મનાલી ભારતનું સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનમાંનું એક સ્થળ. કુલ્લુ ખીણના અંતની નજીક આવેલું મનાલી માત્ર હિમાચલ પ્રદેશનું જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિનું પણ સૌથી આકર્ષક પ્રવાસન સ્થળ છે. વહેતી નદીઓ, ઉડતા પંછીઓ જંગલો, બગીચાઓ અને બરફથી ઢંકાયેલા પર્વતો જોઈને મન એકદમ આનંદિત કરી દે એવા આ હિલ સ્ટેશને તેઓ આખરે પહોંચી ગયા હતા.
આદિત્ય કોઈ પણ કાર્યને શરૂ કરતાં પહેલાં મંદિરના દર્શન અચૂક કરતો. તેમણે અહીંયા પણ હિડિંબા મંદિરના દર્શન કર્યા.
એની સાથે સાથે અનન્યા એ પણ આ ભવ્ય મંદિરની મુલાકાત લીધી. પર્વતો વચ્ચે નિર્મિત આ મંદિર સંપૂર્ણપણે લાકડાંમાંથી બનાવવામાં આવ્યું છે. આ મંદિરની અંદર એક મોટા પથ્થરને કાપીને ગર્ભગૃહ બનાવવામાં આવ્યું છે. જેનો આકાર એક ગુફા જેવો છે. જ્યાં હિડિમ્બા દેવીના ચરણ સ્થાપિત છે.
અનન્યાને આ મંદિર વિશે કોઈ ખાસ ઇતિહાસની જાણકારી ન હતી. એના ચહેરાની મૂંઝવણતા જોઈને આદિત્ય અનન્યા પાસે ગયો અને બંને મંદિરની આસપાસ ફરતા ફરતા હિડિંબા મંદિર વિશે વાતો કરવા લાગ્યા.
આદિત્યે મંદિરના ઈતિહાસ વિશે જણાવતા કહ્યું. " હિડિંબી અને હિડિંબ, બંને ભાઈ-બહેન રાક્ષસ કુળના હતા. હિડિંબી એ વચન લીધું હતું કે તે તેની સાથે લગ્ન કરશે જે તેના ભાઈ હિડિંબને હરાવી શકશે. એમ કહી શકાય કે હિડિંબા ખૂબ શકિતશાળી વર સાથે જ લગ્ન કરવા ઈચ્છતી હતી. પાંડવ તેમના વનવાસ વખતે જ્યારે ભારતના આ ભાગમાં આવ્યા, ત્યારે ભીમે હિડિંબને એક ભીષણ યુદ્ધમાં હરાવ્યો હતો. ત્યારબાદ ભીમે હિડિંબી સાથે લગ્ન કર્યા જેનાથી હિડિંબી કુંતીની પહેલી કુળ વધુ બની ગઈ. પરંતુ સમુદાયના નિયમો અને તેની પોતાની ઈચ્છાને કારણે તેમણે તેના જંગલમાં જ રહેવાનો નિર્ણય કર્યો. તે પાંડવો સાથે ન ગઈ. હિડિંબીએ ભીમના પુત્ર ઘટોત્કચને જન્મ આપ્યો જે પાછળથી તે આ જંગલ વિસ્તારનો રાજા બન્યો.."
આદિત્યની નોલેજ વિશે જાણીને અનન્યા એનાથી પ્રભાવિત થઈ ગઈ. ત્યાર બાદ બંને એ સાથે રહીને વનવિહાર બગીચામાં આવેલા દેવદાર વૃક્ષોની મુલાકાત લીધી. ત્યાર બાદ બગીચાનું પ્રિય આકર્ષણ એક તળાવ પર તેઓ પહોંચ્યા. ત્યાં તેઓ એ સાથે બોટિંગની પણ મજા માણી. થોડે દૂર ચાલતાં તેઓએ ઉનના ગરમ કપડાં લાઈવ બનાવી આપે એ પણ જોયા.
મનાલીનો પ્રથમ દિવસતો મંદિર અને આસપાસના વિસ્તારો જોવામાં જ ચાલ્યો ગયો. સાંજ થતાં જ આદિત્ય અને એની ટીમ હોટલ તરફ રવાના થઈ જ્યાં તેમણે પહેલા જ રૂમ બુક કરાવી રાખી હતી.
હોટલ પર પહોંચતા જ આદિત્યે અર્જન્ટમાં અનન્યા માટે રૂમ બુક કરાવવાનું વિચાર્યું પરંતુ હોટલમાં એક પણ રૂમ ખાલી ન હતી. આદિત્ય માટે વધુ એક મુશ્કેલી ઊભી થઈ ગઈ.
આદિત્ય પોતાનો સામાન લઈને પોતાના રૂમમાં પ્રવેશ્યો ત્યારે એમની પાછળ પાછળ અનન્યા પણ રૂમની અંદર પહોંચી ગઈ.
અનન્યાને પોતાની સાથે જ આવતા જોઇ આદિત્યે કહ્યું. " અનન્યા, તુ મારી રૂમ લઈ લે હું મારી ટીમ સાથે કોઈ બીજા રૂમમાં એકજસ્ટ કરી લઈશ..."
સામાન હાથમાં લઈને જતા આદિત્યના હાથને પકડતા અનન્યા એ કહ્યું. " ઓ હેલો, આટલી વારમાં ભૂલી પણ ગયા?"
" શું ભૂલ્યો છું?"
" શરત... આપણી શરત, યાદ છે ને!"
" હા, બરોબર યાદ છે...ચલ બાય, ગુડ નાઈટ..."
" આ પાંચ દિવસ આદિત્ય તમારી સાથે વિતાવશે , એક એક દિવસ, એક એક પળ અત્યારથી તમારા નામે.., કંઇક યાદ આવ્યું મિસ્ટર આદિત્ય ખન્નાજી ને?"
" લિસન, અનન્યા, હા મેં એવું કહ્યું હતું પણ..આ રાતનો સમય મારો પર્સનલ ટાઇમ છે, જે હું કોઈ સાથે શેર કરવા નથી ઈચ્છતો..."
" આ તો પુરુષની પહેલી ભૂલ છે.."
" મતલબ?"
" મતલબ એટલો જ કે પુરુષ પોતાની પર્સનલ લાઇફ કોઈ દિવસ કોઈ ગર્લ સાથે શેર કરવા ઇચ્છતો જ નથી! હવે તમે જ કહો કે જ્યાં સુધી કોઈ સ્ત્રી પુરુષના પર્સનલ લાઇફમાં કે પર્સનલ ટાઇમમાં એન્ટર નહિ કરે ત્યાં સુધી સ્ત્રી પુરુષને કઈ રીતે સમજી શકશે? એવી જ રીતે પુરુષ પણ સ્ત્રીને કઈ રીતે સમજી શકશે? બોલો બોલો..."
" ઓકે તો શરમ મુજબ મારે આ પર્સનલ ટાઇમ તમારી સાથે વિતાવો પડશે?"
" હંજી.."
" ઓકે ડન...શરત મૂકી છે તો હું એને પૂરી અવશ્ય કરીશ..."
આદિત્યે પોતાની બેગમાંથી ટુવાલ અને નાઈટ ડ્રેસ કાઢીને બાથરૂમ તરફ આગળ વધ્યો. અને જતા જતા બોલ્યો. " અનન્યા મેમ, સ્ત્રીને સમજવા માટે હું બાથરૂમમાં તો જઈ શકું ને? કે ત્યાં પણ સ્ત્રીની હાજરી જરૂરી છે?"
" સ્ત્રીને સમજવા માટે નહિ પરંતુ સ્ત્રીને પામવા માટે તમે બાથરૂમમાં અવશ્ય લઈ જઈ શકો છો..."
" આ અનન્યા પાસે તો દરેક સવાલનો જવાબ રેડી જ હોય છે!" શાવર લેતા લેતા આદિત્ય બડબડ કરવા લાગ્યો.
આદિત્ય પોતાના હાથના મસલ પર નજર નાખતો બાથરૂમમાંથી બહાર આવ્યો. આદિત્યના વિખરેલા વાળ, એના મજબૂત છાતી પર રહી ગયેલા આછા પાણીના બુંદો જોઈને અનન્યા ભાન ભૂલીને જોઈ જ રહી. જેમ આદિત્યની નજર અનન્યાની નજર સાથે મળી ત્યારે અનન્યા એ તુરંત પોતાની નજર હટાવી લીધી અને પોતાનો સામાન લઈને બાથરૂમ તરફ નીકળી ગઈ.
અનન્યા બાથરૂમમાં ફ્રેશ થઈ રહી હતી ત્યારે આદિત્ય એ આખા રૂમમાં નજર કરીને તો જોયું તો સુવા માટે માત્ર એક બેડ જ હતો. ડબલ બેડ હોવાથી બંને એકસાથે ભેગા આરામથી સુઈ શકતા હતા. પરંતુ આદિત્યને સાથે સૂવું બિલકુલ મંજૂર ન હતું.
થોડીવારમાં અનન્યા પિંક નાઈટ ડ્રેસ પહેરીને બાથરૂમમાંથી બહાર આવી. એમના ચહેરા પર ઉડેલી ધૂળ સાફ થઈ જવાથી એમનો ચહેરો જાણે ચાંદની જેમ ચમકી રહ્યો હતો. પોતાના વાળને એક સાઈડ કરીને સાફ કરતી અનન્યા ખૂબ સુંદર દેખાઈ રહી હતી. મનાલીના રાતની કડકડતી ઠંડી અને એમાં પણ એસીવાળી રૂમમાં એક યુવાન સ્ત્રી અને પુરુષ એક જ રૂમમાં એકબીજાને નિહાળી રહ્યા હતા. બંને ભલે એકબીજાથી પોતાના હાલ છૂપાવી રહ્યા હતા પરંતુ અંદરો અંદર એમના શરીરમાં એક ધ્રુજારી છૂટી ગઈ હતી. ઊંડા શ્વાસોશ્વાસ લેતા બંને એ એકસાથે નજર હટાવી લીધી.
આદિત્ય એ તુરંત પોતાનું ધ્યાન ફોનમાં કેન્દ્રિત કર્યું અને અનન્યા પોતાના ભીના વાળને સુકાવવા બાલ્કનીમાં ચાલી ગઈ. પંદર મિનિટ સુધી ન આદિત્ય એ અવાજ લગાવ્યો કે ન અનન્યાથી કંઈ બોલવાની હિંમત થઈ આવી.
અનન્યા વારંવાર મનમાં એક જ વાત દોહરાવી રહી હતી કે " શું તેણે આદિત્ય સાથે અહીંયા આવીને ભૂલ તો નથી કરી ને?, મારે એમની સાથે આવી શરત રાખવી જ નહોતી જોઈતી! પણ હવે શું જે થવાનું હતું એ તો થઈ ગયું..." અનન્યા બાલ્કનીમાં હાથ પછાડી રહી હતી. રૂમની અંદર આદિત્યની આંખો જરૂર ફોન પર ટકેલી હતી પરંતુ ધ્યાન એમનું બાલ્કની તરફ જ હતું જ્યા અનન્યા છેલ્લા પંદરેક મિનિટથી ચૂપચાપ ઊભી હતી.
આદિત્યનું મન વારંવાર અનન્યાને રૂમમાં બોલાવવા માટે કહી રહ્યું હતું. પરંતુ આદિત્યનો ભૂતકાળ એમને વર્તમાનમાં ફરી દોહરાવા દેવા નહતો ઈચ્છતો. એમના પગ જાણે ભૂતકાળના આદિત્યે બાંધી રાખ્યા હતા. પરંતુ દિલ ક્યાં કોઈના બંધનમાં બંધાય છે! દિલ અને દિમાગ વચ્ચેની દોડમાં આદિત્યની સાથે સાથે અનન્યા પણ ફસાઈ ગઈ હતી. જ્યાં એક તરફ બંનેના દિલ એકબીજાને પોતાની પાસે બોલાવી રહ્યા હતા. ત્યાં દિમાગ એકબીજાથી દુર રહેવામાં જ ભલાઈ છે એવા સંકેત આપી રહ્યા હતા.
દિમાગ અને દિલ વચ્ચેની દોડમાં શેની જીત થશે? જાણવા માટે વાંચતા રહો. નો ગર્લ્સ અલાઉડ.
ક્રમશઃ