નારદજીનો પ્રશ્ન સાંભળીને સનક રાજી થયા અને તેમણે કહ્યું, “હે નારદ, આપ મારી વાત ધ્યાનથી સાંભળો. ઉત્તમ ક્ષેત્રનું વર્ણન શુભ ફળ આપનારું છે. ગંગા અને યમુનાના સંગમને જ મહર્ષિઓ શાસ્ત્રોમાં ઉત્તમ ક્ષેત્ર તથા તીર્થોમાં ઉત્તમ તીર્થ છે એવું જણાવે છે. ગંગાને પરમ પવિત્ર નદી માનવી જોઈએ કારણ કે તે ભગવાન વિષ્ણુના ચરણોમાંથી પ્રગટ થયેલ છે. એવી જ રીતે યમુના પણ સાક્ષાત સૂર્યનાં પુત્રી છે. તે બંનેનો સમાગમ કલ્યાણકારી છે.
ગંગા સૌથી પવિત્ર નદી છે અને તેનું સ્મરણ અથવા તેના નામનું ઉચ્ચારણ સુદ્ધાં પાપોને હરી લે છે. તેનું સ્નાન મહાપુણ્યદાયક અને ભગવાન વિષ્ણુનું સારૂપ્ય આપનારું હોય છે. ભગવાન વિષ્ણુના ચરણકમળોથી પ્રગટ થઈને ભગવાન શિવના મસ્તક ઉપર વિરાજમાન થનારી પરમ પુણ્યમયી આ ગંગા નદીનું જો મેષ, તુલા અને મકરની સંક્રાંતિઓમાં (ચૈત્ર, અશ્વિન અને પોષ માસમાં) ભક્તિપૂર્વક સેવન કરવામાં આવે તો તે મનુષ્ય પવિત્ર થઇ જાય. સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે ગમે તે સ્થળે ગંગામાં સ્નાન કરવામાં આવે તે સ્નાન-પાન મનુષ્યને પવિત્ર કરી દે છે.
પૃથ્વી ઉપર જે જે પુણ્યક્ષેત્ર છે તે સર્વમાં સૌથી વધારે પુણ્યકારક તીર્થ છે પ્રયાગ. તે સ્થળે બ્રહ્માએ યજ્ઞ દ્વારા ભગવાન લક્ષ્મીપતિનું યજન કર્યું હતું. અન્ય મહર્ષિઓએ પણ અહીં અનેક પ્રકારના યજ્ઞો કર્યા છે.
એવી જ રીતે વિખ્યાત કાશીપુરી પણ તીર્થોમાં ઉત્તમ છે. જે માણસો અવિમુક્ત ક્ષેત્ર કાશીનું સ્મરણ કરે છે, તેઓ સર્વ પાપોનો નાશ કરીને ભગવાન શિવના લોકમાં જાય છે.
શિવલિંગ સાક્ષાત હરિરૂપ છે અને શ્રી હરિ સાક્ષાત શિવલિંગરૂપ છે. તે બંનેમાં કોઈ અંતર નથી. જે તે બંનેમાં અંતર જુએ છે તેનું બુદ્ધિમાં ભ્રમ છે. જે સંપૂર્ણ જગતના સ્વામી અને કારણોના પણ કારણ છે તે ભગવાન વિષ્ણુ જ પ્રલયકાળમાં રુદ્રરૂપ ધારણ કરે છે. ભગવાન રુદ્ર જ વિષ્ણુરૂપે જગતનું પાલન કરે છે. તેઓ જ બ્રહ્મરૂપે સંસારનું સર્જન કરે છે. જે શિવ, વિષ્ણુ અને બ્રહ્માને એકરૂપથી જુએ છે તે પરમ આનંદ પામે છે.
કાશીનું વિશ્વેશ્વરલિંગ જ્યોતિર્લિંગ કહેવાય છે. શ્રેષ્ઠ લોકો તેનાં દર્શન કરીને પરમજ્યોતિને પ્રાપ્ત થાય છે. કાશીપુરીની જેણે પરિક્રમા કરી તેણે સમુદ્ર, પર્વત અને સાત દ્વીપોની પરિક્રમા કરી લીધી એવું માનવામાં આવે છે.
ગાયત્રી વેદોની માતા છે અને જાહ્નવી (ગંગા) સંપૂર્ણ જગતની જનની છે. ગંગાના જળના કેવળ એક જ બિંદુના સેવનથી રાજા સગરની સંતતિ રાક્ષસરૂપનો ત્યાગ કરીને પરમપદને પ્રાપ્ત થઇ.”
સનકની વાતો સાંભળીને નારદ રાજી થયા. તેમણે આગળ પૂછ્યું, “હે મુનિશ્રેષ્ઠ, સગરવંશમાં રાક્ષસભાવથી કોણ મુક્ત થયું હતું? રાજા સગર કોણ હતા? તે મને જણાવો.”
સનકે કહ્યું, “સૂર્યવંશમાં ‘બાહુ’ નામનો એક રાજા થઇ ગયો. તેના પિતાનું નામ ‘વૃક’ હતું. બાહુ ધર્મપરાયણ અને શક્તિશાળી રાજા હતો. તેણે સાતે દ્વીપોમાં સાત અશ્વમેઘ યજ્ઞ કર્યા, જેને લીધે તેની નામના ચારે તરફ થઇ. આ જ કારણસર બાહુના મનમાં અસૂયા સાથે ભારે અહંકાર પેદા થયો. તે જેનામાં ઉત્પન્ન થાય છે તેનો વિનાશ ચોક્કસ છે.
જયારે રાજા બાહુનું હૃદય અસૂયા દોષથી દુષિત થઇ જવાને લીધે તે ઉદ્ધત થઇ ગયો અને તેને લીધે હૈહય અને તાલજંઘ કુળના ક્ષત્રિયો તેના પ્રબળ શત્રુ બની ગયા. બંને દળો વચ્ચે એક મહિનો યુદ્ધ ચાલ્યું જેમાં રાજા બાહુ હારી ગયો. તેથી દુઃખી થઈને પોતાની ગર્ભવતી પત્ની સાથે વનમાં ચાલ્યો ગયો.
બાહુના હૃદયમાં અસૂયાનો હજી પણ વાસ હતો. તેના આવવાને લીધે પક્ષીઓ પોતાના માળામાં પેસી ગયાં અને કહેવા લાગ્યાં, “અરે! મોટા દુઃખની વાત છે કે અહીં કોઈ ભયાનક પુરુષ આવી ચડ્યો છે.”
नास्त्यकीर्तिसमो मृत्युर्नास्ति क्रोधसमो रिपु: I
नास्ति निन्दासम पापं नास्ति मोहसमासव: II
नास्त्यसूयासमा कीर्तिनारस्ति कामसमोनल्: I
नास्ति रागसम: पाशो नास्ति सङ्ग्समं विषं II
અપકીર્તિ જેવું મૃત્યુ પણ નથી, ક્રોધ જેવો બીજો કોઈ શત્રુ નથી. નિંદાના જેવું કોઈ પાપ નથી અને મોહ જેવો કોઈ આસવ નથી. અસૂયા જેવી કોઈ અપકીર્તિ નથી, કામ જેવી કોઈ આગ પણ નથી, રાગના જેવું કોઈ બંધન નથી અને સંગ અર્થાત આસક્તિના જેવું કોઈ વિષ નથી.
આ પ્રમાણે રાજા બહુ વિલાપ કરવા લાગ્યો અને ઔર્વ મુનિના આશ્રમ પાસે મંદવાડમાં પટકાઈને મૃત્યુ પામ્યો. તેની નાની પત્ની ગર્ભવતી હતી, તો પણ દુઃખથી ડરીને વિલાપ કર્યા પછી પતિ સાથે ચિતામાં બળી મરવાનો વિચાર કરવા લાગી. હે નારદ! ઔર્વ મુનિ જ્ઞાતા હતા, તે ચિતા ઉપર ચડવા તૈયાર થયેલી રાણી પાસે ગયા અને કહ્યું, “મહારાજ બાહુની પત્ની, તું પતિવ્રતા છે, પણ ચિતા ઉપર ચડીશ નહિ કારણ તારા ગર્ભમાં શત્રુઓનો નાશ કરનાર પુત્ર છે. જેનું સંતાન નાનું હોય, જે ગર્ભવતી હોય, જેણે ઋતુકાળ જોયો ન હોય તેમ જ જે રજસ્વલા હોય, આવી સ્ત્રીઓ માટે પતિ સાથે ચિતા ઉપર ચડવાનો નિષેધ છે.”
આમ ઔર્વ મુનિએ શાસ્ત્રોની ઘણીબધી વાતો કહીને સમજાવી એટલે પતિવ્રતા રાણીને વિશ્વાસ બેઠો અને પતિની ચિતા સાથે બળી મરવાનો વિચાર માંડી વાળ્યો.
ત્યારબાદ ઔર્વ મુનિએ રાણીને શાંત કરીને તેની પાસે અગ્નિદાહ સંબંધી સઘળું કાર્ય કરાવ્યું. ત્યારબાદ તળાવને કિનારે મુનિએ બતાવેલી વિધિ પ્રમાણે પોતાના પતિની ઔર્ધ્વદૈહિક ક્રિયાઓ સંપૂર્ણ કરી. તે સ્થળે ઔર્વ મુનિ ઊભા હતા તેથી રાજા બાહુ ચિતામાં નીકળીને વિમાનમાં બેઠો અને મુનીશ્વર ઔર્વને પ્રણામ કરીને પરમધામમાં ગયો. મહાપાતક અને ઉપપાતકથી યુક્ત માણસ ઉપર મહાપુરુષોનો દ્રષ્ટિપાત થતાં તે અવશ્ય પરમપદને પ્રાપ્ત થાય છે.
પતિનું શ્રાદ્ધકર્મ કરીને રાણી પોતાની શૌક્ય સાથે ઔર્વમુનિના આશ્રમમાં ગઈ અને તેમની સેવા કરવા લાગી.”
ક્રમશ: