HUN ANE AME - 25 in Gujarati Love Stories by Rupesh Sutariya books and stories PDF | હું અને અમે - પ્રકરણ 25

Featured Books
Categories
Share

હું અને અમે - પ્રકરણ 25

આખી રાત રાધિકાને નિંદર ના આવી. તેને બધી વાતો વારાફરતી યાદ આવવા લાગી. મયુરનું એમ કહેવું કે બેન્ક એકાઉન્ટ બંધ છે, એટીએમ કાર્ડ કામ નથી કરતું. પોતાની એનિવર્સરીનાં દિવસે રાકેશ પાસેથી પૈસા લેવા, પોતાના ઘેર આવ્યો ત્યારે કહેવું કે ' આ ગાડી મારી નહિ પણ મારા બોસની છે.' અત્યાર સુધી જયારે પણ તેણે તેના બોસનું નામ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે દરેક વખતે તેણે આડા-અવળા જવાબ આપેલા. આ તમામ વસ્તુઓ તેને આંખો સામે આવતી રહી.

ફોનમાં મયુરે જણાવ્યું કે સર પોતાનું કામ પતાવી નીકળી ગયા છે. દસ વાગ્યા આજુ-બાજુ રાકેશ સર પહોંચી જશે. સવારે તે એકલી બેઠી હતી અને દરવાજા તરફ નજર હતી. બરાબર દસ વાગેલા, ડોરબેલ વાગી એટલે તે ઝડપથી ઉભી થઈ અને ફટાફટ દરવાજો ખોલીને જોયું તો સામે તેના અમિતાભાભી ઉભેલા. રાકેશના આવવાના સમયે અમિતાભાભીને જોઈ તેના હોંશ ઉડી ગયા અને જીવ ગભરાવા લાગ્યો. તરત જ મનમાં વિચાર આવ્યો "હમણાં જ રાકેશ આવીને ઉભો રહેશે અને એવા સમયે ભાભી અહિંયા? જો તે રાકેશને જોઈ જશે તો બધાને કહી દેશે." તેના હાથ-પગ ઢીલા પડવા લાગ્યા અને પરસેવો વળવા લાગ્યો. તેની આવી બગડતી હાલત જોઈ અમિતાએ પૂછ્યું; "શું થયું? તારી તબિયત તો ઠીક છેને?"

"હા, ...હા ભાભી. હું ઠીક છું."

"તો પછી આમ મનમાં મુન્જાતી હોય એવું કેમ લાગે છે?" તેણે રાધિકાને ધક્કો મારી ઘરમાં અંદર આવતા કહ્યું, "મને ખબર જ હતી, તને રાત્રે બરોબર ઊંઘ નહિ આવે અને દર વખતની જેમ બીમાર થઈને ઉભી રહીશ."

રાધિકા પણ તેની પાછળ પાછળ ઘરમાં આવી અને કહેવા લાગી, "ના એવું કશું નથી!"

"શું એવું નથી! આ તારી આંખો જોઈ છે? એકદમ લાલઘોમ થઈ ગઈ છે. કાલે આખી રાત જાગતી 'તી કે શું?"

"કાલે એકલી હતીને, નીંદર ન્હોતી આવતી એટલે મોડે સુધી ટીવી જોય. એના લીધે થઈ ગઈ હશે!"

"એ તો ખબર જ હતી કે તું એકલી હોઈશ એટલે પોતાનું ધ્યાન રાખીશ જ નહીં. સારું થયું શારદાએ મને ફોન કરી જણાવી દીધું."

રાધિકાએ આશ્વર્ય સાથે પૂછ્યું, "શારદાકાકીએ તમને ફોન કર્યો! કેમ?"

તેણે ધીમેથી જવાબ આપ્યો, "કેમ નહિ, સારું થયું કે એણે અમને ફોન કરી કહી દીધું કે તું એકલી છે. હવે અમને તો કોઈને ખબર જ ન્હોતી કે મયુર કુમાર વડોદરા ગયા છે. ઉપરથી તમારા બંને નોકર પણ ચાલ્યા ગયા છે, એટલે સાંજે શારદાનો ફોન આવતાં જ મમ્મીએ સવારે મને મોકલી દીધી. લે આ મમ્મીએ તારા માટે મોકલાવ્યું છે." તેણે પોતાના હાથમાં રહેલી બેગ તેને આપી.

"શું છે આમાં?"

"નાસ્તો છે. એકલા માટે સવારના પ્હોરમાં ખોટી મહેનત કરવી એના કરતાં ચા બનાવી આ નાસ્તો કરી લેવાય."

"આની શું જરૂર હતી. તમને ખબર તો છે સવારે અમસ્તાય હું ઓછું જમું છું. ને એકલી છું તો ચાથી પણ ચાલી જાત."

"એટલે જ આ નાસ્તો મોકલાવ્યો છે."

રાધિકાની નજર ફરી ઘડિયાર તરફ ફરવા લાગી. દસ ઉપર પાંચ મિનિટ થઈ. જેમ જેમ કાંટા ફરતા હતા તેમ તેમ તેની ગભરાહટ વધતી જતી હતી. અમિતા તેની હાલત જોઈ શકતી હતી. તે પૂછવા લાગી, "રાધિકા! તને કાંઈ થાય છે? શું થયું? હું આવી ત્યારથી જોઉં છું તું ક્યાંક ખોવાયેલી છે."

સદનસીબે ઉતાવળમાં ભાભીની પાછળ આવતા ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયેલો. તેની નજર ઘરના મુખ્ય દ્વાર પર આવીને ઉભી રહેલી રાકેશની ગાડી પર પડી. તે ટીપોર્ટ પર જ બેસી ગઈ, અમિતાએ ફરી તેને પૂછ્યું, "શું થયું?"

"ભાભી લાગે છે માથું બૌ ભારે થઈ ગયું છે. મારી રૂમમાં દવાનું બોક્સ છે તે લાવી આપોને, પ્લીઝ!"

"હમ. આ કાલે મોડે સુધી ટીવી જોઈ છેને એની અસર છે. ખબર જ હતી કે તું ઘરમાં એકલી હોઈશ એટલે પોતાનું ધ્યાન રાખવાની જ નથી. હું બોક્સ લઈને આવું છું." કહેતી તે તેના રૂમ તરફ ચાલવા લાગી. સામેની બાજુ રાકેશ આ વાતથી અજાણ અંદર આવી રહ્યો હતો. અમિતા દાદર ચડી રહી કે રાધિકાએ દોડીને રાકેશનો હાથ પકડી લીધો અને ઝડપથી તેને ચલાવી તેના રૂમમાં લઈ ગઈ. તેને ભાન જ ન્હોતી કે તે શું કરી રહી હતી. રૂમમાં જઈને રાકેશે તેને સવાલ કર્યો, "શું થયું રાધિકા?"

આ સાંભળી તેને અહેસાસ થયો કે તે રાકેશને તેનો હાથ પકડીને લાવી છે. છાતી પર હાથ રાખી તેણે નિરાંતનો શ્વાસ લીધો. રાકેશ તરફ ફરતા તે બોલી, "અ... અ..અમિતાભાભી આવ્યા છે! ક્યારે જશે તે ખબર નથી. એ તમને ના જોવે એટલા માટે ... આ.. અં... આ..."

રાકેશ સમજી ગયો અને કડકાઈથી કહેવા લાગ્યો, "ઠીક છે. પણ કોઈ બહાને એને બહાર મોકલ. કારણ કે મારી પાસે વધારે સમય નથી. હું હમણાં ફ્રેશ થઈને ઓફિસ માટે નીકળું છું. મારો ડેટા ટ્રાન્સફર કરી, જેટલી જરૂરી વસ્તુઓ છે તેને મારી જોડે લઈ સાંજની ફ્લાઈટમાં મારે નીકળવાનું છે."

રાકેશની આ વાત સાચી હતી, પરંતુ તેના પર અમલ કરવો અઘરો હતો. રાધિકાને એકલી જાણી તે આવેલી. હવે રાધિકા કઈ રીતે તેને સમજાવે કે તે એકલી શું કામ છે? આ વણસતી પરિસ્થિતિને સંભાળવાનું મુશ્કેલ હતું. તેને બીજો કોઈ રસ્તો સુજતો ન્હોતો. તેણીએ તેની સામે પોતાના બંને હાથ જોડી દીધા. "એને સમજાવવા મારા માટે મુશ્કેલ છે. તમે બહાર નહિ આવતા, પ્લીઝ!" ભીની આંખોએ આટલું બોલી તે ચાલી ગઈ. તેને રડતા જોઈ રાકેશ ઢીલો પડી ગયો. રાધિકા જતા જતા દરવાજો બંધ કરતી ગઈ અને રાકેશ માત્ર તેને જતા જોઈ રહ્યો.

અમિતા બોક્સ લઈને નીચે આવી. "અરે માંડ માંડ કરીને મળ્યું. ક્યાં મૂકેલું છે એ તો તે કહ્યું જ નહિ." બોલતા તે તેની પાસે ગઈ. તેના પહોંચતા પહેલા રાધિકાએ આંસુ લૂછી પોતે પહેલા જેવી હતી તેવી રીતે સેટ થઈ ગઈ.

અમિતા બોલી, "લે આમાં તો આ એસિટામિનોફેન ની ટેબ્લેટ છે, લઈ લે માથું ઉતરી જશે. હું પાણી લઈને આવું છું." તે સતત એ વિચારમાં હતી કે આ પરિસ્થિતિને કઈ રીતે સંભાળશે. અમિતા પાછી આવીને પાણી આપવા લાગી પણ તે કોઈ બીજા વિચારોમાં જ પરોવાયેલી હતી. તેણે બે સાદ કર્યા ત્યારે તે ભાનમાં આવી અને તેના હાથમાંથી પાણી લઈ દવા પીધી. તેના માથાનો ઈલાજ હતો પણ જેના લીધે માથામાં દુખાવો થતો હતો તેનો ઈલાજ મુશ્કેલ હતો. તેને સતત ડર લાગતો હતો કે ક્યાંક રાકેશ બહાર ન આવી જાય.

"ઓફિસે આવવાનું કહી સર કેમ હજુ આવ્યા નહીં હોય?" એ વાતથી મુંજાઈ અહમે ફોન કર્યો. શાંત ઘરમાં તેની રિંગટોન સંભળાવા લાગી. અમિતા અચરજ સહ પૂછવા લાગી, "આ કોનો ફોન વાગે છે?"

"ક્યાં?"

"તને રિંગ નથી સંભળાતી?"

"ના ભાભી, મને તો કંઈ નથી સંભળાતું!" સાંભળવા છતાં અજાણ બનતા તે બોલી.

"અરે આટલા જોર જોરથી અવાજ પણ આવે છે."

"એ તો ઉંદર હશે!"

"ઉંદર!"

"હા, એ રૂમમાં છે, એટલે જ એનો દરવાજો બંધ રાખ્યો છે."

"હમ! તો ઠીક."

રાધિકાને વિશ્વાસ તો નહોતો કે રાકેશ પોતાની રૂમમાં રહેશે. પણ તેણે આખો દિવસ, ભૂખ્યા અને તરસ્યા પોતાની રૂમમાં કાઢ્યો. અંતે સાંજના સમયે ભૂખ અને તરસથી પરેશાન થઈ તેણે બહાર ડોકિયું કર્યું તો રાધિકા પોતાના ભાભી સાથે ઘરના મુખ્ય દરવાજે વાતો કરતી હતી. તે પાછો પોતાના રૂમમાં ગયો અને એકાદ ક્ષણમાં ફરી ડોકાયો તો જોયું કે અમિતા જઈ રહી છે. તેના ગયાના તુરંત બાદ તે પણ પોતાના કામે નીકળી ગયો. હવે બીજું કશું તો થાય તેમ નહોતું. બધું કામ પાર પાડવામાં તેને મોડું થયું અને રાતની ફ્લાઇટ મિસ થઈ ગઈ.

આ બાજુ રાધિકાને પણ શાંતિ થઈ કે ભાભીને કશી સમજ પડે તે પહેલા તે જતા રહ્યા અને રાકેશે તેનો સાથ આપ્યો. સાંજે ઘરમાં તે એકલી હતી. જેમ સવારે તેની રાહ જોતા બેઠી હતી એમજ અત્યારે પણ બેઠકખંડમાં બેસીને તેની રાહ જોવાઈ રહી હતી. મોડે સુધી રાકેશના કોઈ સમાચાર નહોતા. તે મનમાં પોતાની સાથે જ વાતો કરવા લાગી, "રાકેશ ક્યારે આવશે? કે પછી ઓફિસથી સીધો મુંબઈ ચાલ્યો ગયો તેની ખબર નહિ. પણ તેનો સામાન તો હજુ ઘરમાં જ છે! હશે, કોઈ માણસને મોકલાવી તે સામાન લેવરાવી લેશે. તે પોતાનું કામ પડતું મૂકે તેમાંથી નથી. પણ તે ચાલ્યો ગયો છે કે અહીં જ છે તે કેમ ખબર પડે? મયુરને... ના, એને જાણ નથી કરવી."

આવા જાત-જાતના સવાલો પોતાના જ મનને કરતી તે એક ઘડી દરવાજા તરફ ફરતી તો બીજી ઘડી તેનો વિચાર મેલી દઈ પોતાના રૂમ તરફ જવા લાગતી. ફરી પાછી વળીને દરવાજા તરફ જાણે કોઈ આવ્યું કે નહીં એવા અણસારથી જોવા લગતી. અંતે થાકીને તે પોતાની રૂમમાં જઈને સુઈ ગઈ. બે દિવસથી જાગતી તેની આંખો શરીર લંબાવતાની સાથે જ મીંચાય ગઈ.

જાત જાતના અવાજો તેના મનમાં વારાફરતી ગુંજવા લાગ્યા. ક્યારેક પોતાનો તો ક્યારેક મયુરનો, ક્યારેક અહમની કરેલી વાતોનો. આવા અવાજો તેને ધૂંધળાયેલા સ્વરે સંભળાવા લાગ્યા. કોઈ હસતું તો ક્યારેક કોઈ ગુસ્સો કરતું. તેના કપાળમાં પરસેવો વળવા લાગ્યો અને તે આમ તેમ પડખા અને માથું ફેરવવા લાગી. તેવામાં અચાનક જુના ગીતોનો ધીમો અવાજ આવવા લાગ્યો. એ અવાજ ધીમે ધીમે ઘાટો થતો ગયો અને બાકીના અવાજો મંદ પડી ગયા. ગીતો સાંભળી તે અચાનક ઉભી થઈ ગઈ. સામેની દીવાલ પર લટકતી ઘડિયાળમાં જોયું તો એક વાગેલો. પણ ગીતોનો અવાજ હજુયે આવતો હતો.

તે પોતાના બેડમાંથી ઉભી થઈ અને બહાર આવી જોયું તો સામેના બાર-ટેબલ પર બેસીને રાકેશ ડ્રિન્ક લઇ રહ્યો હતો. સાથે તે સિગરેટ પીતો ધીમા અવાજે જુના ગીતો વગાડી રહ્યો હતો. તેણે થોડીવાર પોતાના હાથની હથેળી ચોળતા વિચાર કર્યો અને નીચેની તરફ ચાલવા લાગી. રાકેશની બાજુમાં ખાલી પડેલી એક ખુરસી પર તે ચુપચાપ બેસી ગઈ અને મયુરે સગાઈમાં આપેલી અંગૂઠીને ફેરવવા લાગી. રાકેશે તેની આ હરકત પર નજર નાંખી પણ કશું કહ્યા વગર તે ખાલી થયેલા ગ્લાસમાં બીજું ડ્રિન્ક ભરવા લાગ્યો. તેના હાથમાં રહેલી સિગરેટના ધુમાડાને લીધે રાધિકાને ખાંસી આવવા લાગી. એ જોઈ તેણે સિગરેટ ઓલવી અને ગ્લાસ મોઢે લગાવી પીવા લાગ્યો. બે ઘૂંટ ભરી તેણે ગ્લાસ નીચે મુક્યો અને ગીત બંધ કરી તેને પૂછ્યું, "મને લાગે છે તું કશું કહેવા માંગે છે!"

"અ...!" રાધિકા બોલવાનો પ્રયત્ન કરવા લાગી પણ શબ્દ ના નીકળ્યો.

"મને કશું સંભળાયું નહિ!"

તે પોતાનું ગળું સાફ કરતાં બોલી: "રાકેશ, મારે તારી સાથે એક ખુલાસો કરવો છે."

"હા. એ જ કે કાલે હું કે મયુર બેમાંથી કોઈ ન્હોતું એટલે તે અહમને બોલાવી મારા વિશે જાણવાનો પ્રયત્ન કર્યો."

રાધિકાને આ સાંભળી આશ્વર્ય થયું, તે બોલી, "આ તને કેવી રીતે ખબર પડી?"

"અહમ મારી સાથે કોઈ દિવસ ખોટું નથી બોલ્યો, એટલે જ એ મારો સૌથી વિશ્વાસુ માણસ છે. આજે ઓફિસમાં સામે ચાલીને એણે મને બધું જણાવી દીધું."

"સોરી!"

"એના માટે સોરી કહેવાની જરૂર નથી." રાકેશે કહ્યું.

"ના, અત્યાર સુધી મેં તારી સાથે જે રીતે વર્તન કર્યું તે બદલ. તે દિવસે ઓફિસમાં પણ મેં તારી સાથે જે રીતે વાત કરી તેના માટે. આજે ભાભી આવી ગયા તો... તારે મારા માટે થઈને આખો દિવસ રૂમમાં કાઢવો પડ્યો. એ પણ ભૂખ્યા તરસ્યા, તે બદલ... સોરી."

થોડું હસી તે બોલ્યો, "ઇટ્સ ઓકે! પણ એના કારણે મારી ફ્લાઇટ મિસ થઈ ગઈ."

"ફોર ધેટ સોરી અને થેન્ક્સ."

"એ શેના માટે?"

"આજે જો તું બહાર આવી ગયો હોત તો ભાભીને બધી ખબર પડી જાત. મારે માટે થઈને તું રૂમમાં રહ્યો તે માટે થેન્ક્સ."

"ધેટ ઇઝ... ઓલ્સો ઓકે."

"ગઈ વખતે પણ તું જ્યારે મારી પાસે આવ્યો, ભાભીએ જ તને જોયેલો અને એણે જ તારી એ... એ... ચિઠ્ઠીની વાત બધાને કહેલી. પણ તારા ગયા પછી હું આવેલી તારી પાસે, તને એક સવાલ કરવા અને તારા પૂછેલા સવાલનો જવાબ આપવા. કદાચ હું લેટ થઈ ગઈ હતી ને તું જતો રહ્યો."

આ સાંભળી રાકેશ આતુર બની ગયો અને રાધિકા પણ જાણે તેને બધું કહી દેવા તત્પર થયેલી. રાકેશે સવાલ કર્યો, "મારા રામનંદનમાંથી ગયાના થોડા સમય પછી જ તારી સગાઈ થઈ ગયેલીને! તો તું ક્યારે આવી 'તી?"

"હું મારા સગાઈના દિવસે જ આવેલી. તું ક્યાં છે એની અમને ખબર ન્હોતી, જેવી જ મને ખબર પડી કે તું અને હિતેશભાઈ બંને દોસ્ત બની ગયા છો, હું અને નંદિની સીધા હિતેશભાઈના પાર્લરમાં આવેલા. પણ ત્યાં એના બદલે રઘુકાકા મળ્યા. તેણે કહ્યું કે તું વડોદરા માટે નીકળી ગયો છે."

"હમ. તો શું જવાબ લઈને આવેલી તું રાધિકા?"

"તું એમ વિચારતો હતો ને કે હું અલગ કેમ છું? તારે એ જ જાણવું હતું ને કે હું ખુલીને કોઈ સાથે વાત કેમ નથી કરતી?"

રાકેશ બોલ્યો, "હા, હું તારી એ અદાઓને નોટિસ કરતો હતો અને એટલે એ જ પૂછવા આવેલો. પણ મારી હિંમત ન્હોતી ચાલતી તારી સામે ઉભા રહીને વાત કરવાની."

"ડર..." રાધિકાએ જવાબ આપતા કહ્યું, "... એ મારો ડર હતો. નાની ઉંમરમાં પપ્પાને ગુમાવ્યા બાદ મારો ભાઈ જ મારા માટે સર્વસ્વ હતો. પણ એના લગન પછી એ સાવ બદલાતો ગયો. તેનું કારણ હતું કે તેના લગન પછી એણે ફેક્ટરી હકુકાકાથી અલગ કરી અને તેના હાથમાં પૈસા આવ્યા. આજે પણ તે હકુકાકાની જેમ પૈસા પાછળ આંધળી દોટ મૂકે છે. મને એનાથી ડર લાગવા લાગેલો. હું કોઈનાથી પણ વાત કરતા ખચકાતી."

"જો એવું છે તો તું મારી સાથે વાત કરવા શું કામ આવેલી?"

તે થોડું હસીને બોલી, "તને લાગે છે તું લોકોને સમજી શકે છે. પણ તને એમ નથી લાગતું કે લોકો પણ તો તને સમજી જ શકેને!"

"હા, બની શકે. તો?"

"હું તને તે દિવસે એક સવાલ પૂછવા આવેલી, મારે તને છેલ્લો અને એક માત્ર સવાલ પૂછવાનો હતો. સાચું કહેજે રાકેશ, શું તે દિવસે તું મને ખાલી એમ પૂછવા આવેલો કે મારો સ્વભાવ અલગ કેમ છે? તું એટલું જ જાણવા માંગતો હતો કે હું ખુલીને વાત કેમ નથી કરતી? મારા વિચાર શું છે? હું શું વિચારું છું? નહિ. કે પછી તું એમ જાણવા આવેલો કે હું તારા વિશે શું વિચારું છું?"

"રાધીકા! જો.. " તે પોતાની વાત પુરી કરે તે પહેલા રાધિકાએ કહ્યું, "બસ રાકેશ. તારી હિંમત ના થઈને આજે પણ સાચું બોલવાની. સ્વીકારી લે કે મારી જગ્યા આજે પણ તારા મનમાં છે."

"હતી." રાકેશ સ્વસ્થ થતા બોલ્યો, " એક દિવસના સમયે હતી. પણ એ કહેવાની મેં હિમ્મત કરી, ત્યાર બાદથી તારા માટેની એ જગ્યા જતી રહી છે. તું સાચું જ વિચારે છે. તે જે કહ્યું તે બધું સાચું છે. પણ હું રામનંદન છોડીને આવ્યો, ત્યારે તારા માટેની એ જગ્યા પણ ત્યાંજ છોડી દીધેલી."

આંખોમાં નમી ભરાઈ આવી અને તે ભાવુક અવાજમાં બોલી, "તું તો ભૂલી ગયો! પણ હું નથી ભૂલી તને. જેટલું માન તને મારા માટે હતું એનાથી વધારે મને તારા માટે હતું અને આજે પણ છે. એટલે જ હું મયુરની સામે તને સહન ન્હોતી કરી શકતી. મેં બધા જ પ્રયત્નો કર્યા કે તું ચાલ્યો જાય. કારણ કે હું મારી સામે તને આમ જોઈ નહિ શકું. એટલે નહીં કે આજે મને તારા વિશેની હકીકત ખબર છે. પણ મેં કોઈ દિવસ કોઈની સામે ઊંચી નજર કરીને નથી જોયું. એ તું જ હતો જેને મારુ મન વળી વળીને જોવા ઇચ્છતું હતું."

"રાધિકા!"

"તે દિવસે હું એટલા માટે જ તારી પાછળ આવેલી. જો તે દિવસે આપણે મળી ગયા હોત અને તે મને હા કહી હોત, તો તે જ ક્ષણથી હું તારી સાથે ચાલી આવતી. હું દરેકને જવાબ આપી દેત."

"પણ એવું થયું નથી. તારા લગન હવે મયુર સાથે થઈ ગયા છે. એ તારા માટે પરફેક્ટ છે."

રાધિકા પોતાની ખુરશી પરથી ઉતરી રાકેશની નજીક જતા બોલી, "તે મુંબઈથી આવ્યો ત્યારથી બદલાયેલો હતો. 'રાધુ' કહેવાનું તે જ એને કહ્યુંને?"

રાકેશે તેને પોતાની વધારે નજીક આવતા અટકાવી, "રાધિકા, અડધી રાત થઈ ગઈ છે, સુઈ જા."

તે પોતાની રૂમ તરફ ચાલવા લાગ્યો તો રાધિકાએ ફરી તેને અટકાવ્યો, "રાકેશ!"

"રાધિકા હવે ભૂતકાળને યાદ કરવાનો કોઈ અર્થ નથી. હું અલગ છું તમારાથી અને તારી લાઈફમાં મયુર છે. આશા રાખું છું તારી પાસેથી કે મારા લીધે એને કોઈ તકલીફ ના પડે. તે પહેલાથી જ એટલા બધા પ્રશ્નોથી ઘેરાયેલો છે."

આટલું કહી તે પોતાની રૂમમાં જતો રહ્યો અને પોતાનો સામાન પેક કરી દીધો. રાધિકા પણ બહારથી તેને જોતી રહી. રાકેશે તેને વારંવાર સમજાવ્યા છતાં તે ત્યાંથી ખસી નહિ. અંતે ડાઈનીંગ ટેબલ પર ચા પીતા પીતા સવાર સુધી બન્નેની વાતો ચાલતી રહી. રાકેશે પોતાનું મોં ધોયું અને બેગ લઈને ચાલતો થયો. "અમે રાહ જોઈશું." કહી રાધિકાએ તેને ભીની આંખે વિદાઈ આપી દીધી. સામે બની રહેલા ઘરમાં રાકેશ ક્યારે પાછો આવશે તેની કોઈ જાણ નહોતી કે કદાચ જેમ પોતાના પરિવારને પાછા આવવાનું જુઠ્ઠું બોલીને ચાલતો થયેલો એમ ચાલ્યો ગયો તેની ખબર નહિ. મયુર પાછો આવ્યો અને રાકેશના કહ્યા પ્રમાણે રાધિકાએ તેની સાથેની જીવન યાત્રા શરૂ કરી દીધી.

આ ઘટનાને સાત વર્ષ વીતી ગયા. પરંતુ આ અંગે મયુરને કોઈ જાણ ન થઈ. તેને સમજાયું તો ખાલી એટલું કે 'રાધિકાએ રાકેશને સમજવામાં ભૂલ કરી અને હવે તે જ બોસ છે એવી હકીકત જાણી તેને માન આપવા લાગી છે.' પણ ભૂતકાળને ભૂલવાના પ્રયત્ન સાથે રાધિકાએ વર્તમાનને અપનાવી લીધો. તેના મનમાંથી રાકેશ કોઈ દિ' નીકળ્યો ન હતો. આજે પણ તેને એની રાહ હતી. આજે ફરી તેને નીંદર ના આવી અને અત્યાર સુધીની તમામ યાદોને તે બાલ્કનીમાં ઉભા ઉભા યાદ કરતી હતી..



અહીંથી જ પહેલા ભાગની (હું અને અમે ભાગ ૧ - રાધિકા) શરૂઆત થયેલી. અત્યાર સુધીની દરેક વાત રાધિકાની યાદ હતી. જોઈએ હવે વર્તમાનમાં મયુર અને રાધિકાની લાઈફમાં શું થશે? આ વાર્તા અંગેનો આપનો કિંમતી પ્રતિભાવ જરૂર આપજો.

- R. D. Patel