પ્રકરણ ૧૮
આ તરફ કવિતા ફફડવા લાગી એને થયું એ બદનામ થઈ જશે. પરમની ઈજ્જત, મા-બાપનું નામ, સંસ્કાર બધું.. ખતરામાં..! ઓ ભગવાન! મેં આ બધું પહેલાં કેમ નહિ વિચાર્યું? મારી ફૂલ જેવી દીકરીના ભવિષ્ય જોડે પણ રમત કરી નાંખી, ફક્ત અને ફક્ત મારાં સ્વાર્થ માટે? અજાણ્યાં છોકરાની જિંદગી બગાડી જસ્ટ મારી લાઈફની કિક માટે? મને જોઈતી થ્રિલ માટે? પરમનો, એનાં પ્રેમનો એનાં વિશ્વાસનો તસુભાર પણ વિચાર ન કર્યો? આઈ હેટ માયસેલ્ફ…આઈ રિઅલી હેટ.. છેલ્લું વાક્ય એનાથી મોટા અવાજે બોલાઈ ગયું. મીનાબેન દોડતાં આવ્યાં, "શું થયું કવિ?" એટલે એણે હાથનાં ઇશારે એમને પાસે બોલાવ્યાં અને વળગી પડી, છાતીએ માથું મૂકી મોટે અવાજે રડવા માંડી. ઘરમાં બીજું કોઈ હતું નહિ એટલે મીનાબેન થોડાં ગભરાઈ ગયાં. ત્યાં જ હેમા આવી પહોંચી. બન્નેએ મળીને એને સાંત્વના આપી. મીનાબેન બોલ્યાં, "જે થયું એ થયું હવે સંસાર કઈ રીતે સાચવવો એ તરફ વિચાર કર કવિ." હેમા સાંભળી રહી હતી અને વિચારી રહી કે જો આ પશ્ચાતાપ હોય તો જીવનભર રહેવો જરૂરી છે, એક બોધ તરીકે પણ યાદ રહે તો બસ. બીજીવાર આવી થ્રિલ અને કિક મેળવવા કોઈ નાટક તો ન કરે. પછી એ જઈને પાણી લઈ આવી અને કવિતાને શાંત પાડી.
બીજી બાજુ ડૉકટર આશુતોષનાં વિકેન્ડ હાઉસમાં જબરજસ્ત થ્રિલર ચાલી રહ્યું હતું! સજાની વાત સાંભળી, આલાપની સાથે જૈનિશનાં હોશ પણ ઉડી ગયાં. એ બોલી ઉઠ્યો, "આલાપ, તું બધું કહી દે દોસ્ત. સજા થશે તો આંટીનું શું થશે વિચાર. એ આ આઘાત નહિ જીરવી શકે." જૈનિશની આ વાત સાંભળતાં જ આલાપ તૂટી ગયો અને રડી પડ્યો. એને રડતાં જોઈ પેલાં હેન્ડસમ ઑફિસરે ફરી બૂમ મારી, " સ્ટોપ ધીસ..આ રોકકળ છોડો..સીધી વાતનો સીધો જવાબ આપો, તમે એની હત્યાની કોશિશ કેમ કરી અને તે દિવસે કપલબોક્સમાં શું થયું હતું?" ડૉકટર આશુતોષે આલાપને ટીપોઈ પર પડેલાં જગ અને ગ્લાસ તરફ ઈશારો કરી પાણી પીવા કહ્યું. પાણી પી, ડૂમો ઓગાળી આલાપે બોલવું શરૂ કર્યું, "સાચે સર, તે દિવસે એણે જ મને બોલાવ્યો હતો. બાકી જ્યારથી જાણ્યું હતું એ બાઈ એક નંબરની ચીટર છે, ત્યારથી જ મેં એનાં નામનું નાહી નાખ્યું હતું." એણે થોડું અટકી ફરી બોલવું શરૂ કર્યું.
"પપ્પાના ગયાં બાદ મમ્મીએ મને બહુ મહેનત કરી ઉછેર્યો હતો. કોઈ દિવસ પપ્પાની ખોટ નથી પડવા દીધી. હું પણ એનાં દરેક સપના પૂરા કરવા માટે બરાબર મહેનત કરતો હતો. આમ, તો હંમેશા ખુશ રહેતો પણ માયાના મળવાથી વધુ ખુશ રહેવા લાગ્યો હતો. નાની કોઈ વાતમાં પણ ખુશ થઈને મમ્મીને ઉંચકી ને ગોળ ગોળ ફેરવી દેતો, મમ્મી બાળા..બાળા.. કરતી હસી પડી, મને મારી ખુશીનું કારણ પૂછતી અને હું એને, આતા નાહી આઈ, ટાઇમ યેવું દે.. કહી ચૂપ કરી દેતો…" વચ્ચે જ પરમ બોલવા ગયો, "મિસ્ટર.." પણ ડૉકટર આશુતોષે એને ખભો દબાવી ચૂપ રહેવા આંખોથી રિકવેસ્ટ કરી.
આલાપ અટકી ગયો એટલે ડૉકટર આશુતોષે કહ્યું, "તું બધું જ કહી દે, તો આ લોકોને પણ ખૂટતી કડીઓ ક્યાં જોડવી એ સમજાય." એની વાતમાં હેડ ઓફિસર બનીને આવેલા મિતેષનો પણ સૂર ભળ્યો.
"આ રીતે હું અને મમ્મી બહુ ખુશ રહેતા હતા. ધીમે ધીમે હું ચૂપ રહેવા લાગ્યો, માયા સાથેનાં કોન્ટેક્ટ એકાએક છૂટી જાય એ હું કોઈપણ રીતે માની નહોતો શકતો. એનું એડ્રેસ લેવા મેં મ્યુઝિક ક્લાસમાં સત્તર ધક્કા ખાધા પણ એ આપવાની બહુ મક્કમ રીતે ના સાંભળવા મળતી. મ્યુઝિક ક્લાસ પાસે પણ દરેકેદરેક બેચ સુધી ઉભો રહી એની રાહ જોયા કરતો હતો. હમણાં.. આવશે…હમણાં દેખાશે…એવી એક આશા અનેકોવાર તૂટવાથી મગજ અતિશય ગૂંચવણ ભર્યા વિચારોથી ભરાવા માંડ્યું હતું. એ ઠીક તો હશે ને? એનાં ઘરમાં કોઈ જાણી તો નહિ ગયું હોય ને? ત્યાં જ મેં એક દિવસ એને મોલમાં નાનકડી છોકરી સાથે જોઈ. જે એને મમ્મા.. મમ્મા કહી બોલાવતી હતી. માયાને આવડી મોટી દીકરી? શું એના માબાપે એક મહિનામાં બીજવર જોડે પરણાવી દીધી હશે! એના મોટા મોટા. .. ઓહ..ના..ના..એમ તો નહિ હોય કેમકે એ એટલી નરમ સ્વભાવની તો નહોતી. પણ એનાં સપના બહુ મોટાં હતાં, વર્લ્ડ ટૂર એન ઓલ…તો કદાચ..ઓહ ગોડ..તો એનો અર્થ એવો હોઈ શકે કે એણે મારું કંઈ જ ન વિચાર્યું. અમે સાથે વિતાવેલો સમય, સાથે જોયેલાં સપના એ બધું એને મન કંઈ જ નહોતું..! આવા બધાં વિચારો એટલી હદે ઘેરી વળતા કે હું રાતની રાત જાગતો અને રડતો રહેતો. મમ્મી બિચારી પૂછ પૂછ કરતી પણ હું કંઈ જ નહોતો બોલી શકતો. મમ્મી મારી પાસે આવી ખોળામાં માથું મુકાવી માથે હાથ ફેરવીને સૂવડાવવવાની કોશિશ કરતી. પણ મારી આંખો ખુલ્લી અને સતત ભીની જ રહેતી. છેવટે, થાકી હારીને મમ્મીએ ડૉકટરને બતાવી ડિપ્રેશનની દવાઓ શરૂ કરાવી."
ડૉકટર આશુતોષે વચ્ચે "હમમ.." કર્યું. એમને ડર હતો કે, ફરી પેલાં ઓફિસર આલાપને બોલતો ન અટકાવી દે.
આલાપે વાત આગળ ધપાવી, "થોડો સ્વસ્થ થયો ત્યારે એનો કોઈ બીજાં નંબરથી કૉલ આવ્યો અને મને મળવા બોલાવ્યો. બાકી તો મેં એનાં બધાં નંબર પણ બ્લોક જ…ફેસબુક પર જ્યારે અમારી દોસ્તી થઈ ત્યારે સૌ પ્રથમ વાતની શરૂઆત પણ એનાં તરફથી જ હતી. એની પ્રોફાઈલ ઇન્ફોર્મેશનમાં કંઈ જ દેખાયું નહોતું એટલે હું થોડો દૂર રહેતો હતો. એના મેસેજીસ બે-ત્રણ દિવસ સતત આવ્યા એટલે મને પણ થયું ચેટ જ કરવી છે ને, જોવા તો દે કોણ છે. એમ કરીને મહિનામાં જ ચેટથી ફોટો સુધી પહોંચ્યાં. પછી એકબીજાને ફોન નંબરની આપ લે થઈ અને પછી અમારો ચેટ ટાઈમ વધતો ગયો. હું કૉલેજ ટાઈમ સિવાય હંમેશા એને માટે અવેઇલેબલ રહેવા લાગ્યો. અમારા બન્નેનો સંગીતનો શોખ સરખો હતો એટલે અમે વધુ નજીક આવતા ગયા. હું તો જાણે વર્ષોથી જ આવી છોકરીની શોધમાં હોઉં ને મળી ગઈ હોય એવો પાગલ થઈ ગયો હતો. એ મારો પહેલો પ્રેમ હતી! એટલે ફરી જ્યારે એણે મળવા બોલાવ્યો ત્યારે પળભર તો હું ખુશ થઈ ગયો હતો. પરંતુ મનમાં ભરાયેલી નફરતે બળવો કર્યો."
"હું એને મળી ફરી એના મોહમાં ખેંચાઈ જ જવાનો હતો પણ પછી..." આલાપ રડી પડ્યો. ત્યારબાદ કપલબોક્સમાં જે કાંઇ થયું એ જૈનીશે કહી સંભળાવ્યું.
"મારો પ્રેમ સાવ સાચો હતો સર." આલાપ હજુ રડતો હતો.
"સ્ટોપ ઇટ, આવું બધું નાટક નહીં. સીધા મુદ્દા ઉપર આવો." હેન્ડસમ ઑફિસર બરાડી ઉઠ્યો. એટલે આલાપ ઑફિસરો પાસે નીચે બેસી ગયો. પગે લાગી બોલવા માંડ્યો, "સાચું હતું એ જ મે કહ્યું, હવે કોઈ સજા ન થાય એમ કરજો સર.."
"તો તમને એમ લાગે છે કે તમે જે કર્યું છે એ બરોબર છે? તમને એનો કોઈ અફસોસ કે દુઃખ નથી થતું?" હેડ ઓફિસરે સવાલ કર્યો.
"એ જીવથી જાય તો એની દીકરી કે એનાં પતિનું શું થાય એવું કંઈ વિચારો છો? કે આમ બદલો લઈ ખુશ થઈ ગયા?" બીજાં ઑફિસરનો સવાલ આવ્યો.
આલાપ તરત બોલ્યો, "સર, મારી નફરત એ બાઈ માટે છે એનાં પતિ અને દીકરી માટે કંઈ નથી. ઈનફેક્ટ એવું જાણ્યાં પછી એ શાતિર દિમાગ માયાનાં પતિની બહુ દયા આવતી હતી."
"નાઉ, ઈનફ…" હેડ બોલ્યા.
"હવે એ કહો કે તમારાં એ રિલેશન ક્યાં સુધી પહોંચ્યા હતાં? અને વિડિયોઝ કે મેસેજીસ ક્યાંય પણ સેવ હોય એ વિશે જણાવી દો. અમારી ટીમ જો એ વિશે તપાસ કરશે તો વાત બગડશે." બીજાં ઑફિસરે કહ્યું.
આલાપે જવાબ આપ્યો, "સૉરી, સર હું એ રિલેશન વિશે કોઈ ઉલ્લેખ કરવા નથી માંગતો અને મેં કોઈ જ વીડિયો કે મેસેજીસ સેવ નથી રાખ્યાં. તમે તમારી ટીમને આ વિશે તપાસ કરવા કહી શકો છો." આવું બોલતાં આલાપની વાતમાં સૌને પ્રામાણિકતા અને સચ્ચાઈ છલકાતી દેખાઈ.
ક્રમશ: