Ek Anokhi Saahas Yatra - 3 in Gujarati Adventure Stories by Dipesh Dave books and stories PDF | એક અનોખી સાહસ યાત્રા - 3 - અદભૂત જગ્યા

Featured Books
Categories
Share

એક અનોખી સાહસ યાત્રા - 3 - અદભૂત જગ્યા

અત્યાર સુધીમાં આપણે જોયું કે ભોલુ જંગલમાં વડાના ઝાડ નીચે ઉઠ્યો ત્યારે રાત થવા આવી હતી અને એ ઘરે જવા લાગ્યો ત્યાં એ ભૂલો પડી ગયો અને એક નાનો હાથી એને પોતાની પીઠ ઉપર બેસાડીને એક અજાણી જગ્યાએ લઇ ગયો જ્યાંથી એક ડોલ્ફિન એને સરોવરની અંદર લઇ ગઈ અને ત્યાં એક મહેલના દરવાજા આગળ આવીને ઉભી રહી. દરવાજો એની મેળાયે ખુલી ગયો અને બંને અંદર દાખલ થયા. હવે આગળ જોઈએ.


ડોલ્ફિન અને ભોલુ બંને મહેલમાં દાખલ થયા એટલે તરત જ દરવાજો બંધ થઈ ગયો અને ડોલ્ફિન પોતાનું રૂપ બદલીને એક નાનકડી કાર બની ગઈ અને એનો રેડીઓ એની મેળાએ જ વાગવા લાગ્યો. ભોલુ તો બસ જોતો જ રહ્યો. એ આજુ-બાજુ જોતો હતો ત્યાં રેડીઓમાથી અવાજ આવ્યો. “નમસ્કાર ભોલુ ભાઈ! મહેરબાની કરીને ગાડીની અંદર બેસો.” ભોલુ તરત જ ગાડીની અંદર બેસી ગયો. જેવા ભોલુ ભાઈ ગાડીમાં બેઠા કે તરત જ અવાજ આવ્યો, “સ્વાગત છે તમારું” ભોલુ તો વિચારમાં પડ્યો કે આ ગાડી કેવી રીતે બોલી શકે છે અને પાછું એનું નામ પણ જાણે છે. પછી તો ભોલુ ભગવાનનું નામ લઈને મનમાં બોલ્યો જે થશે એ જોયું જશે.


ગાડી ધીમે ધીમે ચાલવા લાગી, મહેલ તો ખુબ જ અજાયબ હતો. મોટો બધો આલીશાન અને દરેક બાજુ અજાયબ કહી શકાય એવી વસ્તુઓ ટીંગાળેલી હતી. મોટા મોટા રૂમ નાં દરવાજા દેખાતા હતા. અને દરેક દરવાજા પાસે બે બે નાના નાના હાથી ઉભા હતા. ભોલુ જ્યારે ત્યાંથી પસાર થયો ત્યારે બધાએ એનું સ્વાગત કર્યું. રાજુ તો હજુ પણ આશ્ચર્યમાં જ હતો. પછી ધીમે ધીમે ગાડી એક મોટા દરવાજામાં દાખલ થઇ. એ કોઈ મોટા સભાખંડ જેવો હતો. જ્યાં એક સિંહાસન ઉપર કોઈ રાજકુમારીની મૂર્તિ બેસાડેલી હતી. મૂર્તિ ખુબ જ આબેહુબ હોય એવું દેખાતું હતું જાણે હમણા જ એ ઉભી થશે અને વાતો કરશે.


હવે જ્યારે ગાડી સિંહાસન પાસે આવીને ઉભી રહી ત્યાં જ ગાડી અદ્રશ્ય થઈ ગઈ અને ત્યાં માત્ર રાજુ ઉભો હતો. એ જગ્યાનું અવલોકન કરવા લાગ્યો. એને થયું નક્કી આ કોઈ રાજાનો રાજમહેલ છે અને આ સભાખંડમાં એની સભા ભરાતી હશે. બધી બાજુ નાના નાના બેઠક માટેના આસન હતા અને તે દરેક ઉપર કોઈને કોઈ મૂર્તિ બેસાડેલી હતી અને દરેક મૂર્તિ ખુબ જ આબેહુબ બનાવેલી હોય એવું દર્શાતું હતું. ભોલુ વિચારવા લાગ્યો કે આ બધું કોણે બનાવ્યું હશે અને શા માટે? પાછું અહિયાં કોઈ દેખાતું પણ નથી. થોડી વાર એ ત્યાં બધું અવલોકન કરતો હતો ત્યાં એને કોઈકનો રડવાનો અવાજ આવ્યો. એ તરત જ ચોકન્નો થઈને જોવા લાગ્યો પણ ખબર પડતી નહોતી કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. એણે બધી બાજુ પોતાની નજર દોડાવી પણ કાઈ જ સમજ ન પડી.


પછી એ ધ્યાનથી સાંભળવા લાગ્યો તો એને સમજાયું કે નક્કી આ અવાજ એકાદ મૂર્તિમાંથી જ આવી રહ્યો છે. એણે દરેક મૂર્તિને ધ્યાનથી જોઈ તો એને ખ્યાલ આવ્યો કે આ અવાજ તો પેલી સિંહાસન ઉપર બેઠેલી મૂર્તિ તરફથી આવી રહ્યો હતો. ભોલુએ એક પળનો પણ વિચાર કર્યા વગર એ મૂર્તિ પાસે ગયો. એણે જોયું તો એને ખબર પડી કે આ અવાજ એ મુર્તિમાથી જ આવતો હતો અને પાછું એમાંથી આંસુ પણ નીકળતા હતા. રાજુને ખુબ જ આશ્ચર્ય થયું. આવા મોટા મહેલમાં કોઈ પણ હાજર નથી અને બધી બેઠક ઉપર કોઈને કોઈ મૂર્તિ બેસાડેલી છે. નક્કી અહી કઈક અજુગતું બન્યું હશે. એણે અવાજ આવતો હતો એ મૂર્તિ પાસે જઈને પૂછ્યું કે તમે કોણ છો અને કેમ રડો છો? તો તરત જ અંદરથી અવાજ આવ્યો કે અમે લગભગ ૩૦ વર્ષથી આ રીતે મૂર્તિ બનીને બેઠા છીએ. મહેરબાની કરીને અમારી મદદ કરો.


ભોલુ તો ખુબ જ સાહસિક બાળક હતો. એણે તો તરત જ કહ્યું, ચિંતા ન કરો અને મને જણાવો કે તમે આમ કેવી રીતે મૂર્તિ બની ગયા અને આ પ્રદેશ કયો છે અને મને અહિયાં લાવવા માટે આવેલ હાથી, ડોલ્ફિન અને ગાડી આ બધું શું છે? મૂર્તિમાંથી તરત જ અવાજ આવ્યો, “પહેલા તમે થોડો આરામ કરી લો અને જમવાનું પણ જમી લો. રાત્રે ૧૨ વાગ્યે અહિયાં આ જ જગ્યાએ આવીને ઉભા રહેજો એટલે હું તમને આખી વાત સમજાવીશ”


આટલું બોલતા જ પેલી ગાડી પાછી આવી ગઈ. ભોલુ એમાં બેઠો કે તરત જ ચાલવા લાગી અને એક સરસ મજાના ટેબલ પાસે લઇ ગઈ. ભોલુ તરત જ ઉતારીને ટેબલ ઉપર બેસી ગયો ત્યાં તો આખું ટેબલ એની મેળાયે જ ભાત ભાતના પકવાનોથી ભરાઈ ગયું અને એની થાળી પણ એની મેળાયે જ ભરાવા લાગી. ભોલુની મનપસંદ બધી જ વાનગીઓ ત્યાં હતી. ભોલુ તો ખુશ ખુશ થઈ ગયો. એને ભાવતા ગુલાબજાંબુ, રસમલાઈ, પોરણપૂરી, પીઝા, પાસ્તા, બર્ગર બધું જ એણે પેટ ભરીને ખાધું. પછી પાછો આઇસક્રીમ પણ આવ્યો. ભોલુભાઈને તો મોજ પડી ગઈ.


જમીને ભોલુ ઉભો થયો કે તરત જ એક રૂમનો દરવાજો ખુલ્યો. એમાં એ દાખલ થયો અને જોયું કે સરસ મજાનો પલંગ એની રાહ જોઈ રહ્યો છે. એના કાંડા ઉપર બાંધેલ ઘડિયાળમાં એલાર્મ મુકીને એ સુઈ ગયો. પલંગ ખુબ જ આરામ દાયક હતો એટલે તરત જ એને સરસ મજાની ઉંઘ આવી ગઈ.


વધુ આવતા અંકમાં...