Sapt-Kon? - 22 in Gujarati Classic Stories by Sheetal books and stories PDF | સપ્ત-કોણ...? - 22

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સપ્ત-કોણ...? - 22

ભાગ - ૨૨

આગળ હજી આ ઘટનાના મુખવાસ રૂપે મમળાવવા માટે મસાલો મળવાનો હોય એમ લોકો ઘડીક શ્રીધર સામે તો ઘડીક બાબુજી તરફ જોવા લાગ્યા.....

આજુબાજુ કોણ છે એ જોયા વિના પોતાના પ્રેમ વિરહની પીડાની પરાકાષ્ઠાની પ્રતિતી કરાવતો હોય એમ શ્રીધર માલિનીના નિષ્પ્રાણ દેહને વળગીને પોતાના હૃદયને વલોવતો, આંખેથી અશ્રુપ્રપાત વહાવી રહ્યો.

"શ્રીધર,... શ્રી...ધ....ર......." બાબુજીએ એને બાવડેથી ઝાલીને હચમચાવી દીધો, "આમિ બાલિ ચેરે દાઓ.. છોડ એને અને બસારા દિકે.. ઘરે ચાલ... આમિ એખાને કોનો... કોઈ તમાશો નથી જોઈતો મને અહીંયા, ચાલ ઘરે...."

જેમજેમ બાબુજીની શ્રીધર પર પકડ વધતી ગઈ એમએમ શ્રીધરના હૈયામાં રોષની જવાળા ભભુકતી ગઈ અને એનો આક્રોશ એની આંખો વાટે વ્યક્ત થઈ રહ્યો હતો.

"બાબુજી.... તોમારા કારણે ઈ એસાબા હોયેછે. .. તમારા કારણે. .. અમારા માલિની... અમાકા છેરે. ... છોડીને જતી રહી.... આપાની તાકે મેરે....મારી નાખી તમે એને... હૈયે ટાઢક વળી? તુમિ શાંતિતે..." તૂટક તૂટક શબ્દોમાં શ્રીધરનો ક્રોધ ભળ્યો.

ટોળે વળેલા લોકો એકબીજા સામે જોઈ હકીકતે શું બન્યું છે એ સવાલ આંખો વડે પૂછી રહ્યા હતા.

એકાએક બાબુજીની પકડ ઢીલી પડી ગઈ એક ક્ષણે એમણે શ્રીધરનું બાવડું છોડી દીધું એ સાથે જ શ્રીધર રેતીમાં પટકાયો.

"આમાકે ક્ષમા કરા.... પણ... શ્રીધર મેં નથી મારી એને... આમિ તાકે હત્યા.... આમિ એમાના સ્બપને દેખાતે પરિ ના.. હું તો તને એની જોડે પરણાવવા માગતો હતો, તારો સંસાર વસાવવા માગતો હતો, દીકરા... મેં કાંઈ નથી કર્યું. હું સાચું બોલુ છું. આમિ સત્ય બાલિ. .." બાબુજી પણ નીચે રેતીમાં શ્રીધરની પડખે બેસી ગયા.

"તો... તો.... પછી આ હીન કૃત્ય કોણે કર્યું? તહાલે કે કરાલે ઈ જઘન્ય કાજા..." શ્રીધરે મોટે અવાજે કહ્યું.

"હે....ય.... ક્યા હાય ઇધર, સબ લોગ... વોટ આર યુ ઓલ ડુઈંગ હિઅર? જાઓ ઇધર સે... ગો... આઈ સેઈડ ગો... સબ નીકમ્મા... લેઝી પીપલ... ગો...ઓઓઓઓ...." ઘોડા પર બેઠાંબેઠાં જ એન્ડ્ર્યુએ ચાબુક હવામાં વિંઝયું એટલે ભેગા થયેલા લોકો ડરીને આઘાપાછા થઈ, આપસમાં ગુસપુસ કરતા પોતાના અધૂરા મુકેલા કામ તરફ પાછા વળ્યા અને એન્ડ્ર્યુ ઘોડા પરથી નીચે ઉતર્યો.

@@@@

"કોણ જાણે કોની નજર લાગી ગઈ છે આ હવેલી અને આ પરિવાર પર?" બબડતી અર્પિતા નીચે ઉતરી સંતુને ચા બનાવવાનું કહી હવેલીની બહાર લોનમાં આવી બાંકડે બેઠી અને ખુલી હવામાં મોકળાશનો એહસાસ કરતી પોતાના ખુલ્લા, વાંકડિયા, રેશમી વાળમાં આંગળી ફેરવવા લાગી.

"અરે.. અર્પિતા, તું અહીંયા છે અને હું તને કિચનમાં શોધવા ગઈ, સંતુએ કીધું કે તે ચા બનાવવા કીધું, છે એ પણ આ સમયે..!" ઉર્મિ નવાઈભેર અર્પિતા સામું જોઈ રહી.

"હમમમમ... સહેજ માથું દુઃખે છે અને મન નથી લાગતું ક્યાંય, કોણ જાણે શું થવા બેઠું છે? કોની નજર લાગી ગઈ છે?"

"ખબર નહીં ક્યા પાપની પીડા ભોગવી રહ્યા છીએ.. આટલા વરસોની આપણી સુખ શાંતિ હણાઈ ગઈ છે. સમય સાથે સંપીને અને સમજીને સાથે ગુંથાયેલા માળામાંથી તણખલા જાણે કે વેરવિખેર થઈ રહ્યા છે અને જે પણ ઘટનાઓ ઘટી રહી છે એ વ્યોમ-ઈશ્વાના લગ્ન પછી જ ઘટી છે." અમંગળ આશંકા અને અણધારી આફતના વાદળોમાં અટવાયેલી ઉર્મિએ અર્પિતાને પોતાના હૈયાની વાત કરી.

"ભાભી, મને તો હવે બીક લાગવા માંડી છે, ક્યારેક રાતે ઝબકીને જાગી જાઉં છું પછી નીંદર પણ નથી આવતી. વિચારોના ચકરવ્યૂહમાં એવી અટવાઉં છું કે એમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ નથી સૂઝતો." અર્પિતાએ ગાલ પર રેલાઈ રહેલા આંસુ લૂછ્યા.

સંતુ બંને માટે ચા લઈ આવી એટલે ઊર્મિ અને અર્પિતા બેય કપ લઈને હીંચકે બેસી ચા ની ચુસકીઓ લેવા માંડી. સંતુ હજીય ત્યાં જ ઉભી હતી.

"કાંઈ કહેવું છે તારે?" સંતુની આંખ અને એના હાવભાવ જોતાં ઉર્મિએ એને પૂછ્યું.

"હે.... હ.... હા ભાભી.... મનેય નાની વહુની ચંત્યા થાય સે ને હારેહારે મોહનિયાની ય ચંત્યા થાય સે, ઈ માનગઢ ગ્યો સે ત્યારનો મારો જીવ ભારે સે, પેલીવારનો નથ ગ્યો ઇય ખબર સે પણ હવે મારો જીવ ક્યાંય ચોંટતો નથ, નકરા ઇના જ વિચારો મનમાં વખની જેમ ઘોળાયા રાખે સે. ઇના હારું છોડી હોધવાનું ય માંડી વાળ્યું સે હમણાંનું ને ઇના બાપા તો કેવા સે ઇય તમને તો હંધીય ખબર સે. ઝટ આ કોકડું ઉકલી જાય તો હું હાલીને માતાજીના મંદિરે જઈસ એવી માનતાય રાખી સે.." સાડલાના ફાટેલા છેડાથી આંખો લૂછતી સંતુ પ્રત્યે એ બંનેને દયાભાવ ઉપજ્યો.

"સંતુ, સૌ સારું થઈ જશે, તું નકામી ચિંતા કરે છે અને રાણાઅંકલ પણ ત્યાં જ છે એટલે ભરોસો રાખ અને ઈશ્વરને પ્રાર્થના કર બધા જલ્દી ઘરે પાછા આવી જાય." ઉર્મિએ ઉભા થઈ એના માથે હાથ ફેરવ્યો.

રઘુકાકા પણ વિચલિત મને પોતાની ઓરડીના ઓટલે બેઠા હતા. એમના ખિસ્સામાં હજીય પેલું માદળિયું પડ્યું હતું, ખિસ્સા પર હાથ ફેરવતા એ વધેલી દાઢી ખંજવાળતા બેઠા હતા.

'આ માદળિયાવાળી વાત કોને કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી," આંખોમાં નિરાશા અને ગમગીની સાથે વિચારતા એ ઉભા થઈને બહાર લોનમાં આવી ઊર્મિ અને અર્પિતા સામે માથું નીચું કરી ઉભા રહ્યા.

"રઘુકાકા... તમનેય કાંઈ કહેવું છે આ સંતુની જેમ? તમે તો અમારા વડીલ જેવા છો, મનમાં સંકોચ રાખ્યા વગર તમે અમને પોતાની દીકરી માનીને વાત કરી શકો છો. આપણે સામેના બાંકડે બેસીએ એટલે વાત કરવામાં સરળતા રહે..." ઊર્મિ ઉભી થઈ એટલે અર્પિતા પણ એની સાથે ઉઠી અને ત્રણેય હિંચકાની સામે એલ આકારમાં ગોઠવેલા બાંકડે આવી બેઠાં.

"હું. .હું... કાઈંક કહેવાની સાથે કંઈક બતાડવા પણ આવ્યો સું. આ જોવો," રઘુકાકાએ ખિસ્સામાંથી માદળિયું કાઢી ખોલીને પોતાની હથેળીમાં મૂક્યું, "જોવો... આ નિશાનીઓ."

ઊર્મિ અને અર્પિતા ધારીધારીને માદળિયાના અંદરના ભાગે કોતરેલા નિશાનને જોવા લાગ્યા અને યાદ કરવાની કોશિશ કરવા લાગ્યા.

"આ નિશાન તો વ્યોમના બેડરૂમના પેલા મોટા આદમકદના અરીસાની ફ્રેમના નીચલા ખૂણે કોતરેલા છે." બેય સ્ત્રીઓ એકસાથે બોલી ઉઠી.

"તે.... આનું.... આ... શું.. છે રઘુકાકા?" અર્પિતાએ એમને પ્રશ્ન કર્યો.

"આ નિશાની ફક્ત નાનભાઈના ઓરડાના અરીહા પર જ નહીં, એમના અને ઈશ્વાવહુના દેહ પર પણ સે..."

"શું..... આ કેવી રીતે શક્ય છે." ઊર્મિ અને અર્પિતા રઘુકાકા સામે અચંબિત નજરે જોઈ રહી.

"આ... તો જન્મોજનમની વાત સે...ને એટલે જ મારાથી ન રે'વાયું તે આજે તમને કે'વા આવ્યો સું."

"માંડીને વાત કરો કાકા, અમને આમાં કાંઈ જ ખબર નથી પડતી, મગજ ચકરાવે ચડી ગયું છે."

"દીકરીઓ, આ ઘણી લાંબી વાત સે.... હૈયે હામ ને મનમાં ધીરજ ધરીને હાંભળવી પડસે, આપણે રાતે જમીને વાત કરીએ, મોટાભાઈ ને જમાઈ ય હાજર હસે ત્યારે આ વાત કરીસ." રઘુકાકા માદળિયું ખિસ્સામાં મુકી ઉભા થઈને ફરીથી પોતાની ઓરડીમાં જતા રહ્યા અને પાછળ મુકતા ગયા મુક, ગૂઢ રહસ્ય...

કુતુહલના કુંડાળામાં રાચતી ઊર્મિ અને અર્પિતા પણ અંદર ગઈ અને સંતુને રસોઈ બનાવવાની સૂચના આપી પોતપોતાના રૂમમાં ગઈ.


રાતે જમીને સૌ બહાર લોનમાં નીચે ઘાસ પર જ બેસી જ અર્ધવર્તુળાકારે ગોઠવાઈ ગયા, દરેકના ચહેરા પર આશ્ચર્યની આભા અને ઉત્સુકતાનો ઉભરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પાર્થિવ અને કૃતિ હીંચકે બેસી મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા. કૌશલ-ઊર્મિ અને દિલીપ-અર્પિતા આતુરતાપૂર્વક રઘુકાકાના બોલવાની રાહ જોઈ રહ્યા હતા.

"તો સાંભળો....." રઘુકાકાએ વાતની શરૂઆત કરી એ સાથે જ આઠ આંખો એમને જોઈ રહી અને આઠ કાન વ્યાકુળતાથી વાત સાંભળવા અધીર બન્યા.....


ક્રમશ: