Narad Puran - Part 1 in Gujarati Spiritual Stories by Jyotindra Mehta books and stories PDF | નારદ પુરાણ - ભાગ 1

Featured Books
Categories
Share

નારદ પુરાણ - ભાગ 1

મહર્ષિ પરાશર અને સત્યવતીના પુત્ર એવા મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વેદ વ્યાસે મૂળરૂપે એક જ વેદ ઋગ્વેદને ચાર ભાગોમાં વહેંચી દીધો. તે ચાર વેદોને નામ આપ્યાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ અને તેમને પોતાના શિષ્યો અનુક્રમે પૈલ, જૈમીન. વૈશમ્પાયન અને સુમન્તુમુનિને ભણાવ્યા. વેદોના પ્રચારપ્રસાર આ ચાર શિષ્યોએ કર્યો.

વેદોની અંદર રહેલ જ્ઞાન અત્યંત ગુઢ અને શુષ્ક હોવાને લીધે મહર્ષિ વેદ વ્યાસે પાંચમાં વેદ રૂપે અઢાર પુરાણોની રચના કરી. તે પુરાણોનું જ્ઞાન તેમના શિષ્ય રોમહર્ષણને આપ્યું જેમને આપણે મહામુનિ સૂત નામથી પણ ઓળખીએ છીએ.

તે અઢાર પુરાણોનાં નામ બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ (કેટલાક મત મુજબ વાયુ પુરાણ), ભાગવત પુરાણ (કેટલાક મત મુજબ દેવી ભાગવત), નારદ પુરાણ, માર્કન્ડેય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, લિંગ પુરાણ, વારાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ.

આ અઢાર પુરાણોમાં જુદી જુદી કથાઓ દ્વારા વેદોમાં રહેલું ગુઢ જ્ઞાન કહેવામાં આવ્યું છે.

નારદ પુરાણ

કુલ ૨૫૦૦૦ શ્લોકોથી રચિત નારદ પુરાણના બે ભાગ છે. પૂર્વ અને ઉત્તર ભાગ. પૂર્વ ભાગમાં ૧૨૫ અને ઉત્તર ભાગમાં ૮૨ અધ્યાય છે. અલંકારિક ભાષામાં લખાયેલાં આ પુરાણોને સામાન્ય ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું.

****

        એક સમયે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો ઉપાય જાણવાની ઈચ્છાથી એક સંમેલન યોજવામાં આવ્યું જેમાં છવ્વીસ હજાર ઊર્ધ્વરેતા (નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરનાર) મુનિઓ એકત્ર થયા. તે સંમેલનમાં મહર્ષિ શૌનકને પૂછવામાં આવ્યું કે આ પૃથ્વી ઉપર પુણ્યક્ષેત્ર અને પવિત્ર તીર્થો કયા છે અને ક્યાં છે? આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી પીડાતા મનુષ્યને મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થઇ શકે? લોકોને વિષ્ણુની ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય? કર્મોનું જે ફળ મળે છે તેનો ભેદ શું છે? તે કઈ રીતે સાત્વિક, રાજસ અને તામસમાં  વિભાગાય છે.

        મહર્ષિ શૌનકે તેમના પ્રશ્નોનો ઉત્તર આપતાં કહ્યું, “આ વિષયો વિષે સિદ્ધાશ્રમ તીર્થમાં બિરાજતા અને અનેક પ્રકારના યજ્ઞો દ્વારા વિષ્ણુનું યજન કરતા મહામુનિ સૂત સારી રીતે જાણે છે. સૂત એ નારાયણનો અવતાર મહર્ષિ વ્યાસના શિષ્ય છે. સંસારમાં તેમના કરતાં વધારે પુરાણોનો જ્ઞાતા કોઈ નથી. તેથી આપણે તેમને જ આ પ્રશ્નો પૂછીએ.”

        બધાં જ જ્ઞાનપિપાસુઓ સિદ્ધાશ્રમમાં ગયા અને સૂતજીને મળ્યા. તેમને જોઇને મહામુનિ સૂત આનંદિત થયા અને તેમનો યોગ્ય આદરસત્કાર કર્યો.

        તેમણે સૂતજીને પ્રશ્ન કર્યો, “અમે જાણવા માગીએ છીએ કે આ જગત કોનાથી ઉત્પન્ન થયું છે? આનો આધાર અને સ્વરૂપ શું છે? આ શામાં રહેલું છે અને આનો શામાં લય થશે? વિષ્ણુ કેવી રીતે પ્રસન્ન થાય?  અતિથિપૂજા કેવી રીતે કરવી જોઈએ, જેથી સર્વ કર્મો સફળ થાય? મનુષ્યને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?” આવા અનેક પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા.

        સૂતજીએ કહ્યું, “આપ જે પ્રશ્નો કરી રહ્યા છો તેના ઉત્તરો સનકાદિ મુનિઓએ નારદજી આગળ જેનું વર્ણન કર્યું હતું તે ‘નારદ પુરાણમાં’ મળશે. આમાં ભગવાન નારાયણની કથાનું વર્ણન છે.”

        એટલું કહીને સૂતજીએ નારદ પુરાણ વિષે કહેવાનું શરૂ કર્યું.

        સનક, સનંદન, સનત્કુમાર અને સનાતન જેમને આપણે સનકાદિ નામથી પણ ઓળખીએ છીએ તેઓ બ્રહ્માજીના માનસપુત્રો છે અને નૈષ્ઠિક બ્રહ્મચારી છે. તેઓ એક દિવસ મેરુ પર્વતના શિખર ઉપર બ્રહ્મદેવની સભામાં જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં તે ચારેય મહાત્માને ભગવાન વિષ્ણુના ચરણમાંથી પ્રગટેલાં ગંગાજીનાં દર્શન થયાં. તેઓ ગંગાજીની ‘સીતા’ નામની ધારામાં સ્નાન કરવા જઈ રહ્યા હતા તે સમયે ત્યાં દેવર્ષિ નારદ ત્યાં આવી પહોંચ્યા. નારદે પણ પોતાના મોટાભાઈઓ સાથે ત્યાં સ્નાન કર્યું અને વિષ્ણુ સ્મરણ કર્યું.

        સ્નાનાદિ કાર્યો પૂર્ણ થયા બાદ નારદે કહ્યું, “મારા મનમાં અનેક પ્રશ્નો છે અને આપ સર્વજ્ઞ છો તેની આશા છે કે તેના જવાબો ચોક્કસ આપશો. મને ભગવાનનું લક્ષણ કહો? આ સંપૂર્ણ સ્થાવરજંગમ જેનાથી ઉત્પન્ન થયું છે તે ભગવાન શ્રીહરિને કેવી રીતે જાણી શકાય? મનુષ્યનાં મન, વાણી અને શરીરથી કરેલાં કર્મો કેવી રીતે સફળ થાય છે? જ્ઞાન અને તપશ્ચર્યાનાં લક્ષણ શાં છે? ભગવાન વિષ્ણુને કેવી રીતે પ્રસન્ન કરી શકાય?” આ પ્રશ્ન કર્યા પછી નારદજી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા.  

        નારદજીએ ફરી પૂછ્યું, “હે સનક ! આદિદેવ ભગવાન વિષ્ણુએ પૂર્વે બ્રહ્મા આદિનું સર્જન કઈ રીતે કર્યું? તે વિષે જણાવો.”

        સનકે કહ્યું, “હે દેવર્ષિ ! ભગવાન નારાયણ અવિનાશી, અનંત, સર્વવ્યાપી તથા નિરંજન છે. સ્વયંપ્રકાશ, જગન્મય મહાવિષ્ણુએ આદિ સૃષ્ટિના સમયે ભિન્ન ભિન્ન ગુણોનો આશ્રય લઈને પોતાની ત્રણ મૂર્તિઓ પ્રગટ કરી. સૌ પ્રથમ ભગવાને પોતાના જમણા અંગથી જગતની સૃષ્ટિ માટે પ્રજાપતિ બ્રહ્માને પ્રગટ કર્યા પછી પોતાના મધ્ય અંગથી જગતનો સંહાર કરનારા ‘રુદ્ર’ નામવાળા શિવને ઉત્પન્ન કર્યા અને તે સાથે જ આ જગતનું પાલન કરવા માટે પોતાના ડાબા અંગથી અવિનાશી ભગવાન વિષ્ણુને અભિવ્યક્ત કર્યા. આદિદેવને કેટલાક શિવ કહે છે, કેટલાક વિષ્ણુ અને કેટલાક તેમને બ્રહ્મા કહે છે.

        ભગવાન વિષ્ણુની પરાશક્તિ જ જગતરૂપી કાર્યનું સંપાદન કરતી હોય છે, ભાવ અને અભાવ બંને તેનાં જ સ્વરૂપ છે, તે જ ભાવરૂપથી વિદ્યા છે અને અભાવરૂપથી અવિદ્યા કહેવાય છે. જયારે જ્ઞાતા અને જ્ઞેયની ઉપાધિ નાશ પામી બધાં એક છે, આવો વિચારવાળી બુદ્ધિ થાય છે ત્યારે તે અભેદ દ્રષ્ટિવાળી અવસ્થાને વિદ્યા કહેવામાં આવે છે. તે જ પ્રમાણે માયાને મહાવિષ્ણુથી ભિન્ન જોવામાં આવે તો તે સંસારમાં નાખનારી હોય છે અને અભેદ બુદ્ધિથી જોવામાં આવે તો તે સંસારનો ક્ષય કરનારી હોય છે. આ સર્વ સ્થાવર-જંગમ જગત વિષ્ણુથી શક્તિથી પ્રગટ થયું છે અને તેનાથી ભિન્ન નથી. અવિદ્યારૂપી યોગને લીધે સંપૂર્ણ જગત જુદું દેખાતું હોવા છતાં વાસ્તવમાં વિષ્ણુમય છે. જેમ અંગારા સાથે દાહકશક્તિ હોય છે તેમ વિષ્ણુની સાથે તેમની શક્તિ પણ આ જગતમાં વ્યાપીને રહેલી છે. તે શક્તિ ભિન્ન નામથી ઓળખાય છે. કોઈ તેને ઉમા કહે છે તો કોઈ લક્ષ્મી કહે છે, કોઈ તેને ભારતી કહે છે તો કોઈ ગિરિજા, કોઈ અંબિકા કહે છે અને કોઈ આ શક્તિને દુર્ગા, ભદ્રકાલી, ચંડી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઐન્દ્રી અને શાંભવી કહે છે. કેટલાક આ શક્તિને બ્રાહ્મી, વિદ્યા, અવિદ્યા અને માયા કહે છે. કેટલાક ઋષીઓ આને પરા તથા પ્રકૃતિ કહે છે. વિષ્ણુની આ પરાશક્તિથી જ આ જગતની રચના અને સંચાલન થાય છે અને પ્રગટ તથા અપ્રગટ રૂપથી જગતમાં વ્યાપીને રહેલી છે.”

       

 

જ્યોતિન્દ્ર મહેતા, પાલઘર  

(૯૯૭૦૪૪૦૭૮૫)

(પ્રસ્તુત લેખ  નારદ મહાપુરાણને આધારે લખવામાં આવ્યો છે. પુસ્તક અલંકારિક ભાષામાં અને લંબાણપૂર્વક લખવામાં આવેલ છે. મેં તેને સરળ ભાષામાં ટૂંકાણમાં લેખમાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે.