથી બહાર સામેના મકાન તરફ જોઈને ઉભી હતી. તે અંદર આવતા બોલ્યો, "શું થયું રાધુ? કેમ આમ બારી પાસે ઉભી છો?"

"મયુર, તમે રાકેશના આવવા અંગે શું કહેતા હતા?"

"એમ જ કે મેં જ્યારે ફોન કર્યો ત્યારે એણે એમ કહ્યું કે 'અમે કાલે સવારમાં ત્યાં આવીયે છીયે.' શું થયું?"

"કંઈ નહિ, પણ અમે એટલે કોણ? બીજું કોણ આવે છે એની સાથે?"

"હશે કોઈ! કદાચ ત્યાંના સ્ટાફનું કોઈ માણસ હશે. મને શું ખબર?! ને સોરી હું જરા તને કહેતા ભૂલી ગયો. મને કાલે ખબર પડી પણ તને એમ વિચારીને ના કહ્યું કે ગઈ વખતની જેમ આ વખતે પણ કદાચ તું નારાજ થઈ જઈશ."

"તમને ખબર છેને, હવે મને તેના માટે ગુસ્સો નથી આવતો."

મયુરે હસીને જવાબ આપ્યો, "હા... કોણ જાણે કેમ! પણ તને ખબર છે રાધુ?, આ વખતે સાત વર્ષ પછી સર પાછા આવી રહ્યા છે. કોણ જાણે કેમ પણ મને અંદરથી જ હરખ થાય છે. લાગે છે, જાણે આ વખતે સર આવશે એટલે કંઈક થશે, કંઈક મજા આવશે. આમ અંદરથી જ કોઈ એવો ઉમળકો આવે છે."

"મજા તો આવશે જ, મને પણ લાગે છે. તે એટલા દિવસ આપણી સાથે રહીને ગયા અને આટલા સમય પછી પાછા ફરે છે. આ લાગણીના સંબંધમાં કંઈક તો મીઠાશ ભળશે જ."

"તું જે બોલી એ મને સંભળાયું પણ સમજાયું નહિ. આ તારા ઉજાગરાની અસર લાગે છે. ચાલ સુઈ જા નહિતર મોડે સુધી ભૂતની જેમ અડધી રાતે આખા ઘરમાં આંટા માર્યા કરીશ."

"આજે નીંદર તો મને પણ આવી જશે." તે જરા હસતા મોઢે બોલી.

"શું?"

"કંઈ નહીં!"

મયુર જઈને સુઈ ગયો અને બારી બંધ કરતા કરતા રાધિકા સામે રાકેશના મકાન તરફ નજર કરતી ગઈ અને મનમાં સ્મિત વેરતી ગઈ. મયુરે આ જોયું અને તેને થયું કે રાધિકાને ઘણા સમય પછી આ રીતે હસતા જોઈ છે. તે પણ મનમાં ખુશ થતા નિરાંતે સુઈ ગયો. બાજુમાં આવીને રાધિકા સુતા સુતા જાત જાતના વિચાર કરવા લાગી.

"કોણ હશે તેની સાથે? કદાચ કોઈ સ્ત્રી તો નય હોયને. હશે, હોય તો મારે શું? સાત વર્ષથી તો આમેય તે બહાર ફરતો રહ્યો છે, ક્યાં ક્યાં જઈને શું કર્યું... મને શું ખબર?!. મારે મન તો મયુર જ હવે બધું છે. મને શું કામ ફેર પડે? બની શકે મયુરની વાત સાચી હોય અને કોઈ સ્ટફ મેમ્બર હોય... આજ લગી એણે નંબર હોવા છતાં એકવાર પણ ફોન નથી કર્યો. અહીંથી ગયા પછી હું તો એના માટે જાણે અજાણ જ બની ગઈ હોઈશને!"

"આ પુરુષો પણ કમાલના હોય છે. પોતે તો મસ્ત મૌલાના થઈને ફરતા રહે છે. એને ક્યાં કોઈ દિવસ કોઈના માટે ફેર પડે છે. કોઈ કોઈ તો એવા હોય છે કે એને એના પરિવાર માટે પણ ફેર નથી પડતો. મારા નસીબ સારા છે કે મારી લાઈફમાં કોઈ એવું નથી. બસ ભાઈનો ડર લાગ્યો પણ મયુરના પ્રેમે મને કોઈ દિવસ ઓછું નથી આવવા દીધું. રાકેશે સાચું કહેલું, મારે મયુર સાથે આટલું દુષ્કર વર્તન ન કરવું જોઈએ. જો એની દ્રષ્ટિએ મયુર હોંશિયાર અને સારો છે તો હકીકતમાં તે એટલો ભોળો પણ છે. ના..., ભોળા પુરુષો પોતાની ભોળપ આમજ થોડીને ચલાવે છે. એનું ભોળપણ એ સામેવાળી વ્યક્તિનો પ્રેમ છે જે તેઓ કહી નથી શકતા. મયુર પણ ..." આટલું વિચારતા તે મયુર તરફ ફરી તો એસીના કારણે તેને ઠંડી લાગી રહી હતી. તે ઝડપથી ઉભી થઈ અને રજાઈ એના તરફ કરી તો સૂતેલો મયુર અડધી નિંદ્રામાં બોલ્યો, "તું સૂતી નથી હજુ?"

"બસ તમને જોયા એટલે આ રજાઈ તમારી તરફ કરતી હતી. તમને ઠંડી લાગે છે, તો એસી બંધ કરી દઉં."

એસીનું રિમોટ એણે હાથમાં લીધું તો એનો હાથ પકડતા મયુર બોલ્યો, "અરે રહેવા દે, તને ગરમી થતી હશેને અને પાછી નીંદર નહિ આવે તો કહીશ આ આકરા ઉનાળામાં ગરમી બૌ થાય છે." તેના આપેલા સ્મિતને જોઈ રાધિકાએ પણ એક પ્રેમભરી મુસ્કાન આપી અને લાઈટ બંધ કરી દીધી.

સવાર પડતાની સાથે જ મયુરના ઘરની બહાર ધાંધલ જામવા લાગી. શારદાએ આરતીની થાળી સજાવી રાધિકાને આપી અને રાધિકા એની સાથે બહાર આવી. બહાર બે ફૂલની માળા લઈને અહમ સમગ્ર ઓફિસ સ્ટાફ સાથે ઉભેલો. તેઓએ તો બે ઢોલવાળાને પણ સ્વાગત કરવા માટે બોલાવી લીધા. કેમ ન બોલાવે, આખરે ઓફિસમાં સૌને પસંદ એવા રાકેશ સર આવી રહ્યા હતા. મયુર ઍરપોર્ટ પર તેમને લેવા ગયો હતો અને આ બાજુ આતુરતાથી તેઓની રાહ જોવાઈ રહી હતી. રાકેશના અને મયુરના દરવાજા વચ્ચે વધારે અંતર ન હતું. બધા લોકો એ બંને દરવાજાની વચ્ચે ઉભા રહેલા. જેવી જ રાકેશની ગાડી દેખાય કે બધા એની સામે દોડ્યા. રાધિકા એની ગાડીને આવતા જોઈ એક પણ ડગલું આગળ ન માંડી શકી. એ જોઈને શ્વેતાએ એના હાથમાંથી આરતીની થાળી લઈ લીધી અને તેમની તરફ દોડી ગઈ.

જેવા જ તે બન્ને ગાડીમાંથી બહાર નીકળ્યા કે બધાએ તેમને ઘેરી લીધા. અહમે ઈશારો કર્યો અને ઢોલ વાગવા લાગ્યા. અહમે જઈને તેના ગળામાં ફુલહાર પહેરાવી દીધો. કોઈ વધારે બોલે તે પહેલા મયુર એકબાજુ ખસી ગયો અને રાકેશે ગાડીમાંથી હાથનો ટેકો આપી એક વ્યક્તિને બહાર કાઢી. કોણ છે? એ જોવા માટે સૌ કોઈ આતુર બની ગયું. એક યુવાન સ્ત્રી તેના હાથમાં હાથનાખી બહાર આવી. આ દ્રશ્ય બધાને મૂંઝવણમાં મૂકી રહ્યું હતું. આ જુવાન-જોત છોકરી કોણ છે? રાકેશ સાથે તેનો શું સંબંધ હશે? આ પ્રશ્ન થવા લાગ્યા. આ બધાની વચ્ચે અહમે તેને પણ ફુલહાર પહેરાવ્યો અને શ્વેતાએ આરતી ઉતારી બંનેનું સ્વાગત કર્યું. દરેકની સામે હર્ષ ભેર જોતા-જોતા રાકેશની નજર રાધિકા તરફ ગઈ. એકબાજુંના ખૂણામાં શારદા સાથે ઉભેલી.

રાધિકા કદાચ મનમાં વિચારવા લાગી કે "રાકેશ કોને સાથે લઈને આવ્યો? આ એવી તો કોણ અજાણ હશે કે તેની ઓફિસમાં કોઈને આના વિશે માહિતી નથી, મયુર કે શ્વેતા મેડમને પણ આના વિશે કશી ખબર નથી. એવું તો પહેલીવાર છે કે અહમને આ અંગે કોઈ જાતની જાણકારી નથી. શું સંબંધ છે રાકેશનો અને આ છોકરીનો? ક્યાંક એવું તો નથીને કે રાકેશને તે ગમી ગઈ હોય અને એની સાથે.... ના એ કેવી રીતે શક્ય છે? આટલી મોટી વાત હોત તો એની કોઈને કોઈ બહાને ખબર તો પડી જ જાત. તો પછી આ છે કોણ? હોય શકે બન્નેએ એકબીજાને પસંદ કરી લીધા હોય પણ લગન હજુ બાકી હોય! અને એની સાથે લગન કરવા માટે તો તે એને લઈને અચાનક સુરત પાછો નથી આવ્યોને?" જેટલીવારમાં શ્વેતાએ તેઓનું આરતીથી સ્વાગત કર્યું, એટલીવારમાં તો રાધિકાના મનમાં આવા સેંકડો સવાલો ફરવા લાગ્યા. એ થોડીવાર આ અંગે ચિંતા કરતી તો ક્યારેક વિચારતી કે "ના, મને હવે કોઈ ફેર ના પડવો જોઈએ. એણે તો મારી સાથે સંબંધ રાખવાની મનાઈ કરી દીધી. મારે મન તો સંબંધ હવે મયુર સાથે જ છે."

સ્વાગત બાદ રાકેશ તે છોકરી સાથે પોતાના ઘરમાં પ્રવેશવા લાગ્યો પણ તેની સાથે જવાની રાધિકાની હિમ્મત ના ચાલી. ઓફિસનો તમામ સ્ટાફ તેની સાથે ગયો અને એ જ દિવસે એક પંડિતને પણ શાંતિ હવન કરવા બોલાવી લીધેલો. ઘર બનાવ્યા પછી કંઈ ના થયું હોવાથી રાકેશે આ નિર્ણય લીધેલો. પ્રવેશતાની સાથે જ એણે એક પંડિત પાસે શાંતિ હવન કરાવી ત્યાર પછી રહેવાની વાત કરેલી. આજે સૌને શાંતિ યજ્ઞમાં ઉપસ્થિત રહેવાનું અને ત્યાંજ ભોજન કરવાનું નિમંત્રણ હતું. નિમંત્રણમાં મયુરના આખા ઘરને બોલાવી લેવાયેલું. પણ રાધિકાને આ પ્રસંગે ક્યાંય ન જોતા મયુર તેને શોધતા શોધતા પોતાના ઘેર આવી ગયો.

સોફા પર ઉદાસ બની બેઠેલી રાધિકાને જોઈ મયુરે પૂછ્યું, "શું થયું રાધિકા? કેમ તું રાકેશ સરના ઘેર ના આવી?"


"કંઈ નહિ, બસ તબિયત જરા બરાબર નથી લાગતી."

"શું થયું કાલે નીંદર તો બરાબર આવેલીને? ડૉક્ટરને બોલવું?"

"ના, એવું કંઈ ખાસ નથી. હમણાં સારું થઈ જશે."

"તો પછી ઠીક છે. ચાલ સરના ઘેર જવાનું છે, ને તું અહીં બેઠી છો!"

"ના તમે જાવ, હું પછી આવીશ. આમેય એવું જમવાનું! મારી તબિયત વધારે બગડી જશે, મને માફક નહિ આવે."

"ઓકે ઓકે, જેવી તારી ઈચ્છા! પણ અમે જ્યારે આવતા હતા ત્યારે સરે રસ્તામાં કહેલું, 'આજે શાંતિ યજ્ઞ પતે એટલે બધાયે જમવાનું જ છે પણ મયુર તારે અને અહમે કપલમાં અને સાથે શ્વેતાએ આટલા લોકોએ સાંજે અમને ડિનરમાં જોઈન કરવાના છે.' એટલે સાંજે તો તારે આવવું જ પડશે. ઠીક છે?"

"હમ."

તેણે જવા માટે હા તો પાડી દીધી પણ હિંમત ન્હોતી ચાલતી. આખરે તે વ્યક્તિ કોણ છે? તે જાણવા માટે તેણે સાંજે મયુર સાથે જવાની હા કહી. મયુર ત્યાંથી જતો રહ્યો અને તે ત્યાંજ વિચાર કરતી બેઠી રહેલી.