Sapnana Vavetar - 42 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 42

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

સપનાનાં વાવેતર - 42

સપનાનાં વાવેતર પ્રકરણ 42

સવારે નવ વાગે અનિકેત ઉપર સાવંત અંકલનો ફોન આવી ગયો.

" થેન્ક્યુ અનિકેત. તારી ઇન્ફોર્મેશન એકદમ સાચી નીકળી. સુનિલ શાહના કિચનના માળિયામાંથી લગભગ એક કરોડનું ડ્રગ્સ પકડાઈ ગયું છે." સાવંત અંકલ બોલ્યા.

" અંકલ એમાં મારો આભાર માનવાની તમારે કોઈ જરૂર નથી મેં તો મારી ફરજ બજાવી છે. એ માણસે અમારી કંપની સાથે પણ ગદ્દારી કરી છે એટલે એને સજા તો મળવી જ જોઈએ. " અનિકેત બોલ્યો.

"એના ઘરમાંથી એક કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે એટલે એને દસ વર્ષ સુધીની સજા થઈ શકે છે. " સાવંત અંકલ બોલ્યા અને એમણે ફોન કટ કર્યો.

સંજય ભાટીયાને સાડા બાર વાગે ઓફિસે બોલાવ્યો હતો એટલે અનિકેત ટિફિન લઈને ૧૧ વાગ્યે જ ઘરેથી નીકળી ગયો અને લગભગ સવા બાર વાગે પોતાની ઓફિસે પહોંચી ગયો.

બપોરે સાડા બાર વાગે સંજય ભાટીયા અનિકેતની ચેમ્બરમાં દાખલ થયો.

" આવો સંજયભાઈ હું તમારી જ રાહ જોતો હતો" અનિકેતે એને આવકારતાં કહ્યું.

" તમે તમારું વચન પાળ્યું ખરું." સંજય ભાટીયા ખુરશી ઉપર બેઠક લેતાં હસીને બોલ્યો.

" વચનનો હું એકદમ પાક્કો છું સંજયભાઈ . તમને જે કમિટમેન્ટ મેં કર્યું છે એ પ્રમાણે તમને રેગ્યુલર પેમેન્ટ મળ્યા જ કરશે." અનિકેત બોલ્યો.

"તમારો ગઈકાલે ફોન આવી ગયો એટલે મને ખ્યાલ આવી જ ગયો અનિકેતભાઈ. " સંજય ભાટીયા બોલ્યો.

" બસ મારી એક જ વિનંતી છે કે તમે સંધ્યાને છોડી દો. તમને ખૂબ જ સારી પત્ની મળી છે. તમે દારૂના સેવનથી દૂર રહો એ તમારા આરોગ્ય માટે પણ સારું છે. " અનિકેત બોલ્યો અને એણે દસ લાખની બ્રીફકેસ ટેબલ નીચેથી કાઢીને સંજય ભાટિયાના હાથમાં આપી.

" તમારી વાત મેં માની જ લીધેલી છે અનિકેતભાઈ. અને આ દસ લાખ માંથી પાંચ લાખ હું સંધ્યાને આપી દેવાનો છું. ગઈ કાલે તમારો ફોન આવ્યો એ પછી તરત જ મેં આ નિર્ણય લઈ લીધો છે." સંજય બોલ્યો.

" તમારી વાત સાંભળીને મને ખૂબ જ આનંદ થયો. બીજાને આપવામાં જે આનંદ થાય છે એવો આનંદ સ્વાર્થી બનીને પોતાના માટે વાપરવામાં આવતો નથી. " અનિકેત બોલ્યો.

" ચાલો હવે તમારો વધારે સમય નહીં બગાડું. હું રજા લઉં. " સંજય બોલ્યો.

" અરે તમે આવ્યા જ છો તો પછી ચા પીને જ જાઓ. દસેક મિનિટમાં ચા આવી જશે. " અનિકેતે વિવેક કર્યો.

" ના ચા રહેવા દો. તમારી ચેમ્બરમાંથી બહાર નીકળીશ એટલે સુનિલભાઈ મને ચા પીધા વગર જવા દેશે નહીં. " સંજય બોલ્યો.

" કોણ આપણા સુનિલ શાહ ?" અનિકેતે પૂછ્યું.

" હા તમારા સિનિયર એકાઉન્ટન્ટ. મારે અને એમને સારા સંબંધો છે. મજાના માણસ છે. જ્યારે પણ અહીં આવું ત્યારે ચા પીવડાવ્યા વગર રહે નહીં. " સંજય હસીને બોલ્યો.

" તો તમે જ્યારે ચેમ્બરમાં દાખલ થયા ત્યારે એમણે તમને બોલાવ્યા નહીં ? " અનિકેતે ઠાવકાઈથી પૂછ્યું.

"કદાચ એમનું ધ્યાન નહીં પડ્યું હોય. મોટા શેઠના એ બહુ જ વિશ્વાસુ માણસ હતા અને એમનો કરોડોનો બે નંબરનો વહીવટ આ સુનિલભાઈ જ સંભાળતા હતા. શેઠનો એમની ઉપર આંધળો વિશ્વાસ ! " સંજય બોલ્યો.

" હા એ તો મને ખ્યાલ છે. પરંતુ તમારા તો એમની સાથે ખૂબ સારા સંબંધો છે તો તમને એમણે આજ સુધી કોઈ મદદ ના કરી ? બે નંબરના સો સવા સો કરોડ આમથી તેમ થતા હોય તો એમાંથી એકાદ કરોડ તમને આપ્યા હોય તો શું વાંધો હતો ? એ ધારે તો કરી શકે અને આવું થતું જ હોય છે ! " અનિકેત બોલ્યો.

" ના. સુનિલભાઈ બહુ જ પ્રમાણિક માણસ છે. મોટા શેઠનો વિશ્વાસઘાત એ ના કરી શકે. હા મોટા શેઠ પાસે મારો હક માગવાની સલાહ એમણે જ આપેલી. ખોટું નહીં બોલું." સંજય બોલ્યો.

" હમ્... પ્રમાણિકતાની તો ખબર નથી પણ એવું સાંભળ્યું છે કે એ તમારી જેમ રંગીલા માણસ તો છે જ. ખારની એક સોસાયટીમાં એમણે એક ફ્લેટ પણ ભાડે રાખેલો છે. " અનિકેત ધીમે રહીને બોલ્યો.

" તમને આ બધી માહિતી કોણે આપી અનિકેતભાઈ ? " સંજયે આશ્ચર્યથી પૂછ્યું.

" અરે સાહેબ આવડી મોટી કંપની હાથમાં લીધી છે તો મારા પણ સોર્સિસ તો હોય જ ને ! " અનિકેત હસીને બોલ્યો.

" તમે સુનિલભાઈને આ ફ્લેટ વિશે વાત કરી છે ? આઈ મીન તમે ફ્લેટ વિશે જાણો છો એ એમને ખબર છે ?" સંજયે પૂછ્યું.

" હજુ સુધી તો એમને ખબર નથી પણ ખબર પડી જશે. મિત્રતાનો તમે પણ લાભ લીધેલો જ છે ને ? તમે પણ સંધ્યાને લઈને એ વિજય દીપ ફ્લેટમાં જાઓ જ છો ને ? " અનિકેતે અંધારામાં તીર છોડ્યું.

અનિકેતની વાત સાંભળીને પગ નીચે બોમ્બ ફૂટ્યો હોય એવી હાલત સંજયની થઈ. એને કલ્પના પણ નહોતી કે પોતે સંધ્યા સાથે બે વાર એ ફ્લેટમાં ગયો હતો એ વાતની ખબર અનિકેતને પડી જશે !

તે દિવસે અનિકેત વિજય દીપ ફ્લેટમાં ગયો હતો ત્યારે બાજુના ફ્લેટમાં રહેતાં આન્ટીએ એને કહ્યું હતું કે એક બીજા ભાઈ પણ કોઈને લઈને આવે છે. એટલે અનિકેતે અનુમાન કરી લીધું કે જો સુનિલ અને સંજય બંને મિત્રો હોય તો બીજી વ્યક્તિ સંજય જ હોઈ શકે !

"તમારી વાત સાચી છે અનિકેતભાઈ. હું માત્ર એક બે વાર જ ગયેલો છું. પરંતુ એ બધો ભૂતકાળ છે. મેં તમને વચન આપ્યું છે કે હવે હું ખરેખર સંધ્યાને છોડી દઈશ અને પાંચ લાખ રૂપિયા પણ એને આપી દઈશ. " સંજય બોલ્યો.

" મને તમારી વાતમાં વિશ્વાસ છે સંજયભાઈ. તમારી પ્રમાણિકતા તમારા ચહેરા ઉપર વાંચી શકું છું. અને ભૂતકાળમાં તમે ત્યાં ગયા હશો એનાથી મને કોઈ ફરક નથી પડતો. મેં તો જસ્ટ તમને વાત કરી કે સુનિલભાઈ તમે માનો છો એવા સીધા નથી. મારી સિક્સ્થ સેન્સ એટલી પાવરફુલ છે કે માણસને એક જ મિટિંગમાં પારખી લઉં છું. " અનિકેત બોલ્યો.

" એ તો મને ખ્યાલ આવી ગયો છે અનિકેતભાઈ કે તમારાથી કંઈ જ છાનું રહેતું નથી. " સંજય બોલ્યો.

" તમારા આ સુનિલભાઈ ડ્રગ્સ ના ધંધામાં પણ સંકળાયેલા છે એ તમે જાણો છો ? " અચાનક અનિકેતે ધડાકો કર્યો.

" વ્હોટ !! સુનિલભાઈ અને ડ્રગ્સ !! બીજી બધી વાત તમારી બરાબર પરંતુ આ માહિતી તમને ખોટી મળી છે સાહેબ. આટલી સારી નોકરી કરતો એ માણસ આવા ધંધામાં જોડાય જ નહીં. " સંજયે સર્ટિફિકેટ આપ્યું.

"હું પણ ઈચ્છું છું કે આ માહિતી ખોટી હોય. જો સાચું હશે તો વાગતું વાગતું માંડવે આવશે એટલે બધાને ખબર પડી જશે. " અનિકેત બોલ્યો.

" ચાલો તો પછી હવે હું રજા લઉં ?" સંજય બોલ્યો.

" અરે પણ તમે મારી ચા તો પીતા જાઓ. આજે તમને સુનિલભાઈની ચા પીવા નહીં મળે. " અનિકેત બોલ્યો.

" કેમ આજે એ રજા ઉપર છે ? " સંજયે પ્રશ્ન કર્યો.

" ના ગઈકાલે મેં એમને છૂટા કરી દીધા છે. " ફરી અનિકેતે સંજયને આંચકો આપ્યો.

"તમે સુનિલ શાહને છૂટા કરી દીધા ? કોઈની પાસેથી સાંભળેલી ડ્રગ્સની વાત સાચી માનીને તમે એને છૂટા પણ કરી દીધા ? મને લાગે છે કે આ બાબતમાં તમે થોડી ઉતાવળ કરી છે અનિકેતભાઈ. એ માણસ એટલો બધો ખરાબ નથી. " સંજય બોલ્યો.

" સંજયભાઈ તમે એમના ખાસ મિત્ર છો એટલે તમને એમનામાં સારા ગુણો જ દેખાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે શેઠને ગુજરી ગયાને બે મહિના થઈ ગયા હોવા છતાં પણ એમણે નીતા આન્ટીને બે નંબરના કરોડો રૂપિયા એમના કબજામાં છે એના વિશે કોઈ વાત કરી નથી. આન્ટી તો એ રૂપિયા વિશે કંઈ જાણતાં જ નથી. લોકરની ચાવીઓ પણ નીતા આન્ટીને સોંપી નથી. એ માત્ર એક કર્મચારી છે. નીતા આન્ટીને હિસાબ આપવો એ એની ફરજમાં આવે છે. કરોડો રૂપિયા પચાવી પાડવાની એની દાનત હતી ! " અનિકેત સહેજ ગુસ્સાથી બોલી રહ્યો હતો.

