Horror book in Gujarati Horror Stories by Nidhi Satasiya books and stories PDF | હોરર બુક

Featured Books
Categories
Share

હોરર બુક

" આઈ થીંક આ ચોપડી સારી છે અને કવર જોઈને લાગે છે કે આ ચોપડીની અંદર ભૂતની વાર્તાઓ પણ ગજબ ની હશે." મનુ એક બુક સ્ટોર પર ઊભી હતી અને પોતાના માટે હોરર બુક શોધી રહી હતી. તેને નાનપણથી જ ભૂતો અને તેમની વાતોમાં ખુબ જ રસ પડતો અને મોટા થતા થતા ભૂતો વિશેની વાતો તેનો શોખ બની ગયો હતો. તે હંમેશા એવું કંઈ શોધતી જેમા તેને ભૂતો વિશે જાણવા મળે. એટલા માટે નહીં કે તે ભૂત વિશે જણવા માંગતી હતી પરંતુ એટલા માટે કે ભૂતો વિશે જાણવાથી તેને અલગ જ સુખદ અનુભૂતિ મળતી અને એક આત્મ સંતોષ મળતો... પણ એ આત્મસંતોષ એના માટે ખતરનાક સાબિત થવાનો હતો એ એને ટુંકજ સમયમાં ખબર પડી જવાની હતી.

" ભૈયા આ બુક આપી દો ." મનુ એ બુક ને દુકાનદાર ને આપી અને તેનું પેકિંગ કરાવવા માટે કહ્યું. દુકાનદાર તો થોડીવાર તેને જોતો રહ્યો પણ કંઈક વિચારી તેણે તરત જ બુક પેક કરી અને સારુ એવું ડિસ્કાઉન્ટ આપી મનુને એ બુક આપી દીધી.

મનુ તો ખુબ જ ખુશ હતી કારણ કે તેને હોરર સ્ટોરીઝ થી ભરપૂર બુક પણ મળી ગઈ હતી અને એ પણ સારા એવા ડિસ્કાઉન્ટ માં.

દુકાનદાર પણ ખુશ હતો કારણ કે છેલ્લા ચાર વર્ષથી એ આ હોરર બુક વહેંચવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ કોઈ પણ એ બુક તરફ આકર્ષિત નહોતું થતું. જેનું કારણ હતું તે હોરર બુકનું કવર પેજ જે દેખાવે ખુબ જ ભયાનક હતું અને તેના લેખક નુ નામ પણ ગુમનામ હતું. તે બુક કોણે લખી છે ? ક્યાંથી આવી છે ? અને ક્યાં પબ્લિશ થ‌ઈ છે તે વિશે તેમાં કોઈ પણ માહિતી નહોતી. પરંતુ દુકાનદાર સુધી એ પુસ્તક એક પર એક ફ્રી ની સ્કિમ અંતર્ગત પહોંચ્યું હતું પણ એ પુસ્તક બાબતે આશ્ચર્ય ની વાત એ હતી કે કોઇ પણ તેને લેવા નહોતું માંગતુ , લેવા તો શુ લોકો એ પુસ્તકને જઈને જ ડરી જતા. તેથી દુકાનદાર ને લાગ્યું હતું કે આ પુસ્તક લાઇફટાઇમ નહીં વહેંચાય પરંતુ આજે મનુએ એ પુસ્તક ખરીદી લીધું હતું અને દુકાનદાર એ પુસ્તક વહેચાઈ જવાની ખુશી મનાવી રહ્યો હતો.


મનુ ઘરે આવી અને પોતાનું પર્સ એક ખુરશી પર મુકી સીધી રસોડામાં જતી રહી અને પોતાના માટે કોફી બનાવવા લાગી. મનુ વન બીએચકેના અપાર્ટમેન્ટમાં છેલ્લા બે વર્ષથી એકલી જ રહેતી હતી અને આજે પણ એ હંમેશાની જેમ ઘરે એકલી જ હતી. તેણે પોતાના માટે કોફી બનાવી અને પછી ઘરની થોડી સાફસફાઇ કરી તે કોફી કપ લઈને બાલ્કનીમાં આવીને બેસી ગઈ અને એ હોરર બુક ને વાંચવા લાગી.

હોન્ટેડ શીપ :-

મનુએ એ હોરર બુક નું પહેલું ચેપ્ટર ખોલ્યુ અને વાંચવા લાગી.


હોન્ટેડ શીપ આ શીપ બ્લેક સમૃદ્રમા આવેલુ છે અને કહેવાય છે કે ત્યાં ભૂતો રહે છે અને એ બાબતની પુષ્ટિ કરતા અમુક ઉદાહરણો પણ જાણવા મળ્યા છે.


એ જ શીપ ના એકાઉન્ટ ઓફિસમાં એક મહિલા કર્મચારી એક દિવસ સવારે વહેલી જ શીપ પર આવી ગઈ હતી. તે યુવતીએ આવીને પોતાનુ બેગ પોતાના લોકરમા મુક્યુ અને પોતાના હાથ પર પહેરેલી કાંડા ઘડિયાળ પર સમય જોયો. સવાર ના 5 : 30 થયા હતાં. તે ઓફીસમાં આવી અને પોતાનુ કામ કરવા લાગી. હજુ તો તેને માત્ર પાંચ જ મીનીટ થ‌ઈ હતી કે તેને આભાસ થવા લાગ્યો કોઈ તેની એકદમ પાસે ઊભુ છે... તેણે પોતાની બાજુમાં નજર કરી પણ કોઈ નહોતું.. તે ફરી પોતાના કામમાં પોરવાઈ.

આમતો તે ઓફિસમાં તે મહિલા કર્મચારી સિવાય કોઈ હાજર નહોતું પણ છતા તે મહિલાને કોઈ તે રૂમમાં હાજર છે તેવી વિચિત્ર અનુભુતિ થવા લાગી. એ રૂમ અકારણ એકદમ ઠંડો થ‌ઈ ગયો હોય એવું પણ તે અનુભવવા લાગી. તેણે સવાર ના અજવાળામાં પણ લાઈટ ચાલુ કરી અને એ જ ઓફિસમાં રહેલા બીજા ટેબલ સામેની ખુરશી પર જઇને બેસી ગઈ. તે ફરી પોતાનું કામ શરૂ કરવા જતી જ હતી ત્યાં જ તેની ખુરશીને પાછળથી કોઇએ ધક્કો માર્યો. તે ખુરશી પર બેઠેલી હતી છતાં પણ તે ખુરશી આગળ ધકેલાઇ ગઈ. તેણે તરત જ પાછળ વળીને જોયું કે આવું કોણે કર્યું ? પણ ત્યાં કોઈ જ નહોતું! તેણે પોતાનું કામ ચાલું કર્યું. થોડીવાર બાદ ફરી તેની પાછળ કોઈના હોવાનો અહેસાસ થયો. તેણે ધ્યાનથી જોયું તો એક પારદર્શક જેવી દેખાતી ધૂંધળી મનુષ્યાકૃતિ તેની એકદમ સામે ઊભી હતી અને ધીમે ધે તેની નજીક આવી રહી હતી. તે યુવતીના શરીરમાંથી કંપારી છુટી ગઈ અને તે ઝડપથી પૌતની ખુરશીમાંથી ઊભી થ‌ઈ અને ભાગવા જતી હતી કે ત્યાં જ એ આકૃતિ ધીમે ધીમે સ્પષ્ટ દેખાવા લાગી.. લોહિથી ખરડાયેલા શરિર વચ્ચે માથા વગરનુ ધડ અને બંને હાથ પગ પર માસના લોચા બહાર આવેલા.. તે ભયંકર આકૃતિ ને જોતા જ પેલી યુવતી બેભાન થઈને જમીને પર ઢળી પડી.

___________

" ટ્રીંગ... ટ્રીંગ...."

મનુ બુક વાંચી જ રહી હતી કે તેના ઘરની ડોરબેલ રણકી.‌મનુએ બુક ને ત્યાં જ બાલ્કનીમાં એક ટેબલ પર મુકી અને દરવાજો ખોલવા માટે જતી રહી.

" મેમ યોર પીત્ઝા "

દરવાજા પર ડિલેવરી બોય ઊભો હતો અને તેના હાથમાં ચાર થી પાંચ પીત્ઝા ના બોક્સ હતા. મનુએ ડિલેવરી બોયને પૈસા આપ્યા અને બોક્સ લઈને ડાયનીંગ ટેબલ પર ગોઠવ્યા અને ફરી દરવાજો બંધ કરી બાલ્કનીમાં જઈને ગોઠવાઈ... પણ દરવાજો બંધ કરતી સમયે એક વ્હાઈટ આછો પ્રકાશ તેના ઘરની અંદર આવી ગયો હતો તે વાતથી તે સાવ અજાણી‌ હતી.

મનુએ બુક લીધી અને ફરીએ હોન્ટેડ શીપ ની બીજી ઘટનાઓ વાંચવા લાગી.

આ શીપ એક હોટલ જેવી જ હતી જેમા દર વર્ષે હજારો યાત્રી ઓ મુસાફરી કરતા. પરંતુ એકદિવસ આ શીપમાં આગ લાગવાથી તે સમયે શીપ પર ઊપસ્થિત દરેક વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા અને અવાર નવાર તેમની આત્માઓ લોકોને દેખાય છે તેવું ત્યાંના શીપ મેનેજરનું કહેવું હતું.

તે શીપના સૌથી મોંઘા રૂમમાં પેલી ઓફિસમાં કામ કરી રહેલી યુવતી ની જેમ જ ભૂત દેખાયુ હતું અને એ પણ‌શીપની સફાઇ કર્મચારીઓ ને જ. એક દિવસ તે રૂમની સાફસફાઇ કરવા માટે બે સફાઇ કર્મચારીઓ રૂમ સાફ કરવા આવી ત્યારે તેમણે તે રૂમમાં એક વ્યક્તિ ને ખુરશી પર બેઠેલી જોઈ. તે વ્યક્તિ નો ચહેરો‌ સ્પષ્ટ નહોતો દેખાતો કારણ કે તે એક પ્રકાશ ની જેમ દેખાતી હતી અને નરી આંખે જોવા થઇ પણ માંડ માંડ દેખાય તેવી આકૃતિ હતી પણ તે આકૃતિ ની ઉપસ્થિતિ તે બંને કર્મચારીઓ ને સારી રીતે થ‌ઈ રહી હતી. તે રૂમ પણ અચાનક થી ઠંડો‌પડવા લાગ.યો હતો અને હવે તો એકસાથે દસ થી પંદર આકૃતિઓ તે બંને સફાઈ કર્મચારીઓ ને ઘેરી ને ઊભી હતી.

તે બંને કંઈ સમજી શકે એ પહેલાં જ ખુરશી પર જે આકૃતિ હતી તેણે બંને કર્મચારીઓને તે રૂમ છોડીને જતા રહેવા જણાવ્યું હતું.. તે બંને કર્મચારીઓ તરત જ તે રૂમમાંથી બહાર નીકળી ગઈ અને પોતાના સહકર્મીઓ ને એ રૂમમાં રહેલી આકૃતિઓ વિશે જણાવ્યું તો જેવા એ બધાં એ રૂમમાં પાછા આવ્યા ત્યાં એ બધી જ આકૃતિઓ ગાયબ થ‌‌ઈ ગઈ હતી.



મનુ એ બુક ખુબ જ ધ્યાનથી વાંચી રહી હતી કે તેને એવો આભાસ થયો કે કોઈ એકદમ તેની બાજુમાં જ બેઠું છે. તેણે ડરતા ડરતા પોતાની બાજુમાં નજર કરી પણ કોઈ નહોતું. મનુએ બુક સાઈડમાં મુકી અને કોફી કપ ન‌ઈ ફરી રસોડામાં જતી રહી. તેણે રેફ્રિજરેટરમાંથી એક સોફ્ટ ડ્રિન્ક લીધી અને ડાયનીંગ ટેબલ પર બેસીને પીત્ઝા સાથે તે ડ્રિન્ક એન્જોય કરવા લાગી. પણ આ દરમિયાન ‌તેને ફરી એવો આભાસ થયો કે કોઈ તેને સતત જોઈ રહ્યું છે પણ કોણ ? એ તેને ખબર નહોતી પડી રહી. ઘરમાં તે એકલી જ હતી અને આજુબાજુ પણ કોઈ નહોતું રહેતું.

પોતાના મનનો વહેમ સમજી તે પીત્ઝા ખાઇ ને ઊભી થ‌ઈ અને થોડુંઘણું કામ કરી ફરી એ બુક લઈને બેસી ગઈ પણ હવે તે ઘરની અંદર સોફા પર બેઠી કેમકે રાત થ‌ઈ ગઈ હતી અને તે બુક વાંચતા વાંચતા તેને હવે થોડો ડર પણ લાગવા લાગ્યો હતો.

હજુ તો તે બુક ખોલે એ પહેલાં જ તેને અનુભવ થયો કે તેના ઘરનો હોલ એકદમથી ઠંડો પડવા લાગ્યો અને વાતાવરણમા એક અલગ અહેસાસ થ‌ઈ રહ્યો છે. તેને ફરી એવો ભાસ થયો કે કોઈ તેની એકદમ બાજુમાં જ ઊભું છે તેણે ડરતા ડરતા ફરી પોતાની બાજુમાં એક નજર પણ ત્યાં કોઈ નહોતું. મનુ આગળ વધુ કંઈ પ્રતિક્રિયા આપે એ પહેલાં જ તેના ઘરની લાઈટ જતી રહી અને મનુ નો ડર ચરમસીમાએ પહોંચી ગયો.


તેણે હિંમત કરી અંધારામાં પોતાનો ફોન શોધ્યો અને જેવી ફોનની ફ્લેશ લાઇટ ઓન કરી કે તેના પ્રકાશમાં એક આકૃતિ ઊપસવા લાગી. તે આકૃતિ સાવ જ ધૂંધળી હતી પણ‌ જેમ જેમ એ આકૃતિ પ્રકાશને પોતાની અંદર લ‌ઈ રહી હતી તેમ તેમ એ આકૃતિ સ્પષ્ટ થતી જતી હતી અને આખરે એ આકૃતિ સાવ જ સ્પષ્ટ દેખાઈ રહી હતી.


એક યુવતી સફેદ ગાઉનમાં બિલકુલ તેની સામે ઊભી હતી જેનો ચહેરો અડધો બળી ગયો હતો અને હાથપગ સાવ ગળી ગયા હતા. મનુના મોઢામાંથી ચીખ નીકક્ષી ગઈ કે ત્યાં જ એ સફેદ ગાઉન પહેરેલી સ્ત્રી પાછળથી એક બાળક બહાર આવ્યુ જેનો ચહેરો પણ બળી ગયેલો‌હતો.

તે હોલની સાથે સાથે મનુ નુ શરીર પણ એકદમ ઠંડુ પડી રહ્યું હતું અને તેને સમજમા જ નહોતું આવતું કે શું થ‌ઈ રહ્યું છે.મનુ આગળ કંઈ પ્રતિક્રિયા આપે એ પહેલા જ એ સફેદ ગાઉન પહેરેલી સ્ત્રી ચાલવા લાગી અને હોલ મા જ બનેલા એક થાંભલા પાસે થ‌ઈ અચાનકથી ગાયબ થ‌ઈ ગ‌ઈ.

પણ બીજી જ ક્ષણે તે થાંભલા પાછળથી હજારોની સંખ્યામાં આકૃતિઓ બહાર આવી અને એ આકૃતિઓ વચ્ચે મનુનો આવાજ દબાઈને રહી ગયો


થોડા દિવસ પછી :

મનુ ની મૃત્યુ પછી તેનો સામાન એક અનાથાલય ને દાનમાં આપી દેવામાં આવ્યો હતો અને સાથે સાથે દાનમાં અપાઈ હતી તે હોરર બુક જેને વાંચ્યા પછી જ મનુનો સામનો ભૂતોથી થયો હતો. તે અનાથાલયની એક બાર વર્ષની છોકરીના હાથમાં અત્યારે એ જ‌ હોરર બુક હતી અને ગાર્ડનમા બનેલા એક ઝુલા પર બેઠી બેઠી હોન્ટેડ શીપ ની વાર્તાઓ વાંચી રહી હતી અને અચાનકથી પેલી છોકરીને એવો અહેસાસ થવા લાગ્યો કે કોઈક તેની બાજુના ઝૉલા પર ઝુલી રહ્યું છે. તે છોકરીએ બાજુના ઝુલા પર નજર કરી પણ ત્યાં કોઈ નહોતું અને ઝુલો હવામાં જ હલી રહ્યો હતો.



સમાપ્ત...