Sapnana Vavetar - 44 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 44

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

સપનાનાં વાવેતર - 44

સપનાનાં વાવેતર પ્રકરણ 44

બીજા દિવસે અનિકેત કૃતિને પોતાની સાથે લઈ ગયો. એણે એને ઓફિસ પણ બતાવી દીધી અને પછી બાંદ્રામાં રિબેલો રોડ ઉપર ઓશન વ્યુ સ્કીમ ઉપર કૃતિને લઈ ગયો.

કૃતિ તો આ લોકેશન અને ફ્લેટ જોઈને ગાંડી જ થઈ ગઈ. એકદમ સમૃદ્ધ એરિયા હતો અને ચોથા માળ પછી તો દૂર દૂર દરિયાનાં દર્શન પણ થતાં હતાં. ફ્લેટમાં હવા ઉજાસ પણ ઘણાં સારાં હતાં.

એ પછી અનિકેતે કૃતિને મિલેનિયમ કોમ્પ્લેક્સ પણ બતાવ્યું જ્યાં એણે શ્રુતિ માટે શોરૂમ લેવાનું નક્કી કર્યું હતું.

"આ એકદમ પ્રાઈમ લોકેશન છે કૃતિ અને અહીં શ્રુતિની કદર થશે. અહીં કોઈ પૈસા માટે પૂછતું જ નથી. તમે જે ભાવ કહો તે આપી દે એટલો પૈસો અહીં છે. ઘણા ફિલ્મી કલાકારો પણ આ એરિયામાં રહે છે એટલે શ્રુતિ અહીં જામી જશે. " અનિકેત બોલ્યો.

" મને પણ આ એરીયા જોઈને ખૂબ જ સંતોષ થયો છે. આ કોમ્પ્લેક્સ પૂરું થઈ જાય એટલે તરત આપણે શ્રુતિને બોલાવી લઈએ. બાંદ્રાના આ ફ્લેટમાં તો પાંચ બેડરૂમ છે એટલે શ્રુતિ આપણી સાથે રહે તો પણ એને પૂરી સ્વતંત્રતા મળશે. અને આપણી સાથે રહેવાની હશે તો દાદા પણ પરમિશન આપશે. " કૃતિ બોલી.

" છતાં એના માટે આપણે રાજકોટ જઈને દાદાને રૂબરૂ મળવું પડશે અને એમને બરાબર કન્વીન્સ કરવા પડશે. હું નથી માનતો કે એ એકદમ તૈયાર થઈ જાય ! " અનિકેત બોલ્યો.

" તમારી એ વાત પણ સાચી છે. દાદા શ્રુતિને મુંબઈ બિઝનેસ કરવા માટે મોકલવા જલ્દીથી તૈયાર નહીં થાય. એક વાર આ કોમ્પ્લેક્સ તૈયાર થઈ જાય પછી આપણે રાજકોટ જઈ આવીશું." કૃતિ બોલી.

"હવે આપણે જૂહુ વરસોવા રોડ ઉપર બેલે વ્યુ ફ્લેટ પણ જોઈ લઈએ. એ પણ એકદમ સરસ લોકેશન છે અને ત્યાંથી પાર્લા પણ નજીક છે. ત્યાં ગુજરાતીઓની વસ્તી વધારે છે. " અનિકેત બોલ્યો.

" ના અનિકેત. મને આ બાંદ્રાનો ફ્લેટ બહુ જ ગમી ગયો છે. લોકેશન પણ સરસ છે. શ્રુતિનો શોરૂમ પણ અહીંથી નજીક છે. આપણે બીજે ક્યાંય જોવા જવું નથી. " કૃતિ બોલી.

"ઠીક છે તો પછી ઓશન વ્યુ નો આ ફ્લેટ જ હું ફાઇનલ કરી દઉં છું. હવે આપણે ઘરે ફેમિલી સાથે ચર્ચા કરીને વહેલી તકે શિફ્ટિંગ કરી દઈએ." અનિકેત બોલ્યો.
***********************
સમયને પસાર થતાં વાર નથી લાગતી. આજકાલ કરતાં છ મહિનાનો સમય પસાર થઈ ગયો. સપ્ટેમ્બર મહિનો પણ ચાલુ થઈ ગયો. આ છ મહિનામાં ઘણી બધી ઘટનાઓ બની ગઈ.

ધીરુભાઈ શેઠના નાના દીકરા મનીષ વિરાણીએ સુજાતા બિલ્ડર્સનો સંપૂર્ણ ચાર્જ લઈ લીધો. નવી સ્કીમોના તેમજ કન્સ્ટ્રક્શનના તમામ નિર્ણયો હવે મનીષભાઈ જ લેતા હતા. અનિકેત એમની મદદમાં રહેતો.

સુજાતા બિલ્ડર્સના જૂના એકાઉન્ટન્ટ સુનિલ શાહને મોટા જથ્થામાં પોતાના ઘરે ડ્રગ્સ રાખવાના ગુનામાં દસ વર્ષની જેલ થઈ હતી. અશોક બારોટ પણ ઘટનાના એક અઠવાડિયા પછી પકડાઈ ગયો હતો. પરંતુ એની પાસેથી કંઈ પણ પકડાયું ન હોવાથી એને માત્ર છ મહિનાની જેલ થઈ હતી !

ધીરુભાઈ શેઠ અને પ્રશાંતભાઈ હવે મુલુંડની ઓફિસ સંભાળતા હતા. ત્યાં બેસીને જ થાણાની સ્કીમોનું સંચાલન કરતા હતા.

કેનેડા વાનકુંવરમાં રહેતા અભિષેકની પત્ની કાવ્યાને સાત મહિના પૂરા થઈ ગયા હતા અને આઠમો ચાલતો હતો એટલે છેલ્લા ૧૫ દિવસથી મનીષની પત્ની ધારા કાવ્યાનું ધ્યાન રાખવા માટે કેનેડા ગઈ હતી.

અનિકેત અને કૃતિ છેલ્લા ચારેક મહિનાથી બાંદ્રામાં ઓશન વ્યુ ફ્લેટમાં શિફ્ટ થઈ ગયાં હતાં. ૫૦૧ નંબરનો ફ્લેટ કૃતિએ પસંદ કર્યો હતો અને શિફ્ટ થતાં પહેલાં બે કરોડનું ફર્નિચર ત્યાં કરાવ્યું હતું.

પત્ની ધારા કેનેડા ગઈ હોવાથી અત્યારે મનીષભાઈ અનિકેતની સાથે એના ફ્લેટમાં જ રહેતા હતા. ફ્લેટ ઓફિસથી બહુ દૂર ન હતો. બંને સાથે એક જ ગાડીમાં ઓફિસ જવા માટે નીકળતા.

ઓશન વ્યુના ફ્લેટમાં રસોઈ માટે થાણાના જૂના મહારાજે પોતાના ભત્રીજા શંકરને ગોઠવી દીધો હતો. એની વહુ પણ સાથે આવી હતી જે ઘરનું તમામ કામકાજ કરતી હતી. અનિકેતે એ લોકોને રહેવા માટે એક નાનો બેડરૂમ આપી દીધો હતો.

ખારની એક ટાવરની સ્કીમ પૂરી થઈ ગઈ હતી. બેલે વ્યુ પણ લગભગ પૂરી થવા આવી હતી. જુહુ સ્કીમના ૧૦ મા રસ્તા ઉપર રોટરી ક્લબની લગભગ બાજુમાં આવેલા જે પ્લોટ માટે રશ્મિકાંતભાઈએ અગાઉ મીટીંગ કરી હતી એ પ્લોટની વાત મનીષભાઈએ આગળ ચલાવી હતી અને બહુ મોટી કિંમતે ખરીદી લીધો હતો.

સુજાતા બિલ્ડર્સનો બે નંબરનો વહીવટ પણ મનીષભાઈએ પોતાના હાથમાં જ લઈ લીધો હતો. બે નંબરના તમામ રોકડા રૂપિયા ખારમાં વિજય દીપ ફ્લેટમાં જ રાખ્યા હતા અને દર અઠવાડિયે એક વાર મનીષભાઈ જાતે ફ્લેટ ઉપર જઈ આવતા હતા. ગિરીશ ગણાત્રા બહુ પ્રમાણિક એકાઉન્ટ હતો એટલે દરેક સોદાઓમાં મનીષભાઈ ગિરીશને સાથે રાખતા હતા.

છ મહિના પૂરા થયા ત્યારે અનિકેતે સંજય ભાટીયાને ફોન કરીને બોલાવી લીધો હતો અને શરૂઆતમાં દસ લાખ એડવાન્સ આપ્યા હોવાથી આ વખતે એને ૪૦ લાખ રોકડા આપી દીધા હતા. મનીષ અંકલને અનિકેતે આ માટે કન્વીન્સ કરી દીધા હતા. જો કે મનીષભાઈ અનિકેતના કોઈપણ નિર્ણયમાં માથું મારતા ન હતા. એમને પોતાના ભત્રીજા ઉપર પૂરો વિશ્વાસ હતો.

શ્રુતિ માટે અનિકેતે મિલેનિયમ શોપિંગ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોરનો શોરૂમ લઈ લીધો હતો અને ત્યાં શ્રુતિ સાથે ફોન ઉપર ચર્ચા કરીને ફર્નિચર બનાવ્યું હતું. તૈયાર થયેલા ડ્રેસ લટકાવવા માટે હેંગરો સાથેનાં સ્ટેન્ડ પણ ફીટ કરાવ્યાં હતાં.

હવે સૌથી મોટો સવાલ શ્રુતિને મુંબઈ લાવવાનો હતો. હરસુખદાદા કોઈ પણ રીતે શ્રુતિને મુંબઈ રહેવા માટે ના મોકલે એ કૃતિને ખબર હતી.

" અનિકેત આપણે હવે રાજકોટ જવું જોઈએ. શ્રુતિનો શોરૂમ તૈયાર થઈ ગયો છે. આગળ નવરાત્રી દિવાળી જેવા ફેસ્ટિવલ પણ આવશે. એટલે વહેલી તકે એ અહીં આવીને સેટ થઈ જાય અને એનું નામ થઈ જાય એ જરૂરી છે. " કૃતિ બોલી.

" હા તો પરમ દિવસે શનિવાર છે. હું ટિકિટ બુક કરાવી દઉં છું. બાર સાડા બારે આપણે પહોંચી જઈશું. મમ્મી પપ્પાને તો કોઈ જ વાંધો નથી. માત્ર દાદાને જ સમજાવવાના છે. એટલે શનિવારે દાદા ઘરે રહે એ રીતે તું વાત કરી લેજે. " અનિકેત બોલ્યો.

અને શનિવારે સવારે ૧૧ ના ફ્લાઈટમાં અનિકેત અને કૃતિ રાજકોટ પહોંચી ગયાં. ડ્રાઇવર એરપોર્ટ ઉપર આવી ગયો હતો. અડધી કલાકમાં તો બંને ઘરે પણ પહોંચી ગયાં.

"પહેલાં તમે લોકો હાથ ધોઈને જમવા બેસી જાવ. જમવાનું તૈયાર જ છે. " દાદી કુસુમબેન બોલ્યાં.

દાદીની સૂચનાને માન આપીને કૃતિ અને અનિકેત સીધાં ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયાં. શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો હતો. રસોઈમાં આજે દૂધપાક પૂરીનું જમણ હતું.

જમ્યા પછી બે કલાક અનિકેતે ઉપર બેડરૂમ માં જઈને આરામ કર્યો. સાડા ત્રણ વાગે બપોરની ચા મૂકાઈ ગઈ ત્યારે એ નીચે આવ્યો. હરસુખભાઈ નીચે સોફા ઉપર બેઠેલા જ હતા અને આ જ મોકો હતો વાત કરવાનો.

અનિકેતે રાજકોટ આવતાં પહેલાં પોતાના દાદા ધીરુભાઈ શેઠને પણ વિશ્વાસમાં લઈ લીધા હતા. જરૂર પડે તો શ્રુતિને મુંબઈ શિફ્ટ કરવાની વાતને ટેકો આપવાની અને હરસુખ દાદાને સમજાવવાની એણે વિનંતી કરી હતી.

અનિકેતની બાજુમાં કૃતિ પણ આવીને બેસી ગઈ.

" દાદા તમને મારે ખાસ એક વાત કરવાની હતી. અને સાચું કહું તો હું એના માટે જ રાજકોટ આવ્યો છું. " અનિકેતે વાતની શરૂઆત કરી.

" હા હા બોલોને કુમાર. તમારે મારી પરમિશન લેવાની થોડી હોય !" હરસુખભાઈ બોલ્યા.

" હું અને કૃતિ શ્રુતિને મુંબઈ લઈ જવા માગીએ છીએ. એ જે ભણી છે અને એની પાસે જે આવડત છે એની કદર રાજકોટમાં નહીં થાય. એ જો અમારી સાથે મુંબઈમાં રહેશે તો એના કામની કદર થશે. " અનિકેત બોલ્યો.

" મારે જો દીકરો હોત તો એક મિનિટનો પણ વિચાર કર્યા વગર હું એને તમારી સાથે મોકલવા માટે તૈયાર થઈ ગયો હોત. જ્યારે દીકરી તો પારકી અમાનત ગણાય. એણે અહીંયા રેસકોર્સ ઉપર નાનો શોરૂમ કર્યો છે એ પણ મને હમણાં ત્રણ-ચાર મહિના પહેલા ખબર પડી છે. મારાથી છાના છાના છોકરી પોતાનો બીઝનેસ ચાલુ કરે એ મને પસંદ નથી. છતાં હું ગમ ખાઈ ગયો. એટલે મુંબઈની વાત માટે મને માફ કરજો." હરસુખભાઈએ પોતાનો સ્પષ્ટ નિર્ણય આપી દીધો.

"દાદા.. એ અમારી સાથે જ રહેવાની છે અને શોરૂમ પણ અમારા ઘરની બાજુમાં જ છે. અમારી નજર નીચે જ એ પોતાનો બિઝનેસ કરવાની છે. એ પારકી અમાનત છે એ અમે જાણીએ છીએ. પરંતુ અમે ત્યાં પણ એના માટે સારો છોકરો શોધી શકીએ છીએ. એની પોતાની પણ ઈચ્છા છે માટે દાદા પ્લીઝ એને અમારી સાથે આવવા દો." કૃતિ બોલી.

" તેં જ એને મુંબઈ આવવા માટે ચડાવી છે. એની કાચી ઉંમર છે. લગ્ન પછી એ ગમે ત્યાં જાય ગમે ત્યાં રહે મને કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ લગ્ન પહેલાં આ રીતે એને હું મુંબઈ ના મોકલી શકું. તને એવું હોય તો એને લાયક સારો મુરતિયો મુંબઈમાં શોધી કાઢ. લગ્ન કર્યા પછી ભલે ને એ મુંબઈ જતી. " હરસુખભાઈ બોલ્યા.

" અરે દાદા. કૃતિનો આમાં કોઈ જ દોષ નથી. ગયા વર્ષે તહેવારોમાં એ એક અઠવાડિયા માટે મુંબઈ આવી ત્યારે એણે કેટલો મોટો બિઝનેસ કર્યો હતો એ તમે પણ કદાચ જાણતા જ હશો. એનું ભવિષ્ય મુંબઈમાં છે દાદા. અને અમારો આટલો મોટો ફ્લેટ છે. આખો એક બેડરૂમ અમે એને આપી દઈશું. એ અમારી સાથે જ રહેવાની છે પછી ચિંતા જ ક્યાં છે ? " અનિકેત બોલ્યો.

" મોટો બિઝનેસ કરીને કરવાનું શું ? આપણા ઘરે ક્યાં પૈસાની તંગી છે ? અને આજ નહીં તો કાલ લગ્ન કરીને એણે તો સાસરે જ જવાનું છે. પછી મુંબઈ જઈને પોતાનો બિઝનેસ કરવાનો મતલબ શું ? તમે ગમે તે કહો કુમાર, તમારી ભાવના સારી છે પરંતુ શ્રુતિ મુંબઈ નહીં આવે." હરસુખભાઈ બોલ્યા.

હરસુખભાઈની જીદ જોઈને અનિકેત અને કૃતિ અપસેટ થઈ ગયાં. આટલો મોટો શોરૂમ ખરીદ કર્યો છે. આટલું મોંઘું ફર્નિચર બનાવ્યું છે અને આ દાદા શ્રુતિને મુંબઈ મોકલવામાં માનતા જ નથી ! સોફામાં એક છેડે બેઠેલી શ્રુતિ વધારે અપસેટ થઈ ગઈ !!

" દાદા તમને ખબર છે ? અનિકેતે શ્રુતિ માટે બાંદ્રાના પોશ એરિયામાં એક કરોડનો શોરૂમ ખરીદ્યો છે. ૨૦ ૨૫ લાખનું ફર્નિચર બનાવ્યું છે. એમને વિશ્વાસ હતો કે શ્રુતિના સારા ભવિષ્ય માટે દાદા ના નહીં પાડે. આટલું બધું કર્યા પછી હવે તમે એમને બહુ નારાજ કરી દીધા. ઠીક છે અમે તો હવે સાંજે નીકળી જઈશું. જેવું શ્રુતિનું નસીબ !" કૃતિ બોલી અને એ સાથે જ શ્રુતિ દોડીને ઉપરના માળે જતી રહી.

" અરે પણ મારી સાથે ચર્ચા કર્યા વગર એ છોકરીના કહેવાથી આટલો બધો ખર્ચો કરાય ? શોરૂમ લેતાં પહેલાં મને પૂછવું તો જોઈએ ને ! " હરસુખભાઈ ડિસ્ટર્બ થઈ ગયા.

"અમને તો તમારા ઉપર વિશ્વાસ હતો દાદા કે શ્રુતિના ભવિષ્ય માટે થઈને તમે એને મુંબઈ જવાની પરમિશન આપશો. સાવ સાચું કહું તો અમે તમને સરપ્રાઈઝ આપવા માટે આવ્યા હતા. શ્રુતિ માટે આટલો મોટો શોરૂમ ખરીદ્યો ત્યારે અનિકેતના દાદા પણ કેટલા બધા ખુશ થયેલા !! કહેતા હતા કે એના માટે પણ સારો છોકરો આપણે મુંબઈમાં શોધી કાઢીશું. " કૃતિ બોલી.

કૃતિની આ વાતથી હરસુખભાઈ થોડા ઢીલા પડી ગયા. ધીરુભાઈ શેઠ પણ જો શ્રુતિ માટે આટલું બધું વિચારતા હોય તો પછી મારે આટલો બધો વિરોધ કરવો ના જોઈએ. આટલા બધા રૂપિયા ખર્ચીને જમાઈએ શોરૂમ શ્રુતિ માટે ખરીદ્યો હોય અને હું એને મુંબઈ મોકલવાની ના પાડી દઉં તો વાંક બધો મારો જ આવે અને સંબંધો પણ બગડી શકે !

" ઠીક છે ચાલો હવે. તમે બધા શ્રુતિ માટે આટલું બધું વિચારો છો પછી હું એકલો વિરોધ કરીને શું કરું ? તમને ઠીક લાગે એમ કરો. " હરસુખભાઈએ પોતાનાં હથિયાર હેઠાં મૂકી દીધાં.

અને આ રીતે શ્રુતિનું મુંબઈ જવાનું નક્કી થઈ ગયું. ગણેશ ચતુર્થીના ત્રણ દિવસ પહેલાં શ્રુતિ મુંબઈ આવી ગઈ. અનિકેતે એને રહેવા માટે પોતાના ફ્લેટમાં એક મોટો સ્વતંત્ર બેડરૂમ ફાળવી દીધો.

શ્રુતિએ લેટેસ્ટ ડ્રેસીસ ડિઝાઇન કરીને ચાર દિવસ પહેલાં જ અનિકેતના ફ્લેટ ઉપર કુરિયર મોકલી દીધું હતું એટલે મુંબઈ આવીને તરત જ શો રૂમમાં બધો માલ ડિસ્પ્લે કરી દીધો. ગણેશ ચતુર્થીના શુભ દિવસે સવારે નવ વાગે શ્રુતિ ક્રિએશન્સ નામના શોરૂમ નું ઉદઘાટન કર્યું.

શોરૂમ ના ઉદ્ઘાટનમાં અનિકેતે કોઈ જ કમી રાખી નહીં. જાણીતાં તમામ ગુજરાતી અને અંગ્રેજી વર્તમાનપત્રોમાં અડધા પાનાની જાહેરાત આપી. લોકલ ચેનલોમાં પણ જાહેરાત કરી. પ્રથમ દિવસે જ બાંદ્રા તેમ જ આજુબાજુના વિસ્તારમાંથી ઘણી કોલેજ ગર્લ્સ અને યુવતીઓએ આ સ્ટોરની મુલાકાત લીધી ! ડિસ્કાઉન્ટ હોવાથી પ્રથમ દિવસે જ માલ ચપોચપ વેચાવા લાગ્યો. પ્રથમ દિવસે કૃતિ એની મદદમાં રહી.

કૃતિ એને રોજ પોતાની ગાડીમાં મૂકી જતી અને લઈ આવતી. શ્રુતિ ધીમે ધીમે એના આ નવા શોરૂમમાં સેટ થઈ ગઈ. બે નવી છોકરીઓને પણ શ્રુતિએ સેલ્સમાં રાખી લીધી હતી.

નવરાત્રી સેલ્સ શ્રુતિને ખૂબ જ ફળ્યું. એટલો બધો ધસારો રહ્યો કે પોતાની ડિઝાઇન આપી આપીને એણે બહાર ડ્રેસ સીવડાવવા પડ્યા. નવરાત્રીમાં ગરબા રમવા માટે ગામઠી ડ્રેસ પણ એણે મંગાવ્યા હતા. ૨૦ થી ૨૫ હજારના ડ્રેસ પણ ચપોચપ વેચાઈ જવા લાગ્યા.

નવરાત્રી પૂરી થઈ ત્યાં સુધીમાં ૨૮ લાખ રૂપિયાના ડ્રેસ વેચાઈ ગયા. બીજા એડવાન્સ ડ્રેસીસના ઓર્ડર મળ્યા એ તો જુદા જ. તમામ ખર્ચો કાઢતાં લગભગ ૧૩ લાખ રૂપિયાનો પ્રોફિટ થયો. બાંદ્રામાં શ્રુતિએ પોતાનું નામ ઊભું કરી દીધું.

" જીજુ આ બધું તમારા કારણે શક્ય બન્યું. તમે મને રાજકોટમાં દસ લાખની મદદ ના કરી હોત તો આજે જે સ્ટેજ ઉપર હું પહોંચી છું તે ક્યારે પણ શક્ય બન્યું ના હોત. " દશેરા ના દિવસે રાત્રે જમતી વખતે શ્રુતિએ અનિકેતનો આભાર માન્યો.

" તારી પ્રગતિમાં અમે બંને તારી સાથે જ છીએ. અને તું જે સ્ટેજ ઉપર પહોંચી છે એના માટે તારી પોતાની મહેનત અને તારી ટેલેન્ટ જવાબદાર છે. હું તો માત્ર નિમિત્ત બન્યો છું. " અનિકેતન બોલ્યો.

" જીજુ ખોટું ના લગાડતા પરંતુ હું તમને દસ લાખ હવે પાછા આપવા માગું છું. મને ૧૩ લાખનો પ્રોફિટ થયો છે. ત્રણ લાખ રૂપિયા મારા માટે બહુ છે. અને હવે તો કમાવાની તકો મને મળવાની જ છે. " શ્રુતિ બોલી.

" મેં જ્યારે તને ચેક આપ્યો ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે આપેલા પૈસા હું પાછા લેતો નથી. તારે હવે એ દસ લાખ યાદ રાખવાની પણ કોઈ જરૂર નથી. મેં તને ગયા વર્ષે જે મદદ કરી એ મગજમાંથી ડીલીટ કરી દે. તારા કિસ્મતમાં જે હતું એ તને મળ્યું છે." અનિકેત બોલી રહ્યો હતો.

"જે મદદની ભાવનાથી આપે છે એના ખાતામાં પૂણ્ય જમા થાય છે અને લેનારને કોઈ કર્મબંધન પણ ઊભું થતું નથી. જે પાછા લેવાની ભાવનાથી આપે છે એને કોઈ પૂણ્ય મળતું નથી. ઊલટાનું લેનારને કર્મ બંધન શરૂ થાય છે." અનિકેત બોલ્યો.

" અરે જીજુ તમે મારા માટે થઈને જે પણ કંઈ કર્યું છે એનો બદલો તો હું ક્યારેય પણ ચૂકવી શકવાની નથી. હું તો તમને આ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી રહી હતી. મારા માટે થઈને તમે અહીં એક કરોડથી પણ વધારે રકમ ખર્ચી નાખી. દીદીએ પણ મને પૂરેપૂરો સાથ આપ્યો." કહેતાં કહેતાં શ્રુતિની આંખો ભીની થઈ ગઈ.

" બસ હવે તારા માટે અમે કોઈ સારો મુરતિયો શોધી કાઢીએ એટલે અમારી જવાબદારી પૂરી. અમે દાદાને પણ વચન આપ્યું છે. " કૃતિ બોલી.

" દીદી મારે લગ્નની કોઈ ઉતાવળ નથી. હજુ તો મેં બિઝનેસ ચાલુ કર્યો છે. બે ત્રણ વર્ષ તો હું લગ્નનો કોઈ વિચાર કરી શકતી જ નથી. " શ્રુતિ બોલી.

આ રીતે ડાઇનિંગ ટેબલ ઉપર ત્રણેય જણની વાતચીત ચાલુ હતી ત્યાં અચાનક કૃતિને ચક્કર આવી ગયા અને એ બાજુમાં બેઠેલા અનિકેત તરફ ઢળી પડી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)