સનક બોલ્યા, “હે મુનીશ્વર, આ પ્રમાણે રાજા બાહુની બંને રાણીઓ ઔર્વ મુનિના આશ્રમમાં રહીને પ્રતિદિન તેમની સેવા કરતી હતી. આ પ્રમાણે છ મહિના વીતી ગયા પછી મોટી રાણીના મનમાં શોક્યની સમૃદ્ધિ જોઇને પાપી વિચાર ઉત્પન્ન થયો. તેથી તેણે નાની રાણીને ઝેર આપ્યું; પરંતુ નાની રાણી પ્રતિદિન આશ્રમની ભૂમિને લીંપવા અને મુનિની સેવા કરતી હોવાથી, તેથી તેની ઉપર ઝેરની કોઈ અસર ન થઇ.
બીજા ત્રણ મહિના થયે નાની રાણીએ શુભ સમયે ઝેર સાથે જ એક પુત્રને જન્મ આપ્યો. તેજસ્વી મુનિ ઔર્વે વિષના ગર સાથે ઉત્પન્ન થયેલા રાજા બાહુના પુત્રને જોઇને તેનો જાતકર્મ સંસ્કાર કર્યો અને તેની નામ સગર રાખ્યું. માતાના વહાલ સાથે ઉછરેલા સગરના મુનિ ઔર્વે યોગ્ય સમયે ચૂડાકર્મ તથા યજ્ઞોપવીત સંસ્કાર કર્યા; તેમ જ રાજાને ઉપયોગી શાસ્ત્રોનું અધ્યયન કરાવ્યું. સગર ઉંમરલાયક થયા પછી તેને મંત્ર સહીત અસ્ત્રશસ્ત્રોનું શિક્ષણ આપ્યું. શિક્ષણ પૂર્ણ થયું ત્યાં સુધીમાં સગર મહાબળવાન, ધર્માત્મા, કૃતજ્ઞ, ગુણવાન અને પરમ બુદ્ધિમાન થઇ ગયો.
એક દિવસ સગરે પોતાની માતાને હાથ જોડીને પૂછ્યું, “હે માતા, મારા પિતાજી ક્યાં ગયા છે? તેમનું નામ શું છે? તેઓ કયા કુળના હતા? તે સર્વ હકીકત મને જણાવો. જેમ વૃક્ષ વિનાનું વન, જળ વિનાની નદી અને વેગ વિનાનો ઘોડો નિરર્થક હોય છે, તેવી જ પિતા વિનાના બાળકની દશા હોય છે.”
वृक्षहीनं यथारण्यं जलहीना यथा नदी I
वेगहीनो यथा वाजी तथा पित्रा विनार्भक: II
પુત્રની વાત સાંભળીને રાણી દુઃખમાં ડૂબી ગઈ. ત્યારબાદ તેણે સગરને સઘળી વાત કરી. ક્રોધિત થયેલા સગરે શત્રુઓનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. ઔર્વ મુનિની પ્રદક્ષિણા કરીને માતાને પ્રણામ કર્યા અને મુનિની આજ્ઞા લઈને નીકળ્યો. આશ્રમમાંથી નીકળીને રાજકુમાર સગર પોતાના કૂલ-પુરોહિત મહર્ષિ વસિષ્ઠને મળ્યો. સગરે મહર્ષિ પાસેથી ઇન્દ્ર, વારુણ, બ્રાહ્મ અને આગ્નેય અસ્ત્ર તથા ઉત્તમ ખડ્ગ તેમ જ વજ્ર જેવું સુદૃઢ ધનુષ્ય પ્રાપ્ત કર્યું. મહર્ષિના આશીર્વાદ મેળવીને તેણે પ્રયાણ કર્યું. શૂરવીર સગરે એક જ ધનુષ્યથું પોતાના વિરોધીઓને પુત્ર-પૌત્ર અને સેના સહીત સ્વર્ગલોકમાં પહોંચાડી દીધા.
શક, યવન અને બીજા ઘણા બધાં રાજાઓ પ્રાણ બચાવવા માટે વસિષ્ઠ મુનિના શરણે ગયા. ભૂમંડળ ઉપર વિજય પ્રાપ્ત કરીને બાહુપુત્ર સગર વશિષ્ઠ પાસે આવ્યો. પોતાના ગુપ્તચરો પાસેથી જાણવા મળ્યું કે પોતાના શત્રુઓ ગુરુના શરણે આવેલા છે. મહર્ષિ વસિષ્ઠે શરણે આવેલા રાજાઓની રક્ષા કરવા માટે તેમનાં દાઢી અને મૂછ મૂંડાવી રાખ્યાં હતાં. તે જોઇને સગરને હસવું આવ્યું.
