ઓફિસમાં પોતાની કેબિનમાં બેઠા બેઠા મયુરને વિચાર આવ્યો કે "રાકેશ વિશે જો કોઈને બધી જ જાણ હોય તો તે શ્વેતા મેડમ છે. પણ તેને કઈ રીતે કશું પૂછી શકાય? હા, પણ અહમને બધી ખબર હશે. તે તો દિન રાત રાકેશ સરની સાથે રહે છે."
અહમ ઓફિસના કેન્ટીનમાં બેઠેલો, એવે સમયે તેને શોધતા આવેલો મયુર તેને એકલા જોઈ તેની પાસે ગયો.
"હું અહીં બેસું?"
"અરે મયુર સર! આ કાંઈ પૂછવાની વાત છે? તમે તો મારા કરતા સિનિયર છો. બેસો બેસો."
મયુરે બેસતાં પૂછ્યું, "કેમ આજે એકલો બેઠો છે? રોજે તો કોઈને કોઈ સાથે હોય જ છે."
"હું રાકેશ સરની સાથે આવેલો. પણ એ મને છોડીને શ્વેતા મેડમ સાથે ચાલ્યા ગયા."
"શ્વેતા મેડમ સાથે!"
"તો શું. માંડ માંડ કરીને આજે બે દિવસે નીમા સાથે બેસવાનો મેળ પડેલો. પણ સર આવીને મને અહીંયા ઢસડી લાવ્યા ને પછી પોતે ચાલ્યા ગયા. એ પણ ગયા અને નીમા પણ ગઈ."
"નીમા કોણ?"
"અરે નીમા. નીલમ માલદાર, જોઈન્ટ આસિસીસ્ટન્ટ. "
"હા હા... યોર કૃશ?"
"નોટ એક્જેટલી... એમાં એવું છે કે એને થોડીક મીઠી વાતો કરાવો એટલે તમારી સામે બધું સિક્રેટ બોલી જાય."
"હમ! સરસ નુસખો અપનાવો છો તમે. હું શું પૂછું છું કે... તું તો... રાકેશ સરની સાથે સૌથી વધારે રહેલોને? એમાંય એનો સેક્રેટરી, તને તો એના વિશે બધી ખબર હશે."
"હા છેને. એની બધીજ જાણ રાખું છું."
મયુર ખુશ થઈ ગયો. તેને લાગ્યું કે "રાધિકાનો બદલેલો સ્વભાવ કોઈને કોઈ રીતે રાકેશ સાથે સંબંધ રાખે છે. આ એક સારી તક છે. આજુ બાજુમાં કોઈ નથી અને અહમ એકલો બેઠો છે." તેણે અહમને પૂછ્યું, "એક વાત ક્હે મને, શું સરનો કોઈ ભૂતકાળ છે? જે બીજાને ના ખબર હોય."
આ વાત સાંભળી અહમે હાથમાંથી ચમસી નીચે મૂકી દીધી અને કહેવા લાગ્યો, "શું વાત કરો છો તમે પણ! આવું ઊંધું ના વિચારો. એ તો એક સીધા માણસ છે, સાદાયથી જીવવાવાળા. એનો વળી કેવો ભૂતકાળ! એકદમ સાદું જીવન છે અને સીધી વાર્તા છે."
મયુરે પૂછ્યું, "એ રાધિકાને ક્યારેય મળ્યા છે? અમારા લગ્ન પહેલા."
"તમારી વાઈફને?"
"હા"
"શું વાત કરો છો? તમે પણ ખરા છો! એને ક્યાંથી મળ્યા હોય? એ પણ તમારા લગ્ન પહેલા."
"અચ્છા. એના પરિવાર વિશે મેં કોઈ દિવસ નથી સાંભળ્યું."
"અરે એ તો એની ચલણી છે. ઓફિસની વાત ઘરે નહિ અને ઘરની વાત ઓફિસે નહિ." મયુરને વિચાર કરતા જોઈ તે વધારેમાં બોલ્યો, " ઘર પરિવાર બધું છે. બસ આ અંગે લાંબુ ના વિચારો એનો કોઈ અતિત બતીત નથી, ભૈ!"
મયુર વિચારવા લાગ્યો: "તો પછી એવું તે શું છે જે રાધિકાને દેખાય છે? કોઈ કનેક્શન નહિ, બંને ક્યારેય મળ્યા નથી. છતાં સરનું આટલું શાંત રહેવું અને રાધિકાનો ગુસ્સો કરવો. ઉપરથી જ્યારે મેં તેને મારા ઘરે આવવા કહ્યું તો તેણે એની ઓળખાણ મારા બોસ તરીકે નહીં પણ ફ્રેન્ડ તરીકે કરાવવા કહ્યું."
આવા વિચારો મયુરને દિવસ રાત આવી રહ્યા હતા. રાધિકાના એકાએક બદલેલાં સ્વભાવને તે સમજી નહોતો શક્યો અને રાધિકા કોઈ ચોખવટ નહોતી કરતી. રાકેશની બાજુથી તેણે જેટલા પણ જાણવાના પ્રયત્ન કર્યા તે તમામ નિષ્ફ્ળ ગયા. અંતે તેણે પોતાના વિચાર પર અમલ કરતા દરેક પરિસ્થિતિને સમય પર છોડી દીધી.
મયુરનું એક ચોક્કસ ટાઈમ ટેબલ છે અથવા હતું, જે ગણો તે. કારણકે તે પોતાની આખી દિનચર્યા પોતાની પત્ની સાથે શેર કરતો. પણ બદલાયેલા તેના સ્વભાવે મયુરને બદલી નાખ્યો. હવે તે ક્યાં જાય છે? કોને મળે છે? એ કોઈ જ વાત શેર નથી થતી. થાકીને સાંજે ઘરે આવ્યા પછી મયુર આખા દિવસની વાત રાધિકાને કહેતો. "તને ખબર છે આજે ઓફિસમાં આમ થયું. પેલા માણસે આવું કર્યું. આજનું કામ તો બાપ રે...! કેટલું બધું હતું." પરંતુ આ બધું બંધ થઈ ગયું. આનો અહેસાસ રાધિકાને થતો હતો. ઘરની ચાલ અને ઢંગ બદલાય ગયા. કોઈ એક બીજા સાથે વાત નહોતું કરતુ. રાધિકા આખો દિવસ ઘરમાં હોય અને તે મયુરને અને રાકેશને સવારે જતા અને સાંજે પાછા આવતા જોયા કરતી બસ. રાધિકા કયારેક પ્રયત્ન કરે કે તે મયુર સાથે વાત કરે પણ તેનું મૂડ જોઈ તેનું વાત કરવાનું મન ભાંગી જતું. આટલા સમયે તે પોતાના પતિને માટે પૂર્ણ બનેલી ને હવે એ જ બન્ને એક બેડ પર અલગ અલગ દિશામાં સુવા લાગ્યા. મયુરના મનના પ્રશ્નો અનેક પ્રયત્નો પછી પણ શાંત જ નહોતા થતા.
રાધિકાનું મન જાણે તેને પૂછતું હતું, "આ રાકેશ બધું જાણે છે છતાં અમારી સાથે શું કામ રહે છે? શું તે અમને અલગ કરવા માંગે છે? કે પછી મયુરની હિંમત તેને જતા રહેવાનું કહેવા માટે નથી ચાલતી!"
આ એક એવી ગાંઠ પડી હતી જે તે ત્રણેયના જીવન બદલી રહી હતી. મયુર રાકેશ સામે કશું બોલી ના શકે. મયુરનું કામ તો બસ ઘરમાં જે થતું હતું તેને જોવાનું વધ્યું. રાધિકાએ પોતાનું મોં સીવી લીધું અને રાકેશની કે રાકેશ સાથે કોઈ વાત કરવા તૈય્યાર નહોતી. રાકેશ એ બન્નેના અંગત જીવનમાં દખલ કઈ રીતે આપે? પ્રશ્ન એ પણ ઉદ્ભવી રહ્યો હતો કે જ્યારે મયુરે રાધિકાને રાકેશ વિશે જણાવવા નક્કી કર્યું તે પહેલા રાકેશે રાધિકાથી પોતાની ઓળખ છુપાવવા શું કામ કહ્યું હશે? મયુરને અંદર ને અંદર ચિંતા કોરી ખાવા લાગી. મનને એક ક્ષણ પણ શાંતિ નહોતી. મન હળવું પણ કોની પાસે કરવું?
એક રાત્રે બહાર ગાર્ડનમાં રાકેશ બેસીને પોતાના ફોન પર વાત કરી રહ્યો હતો. મયુર તેની પાસે જઈને બેસી ગયો. રાધિકા પોતાના રૂમની બારી પાસે ઉભેલી અને તેની નજર બાજુમાં ચણાતા મકાન તરફ અને ગાર્ડનમાં ચાલી રહેલા દ્રશ્ય તરફ વારે વારે જતી હતી.
ફોન મૂકતા તેણે મયુરને પૂછ્યું, "શું થયું?"
"કંઈ નહિ." તેની હિંમત નહોતી ચાલતી કે આ અંગે રાકેશ સાથે વાત થાય.
રાકેશે તેની તરફ જોયું અને બોલ્યો, " જ્યાં સુધી હું જાણું છું, તમને વહેલા સુઈ જવાની ટેવ છે. મારી ઘડિયાળમાં અને તારા ચેહરા પર બાર વાગેલા છે. શું થયું છે એ કહેશો જરા?"
"કઈ રીતે કહેવું એ નથી સમજાતું."
"જે છે એ સીધું જ પૂછી લ્યો. મને કોઈ વાતનો કે કોઈ પ્રકારનો ફેર નથી પડતો."
"સર, હું... અં... હું રાધિકા વિશે વાત કરું છું. તમને ખબર છેને કે જ્યારથી તમે આવ્યા છો ત્યારથી તેનો સ્વાભવ કંઈક વિચિત્ર બની ગયો છે. મને ચિંતા થયા કરે છે એની."
"મને ખબર છે. પણ હું તમને એક જ સલાહ આપી શકું કે તમે બધું સમય પર છોડી દો."
"મેં એ જ વિચાર્યું છે કે સમય સાથે કદાચ રાધિકાનો સ્વભાવ બદલી જશે."
"જો તમને લાગતું હોય કે મારા લીધે તમને તકલીફ પડે છે તો આમેય હવે વધીને દસ દિવસ. ત્યાર પછી તો હું ચાલ્યો જવાનો છું. તમારી લાઈફ ફરીથી નોર્મલ થઈ જશે."
મયુર બોલ્યો, "ના ના સર, હોતું હશે! પણ મને એ ના સમજાયું કે તમે તમારી ઓળખ છુપાવા શું કામ કહ્યું?"
"જુઓ. હું જો તારા બોસ તરીકે અહીં આવ્યો હોત તો બની શકે કે તમારો વ્યવહાર અલગ હોત એટલે મેં કહેલું. જેથી તમે મારી સાથે કોઈ દોસ્તની જેમ રહો. આ બોસ, ઓફિસ આ બધું ત્યાં ઓફિસમાં મૂકીને આવવાનું. એક સલાહ માનો મારી, તમે એને સમજાવવાની ખોટી માથાકૂટ ના કરો. હોય શકે એને મારા પર વિશ્વાસ ના આવે. પણ તું એની સાથે એ જ વ્યવહાર કરશે જે મારા આવ્યા પહેલા હતો. ક્યાંક ને ક્યાંક એ શક્ય છે કે એને સમજાવવાના પ્રયત્ન કરતા કરતા તમારા બંને વચ્ચે સંબંધ બગડે. હું જોઈ રહ્યો છું કે તમે એક બીજા સાથે વાત ઓછી કરતા થઈ ગયા છો. મારા લીધે તમારી બંને વચ્ચેના સંબંધને કોઈ ફેર ના પડવો જોઈએ."
"આઈ હોપ સર, તમારી આ સલાહ કામ કરે. સાચું કહું તો મને રાધિકા તમારી સાથે જે વ્યવહાર કરે છે તે જરા બી પસંદ નથી."
"હું જાણું છું મિસ્ટર મયુર. પણ મને કોઈ ફરિયાદ નથી અને આશા કરું છું કે તમે પણ તમારા મનમાંથી રાધિકાની ફરિયાદ કાઢી નાખો." તેણે એક સ્મિત આપ્યું અને "થેન્ક્સ" કહી એનું એ સ્મિત લઈને મયુર જતો રહ્યો. સામે પડેલા ટેબલ પરથી રાકેશે ડ્રિંક્સનો ગ્લાસ લઈ પીવા ગયો તો ધ્યાન બારી તરફ ગયું. રાધિકાએ એને જોઈ બારીના પડદાં બંધ કરી દીધા. રાકેશ મનમાં હસ્યો અને ગ્લાસ હોઠે લગાવ્યો.
"રાકેશની આટલી ટ્રીક કામ લાગી છે તો આ ટ્રીક પણ કામ લાગશે." એમ વિચારી મયુરે રાધિકા સાથે પહેલાની જેમ વાત કરવાનો નિર્ણય લીધો. રાધિકાને મન ક્યારેક વિચાર આવતો કે "મયુર સાથે મને જોઈ રાકેશ શું વિચારતો હશે?" જો કે રાકેશને મન કોઈજ અસર નહોતી. તેને રાધિકા શું કરે છે? કે શું વિચારે છે? તેનો કોઈ વિચાર નહોતો. એને તો તે એ દિવસે ત્યાંજ ભૂલીને આવેલો જે દિવસે તેને રામાનંદન સોસાયટીમાંથી કાઢી મુકાયો હતો. જો કાંઈ રહ્યું હોય તો તે ફક્ત એટલું કે જે સવાલ રાધિકાને પૂછવા રાકેશ ગયેલો તેનો જવાબ તેને હજુ નથી મળ્યો કે જે છેલ્લો સવાલ રાધિકા રાકેશને પૂછવા દોડેલી. તે હજુ તેના મનમાં અટકી પડેલો હતો. છતાં બેમાંથી કોઈ એકબીજા સાથે વાત કરવા નહોતા માંગતા.
પડદા બંધ કરી તે આ બધું વિચારી રહી હતી એટલામાં મયુર આવ્યો. રાધિકાનો ઉદાસ ચેહરો જોયો એટલે રાકેશની આપેલી ટ્રીક પર તેણે કામ શરૂ કર્યું અને તેની સાથે પહેલાની જેમ વાતો શરૂ કરી દીધી.
"આજે તો બહુજ નીંદર આવે છે."
તેણે સામે જોયું પણ રાધિકાએ કોઈ ઉત્તર ના આપ્યો. મયુરે ફરી કહ્યું, "હું ઘણા સમય પછી આજે પહેલીવાર આટલે મોડે સુધી જાગી રહ્યો છું." તેણી પર લેશમાત્રનો પણ ફેર નહોતો દેખાતો. અંતે સવારે વાત કરીશ એમ વિચારી મયુરે "ગુડ નાઈટ" કહ્યું અને સુઈ ગયો.
હવે તો દસ જ દિવસ બાકી રહેલા તેના સ્ટુડિયોને શરૂ કરવામાં. અહીંની ઓફિસ પણ ફેરવવાની હતી. એનું કામ વધી ગયેલું. કાલે રવિવાર અને ઓફિસ બંધ એટલે આજે મોટા ભાગનું કામ પતાવવા સવારમાં રાકેશ વહેલા જતો રહેલો. મયુરે આવીને ડાઈનીંગ ટેબલ પર બેસીને બૂમ પાડી, "રાધુ, એય.. રાધુ." નાસ્તો લઈને આવતો મોહન આશ્વર્યમાં પડી ગયો.
"શું થયું સાહેબ?"
"મારી ચા અને નાસ્તો."
"હું લાવ્યો છુંને! લ્યો આ રિયો" તે જેવો જ ચાનો કપ મુકવા ગયો કે મયુરે કહી દીધું.
"ઉભો રહે. તું આ લઈને પાછો જા અને મારી વાઈફને મોકલ. જા."
મોહન અચરજ સાથે જોતો રહ્યો. તેણે ફરીથી કહ્યું, "અરે વિચાર શું કરે છે? જા..."
"હા, હા." તે અંદર જતો રહ્યો અને રાધિકા આવી અને તેને પૂછવા લાગી.
"કેમ? આજે પાછું શું થયું?"
"શું થયું છે? કંઈજ નથી થયું."
"સમજુ છું." તેણે ટેબલ પર ટ્રે મૂકી અને ત્યાંજ બાજુમાં બેસી ગઈ. વાત આગળ વધારતા બોલી, " મારા વાસ્તે તમે જે મનોદશા લઈને ફરો છો તેની ભાન છે મને. નઈ કરો, હું તમને આવી રીતે નથી જોઈ શકતી."
"રાધિકા! તું કશું બોલતી નથી કે નથી કાંઈ કહેતી, હવે તું જ ક્હે મને કેમ શાંતિ મળે? હું તને આટલા દિવસથી આવી હાલતમાં જોઉં છું ને તો મન ઉફાળે ચડે છે."
તેણે તેના હાથ પર હાથ મુકતા કહ્યું, "જો મારો તમને કનિક પણ દોષ દેખાતો હોય તો સોરી. આટલા દિવસથી તો હું બી તમને જોઉં છું. એ દિવસો કરતા આજનો તમારો મૂડ અલગ છે. મને એ ગમ્યું."
"તો પછી એ ગમતાને ગમેલું જ રાખજે." એમ કહી મયુરે એનો બીજો હાથ પોતાના હાથ પર રહેલા રાધિકાના હાથ પર મુક્યો અને એના ચારેય હાથ ભેગા થયા. એટલામાં દરવાજે કોઈએ ખોંખારો ખાધો અને તેમની મૂર્છા તૂટી.
"માફ કરજો, મને લાગે છે હું ખોટા સમયે આવી ગયો." અહમે દરવાજેથી કહ્યું.
મયુર તેની સામે જોતા બોલ્યો, "અરે અહમ! આવ આવ. આટલી સવારમાં અહીં કોઈ કામથી આવવાનું થયું છે?"
"હા સર. રાકેશ સરની એક ફાઈલ છે. તે ભૂલીને જતા રહેલા તો મને કહ્યું કે હું લેતો આવું."
"તું બેસ હું લઈને આવું છું." મયુર ફાઈલ લેવા માટે અંદર જતો રહ્યો. અહમે રાધિકા સામે જોયું તો તે તેની તરફ નજર કરીને બેઠેલી. જેવું જ અહમે તેની સામે જોયું તેણે સવાલ કર્યો, "તમે રાકેશની સાથે જ કામ કરો છો?"
"હા મેડમ."
રાધિકાએ તેને એક ચાનો કપ તૈય્યાર કરીને આપ્યો અને પૂછ્યું, "કેટલા સમયથી તેની સાથે છો આપ?"
કપ લેતા તે બોલ્યો, " સમજી લ્યો કે તેમની સાથે સૌથી વધારે કામ મેં જ કર્યું છે. થેન્ક્સ આ ગરમ ગરમ ચા માટે."
"તમે આ ઘરમાં તો ક્યારેય નથી આવ્યા!"
"એક વાર આવેલો. તે દિવસે તમે અને મયુર સર બહાર કશેક ગયેલા હતા."
"હમ. તો ફરી અમે કયારેક ઘરે હોઈએ ત્યારે આવોને."
"ચોક્કસ મેમ, ક્યારેક સમય લઈને તમને મળવા આવી જઈશું."
તેણે ચા પીય લીધી એટલે ખાલી કપ લેવા માટે મોહન આવ્યો, "શું નામ તમારું?"
"અહમ"
તો મોહન બોલ્યો, "એટલે મેષ રાશી. તો તો તમારે શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવી જોઈએ અને જરૂર હોય તેવા લોકોને તેલનું દાન આપજો. બહુ સરસ પરિણામ મળશે."
"જી!" અહમને નવાઈ લાગી.
મોહને કહ્યું, "અરે સાચું સાહેબ. મેં કરેલું એટલે ખબર છે. તમે પણ કરજો."
"મોહનભાઈ એ બધું કરશે. તમે પ્લીઝ આ કપ લઈને અંદર જાવ." રાધિકાએ કહ્યું.
"ઠીક છે, બીજું શું?" કહેતો તે ખાલી કપ લઈને અંદર જતો રહ્યો. એટલામાં મયુર ફાઈલ લઈને પાછો આવ્યો. તેણે ફાઈલ અહમને આપી અને તે જતો રહ્યો. રાધિકા તેને જતા જોઈ રહી અને મનમાં વિચાર કરવા લાગી. મયુરે ફરી ટેબલ પર બેસતા કહ્યું, "રાધિકા ક્યાં ખોવાઈ ગઈ? શું વિચારે છે?"
"ના કશું નહિ." કહી તેને મંદ મલકાટ આપ્યો.