Narad Puran - Part 11 in Gujarati Spiritual Stories by Jyotindra Mehta books and stories PDF | નારદ પુરાણ - ભાગ 11

Featured Books
Categories
Share

નારદ પુરાણ - ભાગ 11

રાજા ભગીરથે ધર્મરાજ સામે હાથ જોડીને કહ્યું, “આપ જે કહી રહ્યા છો તે વિશિષ્ઠ છે. આપ પાપોમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવો.”

        ધર્મરાજે કહ્યું, “હે રાજા ભગીરથ, ભગવાન વિષ્ણુને અર્પણ કરેલાં કર્મ નિશ્ચયપૂર્વક સફળ થાય છે. નૈમિત્તિક, કામ્ય તેમ જ મોક્ષના સાધનભૂત કર્મ ભગવાન વિષ્ણુને સમર્પિત થવાથી સાત્વિક અને સફળ થાય છે. દશ પ્રકારની ભક્તિ પાપરૂપી વનને બાળી નાખે છે. તેમાં જે ભેદ છે તે કહું છું. બીજાનો વિનાશ કરવા માટે કરવામાં આવતું ભગવાનનું ભજન તેની અંદર રહેલા દૃષ્ટ ભાવને લીધે ‘અધમાં તામસી’ ભક્તિ ગણાય છે.

        વ્યભિચારીણી સ્ત્રી મનમાં કપટ રાખીને જેમ પતિની સેવા કરે છે, તેમ મનમાં કપટબુદ્ધિ રાખી ભગવાન નારાયણનું કરવામાં આવતું પૂજન ‘મધ્યમા તામસી’ ભક્તિ છે. બીજાઓને ભગવાનની આરાધના કરતાં જોઇને જે માણસ ઈર્ષાવશ થઈને પોતે શ્રીહરિની પૂજા કરે છે, તેની તે ક્રિયાને ‘ઉત્તમ તામસી’ ભક્તિ માનવામાં આવે છે. ધનધાન્ય આદિની યાચના કરતા રહીને પરમશ્રદ્ધાની સાથે શ્રીહરિની કરવામાં આવતી ભક્તિને ‘અધમા રાજસી’ ગણવામાં આવે છે. લોકોમાં કીર્તિ ફેલાવાની ભાવનાથી ભગવાનની કરવામાં આવતી આરાધના ‘મધ્યમા રાજસી’ ભક્તિ છે. સાલોક્ય એન સારૂપ્ય પદ પામવાની ઈચ્છાથી ભગવાન વિષ્ણુની ભક્તિને ‘ઉત્તમ રાજસી’ ભક્તિ કહેવાય છે.

        પોતે કરેલાં પાપોનો નાશ થવાના હેતુથી પૂર્ણ શ્રદ્ધા સાથે કરાતી શ્રીહરિની પૂજાને ‘અધમા સાત્વિકી’ ભક્તિ માનવામાં આવે છે. ‘ભગવાન વિષ્ણુને આ પ્રિય છે’ એમ માનીને જે શ્રદ્ધાપૂર્વક સેવા કરે છે, તેની સેવા ‘મધ્યમા સાત્વિકી’ ભક્તિ છે. ‘શાસ્ત્રની આ જ આજ્ઞા છે’ એમ માનીને ભગવાનની કરવામાં આવતું પૂજાને સર્વ પ્રકારની ભક્તિઓમાં શ્રેષ્ઠ ‘ઉત્તમ સાત્વિકી’ ભક્તિ માનવામાં આવે છે.

        ભગવાન વિષ્ણુનો મહિમા સાંભળીને પરમ સંતુષ્ટ થઈને તેમના ધ્યાનમાં જે તત્પર અને તન્મય બને છે, તેમની તે ભક્તિને ‘ઉત્તમોત્તમા’ કહી છે.

        આ દશ પ્રકારની ભક્તિ સંસારબંધનનો નાશ કરનારી છે, તેમાં પણ સાત્વિકી ભક્તિ સંપૂર્ણ મનોવાંચ્છિત ફળ આપનારી છે. તેથી સંસારને જીતવાની ઈચ્છા ધરાવનાર ઉપાસકે પોતાના કર્મનો ત્યાગ ન કરતાં ભગવાન જનાર્દનની ભક્તિ કરવી જોઈએ. સ્વધર્મનો પરિત્યાગ કરીને જે માણસ ભક્તિમાત્રથી જીવન ધારણ કરે છે, તેનાથી ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થતાં નથી. તેથી હે રાજન, મેં કહ્યું તેમ પોતાના ધર્મમાં (કર્મમાં) તત્પર રહીને ભગવાન નારાયણનું પૂજન કરો. હે જનેશ્વર, હું જે કાર્ય માટે તમારી પાસે આવ્યો તે તમને કહું છું. આત્મઘાતનું પાપ કરનારા તમારા પિતામહગણ મહાત્મા કપિલના ક્રોધાગ્નિથી ભસ્મ થઇ ગયા છે અને આ સમયે નરકમાં નિવાસ કરી રહ્યા છે. હે રાજન, તમે ગંગાજીને લાવવાનું પરાક્રમ કરીને તેમનો ઉદ્ધાર કરો. ગંગા ખરેખર પાપોનો નાશ કરનારી છે.

        મેં જેટલાં પણ પાપ કહી બતાવ્યાં છે, તે સર્વ ગંગાજળના એક બિંદુમાત્રના અભિષેકથી નષ્ટ થઇ જાય છે.”

        શ્રી સનકે કહ્યું, “હે નારદ, ધર્મરાજ ભગીરથને આ બધું જણાવીને અંતર્ધાન થઇ ગયા. ત્યારબાદ ભગીરથ સકલ પૃથ્વીનું રાજ મંત્રીઓને સોંપીને પોતે વનમાં ચાલ્યા ગયા. ત્યાંથી હિમાલય ઉપર જઈને નરનારાયણ આશ્રમથી પશ્ચિમ દિશા તરફ આવેલા શિખર પર તેમણે તપશ્ચર્યા કરી અને ગંગાને તેઓ ભૂતલ ઉપર લઇ આવ્યા.”

        નારદે કહ્યું, “હે મુને, હિમાલય પર્વત પર જઈને ભગીરથે શું કર્યું અને ગંગા કઈ રીતે લઇ આવ્યા તે વિસ્તારથી કહો.”

        શ્રી સનક બોલ્યા, “હે દેવર્ષિ, રાજા ભગીરથ જટા અને ચીર ધારણ કરીને તપશ્ચર્યા કરવા માટે હિમાલય પર જતી વખતે ગોદાવરી નદીના તટ પર પહોંચ્યા. તે મહાવનમાં મહર્ષિ ભૃગુનો આશ્રમ હતો. રાજા ભગીરથે તેમનાં દર્શન કરીને તેમને વંદન કર્યું. ભૃગુએ પણ સન્માનપૂર્વક તેમનો સત્કાર કર્યો. ત્યારબાદ જ્ઞાનની વાતો થવા લાગી.

        રાજા ભગીરથે પૂછ્યું, “ભગવન, હું સંસાર-બંધનના ભયથી વિકળ થઈને મનુષ્યોના ઉદ્ધાર થવા માટેનો ઉપાય પૂછવા માટે આપની પાસે આવ્યો છું, જો હું તે જાણવા લાયક હોઉં તો મને કૃપા કરીને જણાવો.”

        ભૃગુ બોલ્યા, “આપ શ્રેષ્ઠ છો અને તેથી જ પોતાના સમસ્ત કુળનો ઉદ્ધાર કરવાની યોગ્યતા ધરાવો છો. જે કર્મથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તે સાંભળો. તમે સદા સત્યનું પાલન કરજો અને અહિંસા ધર્મનું આચરણ કરજો. સર્વ પ્રાણીઓના હિતકાર્યોમાં તત્પર રહેશો, દૃષ્ટોની સોબત કરશો નહિ, સત્સંગનું સેવન કરજો, પુણ્યકાર્ય કરતાં રહીને દિનરાત ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતાં રહેશો. દ્વાદશાક્ષર અને અષ્ટાક્ષર મંત્રનો જાપ કરો. આથી તમારું કલ્યાણ થશે.”

        ભગીરથ બોલ્યા, “હે મુને, સત્ય કોને કહેવું?, સર્વ પ્રાણીઓનું હિત એટલે શું? દૃષ્ટો કેવા હોય? કેવા માણસોને સાધુ કહેવા?  પુણ્ય કેવું હોય છે? વિષ્ણુનું સ્મરણ કેવી રીતે કરવું? અને તમે કહેલ દ્વાદશાક્ષર અને અષ્ટાક્ષર મંત્રો શું છે? મારા ઉપર કૃપા કરીને આ સર્વ વાતો મને કહો.”

        ભૃગુએ કહ્યું, “હે ભૂપાલ, વિદ્વાન પુરુષો યથાર્થ કથનને સત્ય કહે છે. સાધુ પુરુષો દેશ, કાળ આદિનો વિચાર કરીને સ્વધર્મનો વિરોધ ન થાય એવી રીતે જે યથાર્થ વચન બોલે છે, તે ‘સત્ય’ કહેવાય છે. કોઈ પણ જીવને કલેશ ન આપવો તેનું નામ ‘અહિંસા’ છે. ધર્મના કાર્યમાં સહાયતા કરવી અને અધર્મ કાર્યનો વિરોધ કરવો-આને ધર્મજ્ઞ પુરુષ ‘સર્વ લોકોના હિતનું સાધન’ કહે છે. ધર્મ-અધર્મનો વિચાર કર્યા વગર પોતાની મરજી પ્રમાણે બોલવું તે ‘અસત્ય’ કહેવાય. હે રાજન, જેની બુદ્ધિ સદા કુમાર્ગમાં લાગેલી છે, જે બધાંનો દ્વેષ કરે છે અને મુર્ખ હોય છે. તેને ‘દૃષ્ટ’ જાણવો. જે માણસો ધર્મ અને અધર્મનો વિવેક કરીને વેદોક્ત માર્ગ ઉપર ચાલે છે  તેમ જ સર્વ લોકના હિતકાર્યમાં મગ્ન રહે છે, તેને ‘સાધુ’ કહેવામાં આવ્યા છે.

        આ સંપૂર્ણ જગત ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે, વિષ્ણુ સર્વનું કારણ છે અને હું પણ વિષ્ણુ છું- આવું જે જ્ઞાન છે, તેને જ ‘ભગવાન વિષ્ણુનું સ્મરણ’ સમજવું. અષ્ટાક્ષરમંત્ર સર્વ પાપોનો નાશ કરનારો અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારો તેમ જ સર્વ સિદ્ધિઓને આપનારો છે. ‘ૐ નમો નારાયણાય’ આ જ અષ્ટાક્ષરમંત્ર છે અને આનો જપ કરવો જોઈએ. તે ઉપરાંત ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ આ દ્વાદશાક્ષર મંત્ર છે. બંને મંત્રોનું સમાન ફળ છે. આ મંત્રો સાથે જ મનમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું. તે તમામ મનોવાંછિત ફળ આપનારા છે.”

        મહર્ષિ ભૃગુના ઉપદેશ પછી રાજા ભગીરથ હિમાલય ગયા અને ત્યાં નાદેશ્વર મહાક્ષેત્રમાં ઘોર તપશ્ચર્યા કરી. તેઓ ત્રણેય કાળ સ્નાન કરતા. કંદ, મૂળ અને ફળ ખાઈને રહેતા અને એનાથી જ અતિથિઓનો સત્કાર પણ કરતા. તેઓ રોજ હોમમાં તત્પર રહેતા. પત્ર, પુષ્પ, ફળ અને જળથી તેઓ ત્રણે કાળ શ્રીહરિની આરાધના કરતા હતા. ત્યારબાદ તે સુકા પાંદડાં ખાઈને રહેવા લાગ્યા અને પછી ભગીરથે પ્રાણાયામ ક્રિયા દ્વારા શ્વાસનો અવરોધ કરીને તપશ્ચર્યા કરવાનું શરૂ કર્યું. લાંબા સમય પછી રાજાના નસકોરામાંથી ભયંકર અગ્નિ પ્રકટ થયો, તેને જોઇને દેવતાતો ધ્રુજી ઉઠ્યા અને ક્ષીરસગરના ઉત્તર તટ ઉપર રહેતા ભગવાન મહાવિષ્ણુને શરણે ગયા.

        દેવતાઓએ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી અને ભગીરથની તપશ્ચર્યા વિષે કહ્યું. ભગવાન વિષ્ણુએ દેવતાઓને આશ્વાસન અને અભય આપ્યું અને પોતે રાજા ભગીરથ જ્યાં તપશ્ચર્યા કરતા હતા ત્યાં ગયા. તેમનાં દર્શન પામીને રાજા ભગીરથ હર્ષિત થયા.   

શ્રીહરિએ કહ્યું, “હે મહાભાગ ભગીરથ, તમારું અભીષ્ટ સિદ્ધ થશે. તમારા પિતામહ મારા લોકમાં જશે. રાજન, ભગવાન શિવ મારા બીજા સ્વરૂપ છે. તમે યથાશક્તિ તેનું સ્તવન કરો. અનાદિ, અનંતદેવ, મહેશ્વર સર્વ કામનાઓ અને ફળને આપનારા છે.”

ત્યારબાદ રાજા ભગીરથે ભગવાન શિવનું ભક્તિપૂર્વક સ્તવન કર્યું. સર્વ લોકોનું કલ્યાણ કરનારા મહાદેવ ભગવાન શંકર પોતાની સ્તુતિ સાંભળીને રાજા ભગીરથ સમક્ષ પ્રકટ થયા. તેમનાં પાંચ મુખ અને દશ ભુજાઓ છે, તેમણે અર્ધચંદ્રનો મુગટ ધારણ કરેલ છે, તેમને ત્રણ નેત્ર છે. તેમણે સર્પનું યજ્ઞોપવીત ધારણ કરેલું છે. ગજચર્મનું વસ્ત્ર પહેરેલા તે ભગવાન શિવમાં ચરણારવિંદ સમસ્ત દેવતાઓ દ્વારા પૂજાય છે.

ભગવાન શિવે રાજા ભગીરથને વર માગવા કહ્યું.

ભગીરથ બોલ્યા, “મેં મહેશ્વર, પિતૃઓની મુક્તિ માટે ગંગા પ્રદાન કરો.”

તથાસ્તુ કહીને શિવ અંતર્ધાન થઇ ગયા અને શિવની જટાથી નીકળીને જગતને પાવન કરનારી ગંગા ભૂતલ પણ નીચે આવીને રાજા ભગીરથની પાછળ ચાલવા લાગી. ત્યારથી ગંગા ‘ભાગીરથી’ નામથી વિખ્યાત થઇ ગઈ. સગરના પુત્રો જ્યાં પોતાનાં કર્મોને લીધે દગ્ધ થયા હતા તે સ્થાનને ગંગાએ પોતાના જળથી પ્લાવિત કરી તેમનો ઉદ્ધાર કર્યો. નરકમાં રહેલા સગરપુત્રો ત્યારબાદ વિષ્ણુલોકમાં ગયા.”

ક્રમશ: