Fareb - 1 in Gujarati Fiction Stories by H N Golibar books and stories PDF | ફરેબ - ભાગ 1

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

ફરેબ - ભાગ 1

H.N. Golibar

( પ્રકરણ : 1 )

 

‘હર કીસિકો નહિ મિલતા,

યહાં પ્યાર જિંદગી મેં...,

ખુશનસીબ હંય વો,

જિનકો હૈ મિલી,

યે બહાર જિંદગી મેં...!’

આ ગીત ગણગણતી કશીશ કારમાંથી ઊતરી અને બંગલાના મુખ્ય દરવાજા પાસે પહોંચી. તેણે કી-ચેઈનમાં વોર્ડરોબ-તિજોરી અને કારની ચાવીઓ ભેગી ભેરવાયેલી મુખ્ય દરવાજાની ચાવી લૅચ-કી વાળા તાળમાં લગાવીને ફેરવી. લૉક ખુલ્યું. તે દરવાજો ધકેલીને અંદર દાખલ થઈ. તેણે રોજની ટેવ મુજબ બાજુમાં જ પડેલા ઊંચા ટેબલ પર કી-ચેઈન મૂકી દઈને દરવાજો બંધ કર્યો, અને બેડરૂમ તરફ આગળ વધી. ત્યાં જ તેના કાને બેડરૂમની અંદરથી સળવળાટ સંભળાયો. તે ચોંકી. તે રોકાઈ ગઈ. ‘તેના બેડરૂમમાં તે વળી કોણ ઘૂસીને બેઠું છે ? !’ આ સવાલ સાથે તે બિલ્લીપગલે બેડરૂમના દરવાજા તરફ ચાલી.

તે બેડરૂમના દરવાજા પાસે પહોંચી. તેણે અંદર નજર નાંખી, એ જ વખતે ડ્રેસિંગ ટેબલ સામે ઊભેલો યુવાન તેની તરફ ફર્યો.

‘તું....? !’ કશીશના મોઢેથી સવાલ સરી પડયો.

-એ તેનો પતિ અભિનવ હતો.

‘મને જોઈને આમ ચોંકી કેમ ગઈ ?’ અભિનવે કાંસકો ડ્રેસિંગ ટેબલ પર મૂકતાં પૂછયું : ‘મને જોઈને તને ખુશી ન થઈ ?’

‘તું તો..તું તો આઠ વાગ્યાની ફલાઈટમાં અમેરિકા જવા નીકળી ગયો હતો ને, એટલે હું આમ...’

‘હા, પણ છેલ્લી મિનિટે પ્રોગ્રામ કેન્સલ થયો.’

‘તો અત્યારે...’ સૂટ-બૂટમાં તૈયાર થયેલા અભિનવને કશીશે પૂછયું : ‘..શું કોઈ બિઝનેસ પાર્ટીમાં જઈ રહ્યો છે ?’

‘ના.’ પાંત્રીસ વરસનો હેન્ડસમ અભિનવ કશીશ પાસે આવીને ઊભો રહ્યો : ‘તારી બેનપણી અનુરાધાની બર્થ ડે પાર્ટી છે ને, એમાં હું પણ તારી સાથે આવી રહ્યો છું.’

‘સરસ !’ કશીશ મલકી. ‘હું તૈયાર થઈ જાઉં.’ કહેતાં કશીશ વોર્ડરોબ તરફ આગળ વધી, ત્યાં જ અભિનવ બોલ્યો : ‘આજે તો તું મારી પસંદની સાડી પહેર.’ અને અભિનવે વોર્ડરોબમાંથી લાલ રંગની-સોનેરી ભરતવાળી સાડી કાઢીને કશીશ સામે ધરી.

‘ભલે ! હું આ પહેરી લઉં છું.’ કશીશે અભિનવના હાથમાંથી સાડી લીધી. તેણે ડ્રેસિંગ રૂમમાં સાડી લટકાવી અને બાથરૂમમાં દાખલ થઈ ગઈ. દરવાજો બંધ કરતા તેણે નિશ્વાસ નાંખ્યો. ‘અભિનવના અમેરિકાના કેન્સલ થયેલા પ્રોગ્રામે તેને મોટી મુસીબતમાં મૂકી દીધી હતી. હવે તેણે નિશાંતને પાર્ટીમાં આવતો રોકવો પડશે.’ અને તે નાહીને બેડરૂમમાં આવી. અભિનવ બેડરૂમમાં નહોતો. ડ્રોઈંગરૂમમાંથી ટી.વી.નો અવાજ આવતો હતો.

‘અભિનવ ટી. વી. જોઈ રહ્યો છે, એ દરમિયાન નિશાંતને ફોન કરી દઉં.’ વિચારતાં કશીશે પર્સ ખોલ્યું. તે મોબાઈલ કાઢીને નિશાંતનો મોબાઈલ નંબર લગાવવા માંડી, ત્યાં જ તેના કાને અભિનવનો સવાલ અફળાયો : ‘કોને ફોન લગાવી રહી છે ? !’

કશીશના હાથમાંથી મોબાઈલ છટકી જતાં રહી ગયો. નિશાંતનો નંબર કટ્ કરી દેતાં તે અભિનવ તરફ ફરી. ચોરી પકડાયાના ભાવ છુપાવતાં તેણે જુઠ્ઠાણું ચલાવ્યું : ‘હું અમુક ફોટા ઑફિસના ટેબલ પર ભૂલી આવી છું, એટલે ઑફિસે ફોન કરતી હતી, પણ ઑફિસ બંધ થઈ ગઈ લાગે છે.’

‘શું એ ફોટા એટલા બધાં અગત્યના છે ?’ અભિનવે કશીશ પાસે આવીને ઊભા રહેતાં પૂછયું.

‘ના, પણ નવી ઍડવર્ટાઈઝના છે, એટલે એ બીજાના હાથમાં ન ચઢે એટલા જરૂરી તો છે જ.’ કશીશે અભિનવ તરફથી નજર ફેરવી લેતાં જવાબ આપ્યો.

અભિનવે તેને બન્ને ખભા પાસેથી પકડી : ‘તું અત્યારે ખૂબ જ સુંદર લાગે છે,’ અને અભિનવે કશીશને બાહુપાશમાં જકડવા ગયો, ત્યાં જ કશીશ તેના હાથમાંથી છટકી : ‘અત્યારે મોડું થઈ જશે,’ અને કશીશ ડ્રેસિંગરૂમ તરફ સરકી ગઈ. તેણે અંદરથી ડ્રેસિંગરૂમ બંધ કરી દીધો.

અભિનવ ડ્રેસિંગ રૂમના બંધ દરવાજાને તાકી રહ્યો. તેના મનમાં આંધી ફૂંકાઈ રહી હતી, તેના મગજમાં તોફાન ચાલી રહ્યું હતું.

૦ ૦ ૦

રાતના સાડા નવ વાગ્યે કશીશ અભિનવ સાથે ‘હોટલ ગૅલોર્ડ’ના પાર્ટી હોલ પાસે પહોંચી, ત્યારે તેની બેનપણી અનુરાધા અને અભિનવનો ફ્રેન્ડ ઈશાન એન્ટ્રેન્સ પર જ ઊભા હતા. ‘લો, ભઈ,’ ઈશાને બર્થ-ડે ગર્લ અનુરાધાને કહ્યું : ‘હવે તારી પાર્ટીની શાન વધી જશે. દુનિયાનું સહુથી વધુ ખૂબસૂરત કપલ આવી ગયું.’

અભિનવ હસ્યો, કશીશ મલકી.

‘કેક કાપવા હું તમારી જ વાટ જોઈ રહી હતી.’ અનુરાધાએ કહ્યું.

કશીશે નિશાંતને શોધવા માટે નજર ફેરવી. નજીકમાં જ ઊભેલા ઊંચા-તગડા, લાંબા વાળ અને અણિયાળા નાક-નકશાવાળા યુવાન પર તેની નજર રોકાઈ. એ નિશાંત હતો. તેણે નિશાંત પરથી નજર પાછી ખેંચી અને અનુરાધા સાથે આગળ વધી.

અનુરાધાએ કેક કાપ્યું એ વખતે ‘હૅપ્પી બર્થ ડે ટુ યુ, અનુરાધા ડીયર’નું ગીત બધાંએ ગાયું અને બધાંએ કેક ખાવાની સાથે જ અનુરાધાને ગિફટો આપી. નિશાંતે બધાંના ફોટા પાડયાં, એ દરમિયાન કશીશ અને નિશાંત વચ્ચે આંખ-મિચોલી ચાલતી રહી.

અત્યારે હવે બધાં પોત-પોતાના ગ્રુપમાં ગપાટાં હાંકી રહ્યાં હતાં.

કશીશ અભિનવની સાથે ઈશાન, અનુરાધા, સ્વાતિ અને તરૂણ પાસેે ઊભી હતી.

‘કશીશ ! આ સાડીમાં તો તું અદ્ભુત લાગી રહી છે.’ સ્વાતિએ કશીશને વખાણી, એટલે અભિનવે મલકતાં કશીશ સામે જોયું. કશીશ મલકી, પણ અભિનવ જ આ સાડી ખરીદી લાવ્યો હતો, અને અભિનવે જ તેને આજે આ સાડી પહેરવાનું કહ્યું હતું, એ કહેવાનું તેણે ટાળ્યું. ત્યાં જ, શેરબજાર સાથે સંકળાયેલા જયનીલે અભિનવને બોલાવ્યો, ‘અભિનવ, અહીં આવીશ.’

‘હા,’ જયનીલને જવાબ આપીને અભિનવે કશીશને કહ્યું : ‘હું હમણાં આવ્યો !’ અને તે ચાર-પાંચ શેરબજારિયાને લઈને ઊભેલા પોતાના ધંધાદારી દોસ્ત જયનીલ તરફ આગળ વધી ગયો.

કશીશ પાછી નિશાંતને શોધવા ગઈ, ત્યાં જ તેની નજર તેમનાથી થોડે દૂર ઊભેલા નિશાંત પર પડી. નિશાંત તેની તરફ જ જોઈ રહ્યો હતો. કશીશે પાછું પોતાના ગ્રુપ તરફ જોયું. ઈશાન, અનુરાધા, સ્વાતિ અને તરૂણ વાતોમાં હતાં.

‘હું હમણાં આવી.’ કહેતાં કશીશ જમણી તરફ સરકી. તેણે નિશાંત તરફ જોયું. નિશાંતની નજર તેની પર જ ચોંટેલી હતી.

કશીશે નિશાંત તરફથી નજર પાછી વાળી લીધી અને પાર્ટી હોલની જમણી બાજુ આવેલી લૉબીમાં પહોંચી. કશીશ વિશાળ લૉબીની ખુલ્લી જગ્યા વટાવીને રેલિંગ પાસે આવીને ઊભી રહી. તે સામે, થોડેક દૂર દરિયાના ઉછળતાં મોજાં અને એ મોજાંમાં ચંદ્રની ચાંદનીને નહાતી જોઈ રહી, ત્યાં જ નિશાંત તેની બાજુમાં આવીને ઊભો રહ્યો. ‘કશીશ !’ નિશાંતે સીધું જ પૂછયું : ‘તેં તો કહેલું કે, અભિનવ અમેરિકા...’

‘...એનો પ્રોગ્રામ કેન્સલ થયો.’ કશીશ નિશાંત તરફ જોતાં બોલી : ‘મેં તને ફોન કરવાનો પ્રયત્ન કરેલો, હવે શું કરીશું ?’

‘અભિનવની હાજરીમાં આપણે શું કરી શકીએ ?’ કહીને નિશાંતે પૂછયું : ‘અભિનવ મને ઓળખતો તો નથી ને ?’

‘ના !’

‘આજે તું કમાલની ખૂબસૂરત લાગી રહી છે.’ નિશાંત પ્રેમભીના અવાજે બોલ્યો : ‘જો પેલો ચાંદો પણ તારી ખૂબસૂરતીથી શરમાઈને વાદળ પાછળ લપાઈ ગયો.’

કશીશ હસી પડી.

‘સાચું કહું, અત્યારે મને તારી આ દરિયા જેવી આંખોમાં ડૂબી જવાનુ મન થાય છે.’ નિશાંત બોલ્યો : ‘તારા આ સોનેરી વાળ મારા શરીર ફરતે લપેટીને...’

‘બસ-બસ !’ નિશાંતને બોલતો રોકતાં કશીશ બોલી : ‘તું તો ફોટોગ્રાફરમાંથી કવિ બની ગયો.’

‘...કવિ નહિ, કશીશ !’ નિશાંત બોલ્યો : ‘તારા પ્યારમાં તો હું રાંઝા, મજનુ, અને મહિવાલનો કોકટેઈલ બની ગયો.’

કશીશ ખિલખિલ હસી પડી.

‘કશીશ !’ નિશાંત કશીશની માંજરી આંખોમાં જોતાં બોલ્યો : ‘શું કાલે ફરી લંચ વખતે મને આ પરીઓની રાણીની ખૂબસૂરતી પામવાનો મોકો મળશે ને ? !’

‘હા, જરૂર મળશે.’ બોલતાં કશીશનો ગુલાબી ચહેરો લાલ બની ગયો, ત્યાં જ તેના કાને અભિનવનો અવાજ પડયો : ‘અરે, કશીશ ! તું અહીં છે ? !’

કશીશ પાછળ ફરી. લૉબીના દરવાજા પાસેથી અભિનવ તેમની નજીક આવતો દેખાયો. ‘કશીશ,’ તેમની પાસે આવીને અભિનવે કહ્યું : ‘મેં તને થોડીક પળો માટે છુટી શું મૂકી, તું તો આ હૅન્ડસમ યુવાન પાસે આવી ગઈ !’

‘અભિનવ ! હું આની સાથે તારી ઓળખાણ કરાવું.’ અભિનવ આવી ચઢયાના આંચકાને દબાવી દેતાં કશીશે કહ્યું : ‘આ નિશાંત છે. અને નિશાંત, આ મારા હસબન્ડ અભિનવ.’

અભિનવે નિશાંત સાથે હાથ મિલાવ્યો. ‘દોસ્ત,’ અભિનવે કહ્યું, ‘તું અહીંનો નથી લાગતો.’

‘હું દિલ્હીનો છું. થોડાં મહિના પહેલાં જ અહીં આવ્યો છું.’

‘નિશાંત ઈન્ટરનેશનલ ફોટોગ્રાફર છે.’ કશીશ બોલી : ‘એણે પોતાની ફોટોગ્રાફી માટે ઘણાં-બધાં એવૉર્ડ મેળવ્યા છે.’

‘એટલે,’ અભિનવે પૂછયું : ‘ફોટોગાફી એ તારો ધંધો છે ?’

‘હા !’ નિશાંત બોલ્યો : ‘પહેલાં હું મૅરેજ ફોટોગ્રાફી કરતો હતો. પછી દિલ્હીની જાણીતી એડ કંપની ‘રોઝ માર્કેટિંગ’માં જોડાયો. ત્યાં ચારેક વરસ કામ કર્યું, પછી ‘સુચેતા એડવર્ટાઈઝિંગ’માં રહ્યો અને આજકાલ અહીં ફ્રી-લાન્સ ફોટોગ્રાફી કરું છું.’

‘હં !’ અને અભિનવે કશીશ સામે જોયું : ‘કશીશ ! તારી આ મહાન ફોટોગ્રાફર સાથે કેવી રીતના મુલાકાત થઈ ગઈ ? !’

‘તને ખબર છે જ કે, હું મારી કંપનીની એડવર્ટાઈઝ માટે એકઝીબીશનોની મુલાકાતો લેતી જ રહું છું.’ કશીશ બોલી : ‘એક એડ માટે મારે એકસકલુઝિવ ફોટોગ્રાફની જરૂર હતી. એની શોધમાં હું નિશાંતની ફોટોગ્રાફીના એકઝીબીશનમાં પહોંચી ગઈ.’ અને કશીશે નિશાંત સામે જોતાં કહ્યું, ‘ખરેખર નિશાંત ખૂબ જ સુંદર ફોટા પાડે છે.’

‘તું આટલા વખાણ કરે છે, તો મારે નિશાંતના ફોટા જોવા જ પડશે.’ અને અભિનવે નિશાંત સામે જોયું : ‘હું કયારે ફોટા જોવા આવું, નિશાંત ?’

‘તમને જ્યારે ફાવે ત્યારે !’

‘કશીશ પાસે તારો મોબાઈલ નંબર હશે ને, નિશાંત ?’

નિશાંતથી કશીશ તરફ જોવાઈ ગયું. કશીશે નકારમાં સહેજ ગરદન હલાવી દીધી.

‘ના.’ નિશાંત જુઠ્ઠું બોલ્યો.

‘તો તારો નંબર બોલ !’ અને નિશાંત નંબર બોલ્યો એ અભિનવે મોબાઈલમાં સેવ કર્યો. ‘હું ફોન કરીને આવીશ. ચાલ, પછી મળીએ છીએ.’ કહેતાં અભિનવે કશીશનો હાથ પકડયોે અને હોલ તરફ ચાલ્યો. કશીશ આંખના ખુણેથી નિશાંત તરફ જોઈ લેતાં અભિનવ સાથે આગળ વધી.

નિશાંત, પોતાના પતિ સાથે જઈ રહેલી કશીશને જોઈ રહ્યો !

અત્યારે બપોરનો એક વાગ્યો હતો. અભિનવ પોતાની કારમાં, ઊંડા વિચારોમાં ગરકાવ થયેલી હાલતમાં પોતાની ઑફિસ તરફ આગળ વધી રહ્યો હતો.

ત્યારે અત્યારે, અભિનવની પત્ની કશીશે પોતાના પ્રેમી નિશાંતની બિલ્ડીંગથી થોડેક દૂર ટૅકસી ઊભી રખાવી અને ભાડું ચૂકવીને ચાલતી આગળ વધી.

નિશાંત ત્રણ માળની એક જૂની બિલ્ડીંગમાં રહેતો હતો. એમાં નિશાંત સિવાય કોઈ રહેતું નહોતું, એટલે કશીશ નિશ્ચિંત થઈને નિશાંત સાથે પ્યારભરી મુલાકાતો કરી શકતી હતી. જોકે, પતિ અભિનવને ખ્યાલ ન આવી જાય એ માટે તે કારને સત્યમ ચાર રસ્તે પાર્ક કરીને, ટેકસીમાં અહીં પહોંચતી હતી.

અત્યારે કશીશ નિશાંતની બિલ્ડીંગની પાછળની સન્નાટાભરી ગલીમાં દાખલ થઈ, એ જ પળે જમણી બાજુની દસ માળ ઊંચી બિલ્ડીંગના ત્રીજા માળની બારીમાં પાછલા અડધો કલાકથી કૅમેરા તૈયાર રાખીને ઊભેલા પ્રોફેશનલ ફોટોગ્રાફર કુમારે કશીશના ફોટા પાડવા માંડયા. કલીક ! કલીક !

‘શ્વીઈઈઈટ.....!’ વ્હીસલનો અવાજ સંભળાયો, એટલે ફોટોગ્રાફર કુમારે વ્હીસલ સંભળાઈ હતી, એ તરફ કેમેરા ફેરવ્યો.

સામેની બિલ્ડીંગમાં બાલકનીમાં ઊભેલા નિશાંતે સીટી મારી હતી.

ફોટોગ્રાફર કુમારે નિશાંતના ફોટા પાડવા માંડયા. કલીક ! કલીક ! કલીક !

‘આ કૅરી બેગમાં શું લાવી છે, કશીશ ? !’ ત્રીજા માળની બાલકનીમાંથી નિશાંતે પૂછયું.

‘તારા માટે ગિફટ છે. ઉપર આવીને બતાવું છું.’ અને કશીશ સીડી તરફ આગળ વધી. નિશાંત બાલકનીમાંથી અંદર ચાલ્યો ગયો.

ફોટોગ્રાફર કુમાર ત્યાંથી આગળ વધ્યો. હવે તેણે કશીશ અને નિશાંતના એકમેકમાંં ઓત-પ્રોત થયેલા ફોટા લેવાના હતા !

‘આ ફોટોગ્રાફર કુમારે પોતાના ફોટા લીધા છે,’ એ હકીકતથી બેખબર કશીશ નિશાંતના ફલેટના દરવાજે પહોંચી, એ જ પળે નિશાંતે દરવાજો ખોલ્યો. કશીશ અંદર પ્રવેશી એટલે નિશાંતે દરવાજો બંધ કર્યો ને કશીશને પોતાના મજબૂત હાથોમાં ઊંચકી લીધી.

‘એક મિનિટ, પહેલાં જો તો હું તારા માટે..’ પણ કશીશ વાકય પૂરું કરે એ પહેલાં જ નિશાંતે કશીશને પલંગ પર લેટાવી.

અને...!.....!.....!....!.....!

-રૂમની ચારે બાજુ, દીવાલો પર મોટા-મોટા ફોટા લાગેલા હતા. એ કલર ફોટાઓમાં કાગડા સાથે ઝાડ પર બેઠેલો એક પોપટ હતો. એકીટશે તાકી રહેલો સિંહ હતો. મીઠું મલકતી માંજરી આંખોવાળી યુવતી હતી. અને આ બધાં જાણે નિશાંત અને કશીશની, પ્રેમના દરિયામાંની આ મદહોશીભરી ડૂબકીઓના મૂક સાક્ષી બની રહ્યાં હતાં ! ! !

 

પ્રેમના ઘુઘવાતા દરિયામાંથી બહાર આવીને નિશાંતે કશીશના સોનેરી લાંબા વાળ સાથે રમતાં પૂછયું : ‘મારા માટે શું ગિફટ લાવી છે, કશીશ ?’

‘બતાવું.’ કહેતાં કશીશે કૅરી બેગમાંથી રેડીમેડ શર્ટ કાઢયું, ત્યાં જ બંધ મુખ્ય દરવાજા બહારથી સળવળાટ સંભળાયો. કશીશ ચોંકી ઊઠી, ‘બહાર કોઈ છે, નિશાંત.’

નિશાંત ઈશારાથી કશીશને ચુપ રહેવાનું જણાવીને દરવાજા તરફ ધસી ગયો. તેણે દરવાજા પાસે પહોંચીને અવાજ ન થાય એવી રીતના સ્ટોપર ખોલી અને એકદમથી દરવાજો ખોલી નાંખ્યો. બહાર કોઈ નહોતું. તેણે ડાબી અને જમણી બાજુ-પૅસેજમાં નજર દોડાવી. કોઈ નહોતું. તે સીડી તરફ દોડવા ગયો, ત્યાં જ દરવાજા બહાર પડેલી વસ્તુની તેને ઠોકર વાગી. એ બુકે છે, એ જોતાં તે સીડી તરફ દોડી ગયો.

પલંગ પર બેઠેલી કશીશ ઊભી થઈ અને દરવાજા પાસે પહોંચી. દરવાજા બહાર પડેલા બુકે-ગુલદસ્તા તરફ જોઈ લઈને તેણે સીડી તરફ જોયું.

સીડી પાસેથી પાછો ફરેલો નિશાંત કશીશની નજીક આવ્યો. ‘ત્યાં કોઈ નથી.’ કહેતાં નિશાંતે વાંકા વળીને બુકે ઉઠાવ્યું અને અંદર આવ્યો, એટલે કશીશે દરવાજો બંધ કરી દીધો.

બુકેમાં એક મોટું કાગળનું કવર ભેરવેલું હતું. નિશાંતે કવર પર ટાઈપ થયેલું લખાણ વાંચ્યું : ‘બે પાગલ પ્રેમીઓને એક દોસ્ત તરફથી સપ્રેમ !’

નિશાંતે કશીશ સામે જોયું.

‘કવરમાં શું છે, એ જો.’ કશીશ કંપતા અવાજે બોલી.

નિશાંતે કવર ફોડયું. અંદર એક ચિઠ્ઠી હતી. તેણે ચિઠ્ઠી ખોલી. ચિઠ્ઠીમાં લખાણ ટાઈપ થયેલું હતું.

નિશાંતે કશીશ સાંભળી શકે એવા અવાજે લખાણ વાંચવા માંડયું : ‘કશીશ ! તું અહીં પ્રેમમાં મસ્ત છે, જ્યારે બીજી તરફ તારી મોતની બાજી બિછાવવામાં આવી રહી છે.

‘એ બાજી કોણ બિછાવી રહ્યું છે ? એ નહિ જણાવું, પણ તને એટલી હિન્ટ જરૂર આપી દઉં છું કે, એ વ્યકિત તારી નજીકની, ખૂબ જ નજીકની છે !’

આ લખાણ નીચે નામ નહોતું.

નિશાંતે ચિઠ્ઠી પરથી નજર ઉઠાવીને કશીશ તરફ જોયું, તો કશીશ તેની તરફ ભય અને સવાલભરી નજરે જોઈ રહી હતી.

(ક્રમશઃ)