તેણે મહર્ષિ વસિષ્ઠને કહ્યું, “ગુરુદેવ, આપ વ્યર્થ આ દુરાચારીઓની રક્ષા કરો છો. એમણે મારા પિતાનું રાજ્ય હરી લીધું છે, તેથી તેમનો સંહાર તો ચોક્કસ કરીશ. પાપાત્મા દૃષ્ટ માણસ શક્તિમાન હોય ત્યાં સુધી દૃષ્ટતા કર્યા જ કરે. તેથી જો શત્રુ જો દાસ બનીને આવે, વેશ્યા ભલી લાગણી દેખાડે અને સાપ સાધુતા પ્રગટ કરે તો પોતાનું ભલું ઇચ્છનાર માણસે તેમનો વિશ્વાસ ન કરવો. આ બધા ગરીબ ગાય જેવા બનીને આવ્યા છે, પણ એમનાં કામ તો વાઘના જેવા અત્યંત ક્રૂર છે. તેથી આપ તેમના ઉપરથી આપનો હાથ હટાવી લો.”
ત્યારે વસિષ્ઠ બોલ્યા, “હે મહાભાગ! તારું કલ્યાણ થાઓ. હે સુવ્રત! મારી વાત સાંભળ એટલે તને શાંતિ પ્રાપ્ત થશે. હે રાજન, બધા જીવ કર્મોના પાશથી બંધાયેલા છે, તો પછી જેઓ પોતાના પાપથી જ મર્યા છે, તેમને ફરીથી શા માટે મારે છે? આ શરીર પાપથી ઉત્પન્ન થયું છે અને પાપથી જ વધી રહ્યું છે, એ પાપમૂલક હોવાનું તું જાણે છે. આ પાપમૂલક શરીરને હણવાથી તને કયો યશ મળવાનો?”
ગુરુ વસિષ્ઠનું વચન સાંભળીને સગરનો ક્રોધ શાંત થઇ ગયો. ત્યારબાદ સગરનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. સગરનાં લગ્ન કેશિની અને સુમતિ સાથે કરવામાં આવ્યાં. તે વિદર્ભરાજ કાશ્યપની કન્યાઓ હતી. એક સમયે તે બંને ભૃગુવંશી ઔર્વમુનિને પ્રાર્થના કરવા ગઈ ત્યારે ઔર્વ મુનિ વરદાન આપતાં બોલ્યા, “હે મહાભાગે, તમારા બંનેમાંથી એક રાણી તો એક જ પુત્ર પ્રાપ્ત કરશે, પરંતુ વંશ વધારનારો હશે; પણ બીજી કેવળ સંતાન વિષયક ઈચ્છાની પૂર્તિ માટે સાઠ હજાર પુત્ર પેદા કરશે. તમને આમાંથી ગમતું એક એક વરદાન માગી લો.”
ઔર્વ મુનિનું વચન સાંભળીને કેશિનીએ એક જ પુત્રનું વરદાન માગ્યું અને રાણી સુમતિએ સાઠ હજાર પુત્રો માગ્યા. કેશિનીના પુત્રનું નામ ‘અસમંજા’ હતું. દૃષ્ટ અસમંજા ઉન્મત્ત જેવી ચેષ્ટાઓ કરવા લાગ્યો. તેને જોઇને સુમતિના પુત્રો પણ ભૂંડા આચરણ કરવા લાગ્યા. રાજા સગર તેમનાં કર્મોથી દુઃખી હતા. અસમંજાને અંશુમાન નામનો પુત્ર થયો અને તે ધર્માત્મા, ગુણવાન અને શાસ્ત્રોનો જ્ઞાતા હતો. તે હંમેશાં રાજા સગરના હિતમાં વિચાર કરતો હતો.
સગરના બધા દુરાચારી પુત્રો લોકમાં ઉપદ્રવ મચાવવા લાગ્યા. તેમનાં આચરણ જોઇને ઇન્દ્રાદી દેવતાઓને દુઃખ થયું. તેઓ સગરના પુત્રોના નાશનો નિશ્ચય કરીને પાતાલની ગુફામાં રહેનારા દેવોના દેવેશ્વર ભગવાન કપિલ પાસે ગયા અને તેમને પ્રાર્થના કરતાં કહ્યું, “આપ નરના રૂપમાં રહેલા નારાયણ છે. અમે સર્વ દેવતાઓ સગરના પુત્રોના ત્રાસથી પીડાઈને આપના શરણે આવ્યા છીએ.”
કપિલ બોલ્યા, “હે શ્રેષ્ઠ દેવગણ, જે માણસો આ જગતમાં પોતાનાં યશ, બળ, ધન અને આયુષ્યનો નાશ ઈચ્છતા હોય તેઓ જ લોકોને કષ્ટ આપે છે. થોડા જ દિવસમાં સગરપુત્રોનો નાશ થઇ જશે.”
એ દરમ્યાન રાજા સગરે વસિષ્ઠ આદિ મહર્ષિઓના સહયોગથી પરમ ઉત્તમ અશ્વમેઘ યજ્ઞ આરંભ કર્યો. તે યજ્ઞ માટે નિયુક્ત કરવામાં આવેલા ઘોડાને ઇન્દ્રે ચોરીને પાતાળમાં જ્યાં કપિલ મુનિ રહેલા હતા, ત્યાં બાંધી દીધો. પાતાળમાં ગયેલા સગરપુત્રો ઘોડાને જોઇને ધ્યાનમાં રહેલા કપિલ મુનિ ઉપર તૂટી પડ્યા. તેમને કડવાં વચનો કહેવા લાગ્યા અને ગડદા પાટું મારવા લાગ્યા. કેટલાકે તેમના હાથ પકડ્યા એટલે કપિલ મુનિની સમાધિનો ભંગ થયો.
કુપિત થયેલા કપિલ મુનિની આંખોમાંથી અગ્નિ પ્રગટ્યો અને સમસ્ત સગરપુત્રો બળીને ભસ્મ થઇ ગયા. તેમનાં મૃત્યુના સમાચાર સગરને મળ્યા, પણ તેમનાં કર્મો જાણતા હોવાથી તેમણે તેનો શોક ન કર્યો. પુત્રહીન વ્યક્તિ યજ્ઞ ન કરી શકે તેથી સગરે અંશુમાનને દત્તક લીધો અને તેને અશ્વ લાવવા કપિલ મુનિ પાસે મોકલ્યો.
અંશુમાને પોતાના કાકાઓએ આચરેલી દૃષ્ટ્તાઓ માટે ક્ષમા માગી અને કપિલ મુનિની સ્તુતિ કરી, જેને લીધે કપિલ મુનિ પ્રસન્ન થયા. અને અંશુમાનને કહ્યું, “હું તારી ઉપર પ્રસન્ન છું, કોઈ વરદાન માગ.”
ત્યારે અંશુમાને કહ્યું, “ભગવન, મારા પિતૃઓને બ્રહ્મલોકમાં પહોંચાડો.”
તેની વાત સાંભળીને કપિલ મુનિ પ્રસન્ન થયા અને કહ્યું, “રાજકુમાર, તમારો પૌત્ર અહીં ગંગાજીને લાવીને પોતાના પિતૃઓને સ્વર્ગમાં પહોંચાડશે.”
અશ્વ લઈને અંશુમાન પાછો ફર્યો અને યજ્ઞ પૂર્ણ થયો. સગર તપશ્ચર્યા દ્વારા ભગવાન વિષ્ણુની આરાધના કરીને વૈકુંઠધામમાં ગયો. અંશુમાનનો પુત્ર દિલીપ અને તેનો પુત્ર ભગીરથ; જેણે દિવ્યલોકમાંથી ગંગાને ભૂલોક ઉપર આણી. ભગીરથના વંશમાં સુદાસ નામનો રાજા થયો. તેનો પુત્ર સર્વ લોકમાં મિત્રસહ નામે પ્રસિદ્ધ થયો.
વસિષ્ઠના શાપથી સૌદાસને રાક્ષસનું શરીર મળ્યું હતું. તેના દેહ ઉપર ગંગાના જળનું બિંદુ પડવાથી તે ફરીથી માનવ દેહધારી રાજા બન્યો.
નારદે પૂછ્યું, “ હે સનક, વસિષ્ઠે એવો શાપ શા માટે આપ્યો?”
ક્રમશ: