Wide - Review in Gujarati Book Reviews by Dr. Ranjan Joshi books and stories PDF | વેવિશાળ - સમીક્ષા

Featured Books
Categories
Share

વેવિશાળ - સમીક્ષા

પુસ્તકનું નામ:- વેવિશાળ

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૬ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઈ 'કુરબાનીની કથાઓ' ની રચના કરી કે જે તેમનું પહેલું પ્રકાશિત પુસ્તક હતું. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી. કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમિકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તિકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમના પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.

મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ ગ્રંથ, તેર જીવનચરિત્રની રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું માણસાઈના દીવામાં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.

રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૨૮) સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે,

શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે. સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક, સમતુલા, શાસ્ત્રીયતા, વિશાલતા જન્માવે છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : વેવિશાળ

લેખક : ઝવેરચંદ મેઘાણી

પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન

કિંમત : 200 ₹.

પૃષ્ઠ સંખ્યા : 284

બાહ્ય મૂલ્યાંકન:-

કવરપેજ આકર્ષક, ઉત્સુકતા સર્જક અને કથાસૂચક છે. મુખપૃષ્ઠ પર નાયક અને‌ નાયિકાનો ફોટો અંકિત છે. બેક કવર પેજ પર ધનસુખલાલ મહેતાએ આપેલી ટૂંકી પ્રસ્તાવના છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

37 પ્રકરણ ધરાવતી વાર્તા વેવિશાળમાં સગાઈ એટલે કે વેવિશાળ નક્કી થયા પછી સર્જાતી સમસ્યાની વાત છે. વેવિશાળ નક્કી થયા પછી બે પરિવાર વચ્ચે આર્થિક અસમાનતા સર્જાઈ હતી. પરિણામે શ્રીમંત પરિવારે સગાઇ તોડવાની તૈયારી કરી હતી. વાર્તા આઠ દાયકા જુની હોવા છતાં તેમાં રજૂ થયેલી સમસ્યા આજે પણ યથાવત છે.

‘વેવિશાળ’ વાર્તા એક એવા પરિવારની આસપાસ ઘુમરાય છે જે સિદ્ધાંત, નિષ્ઠા, પ્રામાણિકતા અને આદર્શના મૂલ્ય પર આખું જીવન જીવી રહ્યો છે તો એક એવો પરિવાર પણ એમાં છે જે શ્રીમંતાઈથી છકીને સિદ્ધાંત, નિષ્ઠા, પ્રામાણિકતાને નેવે મૂકવા તૈયાર થઈ જાય છે. એવા સંબંધોની વાત છે જે હજી જોડાયા નથી એમ છતાં એકબીજાને પામવાના અથાગ પ્રયાસો કરવામાં આવે છે. બે મિત્રો સોમચંદ અને દીપચંદ એક જ બિઝનેસમાં છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. શ્રીમંતાઈ જીવનમાં નથી અને એટલે જ સોમચંદને એવા ધનવાન બનવું છે કે જગત આખું સામે જોતું રહે. એક સંન્યાસી સોમચંદને મુંબઈ સ્થાયી થવાની સલાહ આપે છે અને દીપચંદ તમામ મદદ કરવા રાજી છે. ગામ અને ભાઈબંધ છોડવાનો સમય નજીક આવે છે એમ-એમ સોમચંદનો પગ ભારે થતો જાય છે. એક તબક્કે તે ગામ છોડવાનું કૅન્સલ પણ કરી નાખે છે પણ દીપચંદ હિંમત આપે છે એટલે સોમચંદ તેની પાસેથી વચન લે છે કે આપણે મારી ભત્રીજી સુશીલા અને તારા દીકરા સુખરામના વેવિશાળ કરાવીએ. આ વેવિશાળ હવે જીવન આખું સાથે રહેવાના છે અને બન્ને ભાઈબંધોના જીવનમાં આવનારા ઉતારચડાવમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવવાના છે.

વેવિશાળની વાર્તાને મેઘાણીભાઈએ વિવાહ સુધી ખેંચી નથી. 'ઘા ભેગો ઘસરકો અને વેવિશાળ ભેગા વિવા' કરવાની ઉતાવળ દાખવી જ નથી. માટે જ વાર્તાની પ્રસ્તાવનામાં મેઘાણીભાઈએ લખવું પડ્યું, "આ વાર્તાની લખાવટમાં રસ લેનારાં ને કાગળો લખી ખૂબીઓ વખાણનારાં, પીઠ થાબડનારાં, ત્રુટિઓ તેમ જ ભયસ્થાનો બતાવનારાં નાનાં ને મોટાં, નિકટનાં ને દૂરનાં, સર્વે ભાઈબહેનોને આભારભાવે વંદન કરું છું. પણ તેમાનાં જેમને જેમને આ વારતા 'સમોરતં શુભ લગ્નં આરોગ્યં ક્ષેમં કલ્યાણં' કર્યા વગર અપૂર્ણ લાગે, તેમને એટલું જ યાદ આપું છું કે 'વેવિશાળ'ની વાર્તામાં લગ્નજીવન અને કચ્ચાંબચ્ચાંની પીંજણ મારાથી કલાના કાયદા મુજબ ન કરી શકાય."

 

શીર્ષક:-

વર્ષો પહેલાં ગામડામાં થયેલી સમજણ અને એ સમજણે બંધાયેલો સંબંધ આગળ જતા બંને પક્ષે કેવી પરિસ્થિતિઓ નિર્માણ કરે છે એનું જીવંત વર્ણન એટલે 'વેવિશાળ'. આ આખી‌ કથા 'વેવિશાળ'ની આસપાસ જ ગૂંથાયેલી છે, તેથી આ શીર્ષક સર્વથા યોગ્ય છે. વાર્તાના પ્રકરણોના નામ પણ તમે કદી ન સાંભળ્યાં હોય એવાઃ 'પીલી જોઈએ', ખાલી પડેલું બિછાનું, બોલ્યુંચાલ્યું માફ કરજો, ઉલ્કાપાત, સાણસામાં સપડાયા, અનુકંપાની પહેલી સરવાણી, કજિયાનો કાયર, ભાભુનું લગ્નશાસ્ત્ર વગેરે...

 

પાત્રરચના:-

'વેવિશાળ'ના પાત્રો તમને પોતાના લાગે એવી સરસ રજૂઆત! વાર્તાનો નાયક સુખલાલ. સૂકાઈ ગયેલો, માયકાંગલો, કદરૂપો, તદ્દ્ન કંગાલ, રેઢિયાળ ઢોર જેવો ૨૨ વર્ષનો ગુજરાતના થોરવાડ ગામમાં રહેતો જુવાન! વાર્તાની નાયિકા સંતોકડી, જે મુંબઈમાં આવીને સુશીલા બની છે. ભણેલી-ગણેલી સારા કપડાં પહેરતી, નાજુક, નમણી, નામ પ્રમાણે સુશીલ અને સંસ્કારી! સુખલાલના મા-બાપ ગરીબડી ગાય જેવા અને ભોળપણથી ભરેલા નાના ભાંડરડાંમાં એક બેન અને એક ભાઈ. સુશીલાનો પરિવાર સુખી - બે શેઠ, મોટા શેઠ અને નાના શેઠ. મોટા શેઠના પત્ની ઘેલીબેન, પણ સંતાનવિહોણા. નાના શેઠને એક જ દીકરી. અને પોતાની પત્ની કરતાં ભાભી સાથે વધારે જામે. મોટા શેઠને સુશીલાને વિજયચંદ્ર સાથે પરણાવવી હતી. વિજયચંદ્ર એટલે વાર્તાનો વિલન! વિજયચંદ્ર સુઘડ, ટાપટીપ વાળો જુવાન હતો. છોકરીઓને અને એના પરિવારજનોને છેતરીને રૂપિયા કઢાવી પલાયન થવામાં હંમેશા વિજયી થતો. વાર્તાના બીજા બે મહત્વના પાત્રો એટલે 'નર્સ લીના' અને 'ખુશાલચંદ'. આવા પાત્રોની વચ્ચે આકાર લઈ રહેલી આ વાર્તાના પ્રસંગો એક પછી એક એવા ગૂંથાઈ ગયેલા છે કે આપણને વાર્તા અધવચ્ચે મૂકવાનું મન ન થાય. આ આખી વાર્તા માતૃભારતી પર ઉપલબ્ધ છે, વાંચો અને વંચાવો..

 

સંવાદો/વર્ણન:-

સંવાદોમાં મેઘાણીની માસ્ટરી છે. કેટલાક ખૂબ ગમી ગયેલા વાક્યો:

"નારી રૂપને નવપલ્લવિત રાખવા માટે જ પ્રકૃતિએ એની આંખો પાછળ અખૂટ અશ્રુ-ટાંકા ઉતાર્યા છે."

"સાચો રોષ યૌવનમાં રુદન કરાવે છે અને પ્રોઢાવસ્થામાં આંસુ સૂકવી નાંખે છે."

"આપણે આંખ ચોખ્ખી રાખીએ એટલે દુનિયા જખ મારે છે."

"વેશવાળ કહો કે વિવા કહો, એ કાંઈ એક પુરુષ ને એક કન્યા વચ્ચે તો થોડાં જ હોય? કન્યા વરે છે ને પરણે છે - સાસરિયાંના આખા ઘરને, કુળને, કુ્ળદેવને. અરે, ઘરે બાંધેલ ગાયના ખીલાનેય. તેમ પુરુષ પણ પરણે છે કન્યાને, કન્યાનાં માવતરને, કન્યાનાં ભાંડરડાંને, કન્યાનાં સગાંવહાલાંને ને કન્યાનાં માવતરના આંગણાની લીલી લીંબડી-પીપળીનેય. પુરુષનો બાપ કાલોઘેલો હોય તોયે કન્યા એની અદબ કરે ને રોટલો ટીપી ખવરાવે. સ્ત્રીનો બાપ અણકમાઉ ને રખડી પડ્યો હોય તો જમાઈ એને ખંધોલે બેસારીને સંસારનાં વન પાર કરાવે."

વાર્તામાં કાઠિયાવાડી સંવાદો પણ કેવા?

"હવે ઝાઝું મોણ ઘાલ મા ને, ડાહીલી!",

"હાલો હાલો, ઠાલા સતની પૂંછડી શીદને થાવ છો?",

"તમે તો ફુઆ, આદમી કે ચીભડું?" અને "ઝોંસટવું હોય તેટલું ઝોંસટીને પછી ત્રણ જણાં દીવાનખાનામાં આવો."

 

લેખનશૈલી:-

'વેવિશાળ'ની સ્ટોરી સરળ , સીધી-સાદી છે. પણ મેઘાણીએ સૌરાષ્ટ્રને પોતાના દિલમાં  નીચોવી લીધું છે.  સૌરાષ્ટ્રની એક-એક પ્રથા, લોકોના સમાજ, દરેક જ્ઞાતિઓની પરંપરા , સંસ્કૃતિથી સંપૂર્ણ વાકેફ હોય અને એને પુસ્તકમાં ઉતારી શકે તો એ માત્ર ઝવેરચંદ મેઘાણી. એક કિશોરની ખુમારી , એક યુવતીનો ત્યાગ, એક મહિલાની સમજણ તો સામે જ એની દેરાણીની અણસમજણ  , શેઠનો રૂપિયાનો ઘમંડ.... ન વર્ણવી શકાય એટલું એક વાર્તામાં રજૂ કર્યું છે. નવલકથાની ભાષા પ્રાચીન ગુજરાતી ટાઈપની છે, છતાં સમજવામાં સરળ છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

‘વેવિશાળ’ નવલકથા પરથી ઉપેન્દ્ર ત્રિવેદી અને આમિર ખાનના મેન્ટર એવા મહેન્દ્ર જોષી સહિત ત્રણ ગુજરાતી પ્રોડ્યુસરે સુપરહિટ નાટક બનાવ્યાં તો ‘વેવિશાળ’ પરથી બે વખત ગુજરાતી ફિલ્મ પણ બની અને એટલું જ નહીં, મેઘાણીની આ જ નૉવેલના આધાર પર સલમાન ખાન અને ભાગ્યશ્રી સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’નું પણ સર્જન થયું.

ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય ઘટના, પ્રસંગના આધારે ઊભું થતું પણ ‘વેવિશાળ’ માત્ર અને માત્ર કલ્પનાઓના આધારે લખાઈ છે. કદાચ મેઘાણીની આ પહેલી એવી નવલકથા છે જેમાં તેમણે કોઈ જાતની પૂર્વભૂમિકા વિના લખવાનું શરૂ કર્યું અને સમય અનુસાર તથા વાચકોના પ્રતિભાવના આધારે વાર્તાને આગળ વધારવાનું કામ કર્યું. ‘વેવિશાળ’ લખાતી હતી એ દરમ્યાન ચાલુ નવલકથામાં પણ તેમણે વાચકોની ઇચ્છા મુજબ પાત્રોના સ્વભાવ અને વર્તાવમાં પણ ફેરફાર કર્યા હતા. ‘વેવિશાળ’માં મેઘાણીએ આવનારા સમયમાં સમાજમાં કેવાં-કેવાં પરિવર્તન આવી શકે છે એનો ડર પણ વ્યક્ત કર્યો હતો તો સાથોસાથ સંસ્કાર પણ કેવા મહત્ત્વના બનશે એ દર્શાવવાની કોશિશ કરી હતી.

ઝવેરચંદ મેઘાણીની આ પૉપ્યુલર નવલકથાની અત્યાર સુધીમાં ત્રીસથી વધુ આવૃત્તિ થઈ ચૂકી છે તો બે લાખથી વધારે નકલો વેચાઈ છે. હજી હમણાં જ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દ્વારા દેશની શ્રેષ્ઠ દસ સ્વદેશી કૃતિમાં એનો સમાવેશ થયો, જેને લીધે આ નવલકથા રશિયન અને ચાઇનીઝ ભાષામાં રૂપાંતર થઈ. અગાઉ ઝવેરચંદ મેઘાણીના જ દીકરા અશોક મેઘાણીએ આ નવલકથાનું અંગ્રેજીમાં રૂપાંતર કર્યું હતું, જેના પરથી રશિયન અને ચીનની મેન્ડેરિનમાં ટ્રાન્સલેટ કરવામાં આવી.

 

મુખવાસ:-

વ્યવહાર સાચવવામાં વેઠ કરાવતી વાર્તા એટલે 'વેવિશાળ'.