A match made in heaven in Gujarati Spiritual Stories by Bipin Ramani books and stories PDF | સ્વર્ગમાં બનેલી જોડી

Featured Books
Categories
Share

સ્વર્ગમાં બનેલી જોડી

સ્વર્ગમાં બનેલી જોડી

મક્કમ મનોબળ ધરાવતી પાર્વતીએ તપસ્યા આદરી દીધી. કંઈપણ ખાધા. પીધા વિના સતત મંત્રોચ્ચાર કર્યા કરતી પાર્વતીને અપર્ણા નામ મળ્યું. અપર્ણા એટલે એવી સ્ત્રી જે એક પાંદડું પણ ન ખાય. દિવસો વીતતા ગયા તેમ તેમ પાર્વતીની તપસ્યા વધુ ને વધુ આકરી થતી ગઈ. દુનિયા આખીમાં આ વાત ફેલાઈ ગઈ. વર્ષો નીકળી ગયાં. તપના પ્રભાવથી પાર્વતીની શક્તિમાં વધારો થતો ગયો.

ફરતીફરતી આ વાત શિવ સુધી પહોંચી. ત્યારે એમને જાણ થઈ ? ભૂતકાળમાં શું બની ગયેલું. શિવને એ પણ સમજાયું કે પાર્વતી કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. એમણે પાર્વતીની કસોટી કરવાનું વિચાર્યું.

શિવ ભિક્ષા માંગી રહેલા સંન્યાસીના રૂપમાં પાર્વતી પાસે ગયા. ઊંડ ધ્યાનમાં બેઠા હોવા છતાં પાર્વતીને સામે સંન્યાસી ઊભા હોવાનો ખ્યાલ આવ્યો. અને એણે આંખો ખોલી. એની સાથે દૃષ્ટિ મળતાંની સાથે શિવને તનમનમાં પરમ શાંતિની લાગણી થઈ.

પાર્વતીએ શિવને ઓળખ્યા નહીં, પણ પોતાની પાસે હતું એ બધુ સંન્યાસીને ધરી દીધું. ભિક્ષા સ્વીકારીને સાધુએ પૂછ્યું, “તમે શું કામ આવી તપસ્યા કરો છો?"

“શિવ માટે! એની સાથે લગ્ન કરવા માટે.” પાર્વતીએ કહી દીધું.

“દેવી, એ તમારે લાયક નથી. ઠંડાગાર, વેરાન કૈલાસ પર્વતની ટોચ પર એ રહે છે. કોઈવાર વળી સ્મશાન ભૂમિમાં દેખાય છે. તમે સુંદર, સુસંસ્કૃત છો. એનો દેખાવ તો જોતાંની સાથે છળી મરીએ એવો છે. શરીરે રાખ ચોળીને, ગળામાં માનવખોપરીની માળા પહેરે છે. તમે સાવ નાજુક અને નમણાં છો, એ મેલોઘેલો. સાવ બેફિકરો છે. તમારો સ્વભાવ શાંત, સૌમ્ય છે. એને વાતેવાતે ગુસ્સો આવે છે. તમારી જોડી કેમેય કરીને નહીં જામે તમારે તો કોઈ દેખાવડા, સૌજન્યશીલ, ઉદાર પ્રકૃતિના પુરુષ સાથે પરણવું
જોઈએ, જે તમારા જેવી સ્ત્રીની કદર કરી શકે. મારી સલાહ માનો તો આ તપસ્યા છોડીને સુખસગવડભર્યા જીવનમાં પાછા જાવ.”

સાંભળીને પાર્વતીને ગુસ્સો આવી ગયો. “તમે મારી પાસે ભિક્ષા માંગવા આવ્યા. મારી પાસે હતું એ બધું મેં તમને આપી દીધું. મહેરબાની કરીને હવે અહીંથી જાવ. હું શિવના આત્માને ઓળખું છું. એમને મોંઘાં, સુંદર વસ્ત્રો કે અલંકારોમાં રસ નથી. અરે, એમના નામે જે મોટી પૂજા, વિધિઓ થાય છે, એનીયે પરવા નથી. ભક્ત માત્ર બીલીપત્ર અને પાણી ઘરે તોયે શિવ રાજી થઈ જાય છે. બધા દેવોમાં સહુથી દયાળુ શિવ છે. ભક્ત ગમે તેવો હોય પણ શિવ હંમેશાં એની પડખે ઊભા રહે છે. આપેલું વચન એ ક્યારેય તોડતા નથી. માફ કરજો, પણ શિવની બાબતમાં મારે તમારી પાસેથી સલાહ લેવાની કોઈ જરૂર નથી."

તોયે સંન્યાસીએ બોલવાનું ચાલુ રાખ્યું, “દેવી, તમે ભૂલી ગયાં કે બાપણ્ મન્મથને એમણે બાળીને રાખ કરી નાખેલો. આ તો ખોટું જ કહેવાય ને." “બસ, હવે એક શબ્દ પણ નહીં બોલતા. તમે અહીંથી જાવ છો કે હું જતી રહું?” કહીને પાર્વતી પીઠ ફેરવવા જતાં હતાં, ત્યાં પ્રકાશનો ઝબકારો થયો અને શિવ એમના મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા.

“પ્રિય પાર્વતી, કઠોર શબ્દોના ઉચ્ચારણ બદલ મને માફ કરી દે. તારી હાજરીની અવગણના કરીને મેં મોટી ભૂલ કરી નાખી, પણ હવે હું તને સ્પષ્ટ રીતે જોઈ શકું છું. તું જ મારી પ્રિય દક્ષયની છે અને આપણે સાથે જ રહેવાનું છે. તું મારી સાથે લગ્ન કરીને, અનંતકાળ સુધી સાથ આપવા તૈયાર છે?

પાર્વતીએ હસતા મુખે હા પાડી દીધી. આ સાંભળીને આખી દુનિયા અને દેવલોકમાં આનંદ વ્યાપી ગયો. ધામધૂમથી ‘ગિરીજા કલ્યાણ' તરીકે ઓળખાયેલાં લગ્ન થયાં.

સમય જતા એમને ત્યાં કાર્તિકેય નામના પુત્રનો જન્મ થયો. છ મુખ ધરાવતો આ બાળક ષમુખ તરીકે પણ ઓળખાય છે. કોઈપણ દિશાએથી આવતા સંકટને એ દૂરથી જોઈ શકે છે એવી માન્યતા છે.

કાર્તિકેય એના જન્મ પાછળનો હેતુ જાણતો હતો. નાની વયે જ એણે દેવોનો સાથ લઈને અતિ બળવાન તારક સામે યુદ્ધ કર્યું અને પોતાના ‘શક્તિ’ નામના હથિયારથી અસુરનો વધ કર્યો.

એણે પછી તારકના બે ભાઈને પણ મારી નાખ્યા: સિંહમુખન, જે પછી પાર્વતીનું વાહન બન્યો અને સુરાદપદ્મન, જેનો પુનર્જન્મ મોર તરીકે થયો. અને પછી એ કાર્તિકેયનું વાહન બની ગયો.

કાર્તિકેયની બહાદુરી જોઈને દેવોએ એને સ્વર્ગની સેનાનો સેનાપતિ બનાવ્યો.

આવી રીતે કાર્તિકેયના જન્મથી તારકના જુલ્મી શાસનનો અંત આવ્યો અને દુનિયાની રક્ષા થઈ.