પ્રેમસમાધિ
પ્રકરણ-45
વિજય ટંડેલ એનાં રૂમમાં પાર્ટી કરીને ઘસઘસાટ ઊંઘી રહેલો નારણ ટંડેલનાં મોબાઇલ પર ફોન પર ફોન આવી રહેલાં પણ ડ્રીંક લઇને સૂઇ રહેલો વિજય ટંડેલને કોઇ અવાજ ના સંભળાયા. લગભગ 10 વાર રીંગ વાગી ફોન શાંત થઇ ગયો.
નારણ ટંડેલ મારતી ગાડીએ વિજયનાં બંગલે આવ્યો એણે ચોકીદારનાં ગેટ ખોલવાની રાહ ના જોઇ એ ગાડી દરવાજા બહાર જ પાર્ક કરીને ચોકીદારનાં વીકેટ ગેટથી દોડીને અંદર આવ્યો. ચોકીદાર સાબ... સાબ. કરતો રહ્યો એ બંગલાની ડોરબેલ વગાડી રહ્યો.
ત્યાં પેલી વિજયની રખેલે દરવાજો ખોલ્યો એ ઉંઘરેટા અવાજે બોલી “નારણભાઈ અત્યારે ? હજી તો સવારનાં પાંચ વાગ્યા છે શું થયું આમ હાંફતા હાંફતા ક્યાંથી આવો છો ? મોડી રાત્રે તો ગયા હતા તમે..” નારણે એની સામે તુચ્છતાંથી જોઇ કહ્યું “બહુ વહેલું હોય તું સૂઇ જા મારે વિજયનું ખૂબ અગત્યનું કામ છે”.. આમ કીધુ ના કીધું અને ઘડાઘડ દાદર ચઢતો વિજયનાં રૂમ પાસે પહોંચ્યો.
સારુ હતું દરવાજો લોક નહોતો. નારણે દરવાજો ખોલ્યો અને વિજયનાં પલંગ તરફ ઘસી ગયો. વિજયતો નસ્કોરાં બોલાવતો ઘસઘસાટ ઊંઘી રહેલો. નારણે એને બૂમ પાડી “વિજય... વિજય.. ઉઠ... વિજય”.. એમ કહી ઢંઢોળ્યો પછી રૂમની લાઇટો ચાલુ કરી..
વિજય ઉઠ્યો આંખો ચોળતાં ચોળતાં પૂછ્યું "નારણ તું ? અત્યારે શું થયું ?” નારણે કહ્યું "વિજય.... આપણી હોટલ પર ત્યાં ડુમ્મસમાં પેલા નીચ મધુ ટંડેલનાં ગુંડાઓ આવેલાં... અડધી રાત્રે હુમલો કર્યો છે બાબુને ખૂબ માર્યો છે અધમૂઓ કર્યો છે એ લોકોને ક્યાંથી બાતમી મળી કે શંકરનાથનો છોકરો પેલાં ઇમ્તીયાઝને મારી અહીં આવેલો ? બાબુ હોસ્પીટલમાં છે અને કલરવને શોધતાં ફરે છે.” વિજય નારણ સામે ડોળા કાઢતો જોઇજ રહ્યો.
એ થોડીવાર મૌન થયો પછી બોલ્યો "નારણ હવે આ મધુનો ઇલાજ કરવો પડશે એ ધંધામાં ઓછું પણ શંકરનાથને બરબાદ કરવામાં પાછળ પડ્યો છે બાબુએ મોં ખોલ્યું છે ? એનાં ક્યા માણસો હતાં ? અત્યારે શું સ્થિતિ છે ?” પૂછતાં પૂછતાં ઉભો થઇ ગયો.
વિજયની નીંદર હરામ થઇ ગઇ એણે નારણ સામે જોયુ અને બોલ્યો “ચલ અત્યારેજ નીકળીએ ડુમ્મસ જવા... રસ્તામાં વાત કરી લઇશું” બધી એમ કહી એની બેગ કાઢી એમાં રૂપિયાનો ઢગલો કર્યો બે રીવોલ્વર લીધી અને બીજી બે નાની પ્લાસ્ટીકની બેગમાં પડીકા લીધાં.. કંઇક વિચાર કરી કહ્યું “તારે કશુ લેવાનું છે ? આપણે અત્યારેજ નીકળીએ છે. હવે આનો કાયમી ફેસલો લાવવો પડશે"
નારણે કહ્યું "વિજય હું તૈયાર જ છું મારી કારમાં બધુજ પડ્યું છે પણ અહીં કલરવ... મોડા સુમન અને તારી દીકરી આવવાની.. આપણને ત્યાં કેટલો સમય લાગશે.. શું કરીશું ?”
વિજયે કહ્યું "હાં હુ એ તો ભૂલ્યો.. કંઇ નહીં અહીં પેલી રેખા છે એને જવાબદારી આપી દઇએ એ છોકરાઓનો જોઇ લેશે. સીક્યુરીટી છે.. બે માણસ અહીં વધારી દઇએ અને... અને... પેલા... દમણ ડેક પરથી રામભાઊને અહીં બંગલે બોલાવી લઇએ... પછી અહીંની ચિંતા નથી... ઉંમરલાયક છે પણ ખૂબ વફાદાર અને બહાદુર છે... તાત્કાલીક એમને અહીં બોલાવી લે 10 મીનીટમાં આવી જશે.”
નારણે કહ્યું “બરોબર છે એમજ કરીએ... આપણી શીપ દમણજ લાંગરેલી છે એનું..”. વિજય કહ્યું “એ બધુ પછી જોયુ જશે હમણાં કોઇ માલની લેણી દેતી નથી કરવી હું કહુ છું એમજ કર.. રામભાઉને બોલાવી લે..”
નારણે તરતજ ફોન કર્યો અને રામભાઉને તાત્કાલીક બંગલે આવી જવા કહ્યું... વિજયે બધી તૈયારી કરી અને નારણને કહ્યું “તું કલરવને ઉઠાડી લાવ એને સમજાવી દઊં..”
નારણે કહ્યું “એને શા માટે ઉઠાડવો છે ? સૂવા દે ને બધાં ચિંતા કરશે આપણે પાછળથી જણાવીશું. પછી ફોન પર વાત કરી લઇશું.. રામભાઉ આવે એમને સમજાવી દઇએ. તારે રેખાને કહેવું હોય તો કહી દે.. એને કહેજે કે એ આપણે આવીએ ત્યાં સુધી સીધી...” આગળ બોલતો અટક્યો...
વિજયે કહ્યું “ચિંતા ના કર હું એને સમજાવી દઊં છું.” એણે ચાકરને બોલાવી બેગ વગેરે ગાડીમાં મૂકવા સૂચના આપી. નારણ અને વિજય ઉતાવળે દાદર ઉતરી નીચે આવ્યાં.
વિજય રેખાને બૂમ પાડી... રેખા દોડતી આવી અને બોલી “શું થયું ? તમે લોકો ક્યાં જાવ છો ? ક્યારે આવશો ?” વિજયે નારણ સામે જોયું પછી બોલ્યો "અમારે અત્યારે એક ખાસ કામ અંગે સુરત જવાનું છે અમે આવીએ ત્યાં સુધી અહીંજ રહેવાનું છે ઘરનું અને છોકરાઓનું ધ્યાન રાખવાનું છે મારી દીકરી અને ભાણો મોડાં આવશે એમને એમનાં રૂમ બતાવી રહેવાનું કહેવાનું બાકી હું ફોનથી વાત કરી લઇશ. રામભાઉ શીપ પરથી અહીં આવે છે એ અહીજ રહેશે. અમે પાછા આવીએ ત્યાં સુધી બધુ ધ્યાન રાખશે. તારે તારી ઓળખમાં કહેવાનું કે રસોઇ માટે રાખી છે સમજી ?”
રેખાએ મોં મચકોડ્યું પછી વિજયનાં તેવર જોઇને કહ્યું “ભલે હું સંભાળી લઇશ તમે જઇને આવો.... આવો પછી મારું કામ પુરુ કરી આપ જો. એની વે મને..”. વિજય ગુસ્સામાં તાડુક્યો “અત્યારે મારે અગત્યનાં કામ છે તું તારી રામાયણ કહે છે ? હું આવું પછી વાત સીધી રીતે બધુ જોજે આટલામાં સમજી લેજે. રામભાઉ તારાં બાપની ઊંમરનાં છે એમનું માન રાખજે. છોકરાંને સાચવી લેજે.”
રેખાએ ટૂંકમાં જવાબ આપ્યો “ભલે..”. ત્યાં રામભાઉ આવી ગયાં. એ ઘરમાં આવ્યાં અને વિજયે કહ્યું “ભાઉ શીપ પર બધુ બરોબર છે ને ? કાળીયો રાજુ બધાં છે ને ? હું ફોનથી પછી વાત કરી લઇશ.. તમે અહીં બધુ બરોબર ધ્યાન રાખજો અમે 2-3 દિવસમાં આવી જઇશું.”
“ખાસ એ કે ઉપર મારાં મિત્રનો દીકરો કલરવ સૂઇ ગયો છે અને આજે મારી દીકરી અને ભાણો અહીં આવશે બધાનું ધ્યાન રાખજો એ લોકોને કંઈ અગવડ ના પડે એ જોજો... બાકી ફોન પર વાત કરીશું...”
વિજયે રેખા તરફ એક નજર કરી અને નારણને કહ્યું “ચાલ આપણે નીકળીએ..”. વિજય અને નારણ બંન્ને દરવાજા બહાર ઉભેલી નારણનીજ કારમાં જવા નીકળી ગયાં... નારણે કાર સ્ટાર્ટ કરી અને ગીયર બદલ્યુ ગાડી સડસડાટ નીકળી ગઇ...
****************
ડુમ્મસની આવકાર હોટલમાં સોંપો પડી ગયો હતો. મધુ ટંડેલનાં ગુંડા આવીને બાબુને ધમકાવી ખૂબ મારીકૂટીને મોં ખોલાવવા પ્રયત્ન કર્યો પણ કંઇ જાણવા ના મળ્યું. એક વેઇટર નવો નવો આવેલો એ સંતાઇને બધું જોઇ રહેલો...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-45