કોલમ-સ્ક્રોલ ડાઉન
શીર્ષક- એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન
લેખક- અલ્પેશ બારોટ
પહેલાના સમયમાં ફોન નોહતો. લોકો એકમેકને પત્રો લખતા. તે પત્રો ક્યાં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન હતા? એક પત્ર કેટલા બધા લોકોના હાથમાંથી પસાર થતો, કેટલા બધા લોકો તેને વચ્ચેથી વાંચી લેતા હતા. પત્ર લખ્યો અને અમુક ક્ષણમાં જ જવાબ મળી ગયો તેવું પણ નોહતું.પત્ર બીજી વ્યક્તિ સુધી પહોંચવામાં ઘણો લાંબો સમય લાગતો હતો. પત્ર લખી, સમય કાઢી ટપાલઘર જવું, ત્યાંથી પ્રોસિજર મુજબ ટપાલ અલગ અલગ સ્ટેશન થઈને મોકલનારના વિસ્તારમાં પહોંચે, પછી તે માટે બીટ ફાળવેલી હોય તે મુજબના ટપાલીના હાથમાં જાય અને પછી તે ડીલિવર થાય. ન કોઈ કન્સાઇનમેન્ટ નંબર હતું. ન આપણો પત્ર ક્યાં પોહચ્યું તે આપણે આંગણીના વેઢે ટ્રેક કરી શકતા હતા. ઘણા કિસ્સામાં એવું થતું કે સરનામું બદલાઈ જાય, લાંબા સમય માટે બહાર ગામ હોય તો પત્ર અભેરાઈ પર પડ્યું રહે. તમે સિર્ફ તુમ ફિલ્મ જોઈ છે ? દીપક અને આરતીનું પાત્ર તમને યાદ જ હશે! ટ્રેનમાં આરતી તેના અસલ ડોક્યુમેન્ટ ભૂલી જાય છે જે દીપકને મળે છે. દીપક તે ડોક્યુમેન્ટ આરતી સુધી પહોંચાડે છે. આરતી દીપકને આભાર વ્યક્ત કરવા પત્ર લખે છે. દીપક જવાબ આપે છે અને વાતોનો સિલસિલો ચાલુ થાય છે અને બંને પ્રેમમાં પડે છે. ત્યાર બાદ દીપક શહેર બદલે છે, દીપક કેરળ મૂકી દિલ્લી આવે છે. આરતીના બનેવી તેને લગ્ન માટે દબાણ કરે છે અને બહુ બધા પ્રશ્નો, તકલીફ અને ગૂંચવણ ઊભી થાય છે. આપણે પત્રપુરાણ આગળ વધારીએ, પત્ર ક્યાંય આડો અવળો ન ગયો હોય,હાથો હાથ પહોંચી ગયો હોય, ત્યારે સામેની વ્યક્તિને પત્ર મળે, તે પત્ર વાંચે, જવાબ લખે અને પત્ર લખવા સમયે જે પ્રોસેસ થઇ હતી તે જ પ્રોસેસ થાય અને પત્ર ફરતો ફરતો હાથમાં આવે! ત્યારે
ઓનલાઇન લખેલું નોહતું દેખાતું. ટાઈપિંગ....ટાઈપિંગ....લખેલું નોહતું દેખાતું. ડેટા ઓફ હોય તો સિંગલ રાઈટ, મેસેજ ડિલિવર થઇ ગયું હોય તો ડબલ રાઈટ અને વાંચી લીધું હોય તો બ્લુ કલરમાં ડબલ રાઈટ નોહતું બતાવતું. છતાં પ્રેમ અકબંધ રહેતો, જવાબની રાહ જોવાની ધીરજ હતી. લોકો અક્ષરના મરોડથી ભાવ સમજી જતા કે તેણે કઇ પરિસ્થિતિમાં, કેવી મનોદશામાં પત્ર લખ્યો છે. તે પત્ર વંચાઈ ગયા પછી રદ્દીમાં ફેંકાતો નહી, તે તો ફરી ફરીને વંચાતું. તે પત્ર નહિ પ્રિયતમ હોય તેમ તેની સાથે વાતો થતી. પહેલાંના રૂઢિચુસ્ત સમાજમાં પ્રેમની કોઈ જગ્યા જ નોહતી. પ્રેમ કરવું એટલે કોઈ મોટું પાપ કર્યા બરાબર હતું. એક પ્રેમ કરવા માટે કેટલી બધી તકલીફ, પ્રેમ થઇ જાય તો મળવા માટે તકલીફ, ન તો વોટ્સએપ હતું. ન ઇન્સ્ટાગ્રામ. એકવીસમી સદી એ પ્રેમ માટે, પ્રેમને પામી લેવા માટેની અત્યાર સુધીની સહુથી સરળ સદી છે. અત્યારે બે પ્રેમીઓ કોલ, મેસેજ, વિડિયો કોલ મારફતે જોડાયેલા હોય છે. ઘરમાં થોડી ઘણી રોકટોક હોય તો પણ અભ્યાસ, ક્લાસના બહાને મળી શકે છે. લગ્ન કરવા હોય તો બધા લોકોનો વિરુદ્ધમાં હોય છતાં કરી શકે છે. કેમ કે તેને કાયદો રક્ષણ આપે છે. મોટા ભાગના કિસ્સામાં તો હવે પરિવાર પણ સહકાર આપે છે. બધું જ મોકાનું હોય છે. બધી જ મોકળાશ હોય છે. જે જોઈએ તે મળી જાય છે, જયારે જોઈએ ત્યારે મળી શકાય છે. આજકલ રીલ્સમાં વાયરલ અરિજિત સિંઘના ગીતની જેમ હવે 'ઊંચી ઊંચી દિવારો કો લાંઘ કે આના પડેગા..... 'જેવો માહોલ રહ્યો નથી. હવે તો સરળતાથી બારણું ખોલી વાજતે ગાજતે આવી શકાય છે. ગીતની આગળની પંક્તિ 'સાથ કંગન લેકે આના, વો બંધન લેકે આના, નિભાયે ગે સંગ મિલકે' તે માટે પણ હવે બહુ મહેનત કરવી પડતી નથી. ગમતી વ્યક્તિ સાથે લગ્ન થઇ જાય છે તેમ છતાં કેમ ઘણી બધી લવ સ્ટોરીનું ફ્લોપ શૉ જોવા મળે છે? કેમ લોકો સરળતાથી બધું જ પડતું મૂકી આગળ વધી જાય છે? પ્રેમનું અસ્તિત્વ વર્તમાન સમયમાં પણ છે જ , આજની તારીખમાં સાચો પ્રેમ થાય છે, પણ હવે કોઈ જૂની ફિલ્મો નથી જોતું, દાદા-દાદી, મમ્મી-પપ્પાની પાસે નથી બેસતું તેને તેના સફળ લગ્ન જીવન, તેના અનુભવો વિશે નથી પૂછતું. લગ્ન જીવન, રિલેશનશિપ કેવી રીતે લાબું ચાલે, સ્મૂધ ચાલે તે વિશે નથી પૂછતું. સંબંધમાં કેવી રીતે જતું કરવું તે કોઈએ શીખવાડયું જ નથી એટલે વાત ઈગો પર આવી જાય છે. હવે ઊંચી ઊંચી દિવારોની,સમાજની લડાઈ નથી, બે વ્યક્તિઓ વચ્ચેની લડાઈ છે. ઈગો સાઈડમાં મૂકી ન શકાય? ભૂલો જતી ન કરી શકાય? પામી લેવા માટે ઈગો, સેલ્ફ રિસ્પેક્ટ સાઈડમાં મૂકી હતી તો નિભાવવા માટે ન મૂકી શકાય? બે વ્યક્તિ ત્રીજી વ્યક્તિને ઇન્વોલ્વ કર્યા વગર સામે બેસી એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન સંવાદ ન કરી શકે? પ્રેમ કરવા માટે જેટલા એફર્ટ લગાવેલા શું ઠીક કરવા એફર્ટ ન લગાડી શકે? રાતના ત્રણ ત્રણ વાગ્યે જાગીને મેસેજ કરનારી પ્રજા શું બેસીને પોતાના સંબંધ ને તૂટતો બચાવવા સંવાદ ન કરી શકે?
સમાપ્ત