નારદે કહ્યું, “હે સનક, જો હું આપની કૃપાને પાત્ર હોઉં તો ભગવાન વિષ્ણુના ચરણોના અગ્રભાગથી ઉત્પન્ન થયેલી ગંગાની ઉત્પત્તિની કથા મને કહો.”
સનકે કહ્યું, “હે નિષ્પાપ નારદ! આપને જે કથા કહું છું તે ધ્યાનથી સાંભળો. કશ્યપ નામના એક પ્રસિદ્ધ ઋષિ થઇ ગયા. તેઓ જ ઇન્દ્ર આદિ દેવતાઓના જનક છે. દક્ષની પુત્રીઓ દિતિ અને અદિતિ-આ બંને તેમની પત્નીઓ છે. અદિતિ દેવતાઓની માતા છે અને દિતિ દૈત્યોની જનની છે. તેઓ હંમેશાં એકબીજાને જીતવાની ઈચ્છા રાખે છે. દિતિનો પુત્ર આદિદૈત્ય હિરણ્યકશિપુ મહાબળવાન હતો. તેમનો પુત્ર પ્રહલાદ હતો. દૈત્યોમાં તે એક મહાન સંત હતા. પ્રહલાદનો પુત્ર વિરોચન થયો. તે બ્રાહ્મણોનો ભક્ત હતો. વિરોચનનો પુત્ર બલિ હતો. તે અત્યંત તેજસ્વી અને પ્રતાપી હતો.
બલિ જ દૈત્યોનો સેનાપતિ થયો. તેણે આખી પૃથ્વી જીતી લીધા પછી સ્વર્ગને પણ જીતવાનો વિચાર કરીને તેણે વિશાળ સેના સાથે દેવલોક પ્રતિ પ્રસ્થાન કર્યું. બલિએ પરાક્રમી ઈન્દ્રની રાજધાનીને ઘેરો ઘાલ્યો. દેવ અને દૈત્યો વચ્ચે ઘનઘોર યુદ્ધ થયું. પથ્થર, ભિન્દિપાલ, ખડ્ગ, પરશુ, તોમર, પરિઘ, ક્ષુરિકા, કુન્ત, ચક્ર, શંકુ, મુસલ, અંકુશ, લાંગલ, પટ્ટીશ, શક્તિ, ઉપલ, શતન્ઘી, પાશ, થપ્પડ, મુક્કો, શૂલ, નાલીક, નારાચ દૂરથી ફેંકવા યોગ્ય બીજાં અસ્ત્રો તેમ જ મુદગરથી દેવતાઓ ઉપર હુમલો કર્યો. દેવતાઓએ પણ વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી પ્રતિકાર કર્યો.
એક હજાર વર્ષ સુધી આ યુદ્ધ ચાલતું રહ્યું. છેવટે દૈત્યોનું બળ વધી જતાં દેવતાઓ હારી ગયા અને ભયભીત થઈને સ્વર્ગલોક છોડીને નાસી છૂટ્યા. બલિએ નારાયણનું શરણ લઈ અખંડિત ઐશ્વર્ય, વૃદ્ધિ પામેલી લક્ષ્મી અને મહાન બળથી સંપન્ન થઇ ત્રણે ભુવનનું રાજ ભોગવવા માંડ્યું. તેણે અનેક અશ્વમેઘ યજ્ઞ કર્યા. બલિ સ્વર્ગમાં રહીને ઇન્દ્ર અને દિક્પાલ બંને પદોનો ઉપભોગ કરતો હતો. દેવતાઓની માતા અદિતિને પોતાના પુત્રોની દશા જોઇને દુઃખ થયું. તેણે હિમાલય જઈને કઠોર તપશ્ચર્યા શરૂ કરી.
કેટલોક સમય તો તે નિરંતર બેસી રહી, પછી લાંબા સમય સુધી બંને પગ ઉપર ઊભી રહી, ત્યારબાદ ઘણા સમય સુધી એક પગ ઉપર અને પછી એક પગની આંગળી ઉપર ઊભી રહી. થોડાક સમય તે ફલાહાર કરીને રહી, ત્યાર પછી સૂકાં પાંદડાં ખાઈને રહેવા માંડ્યું. કેટલાક દિવસ તે કેવળ જળ પીને રહી પછી વાયુ ભક્ષણ કરીને રહી ને છેવટે તેણે આહારનો ત્યાગ કરી દીધો. હે નારદ!આમ અદિતિ લાંબા સમય સુધી પરમાત્માનું ધ્યાન ધરતી રહી.
દૈત્યો આ વાત જાણી ગયા એટલે તેની તપશ્ચર્યા ભંગ કરવા માટે જે વનમાં અદિતિ તપ કરતી હતી તે સળગાવ્યું. તે વિસ્તાર સો યોજન જેટલો હતો. તે વનમાં વિવિધ જીવજંતુ રહેતાં હતાં. જે દૈત્યો અદિતિનું અપમાન કરવા માટે ગયા હતા તે અગ્નિમાં બળીને ભસ્મ થઇ ગયા. કેવલ દેવમાતા અદિતિ જીવિત રહી કારણ તેની રક્ષા સુદર્શન ચક્રે કરી.”
નારદે પૂછ્યું, “આવું કેવી રીતે બન્યું? આપ અદિતિના મહાન સત્વનું વર્ણન કરો.”
સનક બોલ્યા, “હે નારદ! જેનું મન ભગવાનના ભજનમાં લાગેલું છે, જ્યાં ભગવાનનો ભક્ત રહે છે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ, દેવતા, સિદ્ધ, મુનીશ્વર અને સાધુ સંત નિત્ય નિવાસ કરે છે. ત્યાં કોઈ આફત આવી નથી શકતી. પરમાત્માના ધ્યાનમાં લીન હોવાને લીધે અદિતિને અગ્નિએ બાળી નહિ. ત્યાર પછી શંખ, ચક્ર, ગદાને ધારણ કરેલા ભગવાન વિષ્ણુ અદિતિના સમક્ષ પ્રકટ થયા અને વરદાન માગવાનું કહ્યું.
અદિતિએ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરીને કહ્યું, “હે જનાર્દન, દૈત્યો દ્વારા પીડિત મારા પુત્રોની રક્ષા કરો. મારા પુત્રોને અકંટક રાજલક્ષ્મી આપો. હું દૈત્યોથી પીડિત છું, પણ તેમનો વધ નથી ઈચ્છતી કારણ તે પણ મારા જ પુત્રો છે. હે સુરેશ્વર, દૈત્યોને માર્યાં વિના જ મારા પુત્રોને સંપત્તિ આપો.”
શ્રીભગવાન બોલ્યા, “દેવિ, હું પ્રસન્ન છું. તમારું કલ્યાણ થાઓ. હું પોતે જ તમારો પુત્ર બનીશ કારણ શોક્યના પુત્રો ઉપર વાત્સલ્ય તમારા સિવાય બીજે દુર્લભ છે. તમે જે સ્તુતિ કરી છે, તેને જે માણસો ભણશે, તેમણે શ્રેષ્ઠ સંપત્તિ પ્રાપ્ત થશે અને તેમના પુત્રો ક્યારેય હીન દશા નહિ પામે. જે પોતાના અને બીજાના પુત્ર પર સમાન ભાવ રાખે છે, તેને ક્યારેય પુત્રનો શોક થતો નથી, આ સનાતન ધર્મ છે.”
અદિતિએ કહ્યું, “હે દેવ, આપ સર્વના આદિ કારણ અને પરમ પુરુષ છો. હું આપને ગર્ભમાં ધારણ કરવા અસમર્થ છું.”
તેની વાત સાંભળીને શ્રીવિષ્ણુએ કહ્યું, “રાગદ્વેષથી રહિત, બીજાઓમાં ક્યારેય દોષ ન જોનાર અને દંભથી દૂર રહેનારા મને ધારણ કરી શકે છે. જેઓ બીજાઓને પીડા નથી આપતા, ભગવાન શિવના ભજનમાં લીન રહીને મારી કથા સાંભળવામાં અનુરાગ રાખે છે તે સદાય મને પોતાના હૃદયમાં ધારણ કરે છે. માતાપિતાની સેવા કરનારો, ગુરુનો ભક્ત, અતિથીઓનો પ્રેમી અને બ્રાહ્મણોનો હિતેચ્છુ મને ધારણ કરે છે. પરોપકારમાં તત્પર, પારકાના ધનમાં લોભવૃત્તિ ન રાખનાર; તેમ જ પારકી સ્ત્રીઓ પ્રત્યે નપુંસક હોય, તેઓ પણ મને ધારણ કરે છે.”
આવા અનેક લક્ષણોનું વર્ણન શ્રીવિષ્ણુએ અદિતિ સમક્ષ કર્યું જેનાથી તે સંતુષ્ટ થઇ. દેવેશ્વર વિષ્ણુએ પોતાના ગળામાંની માળા અદિતિને આપીને અંતર્ધાન થઇ ગયા. અદિતિએ ત્યાર બાદ અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યો જે ભગવાનનો વામન અવતાર ગણાય છે.”
***
સનકે કહ્યું, “બીજી તરફ દૈત્યરાજ બલિએ પોતાના ગુરુ શુક્રાચાર્ય તેમ જ બીજા મુનીશ્વરો સાથે લાંબા સમય સુધી ચાલનારો યજ્ઞ શરૂ કર્યો. તે યજ્ઞમાં બ્રહ્મવાદી મહર્ષિઓએ હવિષ્ય ગ્રહણ કરવા લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુનું આવાહન કર્યું. તે મહાયજ્ઞમાં માતા-પિતાની આજ્ઞા લઈને બ્રહ્મચારી વામન પણ ગયા. મહર્ષિઓ જાણી ગયા કે ભગવાન નારાયણ આવી રહ્યા છે.
શુક્રાચાર્યે એકાંતમાં બલિને સલાહ આપતાં કહ્યું, “હે દૈત્યરાજ, તમારી રાજલક્ષ્મીનું અપહરણ કરવા માટે વિષ્ણુ વામનરૂપે અદિતિના પુત્ર થયા છે. તેમને કંઈ આપશો નહિ.”
બલિએ કહ્યું, “ગુરુદેવ, તમારે ધર્મમાર્ગનું વિરોધી વચન કહેવું ન જોઈએ. જો સાક્ષાત વિષ્ણુ મારા પાસેથી દાન લે તેનાથી વધુ સારું શું હોઈ શકે. આવું થાય તો મારા કરતાં વધુ ભાગ્યશાળી કોઈ નથી.”
તે જ સમયે વામનરૂપે શ્રીવિષ્ણુએ યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો. અત્યંત તેજસ્વી અને સુંદર વામનનું સ્વાગત કરીને રાજા બલિએ તેમનું સ્વાગત કર્યું અને તેમનાં ચરણ પખાળ્યા. બલિ અત્યંત પ્રસન્ન થયો અને તેમની સ્તુતિ કર્યા પછી કહ્યું, “હે પ્રભો, આપ પૂર્ણ ઉત્સાહની સાથે મને આપની સેવા કરવા માટે આજ્ઞા આપો.”
ભગવાન વામને હસીને કહ્યું, “હે રાજન, મને તપશ્ચર્યાર્થે રહેવાને ત્રણ પગલાં ભૂમિ આપ.”
ભગવાનના આમ કહેવાથી વિરોચનકુમાર બલિ પ્રસન્ન થયો અને ભૂમિનું દાન કરવા કળશ હાથમાં લીધો. સર્વવ્યાપી વિષ્ણુ એ કળી ગયા કે શુક્રાચાર્ય કળશમાં દાખલ થઈને તેની નળીના કાણામાંથી જળની ધારા અટકાવી રહ્યા છે. આથી તેમણે દર્ભની અણીને તે કાણામાં ખોસી દીધી અને તેને લીધે શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્યે જેટલી વારમાં અણી ખસેડી એટલીવારમાં બલિએ વચન આપી દીધું.
ક્રમશ: