Sapnana Vavetar - 45 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 45

Featured Books
Categories
Share

સપનાનાં વાવેતર - 45

સપનાનાં વાવેતર પ્રકરણ 45
(આ પ્રકરણ થોડુંક ગંભીર હોવાથી એકદમ શાંતિથી વાંચવું. )

રાત્રે ૮ વાગે અનિકેત જમતી વખતે પોતાની પત્ની કૃતિ અને સાળી શ્રુતિ સાથે ડાઇનિંગ ટેબલ ઉપર વાતો કરી રહ્યો હતો ત્યાં અચાનક કૃતિને ચક્કર આવી ગયા અને એ બાજુમાં બેઠેલા અનિકેત તરફ ઢળી પડી.

અનિકેતે આ જોયું અને તરત એણે કૃતિને પકડી લીધી. અનિકેતે તરત ઊભા થઈને એને સીધી બેસાડવા માટે કોશિશ કરી પરંતુ એ સ્થિર બેસી શકતી ન હતી.

"કૃતિ.. તને શું થાય છે ? " અનિકેત સહેજ ગભરાઈને બોલ્યો ત્યાં શ્રુતિ પણ ટેબલની સામેની ખુરશી ઉપરથી દોડતી આવી અને "દીદી... દીદી" કહીને કૃતિને પકડી લીધી.

" મને... ચક્કર આવે છે. બધું ગોળ ગોળ ફરે છે. " કૃતિ બોલી.

અનિકેત અને શ્રુતિએ ભેગા થઈને કૃતિના હાથ થાળીમાં ધોઈ નાખ્યા અને એને ઉભી કરીને બે બાજુ પકડી રાખી બેડરૂમ સુધી લઈ ગયા અને સૂવાડી દીધી.

અનિકેતે તરત જ ડોક્ટરને ફોન કર્યો. એ તો સારું થયું કે હમણાં ૧૫ દિવસ પહેલાં જ બાંદ્રાના એક ફ્લેટ માટે એક ડોક્ટરનો પરિચય થયો હતો. બાકી બાંદ્રામાં તો એ કોઈ ડોક્ટરને ઓળખતો જ ન હતો.

લગભગ ૨૫ મિનિટ પછી ડૉ. અન્સારી આવી ગયા અને એમણે કૃતિને તપાસી લીધી.

" તમને ચક્કર સિવાય બીજું કંઈ થાય છે ? " ડોક્ટરે કૃતિને પૂછ્યું.

" ના સાહેબ. પહેલી વાર જ આટલા ચક્કર આવ્યા." કૃતિ ધીમેથી બોલી.

" તમને પિરિયડ આવ્યાને કેટલા દિવસ થયા ? " ડોક્ટરે પૂછ્યું.

" ૧૫ ૨૦ દિવસ પહેલાં જ ટાઈમમાં હતી. " કૃતિ બોલી.

" ઠીક છે. અત્યારે એક ઇન્જેક્શન આપી દઉં છું. બીજી એક ગોળી પણ આપી દઉં છું એ તમે એમને અત્યારે આપી દો. અને હવે એમને આરામ કરવા દો. કાલે સવાર સુધીમાં સારું થઈ જશે. જો બીજી કોઈ તકલીફ થાય તો આપણે પછી બ્લડ ટેસ્ટ વગેરે કરાવવું પડશે. " ડોક્ટર બોલ્યા અને એમણે કૃતિને એક ઇન્જેક્શન આપી દીધું.

" ડોક્ટર કંઈ સિરિયસ તો નથી ને ? તમને લાગતું હોય તો અત્યારે જ બ્લડ ટેસ્ટ કરાવી લઈએ. " બેડરૂમમાંથી બહાર આવ્યા પછી અનિકેતે ડોક્ટરને પૂછ્યું.

" ના ના અનિકેતભાઈ. ચક્કર ઘણા કારણોથી આવતા હોય છે. ઘણીવાર કાનમાં સોજો હોય તો પણ અચાનક આ રીતે ચક્કર આવતા હોય છે. એટલે અત્યારે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. " ડોક્ટર બોલ્યા.

અનિકેતે એમનો આભાર માનીને ફી ચૂકવી દીધી અને ફરી પાછો એ કૃતિના બેડરૂમમાં ગયો.

" તમે જમી લો જીજુ. હું અહી બેઠી છું. હજુ તો જમવાની શરૂઆત કરી ત્યાં જ દીદીને ચક્કર આવ્યા. ભૂખ્યા પેટે આખી રાત ઊંઘ નહીં આવે. તમારે આટલા ગભરાઈ જવાની જરૂર નથી. દીદી સવાર સુધીમાં એકદમ નોર્મલ થઈ જશે. " શ્રુતિ બોલી.

"તું પણ એમની સાથે જમી લે શ્રુતિ. હું આરામથી સૂતી છું. મને બીજી કોઈ તકલીફ નથી અને ડોક્ટરે કદાચ ઘેનનું ઇન્જેક્શન આપ્યું લાગે છે. મારી આંખો ઘેરાવા લાગી છે. " કૃતિ બોલી.

" ઠીક છે દીદી. તમે આરામથી સૂઈ જાવ. " શ્રુતિ બોલી અને એ પણ જમવા માટે ઊભી થઈ.

આખી રાત આરામ કર્યા પછી બીજા દિવસે સવારે કૃતિ એકદમ નોર્મલ હતી. આમને આમ એક અઠવાડિયું પસાર થઈ ગયું. કૃતિ ઘણીવાર સમય પસાર કરવા માટે શ્રુતિના શોરૂમમાં પણ જતી હતી.

એક અઠવાડિયા પછી કૃતિની ભૂખ થોડી થોડી ઓછી થવા લાગી. થોડા પરિશ્રમથી પણ શ્વાસ ચડતો હતો. થોડુંક પણ વધારે ખવાઈ જાય તો એને ઉબકા જેવો અનુભવ થતો. કૃતિએ એને ખાસ ગણકાર્યું નહીં.

બીજા પંદરેક દિવસ પસાર થઈ ગયા પછી કૃતિનો ખોરાક ઘણો ઓછો થઈ ગયો. પહેલાં એ છ થી સાત રોટલી ખાતી હતી. હવે બે થી ત્રણ રોટલી ખાતાં જ એ ધરાઈ જતી હતી.

દિવાળી નજીક આવી રહી હતી પરંતુ કૃતિના મનમાં કોણ જાણે કેમ કોઈ ઉત્સાહ ન હતો. એને પોતાને અંદરથી સારું ફીલ થતું ન હતું. ક્યારેક ક્યારેક પેટમાં થોડોક દુખાવો પણ થતો હતો. અરીસામાં જોઈને એને લાગતું હતું કે એનો ચહેરો પહેલાં જેવો એકદમ ગુલાબી નહોતો લાગતો. આંખની નીચે પણ કાળાં કુંડાળાં થતાં જતાં હતાં.

" અનિકેત મને એવું લાગે છે કે મારા શરીરમાં કોઈ તકલીફ તો ચોક્કસ છે. ચક્કર તો નથી આવતા પણ મારી ભૂખ લગભગ મરી ગઈ છે. મારો ચહેરો પણ મને થોડો કરમાતો લાગે છે. પેટમાં પણ ક્યારેક ઝીણું ઝીણું દુઃખતું હોય છે. ક્યારેક ઉબકા પણ આવે છે. કંઈ પણ કામ કરવામાં મને હવે થાક લાગે છે અને વધુ કામ કરું તો શ્વાસ ચડે છે. શ્રુતિના શોરૂમમાં જાઉં છું તો ત્યાં પણ મારાથી વધુ સમય ઊભા રહેવાતું નથી." કૃતિ બોલી.

"અરે કૃતિ તને આટલી બધી તકલીફ છે અને તું મને જણાવતી પણ નથી ? રોગને કદી પણ નાનો ના ગણવો. તેં જે અત્યારે મને વાત કરી એ તારે પહેલાં કરવાની જરૂર હતી. આપણે કાલે સવારે જ ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લઈને એમને મળી લઈએ." અનિકેત બોલ્યો.

અને અનિકેતે બીજા દિવસે સવારે સાડા નવ વાગે ડોક્ટર અન્સારીને ફોન કરી એમનો ટાઈમ લઈ લીધો અને ૧૧:૩૦ વાગે ડોક્ટરના ક્લિનિક ઉપર કૃતિને લઈને પહોંચી ગયો.

" આવો અનિકેતભાઈ. હજુ એમના ચક્કર મટ્યા નથી ? " ડોક્ટરે હસીને પૂછ્યું.

" ચક્કર તો એ જ દિવસે મટી ગયા હતા અન્સારી સાહેબ પરંતુ એને બીજા નવા પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા છે. કૃતિ તને શું શું થાય છે એ બધી વાત તું જાતે જ કર." અનિકેત કૃતિની સામે જોઈને બોલ્યો.

અને કૃતિએ એની તમામ ફરિયાદોનું વર્ણન ડોક્ટર અન્સારીને વિગતવાર કર્યું.

ડોક્ટરે કૃતિને ટેબલ ઉપર સૂઈ જવાનું કહ્યું અને પછી એની આંખો તપાસી. જીભ તપાસી. લીવરનો ભાગ અને પેટ દબાવીને ચેક કર્યું અને છેલ્લે બીપી પણ ચેક કર્યું.

" તમને તાવ આવે છે ખરો ?" ડોક્ટરે પૂછ્યું.

" તાવ રોજ તો નથી આવતો પરંતુ કોઈ કોઈ દિવસ શરીર તૂટે છે, ઠંડી વાય છે અને ઝીણો ઝીણો તાવ હોય એવું ફીલ કરું છું. આવું રોજ નથી થતું. " કૃતિ બોલી.

" હમ્... બ્લડ રિપોર્ટ તો કઢાવવો જ પડશે. હિમોગ્લોબીન પણ ઘણું ઓછું લાગે છે. " ડોક્ટર બોલ્યા અને એમણે જરૂરી ટેસ્ટ પ્રિસ્ક્રિપ્શન પેપર ઉપર લખી આપ્યા. સાથે બે ગોળીઓ પણ લખી આપી.

" અહીં બાજુના કોમ્પ્લેક્સમાં જ પેથોલોજી લેબોરેટરી છે. અત્યારે જ બ્લડ આપી દેજો અને રિપોર્ટ લઈને તમે કાલે મને બતાવી જજો. એના માટે કૃતિબેને આવવાની જરૂર નથી. અને આ જે ગોળી લખી છે તે રોજ એક જ વાર લેવાની છે " ડોક્ટર બોલ્યા.

" ઠીક છે ડોક્ટર. કંઈ સિરિયસ તો નથી ને ? " અનિકેત બોલ્યો.

" અરે અનિકેતભાઈ આટલી બધી ચિંતા કરવાની તમારે જરૂર નથી. શરીર છે નાનું મોટું આવું તો ચાલ્યા જ કરતું હોય. " ડોક્ટર બોલ્યા.

અનિકેત અને કૃતિ નીચે ઉતરીને બાજુના કોમ્પ્લેક્સમાં ગયાં અને ત્યાં જઈને લેબોરેટરીમાં બ્લડ આપી દીધું.

અનિકેતે એ પણ માર્ક કર્યું કે કૃતિ પહેલાંની જેમ સ્ફૂર્તિપૂર્વક ચાલી શકતી ન હતી.

બીજા દિવસે જમીને પછી ઓફિસે જતાં પહેલાં અનિકેત લેબોરેટરીમાં ગયો અને રિપોર્ટ કલેક્ટ કર્યો. ત્યાંથી એ સીધો ડૉ. અન્સારીના ક્લિનિકમાં ગયો. ત્યાં એને પાંચેક મિનિટ બેસવું પડ્યું. એક પેશન્ટ બહાર નીકળ્યું એટલે એ સીધો અંદર ગયો.

ડોક્ટરે જોયું કે શ્વેતકણો અને પ્લેટલેટ વધી ગયા હતા અને રક્તકણો ઓછા થઈ ગયા હતા. હિમોગ્લોબીન ૧૦ ઉપર આવ્યું હતું. ચિંતાનો વિષય તો હતો જ.

" અનિકેતભાઈ રિપોર્ટ એકદમ નોર્મલ તો નથી જ. તમારે હિંમત તો કેળવવી જ પડશે. મને કાલે થોડો ડાઉટ તો હતો જ પણ હવે કન્ફર્મ થયું છે. તમારે આ રિપોર્ટ ઓન્કોલોજિસ્ટને બતાવવો પડશે. અહીં લીલાવતી હોસ્પિટલમાં ડૉ. શ્રોફને હું ઓળખું છું. એમને ચિઠ્ઠી પણ લખી આપું છું. ફોન ઉપર એમની એપોઇન્ટમેન્ટ લઈ તમે બે ત્રણ દિવસમાં પેશન્ટને લઈને મળી આવો." ડૉ. અન્સારી બોલ્યા.

" ઓન્કોલોજિસ્ટ ! ડોક્ટર તમે મને કંઈક સ્પષ્ટ વાત કરો. " અનિકેત બોલ્યો. એના ચહેરા ઉપર ચિંતાનું વાદળ છવાઈ ગયું.

" એમને એક્યુટ લિમ્ફોસાઈટીક લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર થયું હોય એવી શક્યતા છે. હજુ હું કન્ફર્મ નથી અને એટલા માટે જ મેં તમારાં વાઈફને લીલાવતી હોસ્પિટલમાં રિફર કર્યાં છે." અન્સારી બોલ્યા.

"બ્લડ કેન્સર અને કૃતિની આ ઉંમરે ?" અનિકેત આઘાતથી બોલ્યો.

" જુઓ અનિકેતભાઈ. રોગને ઉંમર સાથે કોઈ સંબંધ નથી હોતો. અને હવે મેડિકલ ક્ષેત્રે પણ ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે. ૧૦૦ માંથી ૮૦ દર્દીઓ કેન્સરને હરાવીને સારા થઈ જાય છે. તમારે આટલા બધા ગભરાવાની કોઈ જરૂર નથી. લેટેસ્ટ ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ છે. હિંમત તો રાખવી જ પડશે." ડોક્ટરે આશ્વાસન આપ્યું.

ડોક્ટર સાથે હવે વધુ ચર્ચા કરવાનો કોઈ મતલબ જ ન હતો. પ્રારબ્ધમાં જે લખેલું છે તે બનવાનું જ છે. અનિકેત થેન્ક્યુ કહીને ઊભો થઈ ગયો અને બહાર નીકળી ગયો.

કૃતિને આ વાત કરવી કઈ રીતે ? ભય કરતાં પણ ભયની કલ્પના વધારે ભયાનક હોય છે. કેન્સર શબ્દ જ એટલો ભયંકર છે કે ભલભલાને ચક્કર આવી જાય. મારે રાજકોટ ગુરુજીને આ બાબતે પહેલાં વાત કરવી પડશે. એ પછી જ હું કૃતિ સાથે વાત કરીશ.

એ દિવસે આખો દિવસ અનિકેતને ચેન પડ્યું નહીં. કામમાં કોઈ મન લાગતું ન હતું. એણે ઓફિસમાંથી જ સાંજે પાંચ વાગે રાજકોટ દીવાકર ગુરુજીને ફોન કર્યો. ગુરુજીના સેવકે ફોન ઉપાડ્યો.

" હું મુંબઈથી અનિકેત વિરાણી બોલું છું. જરા ગુરુજીને આપોને. " અનિકેત બોલ્યો.

થોડીવારમાં ગુરુજી ફોન ઉપર આવ્યા. " બોલ અનિકેત કેમ મને યાદ કર્યો ?"

" ગુરુજી તમને તો ખબર પડી જ જાય કે મેં કેમ ફોન કર્યો છે ! કૃતિ થોડા દિવસથી બીમાર રહ્યા કરે છે. એની તબિયત વધુ ને વધુ બગડી રહી છે. આજે બ્લડ રિપોર્ટ કરાવ્યો તો ડોક્ટરને બ્લડ કેન્સરની શંકા છે અને કૃતિને લીલાવતી હોસ્પિટલમાં કેન્સર સ્પેશિયાલિસ્ટને બતાવવાનું કહ્યું છે. અચાનક આવું કેમ થયું ગુરુજી ? " અનિકેત બોલ્યો.

" અનિકેત બનવા કાળ બનીને જ રહેતું હોય છે. હું બધું જ જાણું છું પરંતુ નિયતિની ઈચ્છા વિરુદ્ધ આપણે કંઈ પણ કરી શકતા નથી. કેટલીક બાબતોની અગાઉથી આગાહી કરવી મારા માટે પણ યોગ્ય નથી. ભવિષ્યને બહુ જાણવામાં મજા પણ નથી. તારી પોતાની કુંડળીના મંગળનો આ ખેલ છે." ગુરુજી બોલી રહ્યા હતા.

" તારા મંગળની આ નેગેટિવ એનર્જી કાં તો તમારા બંને વચ્ચે ઉગ્ર ઝઘડા કરાવે, કોર્ટ કચેરી કરાવે, તારા પરિવારની શાંતિ હણી લે એટલે એ તો મેં મંત્ર શક્તિથી થવા ન દીધું. એટલે પછી તારા મંગળની નેગેટિવ એનર્જી હવે તારી પત્નીના શરીર ઉપર જ પ્રહાર કરી રહી છે." ગુરુજી બોલ્યા.

"તો હવે ? કૃતિને ખરેખર કેન્સર હશે ? એ નહીં બચી શકે ? " અનિકેત નિરાશાના સૂરમાં બોલ્યો.

"હા એને બ્લડ કેન્સર થયું છે. મેં કહ્યું તે પ્રમાણે નિયતિને કોઈ રોકી શકતું નથી. જીવનમાં આવી પડતી દરેક પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવાની ટેવ પાડવી પડશે અનિકેત. આધ્યાત્મિક માર્ગમાં ઘણી પરીક્ષાઓ આપવી પડે છે. ભૌતિક સુખના દિવસો હંમેશ માટે એક સરખા નથી રહેતા. તું આટલો ઢીલો પડી જાય એ કેમ ચાલે ? " ગુરુજી બોલ્યા.

" મને આટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે તો મારી સિદ્ધિ કોઈ કામ ના કરી શકે ? એને બચાવી ના શકે ?" અનિકેતે પૂછ્યું.

" કોઈપણ સિદ્ધિ ઈશ્વરની ઈચ્છાથી વિરુદ્ધ કામ કરતી નથી. મૃત્યુ પામેલા માણસને પણ તું સજીવન કરી શકે છે પરંતુ જેના પ્રારબ્ધમાં હજુ થોડું વધારે આયુષ્ય લખેલું હોય એને જ તું બચાવી શકે ! તમામ મૃત્યુ પામેલા માણસોને તું સજીવન ના કરી શકે. જ્યાં જ્યાં જરૂર છે ત્યાં તારી સિદ્ધિ આપોઆપ કામ કરી જ રહી છે અને એનો તને પણ અનુભવ થયો છે. " ગુરુજી બોલ્યા.

" ગુરુજી હું તો કદાચ હિંમત કેળવી લઉં. પરંતુ થોડા દિવસો પછી મૃત્યુ છે એવા સમાચાર સાંભળીને કૃતિની પોતાની હાલત કેવી થાય ? હું એને આવા સમાચાર કેવી રીતે આપી શકું ? અને હું કદાચ ના કહું તો લીલાવતી હોસ્પિટલમાં તો તેને ખબર પડી જ જશે. હજી તો એણે જિંદગી માણી જ નથી. " અનિકેત બોલ્યો.

" એના માટે તું ધ્યાનમાં બેસીને સ્વામી વ્યોમાનંદજીનો સંપર્ક કર. એ આયુષ્ય તો નહીં આપી શકે પરંતુ કૃતિના મનમાંથી તમામ ભય દૂર કરી દેશે. મૃત્યુના ભયથી પણ એને મુક્ત કરી દેશે. જો એમની કૃપા થશે તો તું કૃતિને સમાચાર આપીશ તો પણ એ ખૂબ સહજ રીતે મૃત્યુને સ્વીકારવા તૈયાર થઈ જશે. બસ આ એક જ છેલ્લો રસ્તો છે. " ગુરુજી બોલ્યા.

"ગુરુજી એક સવાલ પૂછું ? " અનિકેત બોલ્યો.

" હા પૂછ ને ! " ગુરુજી બોલ્યા.

" મારી પોતાની પાસે આટલી બધી સિદ્ધિઓ છે. હું બીજાના વિચારો પણ જાણી શકું છું. વ્યક્તિની સામે જોઈને એનો ભૂતકાળ પણ જોઈ શકું છું. મેં સંજય અને સુનિલને પણ ઘણી બધી બાબતો કહી દીધી છે. તો પછી મારી પોતાની પત્ની કૃતિને કેન્સર થયું છે એ હું કેમ ના જાણી શક્યો ? " અનિકેત બોલ્યો.

" તું જે જાણવા માંગે અને જેના ઉપર ફોકસ કરે એ જ તું જાણી શકે. તેં કૃતિ ઉપર કોઈ ફોકસ કર્યું ન હતું. એના આરોગ્ય વિશે પણ ધ્યાનમાં બેસીને ગંભીરતાથી તેં કંઈ જોયું ન હતું એટલે તને ખ્યાલ ના આવ્યો. માંગો તેને જ મળે છે. તું ધારે તો કૃતિનો અંતિમ દિવસ પણ જોઈ શકે છે." ગુરુજી બોલ્યા.

" ના ગુરુજી મારે એના ઉપર કોઈ ફોકસ કરવું નથી અને અંતિમ દિવસ જોવો પણ નથી. જો મૃત્યુ નિશ્ચિત જ હોય તો એનું મૃત્યુ પીડા રહીત બને એ જ એક પતિ તરીકેની મારી ઈચ્છા છે. બસ એટલા જ આશીર્વાદ આપો. " બોલતાં બોલતાં અનિકેતના ગળે ડૂમો ભરાઈ ગયો એટલે એણે ફોન કટ કરી દીધો.

ફોન કટ કર્યા પછી થોડી વાર તો એ સૂનમૂન બેસી રહ્યો. આવતી કાલે પરોઢિયે ધ્યાનમાં બેસીને સ્વામી વ્યોમાનંદજીનો સંપર્ક કરવાનો એણે નિર્ણય કર્યો. આજનો દિવસ કૃતિને બ્લડ રિપોર્ટ વિશે કોઈ વાત કરવી નથી.

એ દિવસે સાંજે ૭ વાગ્યાના બદલે એ ૮ વાગે ઘરે પહોંચ્યો. ચહેરા ઉપર દેખાતી ચિંતા એણે પરાણે દૂર કરી.

" આવી ગયો બ્લડ રિપોર્ટ ? શું કહ્યું ડોક્ટરે ? " ઘરમાં પ્રવેશ કરતાં જ કૃતિએ પહેલો સવાલ કર્યો.

" રિપોર્ટ લેવા માટે હજુ કાલે જઈશ. આજે એક મીટીંગ હતી એમાં ઘણું મોડું થઈ ગયું. " અનિકેત બોલ્યો.

" તમે પણ ખરા છો ને ! થોડો ટાઈમ કાઢીને કમ સે કમ રિપોર્ટ તો લઈ આવવો હતો ! " કૃતિ બોલી.

" કાલે જવાનો જ છું. એકલો રિપોર્ટ લઈને હું શું કરું ? આપણને થોડી ખબર પડે ? ડોક્ટરને પણ બતાવવો પડે ને ! " અનિકેત બોલ્યો.

કડવી વાસ્તવિકતા જાણીને અનિકેતન ખરેખર થોડો ડિપ્રેશનમાં આવી ગયો હતો. પોતાના પ્રિય સ્વજનના મૃત્યુ વિશે જાણીને ગમે તેવી આધ્યાત્મિક વ્યક્તિ પણ એકવાર તો શોકમગ્ન થઈ જ જાય છે.

એ દિવસે રાત્રે એણે કૃતિનું માથું પોતાના ખોળામાં રાખીને માથા ઉપર હાથ ફેરવતાં ફેરવતાં ખૂબ જ વહાલ કર્યું.

" કેમ આજે આટલું બધું વહાલ ઉભરાઈ આવ્યું છે સાહેબ ?" કૃતિ હસીને બોલી.

" મારી પત્ની બિમાર પડે તો મને વહાલ કરવાનું મન થાય જ ને !" અનિકેત બોલ્યો.

" તમે ચિંતા ના કરશો. મને કંઈ જ થવાનું નથી. " કૃતિ બોલી.

કૃતિને બિચારીને કેવી રીતે સમજાવવું કે આપણી લેણા દેણી હવે પૂરી થઈ રહી છે !!

અનિકેત બીજા દિવસે સવારે વહેલો ચાર વાગે ઉઠી ગયો અને હાથ પગ ધોઈને ધ્યાનમાં બેસી ગયો. મોટા દાદા ના ગુરુ સ્વામી વ્યોમાનંદજીનું ધ્યાન ધર્યું. માનસિક રીતે સતત એમના ઉપર ફોકસ કરીને એમને પોતાની સમક્ષ પ્રગટ થવા વિનંતી કરી.

"તારી પ્રાર્થના મેં સાંભળી છે. બોલ હું તને શું મદદ કરી શકું બેટા ? " સતત પ્રાર્થના પછી સ્વામીજીની વાણીના તરંગો અનિકેતને સંભળાયા. સિદ્ધ મહાત્માઓને ભાષાનું બંધન નથી હોતું. એ દરેક ભાષા સમજી શકે છે અને બોલી પણ શકે છે.

"સ્વામીજી તમે તો સર્વજ્ઞ છો. મારો પ્રશ્ન પણ તમે જાણો જ છો. બસ મારી પત્ની કૃતિ માટે તમારી મદદ જોઈએ છે. હું કૃતિની આ કેન્સર પીડા જોઈ શકીશ નહીં." અનિકેત બોલ્યો.

"બસ એટલું જ ? જા.. તારી કૃતિ આ ક્ષણથી જ સંપૂર્ણ પણે ભયમુક્ત થઈ જશે. રોગનો ડર પણ નહીં લાગે અને મૃત્યુનો ભય પણ એને નહીં લાગે. ગીતામાં જેને સ્થિતપ્રજ્ઞતા કહી છે એવી આત્મસ્થ સ્થિતિમાં એ આવી જશે અને મૃત્યુ માટે પણ સંપૂર્ણપણે તૈયાર રહેશે. એનો પીડાનો સમયગાળો પણ હું ઘણો ઓછો કરી દઉં છું. " સ્વામીજી બોલ્યા.

"સ્વામીજી મને આટલી બધી સિદ્ધિ મળેલી છે છતાં મારા જીવનમાં જ આવું કેમ બન્યું ? આ ઉંમરે કૃતિને કેન્સર શા માટે થયું ? " અનિકેત બોલ્યો.

"કૃતિએ આ જન્મ તારા દાદાનો બદલો લેવા માટે લીધો હતો. પૂર્વ જન્મમાં તારા દાદાએ એને ખૂબ જ અન્યાય કર્યો હતો એ તો તું જાણે જ છે. હવે તારા ગુરુ દીવાકરે એના મનમાંથી બદલાની ભાવના બિલકુલ દૂર કરી દીધી એટલે આ જન્મનો કોઈ હેતુ રહ્યો જ નહીં. કૃતિના જ્યોતિષીએ પણ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી હતી કે અનિકેત સાથે લગ્ન કરવાથી કૃતિને જીવનું જોખમ છે છતાં એ જીદ ઉપર અડી રહી. " સ્વામીજી બોલી રહ્યા હતા.

" ગમે તેમ કરી તારા મંગળની પૂજા કરાવી એણે તારી સાથે લગ્ન કર્યાં પરંતુ નિયતિ સંપૂર્ણપણે બદલાઈ જતી નથી. અત્યાર સુધીનું તમારું લગ્ન જીવન સુખી રહ્યું એ જ મંગળની પૂજાનું ફળ છે. જન્મ મરણનો સૃષ્ટિનો આ ખેલ કોઈ બદલી શકતું નથી બેટા. ગ્રહો તો તમારાં પોતાનાં કર્મોના જ પ્રતિનિધિઓ છે ! " કહીને સ્વામીજી અદ્રશ્ય થઈ ગયા.

અનિકેતની આંખ ખુલી ગઈ. એણે બાજુમાં સૂતેલી કૃતિ ઉપર નજર કરી. કૃતિ ઘસઘસાટ ઊંઘી રહી હતી અને એના ચહેરા ઉપર એક સ્મિત હતું. જાણે કે સ્વામીજીએ એને વરદાન આપ્યું હોય !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)