Narad Puran - Part 10 in Gujarati Spiritual Stories by Jyotindra Mehta books and stories PDF | નારદ પુરાણ - ભાગ 10

Featured Books
Categories
Share

નારદ પુરાણ - ભાગ 10

ધર્મરાજ બોલ્યા, “રાજા ભગીરથ, હવે હું પાપોના ભેદ અને સ્થૂળ યાતનાઓનું વર્ણન કરીશ. તમે ધૈર્ય ધારણ કરીને સાંભળો.”

        “દુરાત્મા પાપી જીવોને જે નરકાગ્નિઓમાં પકાવવામાં આવે છે, તે અગણિત છે, છતાં કેટલાંક નામો હું વર્ણવું છું. તપન, વાલુકા, રૌરવ, મહારૌરવ, કુંભ, કુંભીપાક, નિરુચ્છ્વાસ, કાલસૂત્ર, પ્રમર્દન, અસિપત્રવન, લાલાભક્ષ, હિમોત્કટ, મૂષાવસ્થા, વસાકૂપ, વૈતરણી નદી, શ્વભક્ષ્ય, મૂત્રપાન, તપ્તશૂલ, તપ્તશીલા, શાલ્મલીવૃક્ષ, શોણિતકૂપ, શોણિતભોજન, વહ્નીજ્વાલાનિવેશન, શિલાવૃષ્ટિ, શસ્ત્રવૃષ્ટિ, અગ્નિવૃષ્ટિ, ક્ષારોદક, ઉષ્ણતોય, તપ્તાય:પિંડભક્ષણ, અધ:શિર:શોષણ, મરુપ્રતપન, પાષાણવર્ષા, કૃમિભોજન, ક્ષારોદપાન, ભ્રમણ, ક્ર્કચદારણ, પુરીષલેપન, પુરીષભોજન, મહાઘોરરેત:પાન, સર્વસંધિદાહન, ધૂમપાન, પાશબંધ, નાનાશૂલાનુલેપન, અંગારશયન, મુસલમર્દન, વિવિધકાષ્ઠયંત્ર, કર્ષણ, છેદન, પતનોત્પતન, ગદાદંડાદિપીડન, ગજદંતપ્રહરણ, નાનાસર્પદંશન, લવણભક્ષણ, માંસભોજન, વૃક્ષાગ્રપાતન, શ્લેષ્મભોજન, મહિષપીડન, દશનશીર્ણન, તપ્તાય:શયન અને આયોભારબંધન.”

        “હે ભગીરથ, આ પ્રમાણે કરોડો નરકયાતનાઓ હોય છે જેનું વર્ણન હજારો વર્ષોમાં પણ પૂર્ણ કરી ન શકું. હે ભૂપાલ, આ નરકોમાંથી જે પાપીઓને જે નરક પ્રાપ્ત થાય છે તે સર્વ હું કહીશ. બ્રહ્મઘાતી, મદ્યપાન કરનારો, સુવર્ણની ચોરી કરનારો, ગુરુપત્ની સાથે ગમન કરનારો, આ બધા મહાપાતકી કહેવાય અને એમની સોબત રાખનારો પાંચમો મહા પાતકી છે.

        બલિવૈશ્વદેવહીન હોવાથી વ્યર્થ રાંધે છે, સદા બ્રાહ્મણોને કલંકિત કરતો હોય, બ્રાહ્મણો કે ગુરુજનોને આજ્ઞા કરતો હોય અને વેદ વેચતો હોય-આ પાંચ પ્રકારના પાપીઓને બ્રહ્મઘાતક કહેવામાં આવ્યા છે. જે પારકી નિંદા અને પોતાની પ્રશંસા કર્યા કરે અને જુઠ્ઠું બોલતો રહે તેને પણ બ્રહ્મહત્યારો કહેવામાં આવ્યો છે. અધર્મને ટેકો આપે તેને પણ બ્રહ્મઘાતી કહ્યો છે. જે માણસ લોકોનાં ચિત્તને ઉદ્વેગ પમાડે, બીજાઓના દોષોની ચાડી ખાતો ફરે અને પાખંડપૂર્ણ આચારમાં તત્પર રહે, તે બ્રહ્મહત્યારો કહેવાય છે. જે દરરોજ દાન લીધા કરતો હોય, પ્રાણીઓની હિંસા કરતો હોય તેમ જ અધર્મનું અનુમોદન કરે, તેને પણ બ્રહ્મઘાતી કહ્યો છે.

        હવે રાજન, હું મદિરાપાન સમાન જે પાપો છે તેનું વર્ણન કરું છું. ગણાન્નભોજન (અનેક સ્થળેથી ભોજન મેળવીને તેનો આહાર કરવો), વેશ્યાનું સેવન કરવું અને પતિત પુરુષોના અન્નનું ભોજન કરવું ઈત્યાદિને સુરાપાનતુલ્ય માનવામાં આવે છે. ઉપાસનાનો ત્યાગ, મદિરાનું પાન કરતી સ્ત્રી સાથેના સંબંધ જેવાં પાપોને સુરાપાનતુલ્ય ગણવામાં આવ્યાં છે.

        હવે હું સુવર્ણની ચોરી સમાન પાપોનું વર્ણન કરું છું. કંદમૂળ, ફળ, કસ્તૂરી, રેશમી વસ્ત્ર તેમ જ રત્નોની ચોરીને સુવર્ણની ચોરીના જેવી જ ગણવામાં આવે છે. સોપારી, જળ, ચંદન તથા કપૂરની ચોરી પણ સુવર્ણની ચોરી સમાન છે. શ્રાદ્ધનો ત્યાગ, ધર્મકાર્યનો લોપ કરવો અને યતિપુરુષોની નિંદા કરવાના કાર્યને પણ સુવર્ણની ચોરી સમાન ગણવામાં આવે છે.

        હવે ગુરુપત્નીગમન જેવાં પાપોનું વર્ણન કરું છું. ભગિની, પુત્રવધૂ તેમ જ રજસ્વલા સ્ત્રી સાથે કરવામાં આવેલ મૈથુનને ગુરુપત્ની સાથે કરવામાં આવેલ સમાગમ સમાન માનવામાં આવે છે. અસમયે મૈથુનકર્મ કરવું, પુત્રી સાથે સંભોગ કરવો, પારકી સ્ત્રી સાથે સંબંધ રાખવો, તે કાર્યને ગુરુપત્નીગમન સમાન માનવામાં આવે છે. ભાઈની સ્ત્રી સાથે સંભોગ કરવો, મિત્રની સ્ત્રીનું સેવન તેમ જ પોતાની ઉપર વિશ્વાસ ધરાવનારી સ્ત્રીના સતીત્વના અપહરણને પણ ગુરુતલ્પગમન ગણવામાં આવે છે.

        હે રાજન, આ પ્રકારનાં પાપો મહાઘાતક કહેવામાં આવ્યાં છે. આમાંના ગમે તે એકની સાથે પણ સંસર્ગ રાખનારો પુરુષ તેના જેવો થઇ જાય છે.

        હે ભૂપતે, હવે હું પ્રાયશ્ચિતરહિત પાપોનું વર્ણન કરું છું તે સાંભળો. આ પાપો ઘોર નરકની પ્રાપ્તિ કરાવનારાં છે. જેઓ વિશ્વાસઘાત કે કૃતઘ્ન હોય તેમનો ઉદ્ધાર થતો નથી. જેમનું શરીર નિંદિત અન્નથી  પુષ્ટ થયું હોય તેમ જ ચિત્ત વેદોની નિંદામાં લાગેલું હોય અને જેઓ ભાગવત-કથાવાર્તા આદિની નિંદા કરતા હોય તેમનો આ લોક કે પરલોક ક્યાંય ઉદ્ધાર થતો નથી. એવાં ઘણા પાપો છે તેમનું વર્ણન આપ નરકનું વર્ણન કરું છું તેની સાથે સાંભળો. જેઓ મહાપાતકી છે તેઓ પ્રત્યેક નરકમાં એક યુગ સુધી રહે છે અને ત્યારબાદ જુદી જુદી યોનિઓમાં જન્મીને ભોગ ભોગવે છે. જેમનું ચિત્ત અસૂયા(ગુણોમાં દોષ જોવાની દ્રષ્ટિ)થી વ્યાપ્ત હોય, તેમને રૌરવ નરક પ્રાપ્ત થતું હોય છે. ત્યાં બે કલ્પ સુધી રહેવું પડે છે.

        જેઓ પારકી નિંદામાં તત્પર, કટુ ભાષણ કરનારા અને દાનમાં વિઘ્ન નાખનારાને સો વાર કૂતરાની યોનિમાં જન્મ લેવો પડે છે. જેઓ ચોરી કરે છે, તેમને સાંબેલાથી ખાણીયામાં ખાંડવામાં આવે છે, ત્યાર પછી તેમને ત્રણ વર્ષ સુધી તપાવેલો પથ્થર ઉપાડવો પડે છે; તે પછી તેમને સાત વર્ષ સુધી શારડીથી વીંધવામાં આવે છે. જેઓ બીજાઓના દોષો દેખાડે છે કે ચાડી ખાય છે તેમને જે ભયંકર નરકની પ્રાપ્તિ થાય છે તેમાં તપાવેલા લોઢાના પિંડનું ભક્ષણ કરવું પડે છે, અત્યંત ભયાનક સાણસીઓથી તેમની જીભને પીડા આપવામાં આવે છે. તેઓ અત્યંત ઘોર નિરુચ્છ્વાસ નામના નરકમાં અડધા કલ્પ સીધી નિવાસ કરે છે.

        પરસ્ત્રી લંપટ પુરુષોને તપાવેલ તાંબાની સ્ત્રીઓ સુંદર રૂપ અને આભૂષણોથી યુક્ત થઈને તેમની સાથે બળજબરીપૂર્વક રમણ કરે છે અને જે સ્ત્રીઓ પોતાના પતિનો ત્યાગ કરીને બીજા પુરુષની સેવાનો સ્વીકાર કરે છે તેના માટે મેં હમણાં જ કહેલી સજાથી વિરુદ્ધ સજા થાય છે. જે માણસ બ્રાહ્મણ, ગાય અને શ્રેષ્ઠ રાજાનો આ લોકમાં વધ કરે છે તે પણ પાંચ કલ્પો સુધી સર્વ યાતનાઓ ભોગવે છે. જે માણસ પવિત્ર મહાપુરુષોની નિંદા સાંભળે છે તેવા માણસોના કાનમાં તપાવેલા લોઢાની ખીલીઓ ઠોકી દેવામાં આવે છે અને ત્યારપછી તેના કાનોનાં છિદ્રો ઊકળતું તેલ રેડીને તેને ભરી દેવામાં આવે છે. ત્યારબાદ તેમને કુંભીપાક નરકમાં નાખવામાં આવે છે.

જેઓ વિશ્વાસઘાતી છે, મર્યાદાનો ભંગ કરે છે અને પારકું અન્ન ખાવાના લોભી છે તેઓ નરકમાં પોતાનું માંસ ખાય છે અને તેમના શરીરને દરરોજ કૂતરાઓ ફાડી ખાતાં હોય છે. જેઓ હંમેશાં દાન લીધા કરે છે અને કેવલ જોષ જોઇને નક્ષત્ર વિદ્યાથી પોતાની જીવિકા ચલાવે છે તેમ જ જેઓ પૂજારીનું અન્ન જામે છે તેઓ એક કલ્પ સુધી બધી યાતનાઓ ભોગવે છે. તેમને તેલમાં ડુબાવવામાં આવે છે અને પછી તેમને ખારા પાણીથી નવડાવવામાં અવ્વે છે અને પછી પૃથ્વી ઉપર મલેચ્છ જાતિમાં જન્મ લે છે.

જે મહાપાપી અયોનિ, વિયોનિ અને પશુયોનિમાં વીર્યપાત કરે છે, તે યમલોકમાં વીર્યનું ભોજન પામે છે. અનાથનું ધન ઉચાપત કરનારા અને તેમની સાથે દ્વેષ કરનારા કલ્પો સુધી નરકની યાતના ભોગવે છે. સુગંધિત કાષ્ટ ચોરનારાઓ ચંદ્ર અને તારાઓની હયાતી સુધી ઘોર નરકમાં પડ્યા રહે છે. ખોટી સાક્ષી આપનારો ચૌદ ઇન્દ્રોનું રાજ્ય સમાપ્ત થતાં સુધી સર્વ યાતનાઓ ભોગવતો રહે છે. કોઈના ઉપર અત્યાચાર થતો જોઇને તેનું નિવારણ કરવાની શક્તિ હિવા છતાં તેને અટકાવતો નથી, તે પણ તે અત્યાચારના પાપનો ભાગીદાર થાય છે અને તે બંને જણા નરકમાં પડે છે. જે માણસ પાપીઓનાં પાપ બીજા કોઈને ગણી બતાવે છે, તે પાપ ખરાં હોય તો પણ તેમના પાપનો ભાગીદાર થાય છે.

ન્યાય કરવામાં અને અપરાધીને ઉચિત શિક્ષા કરવામાં જે પક્ષપાત કરે અર્થાત લાંચ લઈને અન્ય કરે તે પણ નરકમાં પડે છે. આવાં અનેક પાપો છે, જેની વિવિધ સજાઓ હોય છે. આ સર્વ પાપોનું ધર્મશાસ્ત્રની વિધિ પ્રમાણે પ્રાયશ્ચિત કરવાથી પાપોનો પુંજ નષ્ટ થઇ જાય છે. ગંગા, તુલસી, સત્સંગ, હરિકીર્તન, કોઈના દોષ ન જોવા, હિંસાથી દૂ રહેવું- આ સર્વ વાતો  પાપોનો નાશ કરનારી છે.

ભગવાન વિષ્ણુની ઉત્તમ ભક્તિ સર્વ પાપોનો નાશ કરનારી છે. હે નૃપશ્રેષ્ઠ, સાત્વિક., રાજસ અને તાપસ ભેદોથી ભક્તિ દશ પ્રકારની જાણવી. (ત્રણેય પ્રકારમાં ઉત્તમ, મધ્યમ અને અધમ ત્રણ ભેદ છે દશમી ઉત્તમોત્તમા પરા ભક્તિ’ છે).”

ક્રમશ: