'જુઓ રવજીભાઈ, મારો દીકરો અને તમારી દીકરી એકબીજાને પ્રેમ કરે છે. તમે આ લગ્ન માટે રાજી નહીં થાવ તો ક્યાંક બંને ઊંધુ પગલું ના ભરી બેશે. અને જો એવુ બને તો આપડે જ એ બન્નેનાં ગુનેગાર કહેવાઈશું. આપડા સંતાનોની ખુશીમાં જ આપડી ખુશી હોવી જોઈએ. વળી આપડી જ્ઞાતિ પણ એક છે. એટલે સમાજ શું કહેશે એની કોઈ ચિંતા નથી. મેં કીધું એ વાત પર થોડો વિચાર કરજો.' રામજીભાઈ અને સંધ્યાબેને રવજીભાઈનાં ઘરે જઈને વાત કરી.
રવજીભાઈ અને રામજીભાઈની દુકાન અમદાવાદ શહેરમાં બાજુબાજુમાં જ આવેલી હતી. વળી બન્ને એક જ જ્ઞાતિનાં. બંને વચ્ચે પારિવારિક સંબંધ. બંને પરિવારો આર્થિક રીતે સુખી હતા. રામજીભાઈને સંતાનમાં બે દીકરા અને રવજીભાઈને સંતાનમાં એક દીકરી અને બે દીકરા. પાયલ વચેટ હતી. રામજીભાઈનો દીકરો યશ અને રવજીભાઈની દીકરી પાયલ બંને એકબીજાને પ્રેમ કરતા હતા. બંનેનાં પ્રેમનાં બીજ પણ બંનેનાં પિતાની દુકાનેથી જ રોપાયા હતાં. બંનેને જયારે મોકો મળે ત્યારે ચોરી છુપી એકબીજાને મળી લેતા હતાં. બંને ટેક્સ્ટ મેસેજ દ્વારા પોતાની લાગણીઓની આપલે કરતા હતાં. (એ સમયમાં માર્કેટમાં બ્લેક એન્ડ વ્હાઈટ જ મોબાઈલ હતાં.)
યશ દસ ધોરણ ભણીને એનાં પપ્પાનાં ધંધામાં જ સેટ થઇ ગયો હતો. જયારે પાયલ આંઠ ધોરણ સુધી ભણી'તી.
'આમ ક્યાં સુધી આપડે છુપાઈ છુપાઈને મળીશું ? આપડે પોતપોતાનાં ઘરે વાત કરી દેવી જોઈએ.' પાયલની વાત સાચી હતી.
યશ અને પાયલે એકબીજાનાં ઘરે વાત કરી. થોડી આનાકાની કર્યા પછી રામજીભાઈ તો માની ગયા. પણ રવજીભાઈનો આ લગ્ન સંબંધ માટે વિરોધ હતો. રામજીભાઈએ એકવાર તો રવજીભાઈની દુકાનમાં જઈને વાત કરી હતી. પણ રવજીભાઈએ ચોખ્ખી ના કહી દીધી હતી. રામજીભાઈને અને એમનાં પત્ની સંધ્યાબેનને એક જ ચિંતા સતાવતી હતી કે, ક્યાંક બંને ઊંધુ પગલું ના ભરી બેસે. અને એટલે જ તેઓ આજે બીજીવાર રવજીભાઈનાં ઘરે જઈને રવજીભાઈ અને તેમનાં પત્ની મિનાબેનને સમજાવી રહ્યા હતાં. 'જુઓ રવજીભાઈ, મારો દીકરો અને તમારી દીકરી એકબીજાને પ્રેમ કરે છે. તમે આ લગ્ન માટે રાજી નહીં થાવ તો ક્યાંક બંને ઊંધુ પગલું ના ભરી બેશે. અને જો એવુ બને તો આપડે જ આપડા બાળકોનાં ગુનેગાર કહેવાઈશું. આપડા સંતાનોની ખુશીમાં જ આપડી ખુશી હોવી જોઈએ. વળી આપડી જ્ઞાતિ પણ એક છે. એટલે સમાજ શું કહેશે એની કોઈ ચિંતા નથી. મેં કીધું એ વાત પર થોડો વિચાર કરજો. પછી શાંતિથી જવાબ આપજો.' આટલું કહીને રામજીભાઈ અને સંધ્યાબેન પોતાનાં ઘરે આવી ગયા.
મીનાબેનને રામજીભાઈની વાત સાચી લાગી. એ રાત્રે મીનાબેને રવજીભાઈને સમજાવ્યા, 'મને તો રામજીભાઈની વાત સાચી લાગે છે. આપડી એકનીએક લાડકી ક્યાંક ઊંધુ પગલું ભરી બેસે તો? આપડે આપડી લાડકડીને ખોવાનો વારો આવે. અને આમ પણ રામજીભાઈ આપડી જ જ્ઞાતિનાં છે. વળી, આપડા અને એમનાં ઘર વચ્ચે ઘર જેવા સંબંધો છે. મારું માનો તો, તમે આ સંબંધ માટે હા કહીદો.' આટલી વાત કરી બંને સુઈ ગયા.
બીજે દિવસે સવારે નિત્યક્રમ પતાવી રવજીભાઈ ચા-નાસ્તો કરવા બેઠા. મીનાબેન ચા અને ભાખરી પીરસી પતિની બાજુમાં બેઠા. 'તારી વાત તો સાચી છે મીના. આપડી એકનીએક દીકરીને ખોઈ બેસવી એનાં કરતા તો એની જ્યાં મરજી હોય, એની જેમાં ખુશી હોય, ત્યાં એનાં લગ્ન કરાવી દેવા જોઈએ.' રવજીભાઈએ લીલી ઝંડી બતાવતા કહ્યું.
ગ્રીન સિગ્નલ મળી ગયો હતો. ગોરમહારાજને બોલાવવામાં આવ્યા. અઠવાડિયા પછી સગાઈનું મુહૂર્ત નીકળી ગયું. બંને પાડોશીઓ ગોળધાણા ખાઈને વેવાઈ બની ગયા. છ મહિના પછી યશ અને પાયલ ધામધૂમથી પરણી ગયા. એક વર્ષ પછી પાયલનાં નાના ભાઈ ગૌરાંગનાં પણ લગ્ન થઇ ગયા. બંનેને કુદરતનાં ફળ રૂપે સંતાનો હતા. પાયલને સંતાનમાં દીકરો અને એનાં ભાઈભાભીને બે દીકરા.
સાત વર્ષ બાદ એકદિવસ ન બનવાની ઘટના બની. પાયલનાં નાના ભાઈ ગૌરાંગની પત્ની ઉર્વશી ઘરમાંથી ગાયબ હતી. થોડા કલાકો બાદ પાયલ ઘરે આવી ને બૉમ્બ બ્લાસ્ટ થયો.
"ઉર્વશી પોતાનાં બેય બાળકોને મૂકીને યશ જોડે ભાગી ગઈ છે. મારી જોડે યશે આજથી બે વર્ષ પહેલા જ ડાયવોર્સ લઇ લીધા હતા. ઉર્વશી અને યશનું ચક્કર છેલ્લા ત્રણ વર્ષથી ચાલતું હતું. પણ તમારા બંનેની આબરૂ ન જાય એટલે અને મને એમ હતું કે, યશ આજે નહિ તો કાલે સુધરી જશે. એટલે મેં તમને કહ્યું નહિ. પણ......." વહેતી આંખો સાથે પાયલ એનાં માબાપને કહી રહી હતી.
"જે થવાનું છે એને કોણ રોકી શકવાનું બેટા, એનાં કર્મ....." રવજીભાઈ આગળ શું બોલ્યા એ કોઈને સમજાયું નહિ. એમની જીભે લોચા વળવા મંડ્યા. ઇમર્જન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હૃદય રોગનાં પહેલા હુમલાનો સિક્કો એમનાં હૃદય પર વાગી ગયો.
રામજીભાઈએ રવજીભાઈને આશ્વાસન આપ્યું, "પાયલ મારી જ દીકરી છે. તમે ચિંતા ન કરશો. હું પાયલને કોઈ સારો મુરતિયો જોઈને એનાં હાથ પીળા કરાવી દઈશ. યશને અમે લોકોએ ઘરમાંથી કાઢી મુક્યો છે. આના કરતા તો સંતાન ન હોય એ સારુ."
આ ઘટના બન્યા પછી પણ પાયલ એનાં સાસરીયામાં રહેતી. એને એક જ આશા હતી કે, યશ હજી પણ સુધરી જશે. છએક મહિના જેટલું પાયલ સાસરિયે રોકાઈ. યશ ઉર્વશી જોડે અલગ રહેતો હતો. કોઈકોઈ દિવસ યશ પોતાનાં દીકરાને મળવા ઘરે આવતો ત્યારે પાયલ યશને ઘણું સમજાવતી. પણ કૂતરાની પુંછડીને છ મહિના જમીનમાં દાટી રાખો તોય વાંકી ને વાંકી જ રહે.
એકદિવસ કોઈએ પાયલને યશનાં અનેક છોકરીઓ સાથેનાં આડા સંબંધોની જાણ કરી. અંતે પાયલ પિયરમાં આવી ગઈ. તો આ બાજુ રામજીભાઈએ યશનો અને ઉર્વશીનો સ્વીકાર કરી લીધો.
ઘણા સગાસંબંધીઓ પાયલને કહેતા કે, "યશને અને રામજીભાઈને તો જેલના સળિયા ગણાવી દેવા જોઈએ. આવા નારધમોને સબક શીખડાવવો જ જોઈએ."
જવાબમાં પાયલ સૌને એક જ વાત કહેતી, "મેં યશને સાચા દિલથી પ્રેમ કર્યો છે. એનાં કરમ એ જાણે."
આવા નરાધમોને લીધે કેટલીય નિર્દોષ વ્યક્તિઓની જિંદગી નરક બની જાય છે.
(સત્ય ઘટના. પાત્રોનાં નામ બદલેલ છે.)
- મનીષ ચુડાસમા
"સ્નેહનું પવિત્ર ઝરણું"