તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા
- રાકેશ ઠક્કર
શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ 'તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા' ની માણસ અને રોબોટની લવસ્ટોરીવાળી વાર્તા નવી ન હોવાથી દર્શકોને ખાસ પસંદ આવે એવી નથી. આ વિષય પર અગાઉ 'લવસ્ટોરી 2050', હર, એક્સ મશીન અને 'એથીરન' (રોબોટ) જેવી ફિલ્મો આવી ચૂકી છે અને એ પ્રયોગ સફળ રહ્યો ન હતો.
આર્યન (શાહિદ) રોબોટ બનાવટી એક કંપનીમાં કામ કરે છે. એનો પરિવાર લગ્ન કરી લેવા આગ્રહ કરે છે. પણ કોઈ છોકરી એની સમજમાં આવતી નથી. આર્યન અમેરિકા જાય છે ત્યારે એની મુલાકાત ‘સિફરા’ (કૃતિ) નામની છોકરી સાથે થાય છે. એને થાય છે કે જેવી જોઈતી હતી એવી છોકરી મળી ગઈ છે. આર્યન એને દિલ આપી દે છે અને પ્રેમ કરે છે. જ્યારે એને ખબર પડે છે કે સિફરા એક છોકરી નહીં પણ રોબોટ છે ત્યારે આંચકો લાગે છે. પણ એને ભૂલી શકતો નથી. તે સિફરાને ભારત લાવે છે અને પોતાના પરિવાર સાથે મુલાકાત કરાવે છે. ત્યારે એક સામાન્ય છોકરી તરીકે પરિચય આપે છે.
હવે આર્યનના પરિવાર અને સિફરા સાથે કેવો તાલમેલ રહે છે? અને બંને લગ્ન કરી શકે છે કે નહીં? એ જાણવા ફિલ્મ જોવી પડશે. અંત જરૂર ચોંકાવી દે એવો અને કલ્પના કરી ના હોય એવો છે.
નિર્દેશક જોડી અમિત જોશી અને આરાધનાએ લેખનમાં આગાઉની આ વિષય પરની ફિલ્મોથી પારિવારિક ફિલ્મ તરીકે થોડો ફેરફાર કર્યો છે પણ એટલી ટીપીકલ બનાવી છે અને પહેલો ભાગ એટલી ધીમી ગતિએ ચાલે છે કે કંટાળો આવી જાય છે. દ્રશ્યો એટલા બીનજરૂરી છે કે ફિલ્મ ખેંચવામાં આવી હોય એવું લાગે છે.
એક દ્રશ્યમાં રોબોટિક્સ એન્જીનીયર મીટીંગમાં હંમેશની જેમ મોડો પહોંચે છે. તેમ છતાં કંપનીની માલિકણ એનો અભિપ્રાય લે છે. બીજા લોકો મોં વકાસતા રહી જાય છે અને મીટીંગ પૂરી થઈ જાય છે. એક એવો પરિવાર બતાવ્યો છે જેમાં લોકો રાત્રે સાથે બેસીને દારૂ પીએ છે. હસાહસ કરે છે. ઘણી જગ્યાએ સામાન્ય વન લાઇનર્સથી હસાવવાની કોશિશ થઈ છે. ફિલ્મોથી એ વાતની દર્શકને ખબર પડી રહી નથી કે આજકાલ પરિવાર કેવા હોય છે. નિર્દેશક વાસ્તવિક બતાવી શક્યા નથી.
શાહિદ- કૃતિનો રોમાન્સ જોઈને થશે કે આવું તો ફિલ્મોમાં જ થઈ શકે. એક પુરુષ મહિલા રોબોટ સાથે શારિરીક સંબંધ કેવી રીતે બાંધી શકે એ વાત લેખકો સમજાવી શક્યા નથી. ફિલ્મની વાર્તાનો નવો વિચાર સારો હોવા છતાં એને સારી ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી.
શરૂઆતમાં નિર્દેશક જોડીની ફિલ્મ પર પકડ દેખાતી નથી. ઇન્ટટરવલ પછી ફિલ્મ મૂળ મુદ્દા પર આવે છે. શાહિદ રોબોટ કૃતિની પોતાના પરિવાર સાથે મુલાકાત કરાવે છે ત્યારે મનોરંજન મળે છે. શાહિદના પરિવાર સાથેની મુલાકાતમાં કૃતિના સવાલ-જવાબ હાસ્ય પૂરું પાડે છે. તે એક બાળકને પણ પગે લાગે છે અને કહે છે કે,'મેં તો અભી એક સાલ કી હી હૂં!' ફિલ્મ એવો સંદેશ આપે છે કે રોબોટ માણસો કરતાં વધુ સારી રીતે પ્રેમ કરી શકે છે.
શાહિદ કપૂરની ભૂમિકા ઉંમર પ્રમાણે એના પર બંધબેસતી નથી. કોઈ વધુ યુવાન હીરોને લેવાની જરૂર હતી. અડધી ફિલ્મમાં તો એ આમતેમ આંટા મારતો જ દેખાય છે. તેના ચહેરા પરના હાવભાવ અગાઉની ફિલ્મો જેવા જ છે. ડાન્સમાં પણ પ્રભાવિત કરી શક્યો નથી. 'કબીર સિંહ' થી શાહીદ જે નામ કમાયો હતો એ ધીમેધીમે ગુમાવી રહ્યો છે. 'જર્સી' જેવી ફિલ્મો એનું ઉદાહરણ છે. છેલ્લે 'બ્લડી ડેડી' માં કામ સારું હતું પણ એ OTT પર રજૂ થઈ હતી. એમ લાગે છે કે શાહિદ ગ્રે ભૂમિકાઓમાંથી બહાર આવી રહ્યો છે.
ફિલ્મમાં કૃતિ સેનનનું કામ પણ સામાન્ય છે. રોબોટ બનવાનું હોવાથી સારું છે કે આમપણ વધારે હાવભાવની જરૂર ન હતી. કૃતિએ ભલે આજસુધી સ્ત્રીની ભૂમિકાઓમાં ખાસ કમાલ કર્યો ના હોય પણ રોબોટના રૂપમાં ઢળી ગઈ છે. એ સુંદર દેખાય છે. કૃતિની ફ્લોપ ફિલ્મોની સંખ્યા અડધો ડઝનથી વધી રહી છે છતાં આવી ફિલ્મો મળે છે એ નવાઈની વાત છે. 'તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા' થી શાહિદ અને કૃતિની કારકિર્દીને ફાયદા કરતાં નુકસાન જ વધુ થવાનું છે.
ધર્મેન્દ્રની ઉંમર ઘણી છે. હવે આવી નાની ભૂમિકાઓ શા માટે કરે છે એ એમના ચાહકો માટે સમજવું મુશ્કેલ છે. નિર્દેશકો પણ એમનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. ડીમ્પલ કાપડિયાનું કામ ઠીક છે. સચિન - જિગરનું સંગીત માત્ર ટાઇટલ ગીત અને ‘અંખિયાં ગુલાબ’ પૂરતું જ સાંભળવા જેવું છે.
ફિલ્મનું નામ લાંબું છે એમ એની લંબાઈ પણ વધુ લાગે છે. નિર્દેશક પહેલા ભાગમાં થોડી ટૂંકી કરી શક્યા હોત. જેને લોજીક સાથે લેવાદેવા નથી અને રોમેન્ટિક ફિલ્મો કોમેડીના તડકા સાથે પસંદ છે એમની પાસે વધારાનો સમય હોય તો એકવખત જોઈ શકે છે.