" અને છેલ્લી વાત. એણે બે નંબરના કરોડો રૂપિયામાંથી પાંચ કરોડ રૂપિયાનો ગફલો પણ કર્યો છે. પાંચ કરોડ રૂપિયા એણે પોતાના ઘરે છૂપાવી દીધા હતા. એણે તમને રશ્મિકાંત અંકલ વિરુદ્ધ ભડકાવ્યા હતા અને ભત્રીજા તરીકે તમારો થોડો હક માંગવાની ઉશ્કેરણી કરી હતી. તમને જે પણ રકમ મળે એમાંથી ૨૫% ભાગ પણ માગ્યો હતો. બોલો મારી વાત ખોટી છે ? " અનિકેત સંજયના ચહેરા સામે જોઈને બોલ્યો.

સંજય તો સડક જ થઈ ગયો. કેટલી બધી સચોટ વાત કરી છે આ માણસે ! જાણે કે એણે પોતે મારી અને સુનિલ વચ્ચેની વાત પ્રત્યક્ષ સાંભળી હોય !

" સુનિલને પોતાને છ કરોડ મળે એટલા માટે એણે રશ્મિકાંત અંકલને તમને ૨૫ કરોડ આપવાની ભલામણ પણ કરી હતી અને તમારા નામે એમને ડરાવ્યા પણ હતા. તમને પણ એણે અવારનવાર રશ્મિકાંત અંકલ ઉપર પ્રેશર કરવાનું કહ્યું હતું. એના કહેવાથી તમે નીતા આન્ટી પાસે પણ જતા હતા. શું જોઈને તમે સુનિલ જેવા માણસની વકીલાત કરો છો ? " અનિકેત થોડા આવેશથી બોલ્યો.

" માની ગયો સાહેબ. તમારા જેવો હોંશિયાર માણસ આજ સુધી મેં મારી જિંદગીમાં જોયો નથી. તમે તો આજે મારી આંખો પણ ખોલી નાખી. મને હવે એમનો સાચો પરિચય થયો. મારા નામથી એ અંકલને ડરાવતા હશે એવું તો હું વિચારી પણ શકતો ન હતો." સંજય બોલ્યો.

" એકદમ સાચી વાત કહી રહ્યો છું. તમારા કારણે રશ્મિકાંત અંકલ ખૂબ જ સ્ટ્રેસમાં રહેતા હતા અને એમને એટેક આવ્યો એ પણ આ સ્ટ્રેસ ના કારણે જ ! સુનિલે તમારા વિશે જે પણ ડર બતાવ્યો હતો એના કારણે એમણે પોતાની ઓફિસમાં સિક્યુરિટી રાખી હતી. આવા માણસને હું એક પણ દિવસ ચલાવી ના લઉં. એટલા માટે જ મેં એને છૂટો કરી દીધો. " અનિકેત બોલ્યો.

" સોરી અનિકેતભાઈ. તમારી પાસે એમને છૂટા કરવા માટેનાં પૂરતાં કારણો છે. હવે હું રજા લઉં છું. મારે લાયક કંઈ પણ કામકાજ હોય તો મને ગમે ત્યારે ફોન કરજો. " કહીને સંજય ઉભો થઈ ગયો અને સીધો બહાર જ નીકળી ગયો. અનિકેત સામે વધુ વાર બેસવાની હવે એની હિંમત જ નહોતી.

બહાર નીકળીને એણે સુનિલ શાહને ફોન કર્યો પરંતુ એનો ફોન સ્વીચ ઓફ આવતો હતો !

સંજયના ગયા પછી અનિકેતે ઊભા થઈ ચેમ્બરમાં રાખેલા વોશબેસિનમાં હાથ ધોઈ નાખ્યા અને ટિફિન ખોલ્યું. આજે જમવામાં છૂટા મગ, કઢી, ભાત અને રોટલી હતાં. સાથે કોબીજનો કાચો પાકો સંભારો હતો.

બપોરના અઢી વાગી ગયા હતા. એણે જુનિયર એકાઉન્ટન્ટ ગિરીશને બોલાવીને સુજાતા બિલ્ડર્સના ફાઇનાન્સ વિશે ચર્ચા કરી. ટોટલ ફંડ કેટલું છે એ સમજી લીધું અને દરેક સ્કીમો માટે કેટલું બજેટ ફાળવેલું છે એની પણ ચર્ચા એણે કરી લીધી. કોઈ લોન લીધેલી હોય તો એના વિશે પણ એણે સમજી લીધું. પૂરા એક કલાક સુધી એણે ચર્ચા કરી. ગિરીશ ગણાત્રા ગુજરાતી છોકરો હતો અને એણે એમબીએ ફાઇનાન્સ કરેલું હતું. એ એકાઉન્ટ્સમાં હોશિયાર હતો.

"ગિરીશ બીજો સિનિયર એકાઉન્ટન્ટ ના આવે ત્યાં સુધી થોડા દિવસ સુધી હવે આ કંપનીનો એકાઉન્ટ તારે જ સંભાળવાનો રહેશે. " અનિકેત બોલ્યો.

" કેમ સર ? સુનિલભાઈએ જોબ છોડી દીધી ? " ગીરીશે પૂછ્યું.

" ના. મેં એને ગઈકાલે છૂટો કરી દીધો. હજુ પેપર ઉપર છૂટો કર્યો નથી પણ હવે એની જગ્યાએ આપણે બીજો કોઈ સારો સિનિયર એકાઉન્ટન્ટ શોધવાનો છે. સુનિલ હવે નહીં આવે." અનિકેત બોલ્યો.

" જી સર. " ગિરીશ બોલ્યો અને ઉભો થઈને બહાર નીકળી ગયો.

સાડા ત્રણ વાગી ગયા હતા અને આજે અનિકેતની ઈચ્છા મુલુંડની ઓફિસે વિઝીટ કરવાની હતી એટલે એણે દેવજીને ફોન કરીને ગાડી તૈયાર રાખવાનું કહ્યું.

દસેક મિનિટ પછી એ કુલકર્ણીને કહીને બહાર નીકળી ગયો અને ગાડીમાં બેસી દેવજીને ગાડી મુલુંડની ઓફિસે લેવાની સૂચના આપી.

અનિકેત મુલુંડ પહોંચ્યો ત્યારે સાંજના પાંચ વાગી ગયા હતા. પાંચ છ દિવસ પછી અનિકેત આજે આ ઓફિસે આવ્યો હતો. એ પોતાની ચેમ્બરમાં બેઠો અને દરેક સ્ટાફને બોલાવીને છેલ્લા એક વીકનો ફીડબેક લઈ લીધો.

છેલ્લે એણે અનારને બોલાવી અને બેસવાનું કહ્યું.

" અનાર.. તું મારી બાંદ્રાની સુજાતા બિલ્ડર્સની ઓફિસ જોઈન કરી શકે ? ડિસ્ટન્સ ઘણું છે. તને રોજ ટ્રેનમાં અપ ડાઉન કરવું અનુકૂળ આવે કે ન આવે એટલા માટે પૂછું છું. " અનિકેત બોલ્યો.

" અપડાઉનનો તો કોઈ સવાલ નથી અનિકેત. ૪૦ મિનિટમાં દાદર અને ત્યાંથી ૧૦ મિનિટમાં બાંદ્રા. વેઇટિંગ પિરિયડ ૧૦ મિનિટનો ગણો અને રીક્ષા ની ૧૫ મિનિટ ગણો તો લગભગ સવા કલાકમાં ઓફિસ પહોંચી જવાય. " અનાર બોલી.

"તું તો સમયની ગણતરી પણ ફટાફટ કરી શકે છે. તો પછી તું ત્યાં આવવા માટે તૈયાર છે ? " અનિકેતે ઉત્સાહથી પૂછ્યું.

" મને ત્યાં આવવામાં કોઈ જ વાંધો નથી અનિકેત પરંતુ મને પ્રેગ્નન્સી શરૂ થઈ છે. હજુ ટેસ્ટ કરાવવાનો બાકી છે પરંતુ હું ફીલ કરી રહી છું. મેં ક્યાંય હજુ જાહેર નથી કર્યું. તમે વાત કાઢી છે એટલે તમને કહી રહી છું. એટલે હું વધુમાં વધુ પાંચ કે છ મહિના ત્યાં જોબ કરી શકું. ત્યાં સુધીમાં તમારે બીજા કોઈની નિમણૂક કરવી પડે. " અનાર થોડી શરમાઈને બોલી.

" કોન્ગ્રેચ્યુલેશન્સ. ચાલો એક સારા સમાચાર સાંભળવા મળ્યા. તું હવે અહીં જ સેવા આપ. મારે તને ડિસ્ટર્બ કરવી નથી. મારો એકાઉન્ટન્ટ ગિરીશ હોશિયાર લાગે છે એટલે તાત્કાલિક તો કોઈ વાંધો નહીં આવે. મહિનામાં કોઈ સિનિયર એકાઉન્ટન્ટ શોધી કાઢીશ. " અનિકેત બોલ્યો.

" અમુક કામ તો હું પોતે અહીં બેઠા બેઠા પણ કરી શકીશ. તમે એવું હોય તો ગીરીશને મારી સાથે વાત કરાવી દેજો. હું એને મદદ પણ કરીશ અને એના ડેટા ઉપરથી એકાઉન્ટ્સ પણ સેટ કરી આપીશ. કોમ્પ્યુટર અને લેપટોપના જમાનામાં હવે પહેલા જેવું નથી રહ્યું. " અનાર બોલી.

" આ વાત તેં સારી કરી. હું ગિરીશ જોડે ચોક્કસ તારી વાત કરાવીશ. હવે મારી બીજી વાત સાંભળ. સુજાતા બિલ્ડર્સ જોઈન કર્યા પછી હવે આપણી આ કંપનીમાં પણ હું તમારા બધાની સેલેરીનું માળખું બદલવા માગું છું. હું સ્ટાફ રૂમમાં આવીને જાહેરાત કરું છું. તું નવું પગારધોરણ નોટ કરી લેજે. " અનિકેત બોલ્યો અને અનારની સાથે સ્ટાફ રૂમમાં ગયો.

" આજે અત્યારે હું તમને બધાને ખુશ ખબર આપવા માટે જ આવ્યો છું. આવતી પહેલી તારીખથી તમારા બધાનો સેલેરી વધી જશે." અનિકેત બોલ્યો અને એ સાથે જ બધાએ એની જાહેરાતને તાળીઓથી વધાવી લીધી.

મેનેજરનો અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો પગાર હવે બે લાખ થશે. સિનિયર એકાઉન્ટન્ટ અનાર અને સેલ્સ તેમ જ માર્કેટિંગ વિભાગ સંભાળતા સૌરભ દિવાનનો સેલેરી દોઢ લાખ થશે. કેશિયરને હવે એક લાખ મળશે. ક્લેરિકલ સ્ટાફનો પગાર ૭૫ હજાર થશે જ્યારે મનુ મહારાજ નો પગાર ૨૫ માંથી હવે ૩૫ હજાર થશે. " અનિકેત બોલ્યો અને આખો સ્ટાફ રૂમ તાળીઓથી ગુંજી ઉઠ્યો.

સૌનું અભિવાદન ઝીલીને અનિકેતે પોતાની આકૃતિ ટાવરની સાઈટ ઉપર ચક્કર માર્યું અને ત્યાં બેઠેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયરને પણ સેલેરી વધ્યાના ખુશ ખબર આપ્યા.

અનિકેત ઘરે પહોંચ્યો ત્યારે સાંજના સાત વાગી ગયા હતા. દાદા કે પપ્પા કે કોઈ હજુ ઘરે આવ્યા ન હતા. એ પોતાના બેડરૂમમાં ગયો અને થોડીવાર આરામ કર્યો.

રાત્રે આઠ વાગે બધા જમવા બેઠા ત્યારે પપ્પા પ્રશાંતભાઈએ અનિકેતને પ્રશ્ન કર્યો.

" અનિકેત તેં સાવંતનો નંબર મારી પાસેથી લીધો હતો એનું પછી શું થયું ? તું કોઈ ડ્રગ્સના રેકેટની વાત કરતો હતો ને ! "

" હા પપ્પા. મારી ઓફિસનો જ એકાઉન્ટન્ટ સુનિલ શાહ આ ધંધામાં સંકળાયેલો હતો. આજે સવારે જ સાવંત અંકલે એના ઘરે રેડ પાડી હતી. ઘરેથી એક કરોડનું ડ્રગ્સ પકડાઈ ગયું. મારી માહિતી સાચી હતી. સાવંત અંકલનો ફોન પણ આજે સવારે મારા ઉપર આવી ગયો. " અનિકેત બોલ્યો.

" આ કામ તેં બહુ જ સારું કર્યું બેટા. યુવા પેઢીને બરબાદ કરતો આ ધંધો પાપના ભાગીદાર થવા જેવો છે. તારી ઓફિસમાં તો બધા એને ઓળખતા જ હશે ને !" દાદા બોલ્યા.

" ના દાદા. સુનિલ શાહની ઓફિસમાં તો ઈમેજ બહુ સારી હતી. મોટા શેઠના પણ એના ઉપર ચારે હાથ હતા. પણ એ બદમાશ હતો એ મને ખ્યાલ આવી ગયો. બે નંબરના શેઠના પૈસામાંથી પાંચ કરોડની ઘાલમેલ પણ એણે કરેલી છે. ગુરુજીની કૃપાથી આ બધી જ ખબર મને પડી ગઈ. મોટા દાદાના આશીર્વાદ પણ મારી સાથે છે." અનિકેત બોલ્યો.

"હા એ વાત તેં સાચી કહી. ગુરુજીની કૃપા વગર આ બધું શક્ય જ નથી. હવે તારે એકાઉન્ટન્ટની જરૂર પડશે. બે નંબરના વહીવટ માટે તો પ્રમાણિક અને વફાદાર માણસની જરૂર હોય છે. તું એક કામ કર. બે મહિનામાં મનીષની સ્કીમ પૂરી થઈ જશે. મનીષ પોતે પણ એકાઉન્ટ્સનું ખૂબ સારું જ્ઞાન ધરાવે છે. એ બધું સંભાળી લેશે. અને રૂપિયાનો વહીવટ આપણા પોતાના હાથમાં જ રાખવો સારો. તું અને મનીષ ભેગા થઈને સુજાતા બિલ્ડર્સ સંભાળો." દાદા બોલ્યા.

" એ તો મેં પહેલાં પણ કહેલું જ છે કે મનીષ અંકલ ભલે આવતા. આટલી મોટી કંપની સંભાળવામાં તો એક થી બે ભલા. અંકલનો તો ઘણો અનુભવ પણ છે. અને બીજી વાત. હું તો હવે ત્યાં કાયમ માટે શિફ્ટ થઈ જવાનો છું. તો મારી ઈચ્છા છે કે પપ્પા થાણાની આપણી જૂની ઓફિસ કાઢીને એના બદલે મુલુંડની મારી નવી ઓફિસ સંભાળી લે. એકદમ લેટેસ્ટ ઓફિસ બનાવી છે." અનિકેત બોલ્યો.

" હા હા મને કોઈ વાંધો નથી. કોઈ સારો દિવસ જોઈને મુલુંડ શિફ્ટ થઈ જઈશું. મનીષ તારી સાથે બેસશે જ્યારે હું અને પપ્પા મુલુંડ બેસીશું. " પ્રશાંતભાઈ બોલ્યા.

આવનારો સમય ઘણાં પરિવર્તન લાવી રહ્યો હતો. અને સમયના ગર્ભમાં શું છુપાયેલું છે એ કોઈ જ નથી જાણી શકતું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)