HUN ANE AME - 23 in Gujarati Love Stories by Rupesh Sutariya books and stories PDF | હું અને અમે - પ્રકરણ 23

Featured Books
Categories
Share

હું અને અમે - પ્રકરણ 23

રાધિકા અને મયુર વચ્ચે ફરીથી પહેલા જેવા સંબંધ શરુ થઈ રહ્યા હતા. રાધિકા પુરેપુરો પ્રયત્ન કરી રહી હતી કે તે રાકેશથી વેગળી રહે અને મયુરની નજીક. સાંજે મયુર પોતાની રૂમમાં કોઈ નોટ તૈય્યાર કરી રહ્યો હતો. રાધિકાએ ઉપર પોતાના રૂમમાં જતી વેળાએ જોયું કે રાકેશ બેઠક રૂમમાં કશીક તૈય્યારી કરી રહ્યો છે. ઉપર આવીને જોયું તો મયુર પણ ફાઈલો બનાવવામાં વ્યસ્ત હતો. પાછળથી આવીને તેણે મયુરને ડરાવાનો પ્રયત્ન કર્યો.
"હા..ઉ" તે થોડો જસકી ગયો.
"રાધુ, શું તું પણ! સાવ નાના છોકરાં જેવું કરે છે."
"ડરી ગયાને?"
"તો શું."
"આજે રવિવાર છે."
"ઓહો... એવું! સારું થયું તે યાદ અપાવ્યું. મને તો યાદ જ નહોતું."
તે મયુરને ઠોંસો મારતા બોલી, "મજાક નય કરો. મને એમ કહો કે આજે આટલા બધા બિઝી કેમ છો?"
"અરે કામ જ એટલું છે."
"એવું શું છે?"
"સોફ્ટવેરમાં નવા ઉપડેટ કર્યા છે. છતાં કોઈ ખાસ ફેર નથી પડ્યો. હવે સિસ્ટમમાં નવો શું ફેરફાર કરવો? અને કેવું અપડેટ લોન્ચ કરવું તે અંગેની ચર્ચા ચાલી રહી છે. અમે જુના રેકોર્ડ ચેક કરીયે છીએ, જેથી ખબર પડે કે શું ભૂલ થઈ અને હવે અમે શું કરી શકીયે."
રાધિકા ધીરજ ધરતા બોલી: "બહુ ટેંશન છે?"
"અનહદ"
"તો હું પણ તમારી હેલ્પ કરીશ. શું કરવાનું છે? કહો."
"તારે કંઈ નથી કરવાનું, તને આમાં શું સમજાશે?"
"મને કાચી પાકી ના ગણો તમે..." તેણે અદપથી કહ્યું.
"અચ્છા!" કહી તે પાછો પોતાના કામમાં લાગી ગયો અને કંઈક લખવા લાગ્યો. રાધિકાએ એના લેપટોપ તરફ જોયું અને પૂછવા લાગી, "તમે પ્રેજન્ટેશનની તૈય્યારી કરો છો?"
"હા, સોફ્ટવેરનું કામ વડોદરાથી હેન્ડલ થાય છે. તો મારે ત્યાં જવાનું છે અને પ્રોબ્લમ શોધી સોલ્વ કરવાનો છે."
"કાલે?"
"ના કાલે નહિ, કેમ? શું થયું? કાલે કંઈ ખાસ છે કે?"
"તમને યાદ નથી?"
મયુર યાદ કરવાના પ્રયત્નમાં લાગી ગયો. તેને જોઈ રાધિકા બોલી, "નોન ડૂડ, સિરિયસલી! કાલે આપણી એન્ગેજમેન્ટ એનિવર્સરી છે. આપણી સગાઈની તારીખ."
"અરે હા..., હું તો ભૂલી જ ગયો."
"તમે મને પ્રોમિસ કરેલું યાદ છેને? આપણે બહાર ફરવા જવાના હતા કે એ પણ ભૂલી ગયા?"
"હા મેં કહેલું તો ખરા પણ..."
"પણ-બણ નહીં ચાલે. તમે કહેલું, એટલે આપણે જવાના. બસ."
તે મયુરને ભેટી પડી. તે પોતાના હાથમાંથી ફાઈલ નીચે મુકતા બોલ્યો, "અરે... શું કરે છે?!"
"પેલા મને કહો, આપણે જઈશું."
"આ તે કેવી જીદ્દ છે તારી! આટલું બધું કામ છે. ઓફિસમાં ઈમ્પોર્ટન્ટ ડિસ્કશન ચાલી રહ્યા છે. ઉપરથી આ સોફ્ટવેરનું નવું ટેંશન. એમાં તું..."
"એ મને નથી ખબર. મને જવાબ આપો."
તે એની લટોને હાથથી સરખી કરતા બોલ્યો: "રાધુ! મને ખબર છે મેં તને કહેલું. પણ ઓફિસમાં આટલું બધું ટેંશન છે. આપણે નેક્સટ ટાઈમ જઈશુંને."
"તમે દર વખતે આવુજ કરો છો. લગન પછી જુના ઘરમાંથી અહીં નવા ઘરમાં લઈને આવ્યા. બીજે કશે ગયા છીએ આપણે?"
ઊંડો શ્વાસ લેતા મયુર તેને સમજાવા લાગ્યો, "તને અત્યારે જેટલું હર્ટ થાય છેને, એટલું મને પણ થાય છે. તો શું કરું? ક્હે મને."
"તમે કોઈ વચ્ચેનો રસ્તો કાઢોને. ચલો માન્યું કે આપણે બહાર ક્યાંય ના જઈ શકીયે. પણ કાલે સાંજે તો બહાર જઈ શકાયને?"
"રાધિકા..."
"પ્લીઝ! હવે તમે એના માટે તો ના ન જ પાડતા."
"ઠીક છે. હું કંઈક કરીને શ્વેતા મેડમ સાથે વાત કરીશ અને આપણે બહાર જઈશું."
"હવે એમાંય પાછી વાત કરવાની?"
"મારુ એટીએમ હજુ બ્લોક જ છે. શરુ થતા વાર લાગશે. તો પૈસાનું પણ સેટિંગ કરવું પડશેને."
"ઠીક તો. તમારી મરજી, તમે જાણો. પણ કાલે પાક્કુંને?"
"અરે હા. હું બોસને કહી દઈશ એટલે એ ના નહી પાડે." આ સાંભળી રાધિકાએ મયુરને મલકતા મુખે અને ઉત્સાહિત થઈ ફરી આલિંગન આપી દીધું.
આજે સવારમાં રાકેશને ગાર્ડનમાં રહેલા છોડવાઓને પાણી પાવાનું મન થયું. એટલે મોહનની જગ્યાએ તે પાણી દઈ રહ્યો હતો અને મોહન બાજુમાં ઉભેલો. તેણે રાકેશ સાથે વાત શરૂ કરી.
"હે સાહેબ, ખોટું ના લગાડો તો એક વાત પૂછું?"
"પૂછને."
તેણે સવાલ કર્યો, "જ્યારથી તમે આ ઘરમાં આવ્યા છો, બધાને બહુ ગમ્યું. પણ મેડમ તમારાથી ખુશ નથી. કાંય સમજાતું નથી. આ એને થયું છે શું?"
રાકેશે તેની સામે જોયું તો તેણે ફરી કહ્યું, "ના એટલે, મયુર સાહેબ કહેતા હતા કે મેડમને... અં... કશું..."
રાકેશે ગંભીરતા પૂર્વક જવાબ આપતા કહ્યું, "એ જો એને સમજાઈ ગયું હોત તો અત્યાર સુધી એનો આ પ્રોબ્લેમ હોત?"
મોહને હસતા હસતા કહ્યું, "હા એ સાચું હો. પણ તમને કશું સમજાયું?"
રાકેશે ફરી ગમ્ભીરતાથી તેની સામે જોયું તો તે પોતાની વાત બદલતા બોલ્યો: "હું શું કહું છું, સાહેબે મંગળવાર કરવા જોઈ, નય? એનાથી મેડમ કંટ્રોલમાં રે."
આ સાંભળી રાકેશ હસવા લાગ્યો, "આ શું વાત કરે છે!"
"હા હા સાહેબ, સાચું. તમને નથી લાગતું કે મેડમ આજ-કાલ બઉ મનમાની કરે છે." અને આ સાંભળી તે વધારે હસવા લાગ્યો.
ઘરમાં રોજે સવારનું નાટક નિયત બની ગયેલું. મયુર અને રાકેશ સાથે ચા નાસ્તો કરે અને ઓફિસે જાય. સવારનો નાસ્તો મયુર માટે રાધિકા લઈને આવે અને રાકેશ માટે શારદા. તેના માટે જમવાનું પણ તે પોતે બનાવે અને શારદા રાકેશ માટે. પહેલા શારદા આવી અને બંને માટે ચા મૂકી ગઈ. રાધિકા આવે એ પહેલા મયુર રાકેશના કાનમાં વાત કહી રહ્યો હતો. રાધિકાને જોઈ તે અચાનક નાટક કરવા લાગ્યો જાણે કશું બન્યું જ નથી. પરંતુ તેણે એ બંનેને જોઈ લીધેલા.
દિવસે બધું કામ પતાવી રાધિકા બેઠી હતી અને રસોડામાં શારદા સાફ સફાઈ કરતી હતી. એવે સમયે રાધિકાને વિચાર આવ્યો, કે "તે પોતાના હાથથી તમામ રસોઈ બનાવે અને મયુર માટે તેની ઓફિસમાં ટિફિન લઈને જાય. તેની ઓફિસમાં જ દરેક એમ્પ્લોય માટે જમવાનું બનાવામાં આવે છે. પણ જો તે ટિફિન લઈને જશે તો મયુરને ગમશે. આજે તેની સગાઈ થયાને એક વર્ષ પૂરું થયું છે અને આવે સમયે જો પતિ પોતાની ઓફિસમાં પત્નીના હાથનું ગરમા ગરમ જમવાનું જમે તો? તો તો આ એનિવર્સરી યાદગાર બની જાય. ભલે તે મારા માટે સમય બપોર પછી કાઢે, પણ તે પહેલાનો સમય હું એને આપું તો? એને બહુ ગમશે."
આવાં વિચારે તે પોતાના હાથે બધી રસોઈ તૈય્યાર કરી મયુર માટે ટિફિન તૈય્યાર કરવા લાગી.
"રે બેનબા, સાહેબને ફોન તો કરો. એને ખબર પડશે તો તે કેટલા ખુશ થશે!"
રાધિકા ટિફિન તૈય્યાર કરતા બોલી, "ને જો હું એને ફોન નહીં કરુંને, તો એને વધારે ગમશે."
"શું બોલો છો? એવું હોય?"
"હા. હું એમની ઓફિસમાં જઈને એને સરપ્રાઈઝ આપીશ." આટલું કહી તેણે મોહન પાસે ગાડીની ચાવી મંગાવી અને રવાના થઈ ગઈ. મોહને શારદાને પૂછ્યું, "આજે મેડમનો સ્વભાવ બદલાયેલો નથી લાગતો?"
"જા તારું કામ કર." કહી શારદાએ એને નકારી દીધો. તે મનમા બોલ્યો, "નક્કી રાકેશભાઈએ શેઠને મંગળવાર કરવા માટે કહેલું અને શેઠે મંગળવાર કરવાનો નિર્ણય લીધો હશે."
એસ. એમ. ડિજીટલના પાર્કિંગમાં રાધિકાએ ગાડી પાર્ક કરી અને રાકેશની ઓળખથી અજાણ તે ઓફિસ તરફ જવા લાગી. તેમના લગનમાં દરેકે હાજરી આપેલી, માટે તેની ઓળખ સમગ્ર ઓફિસને હતી. રિસેપ્શન પર પહોંચતા જ તેનું સ્વાગત કરવામાં આવ્યું. લંચનો સમય થઈ ચુક્યો હતો એટલે ઓફિસમાં વધારે સ્ટાફ હાજર નહોતો. રિસેપ્શન છોડી તે અંદર આવી અને મનમાં બોલવા લાગી, "અરે, રિસેપ્શન પર તેની કૅબીન વિશે પૂછવા ઉભી રહી ને એ જ ના પૂછ્યું." અંદર જતી સમયે એક નવો કામ પર લાગેલો માણસ તેને મળ્યો. રાધિકાએ તેને રોકતા કહ્યું, "અરે સાંભળો."
"હા, બોલો."
"શું નામ છે તમારું?"
"પ્રદીપ."
"એક હેલ્પ કરશો."
"એ બધું પછી, પહેલા એમ કહો તમે કોણ છો?"
"મારું નામ રાધિકા છે. હું મયુરની વાઈફ છું."
"એટલે તમે મયુર સરના વાઈફ છો?"
"હા"
"ઓહ, સોરી મેડમ. એમાં એવું છેને કે હું હજુ થોડા દિવસ પહેલા જ અહીં કામ પર લાગ્યો છું. એટલે મને વધારે ખબર નથી. તમને પણ પહેલીવાર જોયાને. સોરી."
"ઠીક છે."
તેના એક હાથમાં ટિફિન જોઈ તે કહેવા લાગ્યો. "એટલે આજે તમે મયુર સર માટે ટિફિન લઈને આવ્યા છો! લક્કી છે સર." રાધિકા ટિફિન તરફ જોતા હરખાવા લાગી. "તમે કોઈ હેલ્પ માંગી રહ્યા હતાને?" પ્રદીપે ફરી પૂછ્યું.
"હા. તમે મને તમારા બોસની કૅબિન ક્યાં છે તે જણાવશો?"
"અરે મેડમ જણાવાનું શું, ચાલો હું તમારી સાથે આવું."
રાધિકા તેની સાથે ચાલવા લાગી. તે આગળ આગળ અને રાધિકા તેની પાછળ પાછળ. તેના એક હાથમાં ટિફિન હતું અને પ્રદીપની સાથો સાથ દાદર ચડવા લાગી. દાદર ચડતા તેણે પ્રદીપને પૂછ્યું, "કેટલામાં માળ પર છે?"
"અહીં ત્રીજા માળે જ છે. દાદર ચડતા જમણી બાજુ વળીએ એટલે તરત જ બોસની કેબીન છે."
"આજે ઓફિસ કેમ ખાલી લાગે છે?"
"અરે ના એવું નથી મેડમ. લંચનો સમય છે. એટલે મોટા ભાગના લોકો લંચ માટે ચાલ્યા ગયા છે."
આ સાંભળી તેને મૂંઝવણ ઉભી થઈ. તેણે પૂછ્યું, "તમારા બોસ તો લંચ માટે નથી ચાલ્યા ગયાને?"
"અરે ના મેડમ, બોસ ક્યારેય લંચ નથી કરતા."
"શું? મયુરે કોઈ દિવસ જણાવ્યું નહીં કે તે જમતો નથી."
"અરે મયુર સર તો જમે છે."
"એક મિનિટ, આ શું ઘડીક આમ, ને ઘડીક આમ બોલો છો!"
"મેડમ હું એમ કહું છું કે મયુર સર તો જમે જ છે..." એટલી વારમાં તેઓ કેબીન સુધી પહોંચી ગયા. પ્રદીપે હાથનો ઈશારો કેબીનના દરવાજા તરફ કરતા વાત આગળ વધારી "... પણ બોસ નથી જમતા. તેમની કેબીન."
રાધિકાને લાગ્યું કે તે મજાક કરે છે. "તમારી તબિયત તો ઠીક છેને?" કહેતી તે દરવાજો ખોલી અંદર જતી રહી. બહાર પ્રદીપ વિચારવા લાગ્યો, "મારી તબિયત!". અંદર જઈને રાધિકાએ જોયું તો એક ટેબલ પર રાકેશ અને અહમ બંને ચર્ચા કરી રહ્યા હતા. અહમ લેપટોપ પર રાકેશની વાત ઉતારતો હતો અને રાકેશના એક હાથમાં પેપર અને એક હાથમાં સિગરેટ હતી. તે બન્નેનું ધ્યાન તેની તરફ ગયું.
અહમે આશ્વર્યથી બોલ્યો, "રાધિકા મેડમ!" તેને જોઈ તે એકાએક ત્યાંથી બહાર નીકળી ગઈ અને પ્રદીપને સાદ કરવા લાગી. "ઓય સાંભળ. પ્રદીપ."
પ્રદીપે પાછળ ફરીને જોયું તો રાધિકા. તે દોડતો તેની પાસે આવ્યો, "શું થયું મેડમ?"
"મેં તને તારા બોસની કેબીન બતાવવા કહેલું."
"હા તો આ બોસની જ કેબીન છે, જુઓ!" તેણે દરવાજા પર રહેલી નેમ-પ્લેટ તરફ ઈશારો કર્યો. રાધિકાએ તેના હાથને અનુસરતી નજર કરી તો દરવાજા પર રાકેશનું નામ લખેલી નેમ-પ્લેટ દેખાઈ. "શું થયું બોસ કેબિનમાં નથી?"
"મયુરની કેબીન?" રાધિકાએ સવાલ કર્યો.
"એ તો નીચે છે, સેકન્ડ ફ્લોર પર."
તેણે થોડો ગુસ્સો કરતાં કહ્યું, "તો તું મને અહીં શું કામ લાવ્યો?"
"તમે કહેલુંને કે તમારે બોસની કેબિનમાં જવું છે. એટલે અહીં સર પાસે લાવ્યો."
"એટલે આ તમારા બોસ છે?"
"હા, હેડ ઓફ એસ. એમ. ડિજિટલ. શ્વેતા મેડમના પાર્ટનર અને આ કંપનીના સી.ઈ.ઓ. છે, રાકેશ સર. હું જાઉં?"
"હા, તમે છુટા." આટલેથી તે ચાલ્યો ગયો અને રાધિકા ધીમે ધીમે મયુરની કેબીન તરફ ચાલવા લાગી. તેને એ દરેક ક્ષણ યાદ આવી જેમાં તેણે મયુરને તેના નવા બોસ વિશે પૂછેલું અને દર વખતે તેણે રાધિકાની વાતને કાં તો નકારી દીધેલી અથવા વાત બદલાવી નાખેલી. તેને એ પણ યાદ આવ્યું કે અત્યાર સુધી મયુર જે બોસની મોંઘીદાટ ગાડી લઈને ફરે છે તે એના બોસ એટલે રાકેશની હતી. વિચાર એ પણ આવવા લાગ્યા કે જ્યારે જ્યારે તે મયુરને કહેતી કે રાકેશને તેની સાથે રાખવાનું પસંદ નથી, છતાં મયુરે હંમેશા રાકેશની તરફેણમાં બોલેલું. કયારેય જો તેણે મયુરને ફરિયાદ કરી તો મયુરે તેને જ સમજાવા લાગેલો. હવે તેને સમજાય ગયું કે મયુર રાકેશ સામે કેમ બોલી નહોતો શકતો. તેના મનમાં રાકેશ માટે અનેક પ્રશ્નો હતા પણ હવેની જે સ્થિતિ ઉદ્ભવી તે સૌથી અલગ હતી. જે કંપની મયુરની પાર્ટરન તરીકે કામ કરે છે તેનો હેડ રાકેશ જ છે. આ વાત જાણી તે અનેક વિચારો અને જાત-જાતના પ્રશ્નોથી ઘેરાઈ ગઈ. તેની અકળામણ વધતી જતી હતી.
મયુરની કેબિનમાં પહોંચી તો મયુર તેને જોઈને દંગ રહી ગયો. તેના માટે ઘરેથી તે ટિફિન લઈને આવી છે આ જોઈ તેને ખુબ આનંદ થયો. બંનેએ સાથે મળી ભોજન કર્યું અને પછી રાધિકાનો જવાનો સમય થયો. કેબિનની બહાર નીકળી મયુરે કહ્યું, "તું થોડીવાર ઉભી રે' હું હમણાં આવું છું."
"ક્યાં જાઓ છો?"
"હું બોસને કહીને આવું છું. પછી આપણે સાથે નીકળીએ. કાલે મેં તને કહેલુંને કે આપણે આજે બહાર જઈશું."
"ઠીક છે."
મયુર ત્યાંથી નીકળી ગયો. સેકન્ડ ફ્લોરની બાલ્કનીમાંથી તેણે જોયું કે નીચે રાકેશ અને અહમ બંને ઉભા છે અને અમુક એમ્પ્લોય સાથે વાત કરી રહ્યા છે. તેણે મયુરની સામે જોયું તો તે પગથિયાં ઉતારતો હતો. તે સમજી ગઈ કે મયુર રાકેશ પાસે જાય છે. તેણે સવારે મયુરને રાકેશના કાનમાં વાત કહેતા જોયેલો. તે પણ તેની પાછળ ઉતાવળ ભર્યા પગે ચાલવા લાગી.
નીચે મયુર રાકેશની પાસે જઈને ઉભો રહ્યો તો રાકેશે અહમને ઈશારો કર્યો. અહમે એક બાજુ જઈને તેને પોતાના ખિસ્સામાંથી એક કવર કાઢીને આપ્યું. મયુરે તેના હાથમાંથી કવર લીધું કે તરત જ રાધિકા ત્યાં પહોંચી ગઈ અને તેના હાથમાંથી કવર લઈ લીધું.
"રાધિકા! શું કરે છે તું?" મયુરે થોડા ગુસ્સા સાથે વાત કરી તો ત્યાં ઉપસ્થિત દરેકનું ધ્યાન તેઓની તરફ આવી ગયું. રાધિકાએ કવરની અંદર જોયું તો પૈસા હતા. તેણે એ કવર મયુરના હાથમાં પાછું આપતા કહ્યું, "આ કવર પાછું આપી દો."
"રાધિકા!"
"આ પાછું આપી દો... મેં કહ્યુંને તમને."
અહમે કહ્યું, "મેડમ શું બોલો છો તમે! આ મયુર સરનું છે."
તે એકદમ ગુસ્સે થઈ અને ઊંચા અવાજે બોલી ઉઠી, "પણ આપેલું તો તમારાં બોસ રાકેશનું જ છેને?" આટલું કહી મયુરના હાથમાંથી કવર લઈને તેણે અહમના હાથમાં આપી દીધું અને મયૂરનો હાથ પકડી તેને ત્યાંથી લઈને જવા લાગી. મયુરે તેને અટકાવી અને પોતાનો હાથ છોડાવતા બોલ્યો, "રાધિકા શું કરે છે તું? આટલા બધા સ્ટાફ મેમ્બર અને એમ્પ્લોયીઝ ઉભા છે, ને તું આવું બધું કરે છે. આમાં ફજેતી થાય છે આપણી."
તે ફરી ઊંચા અવાજે બોલી, "ફજેતી તો તમે મારી કરી છે."
"જો, રાધિકા. મારી વાત સાંભળ."
"મારે કશું નથી સાંભળવું. તમે મારાથી આટલી મોટી વાત છુપાવી કે... એ વખતે તમને મારો વિચાર ન આવ્યો? આ બધું કરીને તમે મારી ફજેતી નથી કરી?"
રાકેશે અહમના ખભા પર હાથ મુક્યો તો અહમ તેની તરફ બે ડગલાં આગળ ચાલીને બોલ્યો, "અરે મેડમ તેમ... " તે પોતાની વાત પુરી કરી તે પહેલા રાધિકાએ હાથ ઊંચો કરી તેને બોલતા અટકાવી દીધો.
"બસ અહમ, બસ. મને બધી ખબર છે કે આ ખેલ કોનો છે અને કોણ રમી રહ્યું છે. જેટલી બુદ્ધિ તમે તમારા બિઝનેસને સેટ કરવામાં વાપરી છેને, એટલી જ તમે આ બધું કરવામાં વાપરી છે."
મયુર તેને અટકાવા વચ્ચે બોલી પડ્યો, "કેવી વાત કરે છે તું? આ બધું શું બોલે છે તેનું ભાન છે તને?"
"અત્યાર સુધી ન્હોતી. પણ હવે મને ભાન આવી ગઈ છે."
"બસ કર. બઉ બોલી તું."
રાકેશે મયુરને કહ્યું, "બોલવા દે એને. આજે એને નઈ રોક. એનો હક છે આ બધું બોલવાનો." તેના આ શબ્દો સાંભળી તેણે જાણે હોઠે આવતા શબ્દોને હોઠ પર જ દબાવી દીધા અને એક પગ પછાડી "મારી કોઈની મહેરબાની નથી જોઈતી." બોલી ચાલતી થઈ. મયુરે રાકેશ સામે જોયું અને તેની પાછળ જવા લાગ્યો તો રાકેશે તેને અટકાવી દીધો, "ઉભો રે', જે રીતે તે ગઈ છે. મને નથી લાગતું કે તે તારી કોઈ વાત સાંભળશે. અહમ તું જા."
"હા" કહી તે તેની પાછળ ગયો.
પાર્કિંગ એરિયામાં રાધિકા પોતાની ગાડીએ પહોંચી કે અહમ પાછળથી દોડતો આવ્યો.
"મેડમ. મેડમ મારી વાત સાંભળો પ્લીઝ! એક મિનિટ"
એક ઊંડો શ્વાસ લેતા તે બોલી, "હવે શું કહેવા આવ્યા છો?"
"અરે મેં'મ, તમે નકામો ગુસ્સો કરીને આવતા રહ્યા. તે પૈસા મયુર સરના છે અને તેનું એકાઉન્ટ હમણાં ફ્રિજ છેને એટલે સરે આ કવર તેને વિથડ્રોવલ તરીકે આપ્યું છે. અમસ્તા જ તમે બધાં સ્ટાફ મેમ્બરની સામે મયુર સરને આ બધું સંભળાવી દીધું. લ્યો આ સરનું છે."
અહમે તેને કવર આપ્યું અને પોતાને થોડી શાંત કરતા રાધિકાએ તે કવર લઈ લીધું.
"એક વાત ક્હો અહમજી."
"હા બોલોને મેં'મ."
"તમે જ્યારે અમારા ઘરે આવ્યા ત્યારે તમે કહેલું કે રાકેશ સાથે સૌથી વધારે તમે જ કામ કરેલું."
"હા મેડમ. સરે જ્યારથી આ કંપની જોઈન કરી ત્યારથી."
"તો પછી એમ કહો કે તમારા બંને સર બહાર ક્યારે જવાના છે?"
"બન્ને?"
"તમારા રાકેશ સર અને મયુર સર, બંને."
"અચ્છા, હા એ કાલે જ વડોદરા જવાના છે. કાલે સવારે જશે, રાકેશ સર પોતાનું કામ પતાવી સાંજે ત્યાંથી પાછા આવવા નીકળી જશે અને મયુર સરનું ફિક્સ નથી. જ્યાં સુધી સોફ્ટ્વેરમાં પ્રોબ્લેમ સોલ્વ નહિ થાય ત્યાં સુધી તે ત્યાંજ રહેશે."
"તમે પણ જવાના હશોને?"
"હું? ના મેડમ. આ વખતે મારો ચાન્સ નથી લાગ્યો. કેમ આવું પૂછ્યું મે'મ?"
"જ્યાં સુધી મને ખબર છે, તમારા લગન થઈ ચુક્યા છેને?"
અહમને આ સવાલ પર અચરજ વધતું જતું હતું. તે જવાબની સાથે પ્રશ્ન કરતા બોલ્યો: "હા મારા લગન તો થઈ ગયા છે. પણ કેમ તમે આ પૂછયું?"
"તમને યાદ જ હશે કે મેં તમને અમારા ઘેર આમંત્રણ આપેલું."
"હા હા યાદ છે મને. તમે કહેલું કે ક્યારેક તમે હાજર હોય એ વખતે અમે આવીયે."
"હમ, તો પછી કાલે સાંજે આવો તમારા વાઇફને લઈને."
"પણ કાલે તો બન્ને સર બહાર જવાના છે!"
"એટલે જ કાલે સાંજનું કહું છું. એ બહાને તમારા વાઈફ સાથે મુલાકાત પણ થઈ જશે અને સાથે ડિનર કરવાનો આનંદ પણ આવશે. અરે હા, તમારા મયુર સરને કહી દેજો કે એનું આ કવર મારી પાસ છે. હું તૈય્યાર થઈને ઘરે રાહ જોઇશ. બહાર જવાનું છે, જલ્દી ઘરે આવે."
આટલું કહી તે પોતાની ગાડીમાં બેસી ચાલી ગઈ. અહમે ઓફિસમાં જઈને મયુરને કહ્યું કે "તે માની ગયા છે અને ઘરે તમારી રાહ છે." અહમ મયુર અને રાધિકાની કંઈ પણ જાણ થાય તો જઈને સીધો જ રાકેશને જણાવી દેતો. પણ આ વખતે તેણે રાધિકા તરફથી મળેલા આમંત્રણની વાત કોઈને ના કહી. જોકે આ તેને પણ અજુગતું જ લાગતું હતું કે "મેડમે ઘરે કોઈ ન હોય તેવા સમયે અમને દંપતીને શું કામ બોલાવ્યા હશે? જે હશે એ તો જઈને જ ખબર પડશે."