Sambhavna - 14 in Gujarati Horror Stories by Aarti Garval books and stories PDF | સંભાવના - ભાગ 14

Featured Books
Categories
Share

સંભાવના - ભાગ 14

આટલી સુંદર છોકરી..... કેટલો માસુમ ચહેરો છે આનો.... પણ આવી હાલતમાં.... કેવી રીતે??"- યશવર્ધનભાઈના મનમાં આવ્યું

તે છોકરી નજરો ઝુકાવીને ત્યાં ઉભી હતી. તેના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો.

"અરે તમે બેસો અને આમ ડરશો નહીં... અહીં આ ગામમાં હું ઇન્સ્પેક્ટર છું... તમારે હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી...."- યશવર્ધનભાઈએ કહ્યું

જવાબમાં તે છોકરી એ માત્ર માથું જ હલાવ્યું.
એટલામાં ફોઈ ત્યાં આવ્યા.

"શું કહે છે દીકરા આ બેન? કેવી રીતે આવી હાલતમાં? કંઈ જાણ્યું?"- ફોઈએ પૂછ્યું

"ના ફોઈ. એના વિશે કંઈ વાત નથી થઈ તમે બેસો અને તમે એમની સાથે વાત કરો કદાચ તમને કહેવામાં સંકોચ નો અનુભવ નહીં કરે...."- એવું કહેતા કહેતા યશવર્ધનભાઈ પોતાના રૂમ તરફ જાય છે

ફોઈએ બે ત્રણ વાર તેને પૂછવાની કોશિશ કરી પરંતુ તે છોકરી એ કોઈ જવાબ આપ્યો નહી.

" બેટા મેં તે છોકરી સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ તે કઈ જવાબ નથી આપી રહી હવે આપણે આગળ શું કરવું છે એને ક્યાં રાખીશું શું કરીશું?"- ફોઈએ ચિંતિત સ્વરમાં કહ્યું

"એમને ખૂબ આઘાત લાગેલો છે ફોઈ... અત્યારે તેમને કંઈ ના પૂછશો અને જ્યાં સુધી અહીંયા રહે છે ત્યાં સુધી એમને રહેવા દો તેના બાદ એમને ક્યાંક જવું હશે તો એ જોઈ લેશે"- યશવર્ધનભાઈએ કહ્યું

" બરાબર છે બેટા તારી વાત... એમ પણ ખૂબ નાની ઉંમરે તેને ઘણું બધું સહન કર્યું હોય એવું લાગી રહ્યું છે"- ફોઈએ જવાબ આપ્યો


હાં....ફોઈ હું નાઈટ ડ્યુટી થી સખત થાકી ગયો છું. હું સુઈ જાવ છું બપોરે જમવાના સમયે મને ઉઠાડી દેજો કહીને યશવર્ધનભાઈ સુવા ચાલ્યા જાય છે.

બપોર નો સમય થાય છે. અચાનક યશવર્ધનભાઈને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગીઓની સુગંધ આવે છે.... આથી તેઓ તરત જ નીચે જોવા માટે જાય છે.

" અરે વાહ.... બહુ જ ભૂખ લાગી હતી ફોઈ અને આ સુગંધથી તો વધારે ભૂખ લાગી ગઈ છે"- કહેતા કહેતા યશવર્ધનભાઈ અને ઘરના બધા સભ્યો જમવાના પર તૂટી પડે છે.

જમ્યા બાદ યશવર્ધનભાઈ ના ચહેરા પર એક અલગ જ સંતોષ જણાઈ રહ્યો હતો.

" આટલા સ્વાદિષ્ટ ભોજન માટે તમારો ખુબ ખુબ આભાર ફોઈ"- યશવર્ધનભાઈ હસતા હસતા બોલ્યા

" દીકરા જમવાનું આજે મેં નથી બનાવ્યું"- ફોઈએ કહ્યું

" તો પછી...."

યશવર્ધનભાઈ તેમનું વાક્ય પૂરું કરે તે પહેલા જ ફોઈએ પેલી છોકરી તરફ નજર નાખી.

" હું જ્યારે જમવાનું બનાવવા માટે રસોડામાં ગઈ ત્યારે તે છોકરી પહેલાથી જ ત્યાં બધું બનાવી ચૂકી હતી"- ફોઈએ જવાબ આપ્યો

"તમે શા માટે આટલી તકલીફ લીધી પણ?"-યશવર્ધનભાઈએ તે છોકરીને પૂછ્યું

બધાને એટલી ખુશીથી જમવાનું જમતા જોઈને તે છોકરી ના ચહેરા પર જે સુખ હતું તે જોઈને ઘરના બધા જ સભ્યો સમજી ગયા હતા કે તેને આ જમવાનું બનાવવામાં કોઈ પણ તકલીફ નો અનુભવ નહોતો થયો.

ધીમે ધીમે સમય પસાર થાય છે. આ ઘર અને આ ઘરના સભ્યો બધાને ધીમે ધીમે તે છોકરીની આદત પડી રહી હતી. અને તેને પણ આ અજાણ્યા ઘરના સભ્યોનું ધ્યાન રાખવામાં સુખ વર્તાઈ રહ્યું હતું. પરંતુ ફોઈ એક અજાણી છોકરીને ઘરમાં આવી રીતે રાખવાના કારણથી ચિંતિત હતા. ફોઈએ બે ત્રણ વાર યશવર્ધન સાથે વાત કરવાની પણ કોશિશ કરી પરંતુ તેમને પણ એ છોકરીના ઘરમાં રહેવાથી કોઈ સમસ્યા નહોતી. જેના કારણે વાત ત્યાં જ પૂરી થઈ ગઈ.


રવિવારની સાંજનો સમય છે. યશવર્ધનભાઈ તેમના ઘરની બહાર ખુરશીમાં બેઠા બેઠા સૂર્યાસ્તનો નજારો જોઈ રહ્યા હતા. અને તે છોકરી તેમના માટે ચા લઈને આવી.

" સાંભળો મારે તમારી સાથે વાત કરવી છે."- યશવર્ધનભાઈએ તે છોકરીને રોકતા કહ્યું

તે છોકરી હાથ પર હાથ મૂકીને આંખો નીચે નમાવીને ત્યાં ઊભી રહી જાય છે.

" તમને આ ઘરમાં આવ્યે લગભગ અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છે. એ સમયે તમારી હાલત જોતા આ ઘરમાંથી કોઈએ તમને કોઈ સવાલ નથી કર્યા..... પરંતુ હવે સમય વધી ગયો છે આથી તમારે હવે તમારા ભવિષ્ય વિશે આગળ વિચારવું જોઈએ"- યશવર્ધનભાઈએ તે છોકરીને કહ્યું

યશવર્ધનભાઈ ની આટલી વાત સાંભળતા જ તે છોકરીની આંખો ભીની થઈ ગઈ. કોઈપણ જાતના અવાજ વગર તેની આંખોમાંથી આંસુ દરિયાની માફક વહેવા લાગ્યા....

તેની એ સુંદર કાળી નમણી આંખોમાંથી સરતા આંસુ જેમ જેમ તેના ગાલ પરથી પસાર થઈ રહ્યા હતા તેમ તેમ તેના ગાલ ફૂલ ગુલાબી થઇ રહ્યા હતા.... ખબર નહિ કેમ પણ યશવર્ધનભાઈ તેને રડતી જોઈ ન શક્યા.

" મને માફ કરો.... મારો મતલબ તમને આમ રડાવવાનો નહોતો.... પરંતુ બસ તમારા ભવિષ્ય માટે મેં એ તમને આ વાત કહી"- યશવર્ધનભાઈ તેને રડતી જોઈને ગભરાઈ ગયા હતા


યશવર્ધનભાઈ તેને સાંત્વના આપી રહ્યા હતા કે અચાનક જ ત્યાં દરવાજાની પાછળથી કોઈ વસ્તુ નીચે જમીન પર પટકાઈ અને તૂટી જવાનો અવાજ આવ્યો.

" કોણ છે ત્યાં"

કહેતા યશવર્ધનભાઈએ દરવાજા પાસે જોયું તો ત્યાં નીચે એક ફૂલદાન તૂટીને વેરવિખેર થઈ ગયું હતું..... પરંતુ જ્યારે તેમને આસપાસ નજર નાખી ત્યારે ત્યાં તો કોઈ હતું જ નહીં.....

( આખરે કોણ હતું ત્યાં જે આમ છુપાઈને યશવર્ધનભાઈ અને તે છોકરીની વાત સાંભળી રહ્યું હતું અને શા માટે? જાણીશું આવતા ભાગમાં)