Achandas in Gujarati Poems by Dr.Chandni Agravat books and stories PDF | અછાંદસ

Featured Books
Categories
Share

અછાંદસ

મારા કાવ્યો પસંદ કરવા માટે
વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર


○●○●○●○●○●○○●○●○●

હું છું અછાંદસની માણસ,
છંદમાં ગોઠવાવું મને નહી ફાવે.

કહો તો બની જાઉં,ગઝલ કે કવિતા,
કિસ્સો બની લોકજીભે વગોવાવું મને નહી ફાવે.

ઓળખી જાય તો ઓળખજે મને લયથી,
પત્ર પર હસ્તાક્ષર બની હક જમાવવું મને નહી ફાવે.

જવું હોય તો ખુલ્લો જ છે ઘરનો દરવાજો,
આમ, ઉંબરે ઉભી મનને ભરમાવવું મને નહી ફાવે.

કહો તો પળભરમાં કરી દઉં રક્તદાન,
રોજ રોજ લાગણીઓ વહાવવું મને નહી ફાવે.

Dr.chandni agravat "સ્પૃહા"
●○●○●○●○●○●○●○●○●○●○●○

તારી અને મારી વચ્ચે ખોવાયું છે ,કઈક
શુ?
સમય,
લાગણી કે
દરકાર
ના,
એ તો છે
જેમ નું તેમ.
તારી ને મારી વચ્ચે
ખોવાયા છે ક્યાંક આપણે.

શોધીએ એકબીજાને
પોતપોતાનું
દૂરબીન લઈને..

ચકાસીએ એકબીજાને,
પોતપોતાનાં
માઈક્રોસ્કોપથી..

Dr.chandni agravat" સ્પૃહા".
●○●○●○●○●○●○●○●○●○●○●○


વાળી ચોળીને
ગોઠવ્યુંતું
ડામચીયે,
સ્મરણ તારુ
લે ફરી
શિયાળો
આવ્યો.

ડો.ચાંદની અગ્રાવત

*

**
********□□□□□□□□□□□□□□□□******

ગઝલ

લાગણીનું લાવ લશ્કર નીકળે ત્યારે,,
લખાય છે ગઝલ...

કાગળ પર ઉતરતા પહેલા મનની મહેફિલમાં..
અનેકવાર વંચાય છે ગઝલ..

ટેરવાને જ્યારે સ્પર્શ ફુટે,
આંખો આંખોમાં જ કહેવાય છે ગઝલ..

માટીનાં પિંડ સમ ચાકળે ચડ્યા પછી..
આગમાં કેટલી એ વાર શકાય છે ગઝલ

ઘાવ બહું ગહેરો થાય ત્યારે
દર્દની સાથે ઘુંટાય છે ગઝલ

જિંદગીના સઘળા રસ માણ્યા પછી..
વાળમાં અંજાયેલ ચાંદી સાથે પરિપક્વ થાય છે ગઝલ.

Chandni agravat



પ્રિય ધરતી,

શું લખુ તને?

સુકાયેલાં ઝરણાં નો રોષ,

કે નદીઓનાં ગળામાં પડતો શોષ?


કપાયેલાં જંગલનું રુદન

કે સીમેંટનાં ઉગતાં વનનું બદન?

નિર્વંશ મૃત્યુ પામતાં પક્ષીઓનાં ડુસકાં

કે કાચમાં કેદ પ્રાણીઓનાં ઠુમકાં?

બરફનું પહેરણ ઉતારતાં પહાડોની નગ્નતાં,

કે રોજ રોજ એને ખુંદતા માનવીની સજ્જનતાં?

ધીમે ધીમે ઝાંખા પડતાં તારાનો ઉજાસ,

કે તીવ્રતાથી એને ઝાંખા પાડતો સેટેલાઇટનો પ્રકાશ?

તારાં આવરણમાં પડેલાં છેદની પીડા,

કે બાથટબમાં તરતી માછલીઓની ક્રીડા?

છોડ....
એક સલાહ આપું તને?

પ્રભુને યાચજે..આવતે ભવ ધરતી ન થાય એવું જ માંગજે..

ડો.ચાંદની અગ્રાવત
**********************************************
હું અછાંદસની માણસ,
છંદમાં ગોઠવાવું મને નહી ફાવે.

કહો તો બની જાઉં,ગઝલ કે કવિતા,
કિસ્સો બની લોકજીભે વગોવાવું મને નહી ફાવે.

ઓળખી જાય તો ઓળખજે મને લયથી,
પત્ર પર હસ્તાક્ષર બની હક જમાવવું મને નહી ફાવે.

જવું હોય તો ખુલ્લો જ છે ઘરનો દરવાજો,
આમ, ઉંબરે ઉભી મનને ભરમાવવું મને નહી ફાવે.

કહો તો પળભરમાં કરી દઉં રક્તદાન,
રોજ રોજ લાગણીઓ વહાવવું મને નહી ફાવે.

ડો.ચાંદની અગ્રાવત
*******□□□□□□□□□**********
નિલકંઠ
****
નથી નિલકંઠ કે ઝેર બધું પચાવી લઈએ,
બહું બહું તો થોડું અસ્તિત્વમાં સમાવી લઈએ.

દંભની પછેડી સુપેરે ઓઢી લઈએ,
દર્દ બધાં સંતાડી ,સુખ દેખાડી લઈએ.

સહેલું નથી માણસાઈનાં દિવા પ્રગટાવી લઈએ,
એમ કરતાં થોડું દાઝી,થોડું દઝાડી લઈએ.

ક્યારેક ક્યારેક કર્મોનું વહી ખાતું ચકાસી લઈએ,
માણસ હોવાનો ધર્મ અમે ડરથી પણ નિભાવી લઈએ.

ડો.ચાંદની અગ્રાવત

*********□□□□□□*********□□□□□**********
શાહમૃગ

અહલાદ્ક છે આ રેતીની ઠંડક,
માથું ઉંચું કરી જોવાં કહેતાં નહીં.

રંગબેરંગી છે આ આભાસી ફલક,
ચશ્મા ઉતારી રંગો પારખવાં કહેતાં નહીં.

કર્ણપ્રિય છે આ સંગીતની તરજ ,
કાનમાં હકીકતનું સીસું રેડવાં કહેતાં નહીં.

મારી નિર્ણયશક્તિ પર છે ગણિતની પરત,
કટાઈને ખરે મારી પોલાદ સાંધવા કહેતાં નહીં.

@ડો.ચાંદની અગ્રાવત"સ્પૃહા"
*******□□□□□□********
મા


મીઠો મીઠો છણકો,
વાત વગરનો ઝગડો.

મૂંગા મૂંગા સૂચનો,
ગાંઠ વિનાનાં બંધનો.

સૌથી ભલું ઈચ્છતી,
અત્યંત બુરુ આશંકતી

સૌથી શુદ્ધ પ્રેમ,
આપણો રાજા હોવાનો વહેમ.

મોઢું જોઈ સમજાતી વેદના,
હસતે મોએ સહેવાતી અવહેલના.

આરાધના વગર રીઝાયેલ દેવ,
મા તારા હ્રદયમાં ઘર મારું સદૈવ.

ડો.ચાંદની અગ્રાવત .તા14/5/2023