લેખ:- વાર્તા અને તેનું જીવનમાં સ્થાનલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીવાર્તા રે વાર્તા
ભાભૉ ઢોર ચારતા,
ચપટી બોર લાવતા
છોકરાં સમજાવતા.
એક છોકરો રીસાણો
કોઠી પાછળ સંતાણો.
કોઠી પડી આડી છોકરાએ
ચીસ પાડી
"અરરર માડી....."
તમને ખબર છે આ પંક્તિઓ? હું નાની હતી ત્યારે ઘણી વાર સાંભળી હતી. આજકાલ તો અંગ્રેજી rhymes આગળ આ ગુજરાતી ગીતો લગભગ વિસરાઈ ગયા છે. આવા ગીતો જ નહીં, હવે તો ધીમે ધીમે વાર્તાઓ પણ વિસરાવા માંડી છે. બાળવાર્તા તો ઠીક, મોટેરાઓ માટેની વાર્તાઓ પણ લગભગ લુપ્ત થવાને આરે છે. નાનું બાળ હોય કે વૃદ્ધ વ્યક્તિ, વાર્તા સાંભળીને માત્ર તેનું મન જ પ્રસન્ન નથી થતું, એને કંઈક નવું જાણવા પણ મળે છે.
ઉપરાંત, વાર્તાઓ તો આપણી વાત આવનારી પેઢી સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ છે. બોધપાઠ આપતી વાર્તાઓ માત્ર બાળકોને જ નહીં, નાનાં મોટાં સૌ કોઈને કામ લાગે છે. ક્યારેક કોઈ વાત સાંભળનાર ન હોય ત્યારે એ જ બાબતને જો વાર્તા સ્વરૂપે રજૂ કરવામાં આવે તો એની અસરકારકતા અનેકગણી વધી જાય છે.
આજની પેઢી માટે લોકો ફરિયાદ કરે છે કે તેઓ કોઈ પણ પ્રકારનાં તહેવારો કે રીતરિવાજોમાં માનતા નથી. કોઈ પૂજા કે ઉપવાસ કરવા કહેવામાં આવે તો સામી દલીલ કરે છે કે, "આમ કરવાથી શું થશે?" અથવા તો "નહીં કરું તો શું ફેર પડવાનો છે?" આનું એકમાત્ર કારણ એટલું જ છે કે આજની પેઢીને આપણાં વાર તહેવાર અને રિવાજો સાથે જોડાયેલી વાર્તાઓ સંભળાવવામાં જ નથી આવી.
જે લોકો આજની પેઢી માટે ફરિયાદ કરે છે એ લોકોને મારે એટલું જ પૂછવું છે કે, "શું તમે તમારાં ઘરનાં બાળકોને કોઈ વાર્તા સંભળાવી છે? એ વાર્તા પાછળનો હેતુ, ઉદ્દેશ્ય વિશે માહિતિ આપી છે?" લગભગ જવાબ 'ના' હશે. કારણ કે આપણે તો બધાં બાળકોને સ્માર્ટ અને એક્ટિવ બનાવવા નીકળી પડ્યા છીએ. આથી બાળક હજુ તો બોલતાં કે બેસતાં શીખે કે પછી પા પા પગલી માંડે એ પહેલાં તો એનું પ્લે ગ્રુપમાં એડમિશન થઈ ગયું હોય છે, એ પણ હાઈ ક્લાસ અંગ્રેજી માધ્યમમાં!!! સાચું ને? અરે! અંગ્રેજીમાં પણ ઘણી બધી વાર્તાઓ છે, ઘણાં પુસ્તકો અંગ્રેજીમાં પણ લખાઈ જ ચૂક્યાં છે.
દિવાળી હોય કે શીતળા સાતમ, જન્માષ્ટમી હોય કે રક્ષાબંધન, 15 ઓગષ્ટ હોય કે 26 જાન્યુઆરી, દરેકની પાછળ કોઈકને કોઈક બાબત રહેલી છે, જેને વાર્તા સ્વરૂપે રજૂ કરવામાં આવે તો ચોક્કસથી જ બાળક સમજી શકશે. કોઈ પણ તહેવારમાં 'આ જ નિયમ ફરજીયાત પાળવાનો છે. વર્ષોથી આમ જ થતું આવ્યું છે અને આમ જ કરવું પડશે.' એવી ફરજ પાડવાને બદલે જો એ ઉજવવા પાછળનો શું હેતુ છે અને એમાં શા માટે ઉપવાસ કરવો પડે એની સમજ જો વાર્તા સ્વરૂપે આપવામાં આવે તો બાળક જલદી સમજી શકે છે.
આ ઉપરાંત, ધર્મને લગતી વાર્તાઓ વડીલોને પણ સાંભળવી ગમે, તેમજ એનાં દ્વારા આવનાર તમામ પેઢીને પોતાનાં ધર્મ વિશે ખ્યાલ આપી એમને ખોટી માન્યતાઓથી દૂર રાખી શકાય છે. હતાશામાં પ્રેરણાત્મક વાર્તાઓ, નવરાશના સમયમાં મનપસંદ વાર્તાઓ, ખુશમિજાજમાં હોઈએ ત્યારે હાસ્ય વાર્તાઓ, રોમાંચ અનુભવવો હોય ત્યારે હોરર કે જાસૂસી વાર્તાઓ વાંચવાની મજા જ કંઈક ઓર છે. હું તો વાંચવા માટે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિની રાહ જોતી નથી. બસ, પુસ્તક લો અને વાંચો. દર અઠવાડિયે એક પુસ્તક તો વંચાઈ જ જવું જોઈએ. આ મારો નિયમ બનાવી દીધો છે.
આમ તો હું અહીં ઘણાં બધાં પુસ્તકો અને લેખકોના નામ સૂચવી શકું એમ છું કે જેમની વાર્તાઓ ખરેખર સમાજને યોગ્ય દિશાનિર્દેશ કરે છે. પણ આમાં પછી આ લેખ વાંચનાર તમામ માત્ર એ લેખકો પૂરતું જ પોતાનું વાંચન સીમિત રાખશે, એટલે ઉલ્લેખ કરતી નથી. હું પોતે એવું માનું છું કે માત્ર નામાંકિત લેખકોની જ વાર્તાઓ વાંચવાનો આગ્રહ ન રાખવો, ક્યારેક બહુ જાણીતાં ન હોય એવા લેખકોની વાર્તાઓ પણ ખૂબ સરસ બોધપાઠ આપતી હોય છે.
આશા રાખું છું કે આ લેખ વાંચ્યા બાદ કમ સે કમ આ વાંચનાર તમામ તો ઘરમાં વાર્તાની આદત પાડશે.
આભાર.
શ્રીમતી સ્નેહલ રાજન જાની.