પ્રકરણ ૧૯
આલાપ આગળ બોલ્યો, "અને હા, મેં એને મારી નાંખવાની કોશિશ તો જરાય નહોતી કરી સર, હું તો એને કોઈપણ ભોગે મારી બનાવીને થોડો વખત બરોબર તડપાવવા માંગતો હતો. પણ એને બહાર જતી રોકવાની કોશિશમાં આવું બધું થઈ ગયું. પછી ગભરાટમાં કંઈ સૂઝયું નહિ અને હું ભાગી ગયો. પણ મેં ખરાં હૃદયથી ઈશ્વરને પ્રાર્થના કરી છે કે એને બચાવી લે. એ ખેલ કરતી હતી પણ મારો પ્રેમ તો સાચો હતો ને! મેં ગુસ્સામાં વિડિયોઝ ને મેસેજીસ ડિલિટ કર્યા હતાં પણ વિશ્વાસ કરો સર કે મેં એ કોઈ દિવસ બદનામ થાય એવું ચાહ્યું નથી."
જૈનિશ આલાપની સામે એકીટશે જોયાં કરતો હતો. ડૉકટર આશુતોષ અને બે ઑફિસરે એકબીજા સામે આંખોથી કોઈ ઈશારો કર્યો.
અચાનક આલાપનાં મગજમાં ઝબકારો થયો, "સર, હત્યાની કોશિશ બોલો છો ઇટ મિન્સ એ બાઈ જીવે છે ખરી. થેંક ગોડ! મારે માથેથી એક બોજ ઓછો થયો."
હેડ ઑફિસરે ખોંખારો ખાધો અને સૌનું ધ્યાન પોતાની તરફ દોરતાં બોલ્યા, " હવે, સજાથી બચાવવા કંઈક વિચારી શકાય..પણ…"
ડૉકટર આશુતોષ વચ્ચે જ બોલી પડ્યાં, " સર, જે કંઈ થાય એ હું ચૂકવી દઈશ..હું સમજી ગયો તમારો ઈશારો.."
આલાપ ડૉકટર આશુતોષ ને પગે પડી ગયો, "સર, તમારો આભાર માનવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી. પણ હા, હું વ્યવસ્થિત કમાણી કરતો થઈશ ત્યારે તમને એ બધી રકમ પરત કરીશ." ડૉકટર આશુતોષે નાનકડું સ્મિત આપી એનો ખભો થાબડયો.
જૈનિશ બોલ્યો, " હવે અમે જઈ શકીએ સર?"
હા જવાબ મળતાં બન્નેએ દરવાજા તરફ પગ ઉપાડ્યા.
આલાપ જૈનિશને કહી રહ્યો હતો. "આ અજાણ્યે મળેલો ડંખ મને જીવનભર કનડશે." જૈનિશે એને ખભે હાથ મૂકતા કહ્યું, " દોસ્ત, તું આમાંથી હેમખેમ બહાર નીકળ્યો એ ઘણું છે."
બાકી રહેલાં ડૉકટર આશુતોષ, પરમ અને મિતેષે રાહતનો શ્વાસ લીધો. વ્યવસ્થિત રીતે પ્લાન પાર પડ્યો અને ભવિષ્યમાં આલાપ દ્વારા કોઈ વાંધાજનક પગલુ નહિ લેવાય એની સાવધાની અને ખાત્રી પણ થઈ ગઈ હતી.
પરમ બોલ્યો, " આશુતોષભાઈ, મિતેષ, તમે લોકો આમ મારી પડખે ન હોત તો હું ખરેખર ભાંગી ગયો હોત. બદનામી, રિપોર્ટરોની હેરાનગતિ અને સરકારી કાર્યવાહીઓની દોડધામ મને તોડી નાંખત." બન્નેએ એને
બાથમાં લેતાં કહ્યું, "પોતાનાં જ તો પોતાનાને કામ લાગે."
રાત્રે બાર વાગી ગયાં હતાં. પરમ અને મિતેષ ઘરે પહોંચ્યા. પરમે ઘરે આવતાં જ સૌના ચહેરા પર શું થયું નો અબોલ પ્રશ્ન જોયો અને એણે કહ્યું, "બધું સમુ સૂતરું
પાર ઉતર્યું છે હવે એ બાજુથી નચિંત થઈ જાઓ." આ સાંભળી સૌએ નિરાંત અનુભવી.
પરમ અને કવિતા એક બેડ પર જ હતાં છતાં જાણે માઈલો દૂર હોય એટલું અંતર લાગતું હતું. કવિતા હવે પરમને બોલાવવા અધીરી થઈ ગઇ હતી. 'ભલે, ગુસ્સો કરે તો કરે. આમ ને આમ શું વિચારતા હશે એ પણ કંઈ સમજાતું નથી. હવે રાહ ન જોવાય રાત ઉજાગરામાં જાય તો જાય. પરમ આમ ચૂપ રહેશે તો એમની અકળામણ વધતી જશે. મારે એમને કોઈ પણ રીતે બોલાવવા જોઈએ. ' એમ વિચારી કવિતા ઉભી થઈ અને ધીમેથી પરમ પાસે જઈને બેઠી અને એનાં માથે હાથ ફેરવ્યો. માથે હાથ ફેરવતા એની આંખો ભરાઈ ગઈ અને એક ધ્રુસકુ મૂકાઈ ગયું. પરમે કોઈ પણ ભાવ વગર એની તરફ નજર કરી અને આંખો ફરી બંધ કરી દીધી. કવિતાએ થોડું ખચકાતાં વાત શરૂ કરી, "પરમ, હું સમજી શકું છું તમારાં ઉપર શું વીતતી હશે. તમે આમ ચૂપ રહેશો તો આ અંતર વધતું જશે અને ન પૂરાય એવી ખાઈ થઈ જશે. સો પ્લીઝ..કંઈ બોલો.." પરમે કવિતાનો માથે ફરતો હાથ ખસેડ્યો અને કહ્યું, "મને ઉંઘ આવે છે." કવિતા બોલી, "મને ખબર છે તમે આટલાં દિવસથી કેવું ઉંઘો છો એ..પ્લીઝ પરમ મને ખીજાઓ..ઝગડો કરો..ઠપકો આપો..પણ બોલો..." હવે પરમ તાડૂકી ઉઠ્યો, "ચિંતા કરવાની જરૂર નથી મિસ માયા..કોણ પરમ? કોણ સોનુ? તમને સારું થતાં જ પેલાં આલાપ પાસે જઈ શકો છો. મને બક્ષો.." કહી જોરથી બે હાથ જોડયા. કવિતા ચૂપ થઈ ગઈ અને બેડને બીજે કિનારે સૂઈ ગઈ.
પરમનું ચિત હવે ચગડોળે ચઢ્યું હતું. આટલાં દિવસનો ધૂંધવાટ હવે સહનશીલતાની હદ પાર કરી ચૂક્યો હતો. આ પીડા અને વ્યથાની આગમાં એકલાં એકલાં જ બળતાં રહેવું શક્ય નથી. એમ વિચારતા અચાનક એ સૂતો હતો ત્યાંથી બેઠો થઈ ગયો. " કવિતા…તને શું ખૂટ્યું હતું? હું દેખાવમાં નહોતો ગમતો? તારી કોઈપણ જરૂરિયાત કે શોખ પૂરા કરવા હું સમર્થ નહોતો? મેં તારી ખુશી માટે, તારા ગમતાં કપડાં પહેરવાથી લઈને તારી ગમતી હેર સ્ટાઈલ અપનાવી લીધી. તને મારાં રોમાંસમાં કોઈ કમી લાગી? કોઈ કેર કે પ્રેમમાં ઓટ લાગી? આજે મને બધાં જવાબ જોઈએ છે કવિ…" કવિતા ધીમે રહીને ઉઠી, બેસવા માટે પીઠ પાછળ એક હાથે તકિયો ગોઠવી રહી હતી, એ તકિયો પરમે ગુસ્સામાં પણ હાથમાંથી લઈને ગોઠવી આપ્યો! કવિતાએ વ્યવસ્થિત બેસતાં કહ્યું, " જુઓ પરમ આ બધાં સવાલો હવે અર્થ વિહીન છે. આના જવાબો આપવા એટલે ખોટાં નવા કલેશોને આમંત્રણ આપવા જેવું છે."
"ઓહો..મેડમ માયા આટલાં બધાં કઈ રીતે સુધરી ગયાં? વાહ વાહ…આવી જ્ઞાનવાણી તો મેં તમારાં મુખે આટલાં વર્ષોમાં ક્યારેય નથી સાંભળી …બોલો મેડમ બોલો કલેશો સાથે હવે દોસ્તી જ રાખવી પડશે. લગ્નનાં આટલાં વર્ષે તો પરમે પણ બદલાવું જ જોઈએ ને! એકધારી જિંદગી હવે નથી ગમતી…હવે કલેશમય જીવીશું.." કહી પરમ વિચિત્ર હસ્યો.
હવે કવિતાએ જવાબ આપવા મજબૂર થવું પડ્યું, " બધું જ ઠીક હતું પરમ. તમે તમારી કોશિશોમાં ક્યાંય ઉણા નહોતાં ઉતર્યા…."
"તો..તો…કવિતાને માયા બનવાની જરૂર ક્યાં લાગી?" પરમ બેબાકળો થઈ વચ્ચે જ બોલી ઉઠ્યો.
"હું હજી બોલી નથી રહી પરમ…તમને સાંભળવું જ છે તો સાંભળો. એક સ્ત્રીની જરૂરિયાત પતિ જ્યારે ફરજોના લિસ્ટમાં મૂકી દે છે ત્યારે બધું યંત્રવત્ થઈ જાય છે! બેશક તમારી દોડધામ અમારાં માટેની જ હતી. પણ ત્યાં અમે જ નહોતાં! ત્યાં ફકત તમે અને તમારું કામ હતું પરમ. રોજ ઓફિસથી ચાર વખત ફોન કરતો પતિ, એકવાર કરેલો ફોન લેવા પણ ફ્રી ન હોય એવું થોડાં દિવસ હોય, તો સમજી શકાય કે મનને સમજાવી શકાય, પણ આવા વર્તનને પણ ઘણો લાંબો સમય થઈ ગયો હતો. નો ડાઉટ તમે બધી જ જરૂરિયાતો પૂરી કરતાં હતાં, સવારે ડાઇનિંગ ટેબલથી લઈને રાત્રે બેડરૂમ સુધીની પણ જાણે ટાઈમ ટેબલ ફકત! તમારો ફોન ક્યારે આવી જાય અને તમે ક્યારે ભાગવા માંડો નક્કી નહોતું. દરેક સન્ડે જ્યારે તમે, અહીં આપણાં શહેરમાં હોવ ત્યારે ફરવા અચૂક લઈ ગયાં છો પરંતુ બે કલાકમાં એક દોઢ કલાક તમારાં હાથમાં ફોન જ રહેતો. હું ઘણીવાર આવું બધું સારા શબ્દોમાં કહી ચૂકી છું પણ તમે એ બહુ લાઇટલી લઈ લીધું અને વાત ઉડાવી દીધી હતી..યાદ કરો પરમ.."
"અરે ….પણ એટલે આમ ઓપ્શન શોધાય?"
"ના, પરમ ના.. ઓપ્શન તો નહિ પણ એ તરફ મારી લાગણી અજાણતાં વળી ગઈ હતી. મેં મને પ્રવૃત્ત રાખવા ઘણું કર્યું જ છે. એ તમે ખૂબ સારી રીતે જાણો છો. એક મોટી ભૂલ કે કીટી ફ્રેન્ડની બિન જરૂરી સલાહ માની ફેક આઈ ડી બનાવ્યું. મારી બીજી મોટી ભૂલ કે હું બીજાની જેમ સોશિયલ મીડિયામાં તટસ્થ ન રહી શકી અને લાગણીઓમાં વહી ગઈ."
પરમ એકધારું બોલતી કવિતાને જોઇ રહ્યો.
ક્રમશ: