Prem Samaadhi - 43 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-43

Featured Books
Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-43

પ્રેમ સમાધિ
પ્રકરણ-43


વિજય ટંડેલ અને નારણ ટંડેલ આ યુવાનીનાં ઊંબરે પહોંચેલા કલરવની હિંમતભરી વાત સાંભળી રહેલાં. ધીમે ધીમે સીપ મારી વ્હીસ્કીની મજા લઇ રહેલાં. વિજય ટંડેલનાં મનમાં અંદરને અંદર એક વાત સ્ફૂરી રહેલી એણે નારણની સામે જોયું. વિજયનાં અર્થસભર હાવભાવ અને એની આંખોના ઇશારે નારણ જાણે સમજી ગયો હોય એમ એણે પણ વિજયનાં હાવભાવ અને નજરનાં ઇશારાને સંમતિ આપી દીધી હોય એમ હકારમાં ડોકું ધુણાવ્યું અને કલરવને પૂછ્યું "તને ખબર છે આવકાર હોટલ કોની છે ?”
કલરવે થોડાં સ્માઇલ સાથે કહ્યું "ના સર પહેલાં તો નહોતી ખબર... હું તો અંદર બાઇકની ડીલીવરી કરવા ગયેલો પણ ત્યાંનો માહોલ કંઈક જુદોજ હતો હું એ હોટલની ભવ્યતા જોઇને અંજાયેલો મન થયું અહીં મારે કંઇક કરવું પડશે ત્યાં રીસેપ્શન પર બેઠેલાં માણસો મને તુચ્છારથી પૂછ્યું એય... ક્યારનો શું ડાફોળીયા મારે છે ? કોને શોધે છે ?”
એમને મેં કહ્યું "આતો બાઇક રીપેર થઇ ગઇ છે એ આપવા આવ્યો છું મારે 450/- રૃપિયા લેવાનાં છે અહીંનાં શેઠ... ત્યાં એણે કહ્યું અરે અમારાં સેઠ બાઈક ચલાવે છે ? એ ખિજાયો અમારાં વિજય શેઠતો કારમાં આવે છે આ પેલાં... પછી આગળ બોલતાં અટકી કહ્યું ઉભો રહે લાવ ચાવી લે તને 450/- રૃપિયા આપી દઊં એમ કહી ડ્રોઅર ખોલી એમાંથી મને પૈસા ચૂકવ્યા.”
પછી વિજય ટંડેલની સામે જોઇ બોલ્યો "સર... તમારું નામ સાંભળતાજ હું ચમક્યો... ચોક્કસ આ તમારીજ હોટલ હશે મને આશા બંધાઇ.. મારાં ચહેરાંના હાવભાવ બદલાયાં મેં એમને પૂછ્યું "વિજય ટંડેલ સરની હોટલ છે ? પેલાએ કંઇક બાફ્યુ હોય એમ એનું મોઢું કટાણું કરી ફરીથી તોછડાઇથી બોલ્યો.. એય તારે શું પંચાત છે પૈસા મળી ગયા ને ? જા અહીંથી....”
“હું કંઇ બોલ્યા વિના ત્યાંથી બહાર નીકળી ગયો... બહાર જઇ હું હોટલની ચારેબાજુ જોઇ રહેલો ત્યાંથી પાછળનાં દરવાજેથી બે ત્રણ માણસો યુનીફોર્મવાળા નીકળ્યાં મને થયું આ હોટલનાંજ માણસ હોવા જોઇએ... મેં એમને પૂછ્યું વિજય ટંડેલ સર આવ્યા છે ? પેલો મારી સામે જોવા લાગ્યો.. પછી એણે બીજાનાં કાનમાં કંઇક કહ્યું...બીજાએ મારો હાથ પકડી અંદર લઇ ગયો સીધો જે માણસ મારી સાથે તોછડાઇથી વાત કરતો હતો એની પાસેજ લઇ ગયો. પેલાએ મને જોઇને પૂછ્યું તું ફરી આવી ગયો ? પછી પેલાં માણસને પૂછ્યું "તું આને ક્યાંથી લઇ આવ્યો ? પેલાએ કહ્યું આણે પૂછ્યું વિજય ટંડેલ સર આવ્યા છે ? એટલે હું....”
“પછી પેલો ભડક્યો મને અંદર કેબીનમાં લઇ ગયો અને મારી બધી પૂછપરછ કરી... મને થયું અહીં બધાં તમારાંજ માણસો હશે એટલે મેં સાચી ઓળખ આપી કે હું એમનાં મિત્ર શંકરનાથનો છોકરો છું હું મારાં પાપાને 6 મહિનાથી શોધું છું મારે વિજય સરને મળવું છે.”
“પેલો આવું સાંભળી થોડીવાર મને તાંકી રહ્યો મને કહે તું શંકરનાથનો છોકરો છે ? મેં હા પાડી. પછી એનાં તેવર બદલાઇ ગયાં. એ શાંત થઇ ગયો. મને બેસાડ્યો. મને બધીજ વાત પૂછી ક્યાંથી આવ્યો ? તું આ ગેરેજમાં કેવી રીતે આવ્યો ? નારણભાઇને ઓળખે છે ? મેં બધીજ વાત કરી કે મારાં પાપાનાં મિત્ર છે એટલીજ ખબર છે એમનો નંબર મારી પાસે છે મારે એકવાર કોઇ સાથે વાત નથી થઇ. મેં મારા પાપા વિશેજ પૂછ્યાં કર્યું....”
“એ થોડીવાર મૌન થઇ ગયાં... મને કહે બીજી વાત પછી કરીશું. તું સાચી જગ્યાએ આવી ગયો છું હવે તારે ડરવાની જરૂર નથી કોઇ ભય નથી મને જમવાનું પૂછ્યું કહે તું હમણાં અહીં રહેજે તને હવે હું વિજયસરની મુલાકાત કરાવીશ .... પણ તારાં પાપા ક્યાં છે એની મનેય નથી ખબર અહીં 5-6 મહીનાં પહેલાં ફાયરીંગ થયેલું એમાં મારો દોસ્ત માર્યો ગયેલો.... સર... તું એક કામ કર.. હમણાં સરનો મારે પણ સંપર્ક નથી પણ તું દમણ જતો રહે ત્યાંનું એડ્રેસ હું આપું છું.”
“હમણાં ગેંગવોર જેવી સ્થિતિ છે.. અમારે અહીં ખૂબ ચોક્કસાઇ રાખવી પડે છે સરને મારવા કોઇએ... પણ.. તારે આ બધી વાત સાથે કોઇ લેવા દેવા નથી તું હજી નાનો છે હું તને દમણ મોકલવાની વ્યવસ્થા કરું છું.”
“મેં કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર તમારું શું નામ ? એમણે કહ્યું મારું નામ બાબુ ગોવિંદ... આ હોટલ હું સંભાળું છું હું તને કોઇ નંબર નહીં આપી શકું પણ તને દમણ.... મેં કહ્યું હું છ મહિનાથી બધુ સમજી રહ્યો છું મારે હવે કોઇનાં નંબર નથી જોઇતાં મને એડ્રેસ આપી દો.. મને ફક્ત રેલ્વે સ્ટેશન પહોંચાડો હું મારી રીતે દમણ પહોંચી જઇશ.”
“બાબુભાઇ મારી સામે જોઇજ રહ્યાં. પછી બબડયાં મોરનાં ઇંડા ચીતરવા ના પડે. તું હવે 6 મહિનાનાં ખત્તા ખાઇ તૈયાર થયો લાગે છે... એમણે એક કાગળ પર અહીનું અધુરૃ એડ્રેસ આપેલું મને કહે તું આરામથી જમી લે. ફ્રેશ થા... હું કપડાની વ્યવસ્થા કરુ છું કોઇ સાથે કોઇ વાતચીત સવાલ જવાબ ના કરીશ... સીધો વાપી પહોચી જા ત્યાંથી દમણ જતો રહેજે આ એડ્રેસ ઉપર... ફરીથી મળીશું ક્યારેક.”
“એમણે મને કહ્યું "તું ઝડપથી ફ્રેશ થા તને કપડાં આપું છું આ પૈસા રાખ એમ કહી મને 1000/- રૃપિયા આપ્યાં મને કહે ગેરેજવાળો આવશે અહીં તારી તપાસ માટે એને હું સમજાવી વિદાય કરી દઇશ. આ હોટલ વિજય સરની છે એ અમુકનેજ ખબર છે એટલે કોઇ સાથે ચર્ચા ના કરીશ અહીં મિત્ર કરતાં દુશ્મન વધારે છે અને ઓળખવા અઘરા છે.”
“તારી વાત અને તારો ચહેરો જોયા પછી મને વિશ્વાસ પડ્યો છે તું તૈયાર થવા જા હું સુરત સ્ટેશન પહોચાડું છું. મેં મનોમન ભગવાનનો આભાર માન્યો કે હું હવે તમારાં સુધી તો પહોંચીશજ.”
“મને સુરત સ્ટેશન પહોંચડવા તમારી હોટલનીજ કાર આવેલી.. હું સુરતથી વાપી આવી ગયો.. ભૂખ તો જાણે મરી ગઇ હતી મને થયું હું ક્યારે તમને મળું... પણ મને એક વાત ના સમજાઇ.. વિજયે પૂછ્યું “શું વાત ?”
કલરવે કહ્યું “ડુમ્મસ તમારી હોટલે ગયો મારી ઓળખ આપી મેં કહ્યું શંકરનાથનો છોકરો છું પછી મને સારામાં સારી રીતે રાખ્યો વર્ત્યો.. પણ તમને ફોન કરીને ના જણાવ્યું ? મારાં પાપા ક્યાં છે એની એમનેય ખબર નહોતી તમારે એ લોકો સાથે વાત નહોતી થતી ?”
વિજયે નારણ સામે જોયું... વિજયે કહ્યું “અમારાં નંબર બદલાઇ ગયાં છે હમણાં કોઇ સાથે વાતચીત નથી થઇ એનું ખૂબ ગંભીર કારણ...”..


વધુ આવતા અંકે ---- પ્રકરણ-44