Fareb - 13 in Gujarati Fiction Stories by H N Golibar books and stories PDF | ફરેબ - ભાગ 13

Featured Books
Categories
Share

ફરેબ - ભાગ 13

( પ્રકરણ : 13 )

પોતાની પત્ની કશીશના પ્રેમી નિશાંત પાસેથી નીકળેલો અભિનવ બેન્કમાં પહોંચ્યો. તેણે પોતાના લૉકરમાંથી હજાર-હજાર રૂપિયાની નોટોના એંસી બંડલો લીધા અને બેગમાં મૂકયા.

તે રૂપિયા લઈને ઑફિસે પહોંચ્યો, તો સેક્રેટરી જેસ્મીને તેને કહ્યું : ‘સર ! કશીશમેડમ આવ્યાં છે, તમારી ઑફિસમાં બેઠાં છે.’

‘હં !’ ને અભિનવે જેસ્મીનને સૂચના આપી : ‘હું કહું નહિ ત્યાં સુધી અમને ડીસ્ટર્બ કરશો નહિ.’

‘ઑ. કે. સર !’ જેસ્મીને કહ્યું, એટલે અભિનવ ઑફિસનું બારણું ખોલીને અંદર દાખલ થયો. તેની ખુરશી પર કશીશ બેઠી હતી, તેની આંખો સહેજ ઝીણી થઈ.

‘મને અહીં આવેલી જોઈને ચોંકી ગયો ?’ કશીશે કહ્યું.

‘ના !’ બારણું અંદરથી બંધ કરતાં અભિનવે કહ્યું : ‘ચોંકી નથી ગયો, પણ નવાઈ પામ્યો છું.’ અને કશીશની નજીક પહોંચીને તેણે બૅગ ટેબલ પર મૂકી : ‘બોલ, અહીં આ રીતે ધસી આવવાનું શું કારણ છે ?’

‘કદાચ તું જાણે જ છે.’ કશીશ બોલી : ‘મને મારી નાંખવા માટે આવેલો ખૂની મારા હાથે મરી ગયો એ પછી એના ખિસ્સામાંથી કોઈએ ચાવી કાઢીને મારી કી-ચેઈનમાં ભેરવી દીધી.’ અને કશીશે અભિનવ તરફ તાકી રહેતાં કહ્યું : ‘અને આવું એક જ માણસ કરી શકે એમ છે, અને એ...’

‘...હું છું.’ અભિનવે વાકય પૂરું કર્યું : ‘મેં જ એવું કર્યું હતું !’

‘કેમ ? ! ’

‘તને બચાવવા માટે !’

‘મને બચાવવા માટે...? !’ કશીશે પૂછયું : ‘...કોનાથી બચાવવા માટે ? !’

‘તારા દિવાનાથી-તારા આશિક નિશાંતથી બચાવવા માટે.’

કશીશ અભિનવને તાકી રહી.

અભિનવે આગળ વધીને ટેબલનું ડ્રોઅર ખોલ્યું અને એમાંથી કાગળનું મોટું કવર કાઢીને એમાંના ફોટા ટેબલ પર મૂકયા.

કશીશે ફોટા હાથમાં લીધા એ સાથે જ તેનું શરીર કંપવા માંડયું.

-એ ફોટા તેના અને નિશાંતના હતા ! એ ફોટામાં તે નિશાંત સાથે પ્રેમમાં ઓતપ્રોત થયેલી હાલતમાં દેખાતી હતી !

તે બધાં ફોટા જોઈ શકી નહિ. હાથમાંના ફોટા ટેબલ પર મૂકી દેતાં, ‘ઓહ, માય ગૉડ !’ કહેતાં પોતાનો ચહેરો બન્ને હાથમાં છુપાવી લીધો. નિશાંત સાથેના ફોટા તેના પતિ પાસે હતા એ વાત તેને જલદી પચે એમ નહોતી.

‘ફોટા ખરેખર અદ્‌ભુત છે.’ અભિનવે કશીશ તરફ જોઈ રહેતાં કહ્યું : ‘આ ફોટા જોઈને કોઈ પણ કહી શકે એમ છે કે તું નિશાંતને કેટલી હદે પ્રેમ કરે છે !’

કશીશે અભિનવ તરફ જોયું નહિ.

‘તારા દિવાનાએ થોડાંક દિવસ પહેલાં મને ફોન કર્યો હતો અને મારી સામે એ વાતને લઈને પોરસાતો હતો ને મારી ઠેકડી ઊડાવતો હતો કે, તું કેટલી હદે એની પર ફીદા છું.’ ને અભિનવે નિસાસો નાંખ્યો : ‘અત્યાર સુધી હું તારા એ દિવાનાને વીસ લાખ રૂપિયા આપી ચૂકયો છું અને હજુ એ બીજા એંસી લાખ રૂપિયા માંગી રહ્યો છે.’

‘આટલા રૂપિયા..,’ કશીશે ચહેરા આગળથી હાથ હટાવીને અભિનવ તરફ જોયું : ‘..આટલા રૂપિયા એ શા માટે માંગેે છે ? !’

‘તારી સાથેનો સંબધ તોડવા માટે !’ અભિનવે કહ્યું : ‘તને પોતાના શિકંજામાંથી છોડવા માટે !’

‘એટલે...? !’

‘...એટલે તું જેને તારો દિવાનો માને છે, એ તારો નહિ પણ તારા પૈસાનો દિવાનો છે.’

‘શું ? !’

‘અને આ તેનો ધંધો છે.’ અને અભિનવે કબાટમાંથી ફાઈલ કાઢીને કશીશ તરફ ધરી : ‘તારા જેવી ખૂબસૂરત અને પૈસાદાર યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને પછી એમના પૈસા પડાવવાનો અને એમને હંમેશ-હંમેશ માટે પોતાના રસ્તામાંથી ખસેડી દેવાનો તેનો ધંધો છે. અને આ માટે તે જેલની હવા પણ ખાઈ આવ્યો છે !’

‘સ્સ્સાચે જ !’

‘હા ! આ ફાઈલમાં એના પુરાવા છે !’

કશીશે અભિનવના હાથમાંથી ફાઈલ લીધી. ફાઈલ ખોલીને એમાંના કાગળિયાઓ પર નજર ફેરવવા માંડી. એ કાગળિયાઓમાં નિશાંતના ફોટા સાથે એણે ખૂબસૂરત સ્ત્રીઓને ફસાવ્યાના અને જેલમાં ગયાના પુરાવા હતા.

કશીશના હાથમાંથી ફાઈલ છટકી પડી. તેની આંખોમાં આંસુ ઊભરાવા માંડયા.

‘કશીશ ! હું એ નથી જાણતો કે, આપણે એકબીજાના પતિ-પત્ની હોવા છતાંય હવે આપણે એકબીજાના રહ્યા છીએ કે નહિ, અને...’ અભિનવ બોલ્યો : ‘...અને હવે આગળ આપણું શું થશે ? બસ હું તો એટલું જ જાણું છું કે, તને બચાવવા માટે મારાથી જેટલું બની શકયું એટલું મેં કર્યું. નિશાંત એક ધંધાદારી અપરાધી છે, જેને તેં પ્રેમ કરીને આપણી જિંદગીમાં દાખલ થવા દીધો.’

‘તને...તને આ બધી વાતની ખબર હતી પછી તેં મને કહ્યું કેમ નહિ ?’

‘કહીને ફાયદો હતો, ખરો ?’ અભિનવે બળબળતો નિસાસો નાંખ્યો : ‘તું એના પ્રેમમાં કેવી અંધ બની ચૂકી હતી ? !’

‘હા, પણ તેં મારી આંખો ખોલી નાંખી.’ કશીશ બોલી ઊઠી, ‘ઓહ, માય ગૉડ ! હું એ કલ્પના પણ કરી શકું એમ નથી કે મેં તને કેવી મુસીબતમાં નાંખી દીધો છે.’

અભિનવ કશીશનેે જોઈ રહ્યો.

‘હાલમાં તને તારા ધંધામાં પણ નુકશાન થયું છે ને ? !’ કશીશે પૂછયું : ‘તું મોટી મુસીબતમાં મુકાઈ ગયો છે ને ?’

‘તને કયાંથી ખબર પડી ? !’

‘આ સાચું છે ને ? !’ કશીશે સામું પૂછયું.

‘હા, પણ એનાથી શું ? !’ અભિનવ બોલ્યો : ‘હું તારી કે બીજા કોઈની સામે રૂપિયા માટે હાથ ફેલાવવાનો નથી. હું નફો કરવાની તાકાત રાખું છું, તો નુકશાન ખમવાની શકિત પણ ધરાવું છું. હું મારા બિઝનેસના નુકશાનથી હાર્યો નથી, પણ તારા નિશાંત સાથેના સંબંધથી હારી ગયો છું, ડગી ગયો છું !’

‘હા, પણ...’ કશીશે પૂછયું : ‘મને એ સમજાયું નહિ કે તેં પેલા મહોરાવાળા હુમલાખોરની ચાવી મારી કી-ચેઈનમાં કેમ ભેરવી ?’

‘નિશાંત મને તારી પર હુમલો કરવાની ધમકી આપતોે હતો.’ અભિનવે કહ્યું : ‘તારી પર હુમલો થયો એ પછી હું ઘરે આવ્યો અને રસોડામાં મહોરું પહેરેલી લાશ જોઈ તો હું એમ સમજ્યો કે એ નિશાંત જ હશે. ઘરની કોઈ બારી કે દરવાજો તોડવામાં આવ્યો નહોતો એટલે હું એમ સમજ્યો કે તારી ચાવી એની પાસે હશે. એ તારી ચાવીથી અંદર...’

‘...પણ મારી ચાવી એની પાસે જાય કેવી રીતના ?’ કશીશ બોલી : ‘હું સાંજના ઘરમાં આવી ત્યારે મેં મારી ચાવીથી જ મુખ્ય દરવાજો ખોલ્યો હતો.’

‘શું તને ચોકકસ યાદ છે કે તું મુખ્ય દરવાજાનું લૉક ખોલીને અંદર આવી હતી ? !’ અભિનવે કહ્યું : ‘મને તો યાદ છે ત્યાં સુધી તું ઘરે આવી ત્યારે હું ઘરમાં જ હતો ને મુખ્ય દરવાજો ખુલ્લો જ હતો. અને એટલે તું લૉકમાં ચાવી લગાવ્યા વિના જ ઘરમાં આવી હતી.’ અભિનવે આગળ કહ્યું : ‘એવું બન્યું હોય કે નિશાંતે ઘટનાના એક-બે દિવસ પહેલાં તારી કી-ચેઈનમાંની ઘરની ચાવી સેરવી લીધી હોય ! શું તું ઘટનાના એક-બે દિવસ પહેલાં એને મળવા ગઈ હતી ? !’

કશીશે ચહેરો ઝુકાવી લીધો.

‘જવાબ આપ, કશીશ !’

‘હા !’ કશીશે ઝુકેલા ચહેરે જવાબ આપ્યો.

‘...ગમે તેમ પણ મેં હુમલાખોરના ખિસ્સા તપાસ્યા અને મને ચાવી મળી તો હું સમજ્યો કે, એ તારી ચાવી છે. મેં ચાવી કાઢીને તારી કી-ચેઈનમાં ભેરવી દીધી. જો તારી એ ચાવી હુમલાખોરના ખિસ્સામાંથી મળી હોત તો તું ફસાઈ જાત.’ અભિનવે કહ્યું : ‘મને માફ કરી દે, કશીશ ! પણ તારી ભલાઈ માટે મને જે કંઈ સમજમાં આવ્યું એ મેં કર્યું !’

‘મને...મને માફ કરી દે, અભિનવ !’ કશીશની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા.

‘હું તને પહેલાંથી જ માફ કરી ચૂકયો છું, કશીશ !’

આ સાંભળતાં જ કશીશ રડી પડતાં અભિનવને વળગી પડી.

અભિનવે કશીશની પીઠ પર હાથ ફેરવવા માંડયો. અભિનવના ચહેરા પર લુચ્ચાઈ ફરકી ઊઠી. તે કશીશ સામે પોતાની જાતને નિર્દોષ અને નિશાંતને દોષી સાબિત કરવામાં સફળ થયો હતો.

‘અભિનવ !’ કશીશે તેનાથી અળગી થતાં કહ્યું : ‘આપણે.., આપણે પોલીસ ચોકીમાં પહોંચી જવું જોઈએ. આપણે આ કેસ સંભાળતા સબ ઈન્સ્પેકટર રાવતને આખી વાત કરી દેવી...’

‘ના ! એમ કરવા જતાં તો હું ફસાઈ જઈશ !’ અભિનવ બોલી ઊઠયો : ‘મેં હુમલાખોરના ખિસ્સામાંથી ચાવી કાઢીને પુરાવા સાથે છેડછાડ કરવાનો ગુનો કર્યો છે. મેં બ્લેકમેઈલર નિશાંતને રૂપિયા આપ્યા છે. હું આમાં ખૂબ જ ખરાબ રીતના ફસાયેલો છું. તું...તું પણ આમાં ફસાયેલી છો.’ અભિનવે કહ્યું : ‘નિશાંત પોલીસને કંઈ પણ કહી શકે છે. નિશાંત પોલીસને એવું પણ કહી શકે છે કે, મેં એને સુપારી આપી હતી તને મારી નાંખવા માટે. કે પછી એ એમ પણ કહી શકે કે, એણે આપણને બ્લેકમેઈલ કર્યા એટલે આપણે બન્નેએ મળીને એને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો, એની જગ્યાએ ગેરસમજ કરીને બિચારા એ ચોરને મારી નાંખ્યો.’

‘તો હવે ? !’ કશીશે પૂછયું : ‘હવે આપણે શું કરીશું ?’

‘હવે આપણે આપણી જાતને નિશાંતથી છુટી કરવી પડશે.’ અભિનવે કહીને પૂછયું : ‘શું એની પાસે એવી કોઈ વસ્તુ છે, જે તને અને એને એકબીજા સાથે સાંકળી શકે ? તારો એની સાથે સંબંધ છે, એ વાત સાબિત કરી શકે ?’

‘હ-હા !’ કશીશ નીચી નજરે બોલી ગઈ : ‘મારું મંગળસુત્ર !’

‘પણ...!’ અભિનવ બોલ્યો : ‘તેં મને તો એમ કહેલું કે, તેં મંગળસુત્ર જ્વેલર્સને ત્યાં રિપેરિંગ માટે આપ્યું છે.’

‘હું જુઠ્ઠું બોલી હતી !’ કશીશે નજર ઊંચી કર્યા વિના જ જવાબ આપ્યો : ‘હું એના ઘરે ગઈ હતી ત્યારે એને ત્યાં ભૂલી આવી હતી.’

‘...તારું બીજું કંઈ છે એની પાસે...? !’ અભિનવે પૂછયું.

‘શું આટલું જ પુરતું નથી ?’

અભિનવ કશીશ તરફ ઘડી-બે ઘડી જોઈ રહ્યો. કશીશ પોતાનો ચહેરો અધ્ધર કરી શકી નહિ.

‘હું તારું મંગળસુત્ર એની પાસેથી લઈ આવીશ.’ અભિનવે કશીશના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને એંસી લાખ રૂપિયાથી ભરાયેલી બૅગ લઈને ઑફિસના દરવાજા તરફ આગળ વધી ગયો. દરવાજા પાસે રોકાઈને તેણે કશીશને પૂછયું : ‘કશીશ ! હું નિશાંત પાસેથી પાછો ફરીશ ત્યારે તું મારા ઘરે હાજર હોઈશ ને ?’

કશીશે બે પળ અભિનવ તરફ જોઈ રહ્યા પછી પ્રેમભીના અવાજે જવાબ આપ્યો : ‘હા ! હું આપણા ઘરે તારી વાટ જોતી બેઠી હોઈશ.’

‘થૅન્કયૂ !’ કહેતાં અભિનવ ઑફિસની બહાર નીકળી ગયો.

કશીશ મનોમન વિચારી રહી.

અભિનવે નિશાંતના ઘરથી થોડેક દૂર કાર પાર્ક કરી અને રૂપિયાથી ભરાયેલી બેગ લઈને નિશાંતના ઘર તરફ આગળ વધી ગયો. નિશાંતની ઘરની ગલી ચાર વાગ્યાના આ સમયે સૂમસામ જ હતી. અભિનવ સીડી ચઢીને, ત્રીજા માળ પરના નિશાંતના ઘરના દરવાજા પાસે પહોંચ્યો. તેણે હાથમોજાં પહેર્યા ને પછી દરવાજે ટકોરા પાડયા, ત્યાં જ દરવાજો સહેજ અંદરની તરફ ધકેલાયો. દરવાજો અંદરથી ખુલ્લો જ હતો.

અભિનવે દરવાજાને ધકેલીને પૂરો ખોલ્યો ને અંદર દાખલ થયો.

‘નિશાંત !’ અભિનવે બૂમ પાડતાં રૂમમાં નજર ફેરવી તો ટેબલ પર પડેલા મંગલસુત્ર પર તેની નજર પડી. એ મંગલસુત્ર કશીશનું જ હતું. તે ટેબલ નજીક પહોંચ્યો, ત્યાં જ મંગળસુત્રની નીચે મુકાયેલા કાગળ પર તેની નજર પડી. તેણે મંગળસુત્ર ખિસ્સામાં મૂકીને, એ કાગળને હાથમાં લીધા વિના જ એની પરના લખાણ પર નજર ફેરવી.

‘સૉરી, દોસ્ત ! મુલાકાતનું સ્થળ બદલ્યું છે ! નવું સ્થળ છે, રોઝ ગાર્ડન ! ત્રીસ મિનિટમાં જ ત્યાં આવી પહોંચ.’

અભિનવે આ ચિઠ્ઠી વાંચી, ત્યાં જ ટેબલ પર પડેલા ફોનની ઘંટડી રણકી ઊઠી. ‘નિશાંતનો ફોન હશે.’ એમ માનીને અભિનવે ફોન ઊઠાવ્યો ને તુરત જ કહ્યું : ‘હા, હું ત્યાં પહોંચું જ છું.’

પણ ત્યાં જ સામેથી કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો : ‘હેલ્લો ! મિસ્ટર નિશાંત બોલો છો ? !’

‘હા, બોલો.’ અભિનવ વિચારવા રોકાયા વિના બોલ્યો.

‘હું ‘નીકુંજ ટ્રાવેલ્સ’માંથી બોલું છું. તમારી સાંજની છ વાગ્યાની દિલ્હીની ટ્રેનની ટિકિટ બુક થઈ ગઈ છે. સ્ટેશન પાસેની અમારી ઑફિસેથી ટિકિટ લઈ લેજો.’

‘ઓ. કે.’ ને અભિનવે પૂછયું, ‘બૉગી નંબર કહેશો, પ્લીઝ !’

‘ હા !’ અને સામેથી એ સ્ત્રીએ નંબર જણાવ્યો.

‘થૅન્કયૂ !’ કહીને અભિનવે ફોન મૂકયો. તે બહાર નીકળ્યો, સીડી ઊતરીને, ગલી પાર કરીને કારમાં બેઠો અને કારને રોઝ ગાર્ડન તરફ દોડાવી મૂકી.

૦ ૦ ૦

અભિનવ રૂપિયા સાથે રોઝ ગાર્ડન પર પહોંચ્યો તો ખુણાના બાંકડા પર નિશાંત બેઠેલો દેખાયો. અભિનવ તેની પાસે પહોંચ્યો. નિશાંત ઊભો થયો. નિશાંતના ખભે લૅધરનો થેલો લટકતો હતો.

‘મારા રૂપિયા લાવ્યો છે ને ?’ નિશાંતે જીતભર્યું મલકતાં કહ્યું.

‘હા ! પણ એ સી. ડી. કયાં છે ?’ અભિનવે પૂછયું.

નિશાંતે થેલામાંથી સી. ડી. કાઢીને અભિનવને આપી.

‘આની કોઈ કૉપી તો તેં નથી રાખી ને ? !’

‘ના !’ નિશાંત હસ્યો : ‘મારી પર ભરોસો રાખ.’ અને તેણે કહ્યું : ‘મારા રૂપિયા ? !’

અભિનવે રૂપિયાની બૅગ નિશાંતના હાથમાં આપી.

‘....પૂરા એંસી છે ને ? !’

‘હા ! ગણી લે !’

‘મને તારી પર ભરોસો છે.’ નિશાંત હસ્યો : ‘મને તારી સાથે બિઝનેસ કરવાની મજા આવી.’

અભિનવ ચુપચાપ જોઈ રહ્યો.

‘ચાલ, ગુડબાય !’ કહેતાં નિશાંત સડક તરફ ચાલ્યો.

‘નિશાંત !’ અભિનવે કહ્યું : ‘તારી જાતનું ધ્યાન રાખજે.’

નિશાંતે અભિનવ તરફ એક હાસ્ય રેલાવ્યું અને સડક પાર કરીને ભીડમાં ભળી ગયો.

અભિનવ લાંબા ડગ ભરતો કાર તરફ આગળ વધી ગયો.

૦ ૦ ૦

નિશાંત ‘નિકુંજ ટ્રાવેલ્સ’ની સ્ટેશન પરની ઑફિસમાંથી ટિકિટ લઈને સ્ટેશન પર પહોંચ્યો, તો દિલ્હીની ટ્રેન ઊપડવાની તૈયારીમાં હતી. તેણે કૂપે બુક કરાવ્યો હતો. તેણે કૂપેનો દરવાજો બંધ કર્યો અને સીટ પર થેલો મૂકયો. તેણે પર્સ કાઢયું અને ખોલ્યું. એમાં કશીશનો હસતો ફોટો મુકાયેલો હતો. તેણે એ ફોટો પોતાની સામેની સીટ પર મૂકયો અને જાણે કશીશ સામે જ બેઠી હોય એમ પ્રેમભર્યું મલકયો. પછી અભિનવે આપેલી બેગ ખોલવા ગયો, ત્યાં જ દરવાજે ટકોરા પડયા. તેણે ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢી અને જરૂર પડે તો સામનો કરવાની તૈયારી સાથે સહેજ દરવાજો ખોલ્યો તો બહાર કૅન્ટીનવાળો ઊભેલો દેખાયો.

‘સાહેબ ! કૅન્ટીનમાથી કંઈ ચા-નાસ્તો લાવવો છે ? !’

‘ના !’ કહેતાં નિશાંતે પાછો દરવાજો બંધ કર્યો ને ખિસ્સામાં રિવૉલ્વર મૂકીને અંદરની તરફ ફર્યો, ત્યાં જ તેણે જબરજસ્ત આંચકો અનુભવ્યો. તે કંઈ સમજે-કરે, પોતાની જાતને બચાવે એ પહેલાં જ સીટ નીચેથી બહાર નીકળી આવેલા અભિનવે તેના પેટમાં ચપ્પુ ખોંપી દીધું. ખચ્‌ !

નિશાંત પીડાથી ચીસ પાડવા ગયો, પણ અભિનવે ડાબો હાથ નિશાંતના મોઢા પર દબાવી દઈને, નિશાંતના પેટમાં ખુંપેલું ચપ્પુ ફેરવ્યું !

-અભિનવ એક કાંકરે બે પક્ષી મારી રહ્યો હતો. તે નિશાંતને ખતમ કરી રહ્યો હતો અને એ પણ કશીશના ફિંગરપ્રિન્ટવાળા ચપ્પુથી !

હા ! એ જ ચપ્પુથી જે કશીશે તેને મારવા માટે તેની તરફ ઊગામ્યું હતું, અને એ ચપ્પુ તેણે રૂમાલમાં લપેટીને પછી પોતાની તિજોરીમાં મૂકી દીધું હતું !

અત્યારે એ ચપ્પુથી નિશાંત મરવાનો હતો, અને પછી નિશાંતના ખૂનના ગુનામાં કશીશ જેલમાં જવાની હતી !!!

(ક્રમશઃ)