Sapnana Vavetar - 40 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 40

Featured Books
Categories
Share

સપનાનાં વાવેતર - 40

સપનાનાં વાવેતર પ્રકરણ 40

અંજલીના ઘરે પાંચ કરોડની બેગ મૂકીને અનિકેત તરત જ નીકળી ગયો. બહાર આવીને એણે દેવજીને ગાડી ખારના ૧૦મા રસ્તા ઉપર વિજય દીપ સોસાયટી તરફ લેવાની સૂચના આપી.

વિજય દીપ સોસાયટી પહોંચીને ડી બ્લોક આગળ એણે ગાડી ઊભી રખાવી. એ નીચે ઉતર્યો અને લિફ્ટમાં બેસીને ત્રીજા માળે પહોંચી ગયો. ચાવી તો એ લઈને જ આવ્યો હતો એટલે એણે ૩૦૧ નંબરના ફ્લેટનું લોક ખોલી નાખ્યું.

ફ્લેટ ફર્નિચર સાથેનો તૈયાર જ હતો. કોઈ અહીં રહેતું હોય એ રીતે બધી જ વ્યવસ્થા હતી. ટીવી પણ ફીટ કરેલું હતું. બેડરૂમમાં ગયો તો બેડ ઉપર ચાદર અસ્તવ્યસ્ત ચોળાયેલી હતી અને નીચે એક ઈંગ્લીશ દારૂની બોટલ પણ પડી હતી. એનો મતલબ એ જ કે સુનિલ શાહ રંગીન મિજાજનો હતો અને અહીં કોઈને લઈને આવતો હતો !

કિચનમાં એણે આંટો માર્યો તો ત્યાં બેસિનમાં નાસ્તો કર્યાની બે ડીશો ધોયા વગરની પડી હતી. એક ડીશમાં થોડી વધેલી સેન્ડવીચનો ટૂકડો પડેલો હતો. જ્યુસ પીધેલા બે ગ્લાસ પણ ધોયા વગરના હતા.

એણે બહાર જઈને બાજુના ૩૦૨ નંબરના ફ્લેટનો બેલ દબાવ્યો. એક આધેડ ઉંમરનાં બેને દરવાજો ખોલ્યો.

" સોરી આન્ટી તમને ડિસ્ટર્બ કર્યાં પરંતુ બાજુનો આ ફ્લેટ મારે ગોડાઉન માટે ભાડે રાખવાનો છે તો અહીં પહેલાં કોઈ રહેતું હતું ? " અનિકેતે પૂછ્યું.

" આ ફ્લેટ તો લગભગ બંધ જ રહે છે ભાઈ. જેમણે ભાડે રાખ્યો છે એ ભાઈ ક્યારેક કોઈને લઈને અહીં આવે છે. અમે એમના વિશે ક્યારેય પણ કંઈ પૂછતા નથી. એક વાર બીજા પણ એક ભાઈ કોઈને લઈને આવ્યા હતા. આ મુંબઈ છે. અમે કોઈની પંચાતમાં પડતાં નથી. " પેલાં બેન બોલ્યાં અને તરત જ દરવાજો બંધ કરી દીધો.

અનિકેત વિચારમાં પડી ગયો. બીજા પણ એક ભાઈ કોઈને લઈને આવ્યા હતા તો એ ભાઈ કોણ હશે ?

અનિકેત પાછો ફ્લેટની અંદર ગયો. અહીં ૯૦ કરોડ જેટલી કેશ રાખવામાં આવી છે એવું રશ્મિકાંતભાઈએ કહેલું. એણે અંદર ફરીને જોયું તો એક બેડરૂમ બંધ હતો અને બહારથી લોક લગાવેલું હતું. આ જ રૂમમાં કેશ રાખી હશે એવું અનુમાન એણે કરી લીધું પરંતુ આ તાળાની ચાવી ક્યાં ?

અનિકેતે ચાવી શોધવા માટે આખા ફ્લેટમાં ચક્કર માર્યું. એક કબાટ હતું એનું ડ્રોવર પણ ચેક કર્યું પરંતુ ચાવી ન હતી. એને અચાનક એક વિચાર આવ્યો અને એ ફરી પેલા બેડરૂમમાં ગયો. બેડરૂમમાં ઓશીકું ઊંચું કરીને એણે જોયું. ત્યાં ચાવી ન હતી. એ પછી એણે ઓશીકા તરફનું ગાદલું ઊંચું કર્યું. ચાવી ત્યાં જ પડેલી હતી.

અનિકેતે ચાવી હાથમાં લીધી અને બંધ બેડરૂમનો દરવાજો ખોલી નાખ્યો. ૮ કોથળા ભરીને કેશ ત્યાં રાખેલી હતી. અનિકેતના ચહેરા ઉપર એક સ્મિત આવી ગયું. એ બહાર નીકળી ગયો. ફરી એણે તાળું મારી દીધું અને ચાવી પોતાના ખિસ્સામાં મૂકી.

એ પછી ફ્લેટ બંધ કરીને એ નીચે આવ્યો અને ગાડીમાં બેઠો.

" દેવજી તારે એક કામ કરવાનું છે. મને ઓફિસે ઉતારીને તું બજારમાંથી એક નવું ગોદરેજનું તાળું ખરીદી લે. અહીં આવીને આ ડી બ્લોકમાં ત્રીજા માળે ૩૦૧ નંબરનું તાળું ખોલીને એની જગ્યાએ નવું તાળું લગાવી દે. અત્યારે જે તાળું લગાવેલું છે એની ચાવી હું તને આપું છું." અનિકેત બોલ્યો અને એણે ચાવી દેવજીને આપી.

" જી શેઠ. " દેવજી બોલ્યો અને ગાડી સ્ટાર્ટ કરી. બાંદ્રા સુજાતા બિલ્ડર્સની ઓફિસે અનિકેતને ઉતારીને દેવજી તાળું લેવા માટે નીકળી ગયો.

અનિકેત ઓફિસે આવ્યો ત્યારે બપોરના અઢી વાગી ગયા હતા. હવે પછીનું મિશન સુનિલ શાહને પાઠ ભણાવવાનું હતું. એણે થોડો સમય આંખો બંધ કરીને સુનિલ શાહ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. થોડીવાર પછી એણે બેલ માર્યો એટલે પ્યુન હાજર થયો.

" સુનિલ શાહને મોકલ. " અનિકેત બોલ્યો.

થોડીવાર પછી સુનિલ શાહ ચેમ્બરમાં દાખલ થયો. બેઠી દડીનું શરીર. ઉંમર લગભગ ૪૦ ૪૨ ની. વધુ પડતા દારૂના સેવનથી ચહેરો થોથવાઈ ગયેલો. પેટ પણ થોડું આગળ પડતું.

" ગુડ આફ્ટરનૂન સર. " ખુરશી ઉપર બેઠક લેતાં સુનિલ બોલ્યો.

" તમે જૈન કે વૈષ્ણવ ? " અનિકેતે હસીને પૂછ્યું.

" જી વૈષ્ણવ છું. " સુનિલ બોલ્યો.

" તો તો શ્રીનાથજીના ભક્ત એટલે પ્યોર વેજિટેરિયન હશો. " અનિકેત બોલ્યો.

" ના સર. એટલો બધો ધર્મચુસ્ત નથી. થોડો પ્રેક્ટીકલ છું. આપણી આ લાઈનમાં નીતિ નિયમો પાળવા શક્ય નથી. " સુનિલ બોલ્યો.

" બિલકુલ સાચી વાત કહી. નીતિ નિયમો પાળવા શક્ય જ નથી. હું તો ખાલી અમસ્તો જ પૂછું છું. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. " અનિકેત બોલ્યો.

" જી સર." સુનિલ બોલ્યો.

" તમે સિનિયર એકાઉન્ટન્ટ છો એટલે સુજાતા બિલ્ડર્સની રગેરગ થી વાકેફ હશો. રશ્મિકાંતભાઈના તમે વિશ્વાસુ જમણા હાથ હતા એવું પણ મેં સાંભળ્યું છે. તમે તો જાણો જ છો કે આપણી આ લાઈનમાં ઘણા બધા વ્યવહારો બે નંબરના થતા હોય છે. એટલે સુજાતા બિલ્ડર્સના બે નંબરના વ્યવહારો વિશે તમારાથી વધારે બીજું કોણ જાણતું હોય સુનિલભાઈ ? " અનિકેત સુનિલની આંખોમાં આંખો પરોવીને બોલ્યો.

" હું સમજ્યો નહીં સર. " સુનિલ બોલ્યો.

" હું તો તમને બહુ બુદ્ધિશાળી માનતો હતો કે તમે ઈશારામાં જ સમજી જશો. તમે ત્રણ લાખનો પગાર લેતા સિનિયર એકાઉન્ટન્ટ છો. એક નંબરના એકાઉન્ટ તમારા કોમ્પ્યુટરમાં હોય અને બે નંબરના વ્યવહારો તમારી આંગળીના ટેરવે હોય. કહેવાનો મતલબ કે રોકડાનો વ્યવહાર પણ તમારા થકી જ થતો હોય ને સુનિલભાઈ !" અનિકેત બોલ્યો.

" એ વ્યવહાર મારા થકી જ થતો હોય પરંતુ મોટા શેઠની હાજરીમાં. મોટા શેઠ જ કેશ લઈ આવે અને એ જેમ કહે એ પ્રમાણે મારે લેવડદેવડ કરવાની હોય. હું ગમે તેમ તોય એકાઉન્ટન્ટ છું એટલે આટલી મોટી રકમ તો શેઠ મને સાચવવા ના આપે ને ! અને આટલું મોટું જોખમ હું ક્યાં સાચવું ? " સુનિલ બોલ્યો.

" હા, એ વાત પણ સાચી. પરંતુ આટલી મોટી કંપનીમાં કરોડોના સોદા થતા હોય તો જ્યારે કેશની જરૂર પડે ત્યારે તમે કહો છો એમ શું શેઠ જાતે કેશ લેવા જાય ? એમણે જાતે જ આ બધા વ્યવહારો કરવાના હોય તો તમને શું કામ રાખ્યા છે ? " અનિકેત બોલ્યો.

" હા સર. દરેક વખતે શેઠ જાતે જ ગાડીમાં કેશ લઈ આવતા હતા. મારું કામ કેશ ગણવાનું અને જે તે પાર્ટીને આપવાનું. અને પછી એનો હિસાબ રાખવાનું. " સુનિલ બોલ્યો. અનિકેત ને લાગ્યું કે આ માણસ ખરેખર ધીટ અને જાડી ચામડીનો છે.

"તમે તો શેઠના વિશ્વાસુ માણસ હતા સુનિલભાઈ. ભલે શેઠ પોતે કેશ લઈ આવતા હોય પરંતુ રોકડ રકમ ક્યાં રાખી છે એ તમારાથી છાનું થોડું હોય ? અને માનો કે તમારાથી એ છાનું રાખતા હોય તો એનો મતલબ તો એ જ થયો ને કે શેઠને તમારા ઉપર જરા પણ વિશ્વાસ ન હતો. રાઈટ ? " અનિકેત સહેજ ઊંચા અવાજે બોલ્યો.

" ના ના સર. એવું નથી. શેઠને મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો પરંતુ મેં જ શેઠને ના પાડી હતી કે કેશનો હવાલો તમે પોતે સંભાળો. હું તો બહુ નાનો માણસ છું. એટલે પછી બે નંબરના તમામ પૈસા શેઠ પોતાની પાસે રાખતા હતા. " સુનિલ બોલ્યો.

" સુનિલભાઈ તમે કોને ઉલ્લુ બનાવી રહ્યા છો ? સુજાતા બિલ્ડર્સ કંપની હવે મેં લઈ લીધી છે. હું અહીંનો મેનેજર નહીં, મેનેજિંગ ડાયરેક્ટર છું. તમે જે કહેશો એ બધું હું માની લઈશ ? અરે મારી વાત જવા દો. તમે તો નીતા આન્ટી કે અંજલી મેડમને પણ છેલ્લા બે મહિનામાં રોકડા પૈસા ક્યાં પડ્યા છે એની કોઈ જાણ સુદ્ધાં નથી કરી. " અનિકેત હવે બગડ્યો.

" ના ના સર. ખરેખર હું કંઈ જાણતો નથી. તમારી આગળ મારે શા માટે ખોટું બોલવું પડે ? " સુનિલ શાહ બોલ્યો પરંતુ અંદરથી હવે એ ડરવા લાગ્યો હતો.

થોડીવાર અનિકેત ચૂપ રહ્યો. એણે પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને મોબાઈલને રમાડતો હોય એ રીતે ચતુરાઈથી સુનિલનો એક ફોટો ખેંચી લીધો. સાઉન્ડ ઓફ હતો એટલે ક્લિક નો કોઈ અવાજ ના આવ્યો.

" તમે તો શેઠના બધા બેંક એકાઉન્ટ સંભાળતા હતા તો બેંકમાં આપણે લોકર ખોલાવેલાં છે ખરાં ? ઘણીવાર બે નંબરની કેશ રાખવા માટે લોકરની જરૂર પડતી હોય છે. " બે મિનિટ પછી અનિકેતે સવાલ બદલ્યો.

સુનિલ શાહ થોડી વાર વિચારમાં પડી ગયો. શું જવાબ આપવો એ તત્કાલ એને સૂઝ્યું નહીં.

" લોકર તો ખોલાવેલું છે પરંતુ લોકર વિશેની વધારે માહિતી મારી પાસે નથી. એની ચાવી પણ શેઠની પાસે જ હશે. કદાચ એમના ઘરેથી મળી પણ જાય." થોડીવાર વિચાર કરીને સુનિલ બોલ્યો.

" થેન્ક્યુ સુનિલભાઈ. લોકર અંગેની તમામ માહિતી તો મને આપણી બેન્ક ઓફ બરોડા બ્રાન્ચમાંથી મળી જ જશે. લોકરની ચાવીઓ નહીં હોય તો માસ્ટર કી થી લોક ખોલાવી દઈશું. એની કોઈ ચિંતા નથી." અનિકેત બોલ્યો.

"બીજી એક વાત તમને જણાવી દઉં. નીતા આન્ટીએ મને એક માહિતી આપી છે કે ખારમાં વિજય દીપ સોસાયટીમાં ડી બ્લોક માં એક ફ્લેટ રશ્મિકાંતભાઈએ ભાડે રાખેલો છે. એની ચાવી આન્ટી પાસે નથી એટલે ત્યાં પણ તાળું તોડાવીને બે દિવસમાં હું તપાસ કરવાનો છું." અનિકેત સુનિલની સામે જોઈને બોલી રહ્યો હતો.

" તમે તો આ વિશે કંઈ જાણતા જ નથી એટલે તમને સાથે રાખવાનો કોઈ મતલબ પણ નથી. મારે એકલાએ જ આ બધું કરવું પડશે. કારણ કે કંપની હાથમાં લીધી છે તો આગળના સોદાઓમાં રોકડા રૂપિયાની તો મારે જરૂર પડવાની જ છે. મારું માનવું છે કે એ ફ્લેટમાં જ મોટા શેઠે બે નંબરના પૈસા રાખ્યા હશે. આજુબાજુ વાળાને હું પૂછીશ કે અહીંયાં કોણ આવતું જતું હતું. " અનિકેત બોલતી વખતે સતત સુનિલની સામે તાકી રહ્યો હતો. હવે સુનિલને પરસેવો વળી રહ્યો હતો.

સુનિલ શાહ પરણેલો હતો છતાં પણ રંગીન મિજાજનો હોવાથી કલ્પના નામની પોતાની એક પ્રેમિકાને લઈને અવારનવાર આ ફ્લેટમાં જતો હતો. ક્યારેક દિવસે જતો હતો તો ક્યારેક રાત પણ રોકાતો હતો. ત્રીજા માળે રહેતા પડોશીઓ બંનેને ચહેરેથી ઓળખતા હતા. એક પડોશી તો સુનિલને નામથી પણ જાણતો હતો. જો અનિકેત ત્યાં જઈને બધા ફ્લેટવાળાને પૂછે તો બધો ભાંડો ફૂટી જાય !! - સુનિલને ચક્કર આવી ગયા.

" હા હા યાદ આવ્યું. ત્યાં એક ફ્લેટ મોટા શેઠે ભાડે રાખેલો છે. પરંતુ એમાં બે નંબરના પૈસા એ રાખતા હશે એ મને કંઈ ખબર નથી. એક બે વાર હું એ ફ્લેટમાં શેઠની સાથે ગયેલો છું. મેં એ ફ્લેટ જોયેલો છે એટલે મને સાથે લઈ જજો. " સુનિલ બોલ્યો.

" કેમ હું નાનો કીકલો છું કે મને એ ફ્લેટ નહીં જડે ? તમારે હવે તકલીફ લેવાની કોઈ જરૂર નથી. તમે જઈ શકો છો." અનિકેત ગુસ્સાથી બોલ્યો.

સુનિલ શાહ ત્યાંથી ઊભો થઈને પોતાના ટેબલ ઉપર ગયો પરંતુ એને હવે ગભરામણ શરૂ થઈ ગઈ હતી. એના હાથ પગ પાણી પાણી થઈ ગયા હતા - '૯૦ કરોડ જેટલી મોટી રકમ મારા કબજામાં હતી પરંતુ હવે એ રકમ હાથમાંથી જતી રહી. એટલું જ નહીં જો ત્યાં આડોશ પાડોશમાંથી કોઈ કલ્પના વિશે માહિતી આપી દેશે તો મારી ઈજ્જતના ધજાગરા થશે.'

' અનિકેત જો બેંકમાં જશે તો ત્રણે ત્રણ લોકરો વિશે એને માહિતી મળી જ જશે અને માસ્ટર કી થી તમામ લગડીઓ પણ પોતાના કબજામાં લઈ લેશે. અનિકેતને લોકરો વિશે માહિતી મળી જશે તો બેંકમાંથી મારું નામ પણ ચોક્કસ આવશે. કારણ કે તમામ લોકરો કંપની વતી હું જ ઓપરેટ કરું છું. મારે કાલે સવારે જ બેંક ખૂલે ત્યારે ત્યાં પહોંચી જવું જોઈએ અને લગડીઓ લઈ લેવી જોઈએ. નોકરી તો હવે ચોક્કસ જવાની જ છે. ! '

' ઘરમાં પાંચ કરોડ પણ પડેલા જ છે. લગડીઓ પણ વીસ કરોડની છે. જો કદાચ અહીંની નોકરી છોડી દેવી પડે તો પણ વીસ કરોડ રૂપિયા બહુ મોટી રકમ છે. સારું થયું પાંચ કરોડ રૂપિયા અને લોકરની ચાવીઓ ઘરના કબાટમાં મૂકેલાં છે. '

સુનિલ શાહ આવા બધા વિચારો કરી રહ્યો હતો પરંતુ એને ત્યારે ખબર ન હતી કે પાંચ કરોડ રૂપિયા પણ અદ્રશ્ય છે અને લોકરની ચાવીઓ પણ !!

ઓફિસ છૂટવાનો સમય છ વાગ્યાનો હતો. પરંતુ સુનિલ શાહ એટલો બધો ગભરાઈ ગયો હતો કે એ પાંચ વાગે જ ઘરે જવા માટે રવાના થઈ ગયો. એની ઈચ્છા આજે ને આજે રાત્રે જ વિજય દીપ ફ્લેટમાંથી એકાદ કોથળો ચોરી લેવાની હતી.

સુનિલ શાહ ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા પછી અનિકેતને પણ ખ્યાલ આવી જ ગયો કે સુનિલ આજે ને આજે જ વિજય દીપ ફ્લેટ પહોંચી જશે અને ત્યાં જે રોકડા રૂપિયા પડ્યા છે એ ચોરી કરવા કોશિશ કરશે. એટલા માટે જ એણે અગમચેતીથી દેવજીને મોકલીને તાળું જ બદલાવી દીધું હતું. અનીતિના પૈસા લેવાના બધા દરવાજા અનિકેતે બંધ કરી દીધા હતા.

'સુનિલ શાહ નમકહરામ નીકળ્યો. એને હવે નોકરીમાં ચાલુ રાખી શકાય નહીં. અને એને જો નોકરીમાંથી છૂટો કરવામાં આવે તો તરત જ એ બદલો લેવા માટે રોકડા રૂપિયાની જાણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને કરે અને રેડ પણ પડાવી શકે. એટલે કોઈ પણ હિસાબે ૯૦ કરોડની આ મોટી રકમ તાત્કાલિક ત્યાંથી ખસેડવી જ પડશે.'

'સુનિલ શાહ કાલે સવારે બેંકમાં જઈને લોકરની ચાવીઓ ખોવાઈ ગઈ છે એવી અરજી આપીને માસ્ટર કી થી લોકર ખોલવાનો પ્રયત્ન કરી શકે છે. એટલે કાલે વહેલી સવારે મારે પણ બેંકમાં જવું જ પડશે. સુજાતા બિલ્ડર્સ ના મેનેજિંગ ડીરેક્ટર તરીકે મારું નામ બેંકમાં પણ એડ થઈ ગયું છે એટલે હું પણ લોકર ખોલી શકું છું.'

અનિકેત પોતાની ચેમ્બરમાં બેસીને આ બધા વિચારો કરી રહ્યો હતો એ જ સમયે ફરી રશ્મિકાંતભાઈનો અવાજ સંભળાયો. પોતાને મળેલી સિદ્ધિઓના કારણે આ અવાજ માત્ર અનિકેત જ સાંભળી શકતો હતો.

" તમે જે રીતે સુનિલને સવાલો પૂછ્યા એ મને ગમ્યું. એ માણસ ખોટું બોલી રહ્યો છે. હવે મને ખ્યાલ આવી ગયો કે એની દાનત કરોડો રૂપિયા પડાવી લેવાની છે. મેં એના ઉપર વધુ પડતો ભરોસો મૂક્યો. વિજયદીપ સોસાયટી નો ફ્લેટ એણે જ શોધેલો છે. મકાન માલિક એક પંજાબી છે જે સી બ્લોકમાં ૨૦૨ નંબરના ફ્લેટમાં રહે છે." રશ્મિકાંત બોલ્યા.

"અંકલ તમે ચિંતા નહીં કરો. મને બધો ખ્યાલ આવી ગયો છે. એ ફ્લેટમાંથી તમામ રોકડ રકમ હું ખસેડી લઉં છું અને ફ્લેટ મકાન માલિકને પાછો આપી દઉં છું. લોકરની ચાવીઓ પણ મારી પાસે આવી ગઈ છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા ઘરે જે કેશ પડી છે એ પણ હાલ પૂરતી મારે ક્યાંક ખસેડી દેવી પડશે. કારણકે સુનિલ જાણભેદુ છે. એને નોકરીમાંથી કાઢીશું એટલે એ ઇન્કમટેક્સની રેડ પડાવશે જ. " અનિકેત બોલ્યો.

" તમે ખૂબ સરસ રીતે આખી બાજી સંભાળી લીધી છે. હવે મારી ઘણી ચિંતા દૂર થઈ ગઈ છે. ગુરુજીએ તમારી પસંદગી કરીને મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. થોડા દિવસોમાં જ મને મળેલા ત્રીજા લોક તરફ હવે હું ગતિ કરી જઈશ. " રશ્મિકાંતનો આત્મા બોલ્યો.

" તમે સૂક્ષ્મ શરીરમાં છો એટલે ઘણું બધું જોઈ શકો છો અને જાણી પણ શકો છો. સુનિલ શાહ વિજય દીપ ફ્લેટમાં કોઈ છોકરીને લઈને રંગરાગ માણવા અવારનવાર જાય છે. એ છોકરીનું નામ કલ્પના છે એવું તો હું મારી શક્તિઓથી જાણી શક્યો છું. તમે આ વિશે કંઈ જાણો છો ? સુનિલ શાહ વિશે વધુ કંઈ પ્રકાશ પાડી શકો ? " અનિકેતે પૂછ્યું.

" મને સુનિલનાં આવાં લક્ષણો વિશે અત્યાર સુધી કંઈ જ ખબર ન હતી પરંતુ હવે હું આ બધું જાણી શક્યો છું. કલ્પના બારોટ નામની એ છોકરી એની પોતાની સોસાયટીમાં જ રહે છે. એનો બાપ અશોક બારોટ ડ્રગ્સના ધંધામાં સંકળાયેલો છે. કલ્પનાએ ડ્રગ્સનો એકાદ કરોડનો માલ બે દિવસ પહેલાં જ સુનિલ શાહને વેચવા માટે આપ્યો છે. અત્યારે એ માલ સુનિલ શાહના કિચનમાં માળીયાના કબાટમાં સંતાડેલો છે. " રશ્મિકાંત બોલ્યા.

" અંકલ તમે તો મારા હાથમાં એટમ બોમ્બ આપી દીધો. હવે તમે બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ. સુનિલ શાહના દિવસો હવે ભરાઈ ગયા. હવે હું શું કરું છું એ તમે જુઓ. " અનિકેત એકદમ ખુશ થઈને બોલ્યો.

આટલી માહિતી મળ્યા પછી અનિકેતે પળનો પણ વિલંબ કર્યા વગર પપ્પાને ફોન કર્યો અને એમના ખાસ મિત્ર પોલીસ ઇન્સ્પેક્ટર સાવંત અંકલનો નંબર લઈ લીધો !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)