ત્યારબાદ સનક બોલ્યા, “હે દેવર્ષિ, હવે હું આપને કાલગણના વિસ્તારથી કહું છું તે સાવધાન થઈને સંભાળજો. બે અયનનું એક વર્ષ થાય, જે દેવતાઓનો એક દિવસ અથવા એક અહોરાત્ર છે. ઉત્તરાયણ એ દેવતાઓનો દિવસ છે અને દક્ષિણાયન એ તેમની રાત્રી છે. મનુષ્યોના એક દિવસ અને પિતૃઓનો એક દિવસ સમાન હોય છે, તેથી સૂર્ય અને ચંદ્રમાના સંયોગમાં અર્થાત અમાવસ્યાનાના દિવસે ઉત્તમ પિતૃકલ્પ જાણવો.
બાર હજાર દિવ્યવર્ષોનો એક દૈવત યુગ થાય છે. બે હજાર દૈવત યુગ બરાબર બ્રહ્માની એક અહોરાત્ર (દિવસ +રાત્રી) થાય છે. તે મનુષ્યો માટે સૃષ્ટિ અને પ્રલય બંને મળીને બ્રહ્માનો દિનરાત રૂપ એક કલ્પ છે. એકોતેર દિવ્ય ચાર યુગનો એક મન્વંતર થાય છે અને ચૌદ મન્વંતરોથી બ્રહ્માનો એક દિવસ પૂરો થાય છે.
હે નારદ, બ્રહ્માનો દિવસ જેટલો હોય છે એટલી જ લાંબી રાત હોય છે. બ્રહ્માની રાત્રીના સમયે ત્રણે લોકનો નાશ થાય છે. મનુષ્યની કાલગણના પ્રમાણે ચાર હજાર યુગનો બ્રહ્માનો એક દિવસ થાય છે. એવા જ ત્રીસ દિવસોનો એક માસ અને બાર માસનું એક વર્ષ સમજવું. એવાં સો વર્ષમાં તેમનું આયુષ્ય પૂરું થાય છે. બ્રહ્માના કાલમાપન પ્રમાણે તેમનું સંપૂર્ણ આયુષ્ય બે પરાર્ધ વર્ષનું હોય છે. બ્રહ્માના બે પરાર્ધ વર્ષને ભગવાન વિષ્ણુના માટે એક દિવસ સમજવો અને તેમની રાત પણ એટલી જ મોટી.”
સનક આગળ કહી રહ્યા હતા અને સામે દેવર્ષિ નારદ ધ્યાનથી તેમની વાણી સાંભળી રહ્યા હતા, “પ્રલયકાળનો અંત સમય આવી જતાં યોગનિંદ્રાથી મુક્ત થઈને નારાયણે બ્રહ્માના રૂપથી આ ચરાચર જગતની રચના કરી. તેમની લીલા જોઇને માર્કંડેય મુનિ હર્ષ પામ્યા અને તેમનું સ્તુતિગાન કર્યું. તેમની સ્તુતિ સાંભળીને શ્રીવિષ્ણુ હર્ષિત થયા અને કહ્યું, “હે દ્વિજશ્રેષ્ઠ, સંસારમાં જે ભક્ત પુરુષો મારે ભક્તિમાં ચિત્ત લગાવે છે, તેમનાથી સંતુષ્ટ થઈને હું સદા તેમની રક્ષા કરું છું.”
માર્કંડેયે પૂછ્યું, “ભગવન, ભગવદભક્તનાં શાં લક્ષણો છે? કયું કર્મ કરવાથી ભગવદભક્ત થવાય?”
શ્રી ભગવાને કહ્યું, “હે મુનિશ્રેષ્ઠ, ભગવદભક્તનાં લક્ષણો કહું છું તે ધ્યાનથી સાંભળો. જે સર્વ જીવોનો હિતેચ્છુ છે, બીજાના દોષ જોવાનો જેમનો સ્વભાવ નથી, જે ઈર્ષારહિત, મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનારા, નિષ્કામ અને શાંત છે, તેમને જ ભગવદભક્તોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. જેઓ મન, વાણી તેમ જ ક્રિયા દ્વારા બીજાઓને ક્યારેય પીડા આપતા નથી, તેમ જ જેમને સંગ્રહ કરવાની કે કોઈની વસ્તુ લેવાની ટેવ નથી, તેમને ભગવદભક્ત માનવામાં આવે છે. જેમની સાત્વિક બુદ્ધિ ભગવતસંબંધી ઉત્તમ કથાવાર્તા સાંભળવામાં લાગેલી રહે છે, તેમ જ જેઓ ભગવાન અને તેમના ભક્તોના પણ ભક્ત હોય છે તેમને શ્રેષ્ઠ ભક્ત માનવામાં આવે છે. જે શ્રેષ્ઠ લોકો માતામાં ગંગાનો ભાવ અને પિતામાં વિશ્વનાથનો ભાવ રાખીને તેમની સેવા કરે છે, તેઓ પણ શ્રેષ્ઠ ભગવદભક્ત છે. જેઓ ભગવાનની પૂજામાં લાગેલા રહે છે, જેઓ એમાં સહાયક થાય છે તેમ જ ભગવાનની પૂજા જોઇને તેમાં સમભાવ દર્શાવે છે, તેઓ ઉત્તમ ભગવદભક્ત છે. જેઓ વ્રત કરે છે તથા યતિઓની સેવામાં સંલગ્ન તેમ જ પારકી નિંદાથી દૂર રહે છે, તેઓ શ્રેષ્ઠ ભગવદભક્ત છે.
જેઓ ધર્મશાસ્ત્રના વક્તા, સત્યવાદી અને સાધુપુરૂષોના સેવક છે, તેમને ભગવદભક્તોમાં શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. જેઓ પુરાણોમાંની કથાઓ કહી સંભળાવે છે, જેઓ પુરાણ સાંભળે છે અને પુરાણ વાંચનારમાં શ્રદ્ધા રાખે છે તે ભગવદભક્ત છે. જે માણસો બીજાઓની ઉન્નતિ જોઇને પ્રસન્ન થાય છે અને ભગવાનના નામનો જપ કરતા રહે છે તે ઉત્તમ ભક્ત છે. જેઓ વાવ, કૂવા બંધાવે છે, તળાવ ખોદાવે છે, દેવાલય બંધાવે છે તેમ જ તેમનું રક્ષણ કરે છે તે ઉત્તમ ભક્ત છે. જે અતિથીઓનો સત્કાર કરે છે, વેદોની વાણી બોલે છે, જેઓ ભગવાન શિવમાં પ્રેમ ધરાવનારા, શિવના ચિંતનમાં આસક્ત રહેનારા, જેઓ ભગવાન વિષ્ણુ તથા પરમાત્મા શિવના નામોનું સ્મરણ કરે છે, જેઓ રુદ્રાક્ષની માળા ધારણ કરે છે તે ભક્ત છે. જેઓ પરમેશ્વર શિવ અને પરમાત્મા વિષ્ણુમાં સમબુદ્ધિ રાખીને તેમનું પૂજન કરે છે, જેઓ શિવની પ્રસન્નતા માટે અગ્નિહોત્રમાં તત્પર રહે છે તેમ જ પંચાક્ષર મંત્રનો જપ કરવામાં સંલગ્ન રહે છે તે ઉત્તમ ભક્ત છે. જેઓ અન્નનું દાન કરે છે, જેઓ જળનું દાન કરે છે, એકાદશીનું વ્રત કરે છે તે શ્રેષ્ઠ ભક્ત છે.
તેથી હે વિપ્રવર, તમે ઉત્તમ શીલથી યુક્ત રહો, સર્વ પ્રાણીઓને આશ્રય આપો, મન અને ઇન્દ્રિયોને વશમાં રાખો અને સર્વ પ્રત્યે મિત્રતાનો ભાવ રાખીને ધર્મનું આચરણ કરો.”
સનક મુનિએ પોતાનું કથન આગળ વધાર્યું, “એટલું કહીને ભગવાન વિષ્ણુ માર્કંડેયને વરદાન આપીને અદ્રશ્ય થઇ ગયા. હે વિપ્રવર નારદ, તમે જે કંઈ પૂછ્યું હતું, તે અનુસાર ભગવદભક્તિનું મહાત્મ્ય મેં તમને કહ્યું. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો?”
****
ઋષીઓ સૂત પાસેથી કથન સાંભળીને રાજી થઇ રહ્યા હતા. તેમાંથી એક સાધુજને સૂત મુનિને પૂછ્યું, “નારદજીએ આગળ શું પૂછ્યું તે અમને કૃપા કરીને જણાવો.”
સૂતે કહ્યું, “ભગવાનની ભક્તિનું મહાત્મ્ય સાંભળીને નારદ ઘણા પ્રસન્ન થયા અને જ્ઞાન વિજ્ઞાનમાં પારંગત સનક મુનિને ફરીથી પ્રશ્ન કર્યો.”
નારદે પૂછ્યું, “હે મુને, આપ શાસ્ત્રોના પારદર્શી વિદ્વાન છો. મારા ઉપર અનુગ્રહ કરીને જણાવો કે સર્વ ક્ષેત્રોમાં ઉત્તમ ક્ષેત્ર કયું અને સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ કયું છે?”
ક્રમશ: