એક નાનકડો બાળક જેનું નામ ભોલુ. ખૂબ જ તોફાની અને હોશિયાર પણ ખરો. ભણવું તો એને ગમે નહી પણ નવું નવું જાણવાનો એને બહુ જ શોખ. નિશાળમાંથી લેશન આપે તો તો એના મોતિયા જ મરી જાય. મમ્મી લેશન કરવાનું કહે ત્યારે તો એનું મોઢું રડું રડું થાય. મમ્મીને એનું આવું મો જોઇને દયા આવી જાય. મમ્મી વિચારે આ ભોલુ જો ભણશે નહી તો એનું શું થશે? પણ મમ્મીને એ ખબર નહોતી કે એને ખાલી લખવું જ નથી ગમતું બાકી એ હતો તો એકદમ હોશિયાર. નિશાળમાં કોઈ પણ શિક્ષક ભણાવતા હોય ત્યારે એનું ધ્યાન એકચિત્તે ભણવામાં જ હોય. બીજા બાળકોને તો કડાચ કંટાળો આવે પણ ભોલુને નહિ. એટલે જ એને તરત જ બધું આવડી જાય. જો ન સમજાય તો શિક્ષકોને પૂછી પૂછીને તેમનું માથું પકવી નાખે. શિક્ષકો પણ ખુશ થાય કે આવો છોકરો જરુર આપણું નામ ઉચુ કરશે.
પછી એક દિવસ શાળામાં નવા શિક્ષક આવ્યા એમનું નામ મહેતાસર. તેઓ ખૂબ જ મહેનતુ અને પરગજુ સ્વભાવના હતા પણ હતા એકદમ કડક સ્વભાવના. કોઈ પણ છુટછાટ ન આપે અને નાનું અમથું પણ ચલાવી ન લે. તેઓ શિસ્તમાં એકદમ માનતા હતા. તેઓ કહેતા જે બાળકમાં શિસ્ત ન હોય એ ક્યારેય આગળ ન આવી શકે. વર્ગમાં જ્યારે પણ ભણાવે ત્યારે બાળકોને ખૂબ જ મજાથી ભણાવે અને લેશન પણ ઘણું આપે.
આપણો ભોલુ તો મરુ-મરુ થઈ ગયો. ક્લાસમાં ભણવું ગમે પણ લેશન કરવું ન ગમે. બીજા શિક્ષકો તો ગમે તેમ ચલાવી લેતા.પણ મહેતા સર આ ચલાવી લે તેમ નહોતા. તેમના ધ્યાનમાં તરત જ આવી ગયું કે ભોલું લેશનમાં ઠાગાઠૈયા કરે છે. તેમણે તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. એક દિવસ સમય જોઇને એમણે ભોલુને બોલાવ્યો અને સમજાવ્યો કે બેટા, ખાલી આવડવું જરૂરી નથી. આવડે તેનો સદુપયોગ પણ થવો જોઈએ. જે આપણને આવડે છે તે બીજાને ખબર ત્યારે જ પડે જ્યારે આપણે એને સારી રીતે સમજાવી શકીએ અને એના માટે લખવું ખૂબ જ જરૂરી છે. બીજું કે પરિક્ષા તો લખીને જ આપવી પડે પણ જો તું લખીશ જ નહી તો પછી શિક્ષકોને ખબર કેવી રીતે પડે કે તું કેટલો હોશિયાર છે? લખવાનો જો કંટાળો આવશે તો તું પરિક્ષામાં સારા માર્ક સાથે કેવી રીતે પાસ થઈશ? અને જો તું તો કેટલો બધો હોશિયાર છું? તારા મમ્મી પપ્પાને પણ તારા માટે ગર્વ છે. તું જો તારું લેખન સુધારીને સારી રીતે લખીશ તો પરિક્ષામાં તારા સારા માર્ક ચોક્કસ આવશે અને તારો પરિવાર ખૂબ જ ખુશ થશે. શું તને એવું કરવું નહી ગમે ?
મહેતા સાહેબની વાત ભોલુ નાં મગજમાં ઘર કરી ગઈ અને એની એકમાત્ર ખામી પણ દૂર થઈ ગઈ. હવે તો એ એવું સરસ લખતો કે શિક્ષકો પણ આશ્ચર્યથી જોતા. હવે તો સ્કૂલમાંથી છપાતા મેગેઝીન માં પણ ભોલુ પોતાના વિચારો રજુ કરતો અને જુદી જુદી સ્પર્ધાત્મક લેખન પરિક્ષામાં પણ ભાગ લેતો થઈ ગયો અને ખૂબ મહેનત કરતો અને એને જોઇને બીજાને પણ પ્રેરણા મળતી અને મહેતા સાહેબ પણ ખૂશ થતા.
મોટો બનીને એક દીવસ આ જ ગામડાનો ભોલુ મોટો સાહિત્યકાર બન્યો અને બાળકો અને યુવાનો માટે પ્રેરણાત્મક વાર્તાઓ લખતો અને અને એના મોટા ભાગના પુસ્તકો બેસ્ટ સેલર બનતા. તેના પુસ્તકો લાઈબ્રેરીમાં ન હોય એવું બને જ નહિ અને બાળકોને એના પુસ્તકો ખૂબ જ ગમતા કારણ કે એમાં એવી તે અવનવી વાતો નો ખજાનો હોય કે બાળકોને પુસ્તક મુકાવું ગમે જ નહિ અને એકી બેઠકે એની વાર્તાઓ વાંચી જતા અને એમાંથી કઈક ને કઈક પ્રેરણા મેળવતા. આ બધાની પાછળ પેલા મહેતા સાહેબેની શિખામણ અને ભોલુ ની સમજદારી ખૂબ જ મહત્વની હતી.
સારા શિક્ષક હંમેશા પોતાના વિદ્યાર્થીઓનું હિત ઇચ્છતા હોય છે અને એટલે જ તો કહેવાયું છે ને કે શિક્ષક એ બીજી "મા" છે. ભોલુ ની વાર્તાઓની ખજાનો હવે બીજા લેખમાં આગળ વધારીશું.
-દિપેશ દવે