Narad Puran - Part 6 in Gujarati Spiritual Stories by Jyotindra Mehta books and stories PDF | નારદ પુરાણ - ભાગ 6

Featured Books
Categories
Share

નારદ પુરાણ - ભાગ 6

નારદે પૂછ્યું, “શ્રેષ્ઠ રાજા સૌદાસને વસિષ્ઠે શા માટે શાપ આપ્યો અને તે રાજા ગંગાજળના બિંદુઓના અભિષેકથી કેવી રીતે શુદ્ધ થયો?”

        સનકે કહ્યું, “સુદાસનો પુત્ર મિત્રસહ સર્વ ધર્મોને જાણનારો, સર્વજ્ઞ, ગુણવાન અને પવિત્ર હતો. તેના પુરોગામીઓની જેમ તે પણ સાત સમુદ્રોવાળી પૃથ્વીનું પાલન કરતો હતો. એક દિવસ તે વનમાં મૃગયા કરવા ગયો. એવામાં તૃષાતુર થતાં રાજા મિત્રસહ રેવા નદીના તટ ઉપર પહોંચ્યો. ત્યાં તેણે સ્નાનસંધ્યાદિ કરી મંત્રીઓ સાથે ભોજન કર્યો.

        બીજે દિવસે તે ફરતાં ફરતાં પોતાના સાથીઓથી વિખુટો પડી ગયો. એવામાં તેણે કૃષ્ણસાર મૃગ જોયું અને ધનુષ્યબાણ લઈને તેની પાછળ દોડ્યો. અશ્વ ઉપર આરૂઢ તે રાજાએ એક ગુફામાં વ્યાઘ્રદંપતિને મૈથુન કરતાં જોયા અને મૃગનો પીછો છોડી તીર વ્યાઘ્રી તરફ છોડ્યું, જેમાં તે હણાઈ ગઈ. વ્યાઘ્રીએ મરણ સમયે મેઘની પેઠે ગર્જના કરી અને એકસો ચુમ્માલીસ યોજન લાંબી રાક્ષસીનું રૂપ ધારણ કર્યું. પોતાની પ્રિયાને મરણ પામેલી જોઇને વ્યાઘ્રરૂપ રાક્ષસ “હું બદલો લઈશ” એટલું કહીને અંતર્ધાન થઇ ગયો. ભયથી ઉદ્વિગ્ન થયેલો રાજા મિત્રસહ પોતાના સેવકો સાથે પાછો ફર્યો અને ફરી વનમાં મૃગયા માટે ગયો નહિ.

        ઘણો સમય વીતી ગયા પછી રાજાએ વસિષ્ઠ આદિ ઋષીઓ સાથે અશ્વમેઘ યજ્ઞનો આરંભ કર્યો. ત્યાં બ્રહ્મા આદિ દેવતાઓને યથાવિધિ હવિ આપીને યજ્ઞ સમાપ્ત કરી તે સ્નાતક રાજા અને વસિષ્ઠ પોતપોતાને સ્થાને ગયા. આ જ સમયમાં રાજાએ જેની પત્ની મારી નાખી હતી તે રાક્ષસે બદલો લેવા માટે વસિષ્ઠનું રૂપ ધારણ કર્યું અને રાજા પાસે આવીને કહ્યું, “હું માંસ ખાવા ઈચ્છું છું.”

        પછી તે રાક્ષસે રસોઈયાનું રૂપ ધારણ કરીને મનુષ્યનું માંસ રાંધીને આપ્યું. રાજાએ તેને સુવર્ણપાત્રમાં મુક્યું અને ગુરુ વસિષ્ઠના આગમન બાદ તેમને અર્પણ કર્યું. તે જોઇને વસિષ્ઠને આશ્ચર્ય થયું. ધ્યાનથી જોતાં તે મનુષ્યનું માંસ હોવાનું જણાયું. તેને લીધે તે ક્રોધિત થયા અને રાજા મિત્રસહને શાપ આપ્યો, “હે રાજન! તેં મારા તપનો નાશ કરવા આ અભક્ષ્ય પદાર્થ આપ્યો; તેથી હવે આ જ તારું ભોજ્ય થશે! હવે તું રાક્ષસ થઇ જા!”

        મિત્રસહે કહ્યું, “મેં તો આપની આજ્ઞા પ્રમાણે કર્યું હતું.”

        એ સાંભળતાં જ વસિષ્ઠે વિચાર કરીને દિવ્યદૃષ્ટિથી જોયું તો તેમાં રાક્ષસનું કપટ જણાયું. હવે રાજા પણ વસિષ્ઠને શાપ આપવા માટે જળ લઈને તૈયાર થયા ત્યારે તેની રાણી મદયંતી કહેવા લાગી, “હે ક્ષત્રિયપુત્ર, ક્રોધ કરશો નહિ. તમારે જે કર્મની ફળ ભોગવવાનું હતું તે તમને પ્રાપ્ત થયું છે. જે ગુરુ સાથે તુંકારે વાત કરે છે બ્રહ્મરાક્ષસ થાય છે. જે ક્રોધને વશમાં રાખીને ગુરુની સેવા કરે છે તે બ્રહ્મલોકમાં જાય છે.”

        પોતાની પત્નીની વાત સાંભળતાં જ રાજાનો ક્રોધ શાંત થઇ ગયો, પણ હાથમાં લીધેલું જળ ક્યાં છોડવું એની વિમાસણ થઇ કારણ એ જળ જેના ઉપર પડે તે બળીને ભસ્મ થઇ જાય એવો તે જળનો પ્રભાવ હતો. કોઈને નુકસાન ન થાય તે હેતુથી રાજાએ તે જળ પોતાના પગ ઉપર નાખી દીધું. જળનો સ્પર્શ થતાં તેના પગ કલ્માષ કાબરચીતરા થઇ ગયા અને તે કલ્માષપાદ નામથી પ્રસિદ્ધ થઇ ગયો. તેણે બીતાં બીતાં ગુરુ વસિષ્ઠને પ્રણામ કર્યા અને ક્ષમા માગી.

        ગુરુ વસિષ્ઠે કહ્યું, “આમાં મારો દોષ છે, મેં વિવેકનો ઉપયોગ ન કર્યો અને તને શાપ આપી દીધો. આ શાપ ચિરકાળ સુધી નહિ રહે. બાર વર્ષે ગંગાજળના બિંદુઓનો તમારા ઉપર અભિષેક થશે અને મુક્ત થઇ જશો.”

        રાક્ષસનું શરીર પામેલો મિત્રસહ વનવન ભમવા લાગ્યો. અનેક પ્રકારનાં મૃગ, મનુષ્ય, સર્પ, પક્ષીઓ અને વાનરોનું ભક્ષણ કરવા લાગ્યો. છ મહિના સુધી ચારસો યોજન ભૂમિમાં વસેલાં પ્રાણીઓને દુઃખી કરીને તે અન્ય વનમાં ગયો. આમ તે નર્મદાતટ સુધી પહોંચી ગયો. તે રાક્ષસે એક મુનિને પોતાની પ્રિયા સાથે રમણ કરતો જોયો એટલે તે મુનિ ઉપર ત્રાટક્યો અને તેને પકડી લીધો.

        બ્રાહ્મણી પોતાના પતિને પકડાયેલા જોઇને કહેવા લાગી, “હે રાજશાર્દુલ, આપ ભયથી વ્યાકુળ થયેલી મારી રક્ષા કરો. મારા નાથને છોડી દો. હું જાણું છું કે આપ રાક્ષસ નથી અને આપનું નામ મિત્રસહ છે. હું આપના શરણે આવી છું. હું આપની પુત્રી છું અને મારા પતિનું દાન આપીને મારી રક્ષા કરો.” એમ વિવિધ પ્રકારે યાચના કરવા લાગી.

        રાક્ષસનું શરીર મેળવેલ મિત્રસહે તેની કોઈ વાત સાંભળી નહિ અને બ્રાહ્મણને ખાઈ ગયો એટલે ક્રોધિત થયેલી તે સ્ત્રીએ શાપ આપ્યો, “રતિમાં આસક્ત થયેલા મારા પતિને તેં મારી નાખ્યો તેથી તું પણ સ્ત્રીસંગ કરતાં જ મરણ પામીશ!” વળી તેનો ક્રોધ શાંત ન થતાં વધુ એક શાપ આપ્યો, “તારું રાક્ષસપણું ચિરકાલ સુધી નિશ્ચલ રહે એમ થાઓ.”

        પોતાને બે શાપ મળેલા જોઇને રાક્ષસ ક્રોધિત થઇ ગયો અને અંગાર ઓકતો હોય તેમ બોલી ઉઠ્યો, “હે દૃષ્ટે, એક અપરાધ માટે એક જ શાપ આપવાનું ઉચિત હતું; તો પછી બે શાપ કેમ આપ્યા? તેં મને બે શાપ આપ્યા તેથી તું પણ આજે તારા પુત્ર સહીત રાક્ષસી થઇ જા.”

        પુત્ર સાથે રાક્ષસી બનેલી તે બ્રાહ્મણી વનમાં ભૂખી થઈને રાડો પાડવા લાગી. કલ્માષપાદ સાથે તે પોતાના પુત્ર સહીત નર્મદાતટ પર આવેલા એક બ્રહ્મરાક્ષસના નિવાસસ્થાનરૂપ વટવૃક્ષ પાસે જઈ પહોંચ્યા. લોકોનો વિરોધ કરવો અને ગુરુ પ્રત્યે ઉદાસીનતા એવા કર્મોને લીધે તે બ્રહ્મરાક્ષસ બન્યો હતો. તેમને જોઇને બ્રહ્મરાક્ષસ ક્રોધિત થઇ ગયો અને પૂછ્યું, “અરે ભયંકર પ્રાણીઓ, તમે કોણ છો અને મારા સ્થાન ઉપર શા માટે આવ્યા છો?”

        તેનો પ્રશ્ન સાંભળીને કલ્માષપાદ અને તે બ્રાહ્મણીએ પોતાની સાથે થયેલ દરેક બીના વર્ણવી. પોતાની વાત કહી લીધા પછી કલ્માષપાદે પૂછ્યું, “આપ કોણ છો અને કયા કર્મને લીધે અહીં છો?”

        બ્રહ્મરાક્ષસે કહ્યું, “હું પહેલાં મગધમાં રહેતો હતો વેદપારગામી, ધર્મપરાયણ સોમદત્ત નામનો બ્રાહ્મણ હતો. મેં વિદ્યા, યુવાવસ્થા અને ધનના મદમાં ગુરુ પ્રત્યે ઉદાસીનતા દેખાડી, તેથી હું આ દશાને પ્રાપ્ત થયો છું. મારી ભૂખ ક્યારેય શમતી નથી અને અંતઃકરણના અગ્નિથી બળતો રહું છું. તેથી ગુરુ પ્રત્યે ક્યારેય ઉદાસીનતા ન દેખાડવી અને તેમનું સમ્માન કરવું.”

        કલ્માષપાદ બનેલા મિત્રસહે પૂછ્યું, “શાસ્ત્રમાં ગુરુનાં કેવા લક્ષણો હોવાનું કહ્યું છે?”

        બ્રહ્મરાક્ષસે કહ્યું, “ગુરુ અનેક પ્રકારના હોય છે અને તે સર્વેની આદરપૂર્વક પૂજા કરવી જોઈએ. હવે જે જાણવું છું તે ધ્યાનથી સાંભળો. વેદ ભણાવનાર, શ્રુતિઓનો અર્થ બતાવનાર, શાસ્ત્રની વ્યાખ્યા કરનાર, ધર્મનો ઉપદેશ આપનાર, નીતિશાસ્ત્રનો ઉપદેશ આપનાર, મંત્રનો ઉપદેશ આપનાર અને વ્યાખ્યા કરનાર, વેદમાં ઉત્પન્ન થયેલા સંદેહને નિવારનાર, વ્રતનો ઉપદેશ કરનાર, ભયથી બચાવનાર, અન્ન આપનાર, શ્વસુર, મામા, મોટોભાઈ, પિતા, ઉપનયન કરનાર અને ગર્ભાધાન આદિ સર્વ સંસ્કાર કરાવ્યા હોય એ બધાં ગુરુ છે.”

        કલ્માષપાદે પૂછ્યું, “આપે ઘણા બધા ગુરુઓનું વર્ણન કર્યું, તેમાં શ્રેષ્ઠ કોણ કે પછી બધાં જ સમાન છે?”

        બ્રહ્મરાક્ષસે કહ્યું, “આ બધાં જ વંદનીય અને પૂજ્ય છે, તો પણ શાસ્ત્રો શું કહે છે તે કહું છું. વેદ ભણાવનાર, મંત્રોની વ્યાખ્યા કરનાર અને ધર્મનો ઉપદેશ કરનાર અને પિતા આ વિશેષ ગુરુ કહેવાય છે. તેમાં પણ જે ગુરુ સંસારનો પાશ કાપનારા ધર્મમય પુરાણોનું વર્ણન કરે છે તે ઉત્તમ ગુરુ છે. જેઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ફળ મેળવવા ઈચ્છતા હોય તેમણે પુરાણોનું શ્રવણ કરવું જોઈએ”

        તેણે આગળ કહ્યું, “મેં તો ગંગાજીના રમણીય તટ ઉપર સર્વજ્ઞ ગૌતમમુનિ પાસે સર્વ ધર્મોનું તાત્પર્ય સાંભળ્યું છે. એક સમયે હું શિવજીની પૂજા કરી રહ્યો હતો. તે સમયે મારા ગુરૂજી ગૌતમમુનિ પધાર્યા. હું પૂજામાં નિમગ્ન હોવાથી મેં તેમને પ્રણામ કર્યા નહિ. તે પરમબુદ્ધિમાન હોવાથી શાંત રહ્યા, પરંતુ મેં જે સર્વ જગતના ગુરુ ભગવાન શંકરની પૂજા કરી હતી, તેમણે ગુરુની અવજ્ઞા કરવા માટે રાક્ષસ બનાવી દીધો.”

        આવી બધી ધર્મચર્ચાની લીધે તેનાં પાપ ક્ષીણ થઇ રહ્યાં હતાં. એવામાં ત્યાં એક પરમધાર્મિક બ્રાહ્મણ આવી પહોંચ્યો. તે કલિંગદેશનો ગર્ગ નામનો બ્રાહ્મણ હતો. તેના ખભે ગંગાજળ હતું અને મુખમાં ઈશ્વરનું નામ હતું. “અમારો ખોરાક આવી ગયો” ના નામની ચીસ પાડીને દોડેલા રાક્ષસો ગર્ગની નજીક જઈ શક્યા નહિ. તેને ઝડપવામાં અસફળ રહેલા તેમણે કહ્યું, “હે મહાભાગ્યશાળી બ્રાહ્મણ, અમે તમને પ્રણામ કરીએ છું અને જેના કીર્તનને લીધે અમે તમને સ્પર્શી શક્તા નથી તે વિષ્ણુને પણ પ્રણામ કરીએ છીએ. આપ અમારા ઉપર ગંગાજળનો અભિષેક કરો અને અમને મહાન પાપમાંથી બચાવો.”

        તે બ્રાહ્મણે સરસવના દાણા જેટલું ગંગાજળ છાંટતા તે રાક્ષસો રાક્ષસભાવથી મુક્ત થયા. બ્રાહ્મણી પોતાના પુત્રસહિત અને સોમદત્તનું રૂપ બદલાઈ ગયું. તેઓ ગર્ગની સ્તુતિ કરતાં વિષ્ણુલોકમાં ચાલ્યાં ગયાં, પણ કલ્માષપાદનું રાક્ષસરૂપ દૂર થયું નહિ. તે ચિંતિત થઇ ગયો, તે સમયે સરસ્વતી દેવીએ તેને ધર્મવચન કહ્યાં, “હે મહાન રાજન! તારે દુઃખ માનવું નહિ. કર્મનાં ફળ ભોગવ્યાં પછી તારું પણ કલ્યાણ થશે. સારાં કર્મ કરવાથી પાપ ધોવાઈ જાય છે. હરિની ભક્તિમાં નિમગ્ન પ્રાણીઓ વિષ્ણુના પરમપદને અવશ્ય પામે છે.”

        આ પ્રકારની આકાશવાણી સાંભળીને રાજા પ્રસન્ન થયો અને ગુરુ વસિષ્ઠને યાદ કરીને તે બ્રાહ્મણની અને હરિની સ્તુતિ કરવા લાગ્યો. ત્યારબાદ ગર્ગને પ્રણામ કરીને વિષ્ણુનું નામ લેતાં કાશીપુરી તરફ ચાલી નીકળ્યો. છ મહિના ગંગામાં સ્નાન કરીને તેણે સદાશિવનાં દર્શન કર્યાં આથી તેની બ્રાહ્મણીના શાપથી મુક્તિ થઇ અને ફરી પોતાના નગરીમાં પાછો ફર્યો.”

        સનકે આગળ કહ્યું, “હે દ્વિજશ્રેષ્ઠ, વિષ્ણુ અને વારાણસીના ગુણોનું જે વર્ણન કરે છે, તેમના મહાત્મ્યનું શ્રવણ કરે છે અથવા ગંગાજળનું પાન કરે છે તે મુક્ત થઇ જાય છે. ‘ગંગા-ગંગા’ આ નામ એકવાર પણ મુખમાંથી નીકળતાં જ મનુષ્ય પાપમાંથી મુક્ત થઇ જાય છે અને બ્રહ્મલોકમાં તેની પ્રશંસા થવા માંડે છે.”

 

ક્રમશ: