જોતજોતામાં એક વર્ષ કેમ વીતી ગયું એ જ ખબર ન રહી. અનન્યા અને આકાશ પોતાના બીઝનેસને વધુ ને વધુ ફેલાવવામાં વ્યસ્ત થઈ ગયા અને આદિત્ય પોતાની કંપનીને વધુ ઊંચે લઈ જવા માટે સખત મહેનત કરવા લાગ્યો હતો.
મેજિક ડ્રીંકસ કંપનીની શરુઆત કરી એનું આજે એક વર્ષ પુર્ણ થઈ ગયું હતું. આ એક વર્ષમાં ન જાણે કેટલી નિષ્ફળતા એમના હાથે લાગી હતી. છતાં પણ ન અનન્યા એ હાર માની કે ન આકાશે હિંમત હારી. આજે એક વર્ષ બાદ આખા શહેરની દુકાનોમાં મેજિક ડ્રીંકસ વહેચાવા લાગી હતી. સારી એવી માત્રામાં સેલ થવાના લીધે આકાશે વધુ પંદર વીસ જણાને પોતાની કંપનીમાં સામેલ કરી દીધા હતા. સ્ટાફ વધુ થઈ જતા હોવાથી અનન્યા અને આકાશના કામમાં બોજો થોડોક વધી ગયો હતો.
અનન્યા એક સામાન્ય યુવતીમાંથી એક બિઝનેસ વુમન બની ગઈ હતી. જેના લીધે એમના સ્વભાવમાં પણ થોડાક બદલાવ દેખાઈ રહ્યો હતા. જ્યાં અનન્યા આખો દિવસ હસી મજાકમાં સમય વિતાવતી ત્યાં હવે અનન્યાના માથે કંપનીની મોટી જવાબદારી આવી ગઈ હતી. સ્ટાફને સંભાળવાથી લઈને કંપનીનો હિસાબ કિતાબ પણ અનન્યા જ સંભળાતી હતી. જ્યારે આકાશના ખભે ડ્રીંકસની ડિલિવરી કરવાની અને પૈસાની આપ લે કરવાની જવાબદારી હતી.
સમય વીતતો ગયો અને બિઝનેસ આગળ વધતો ગયો પરંતુ એક દિવસ આકાશને બિઝનેસને લઈને વિચાર આવ્યો અને તેમણે નકકી કર્યું કે એ આ બિઝનેસને માત્ર એક જ શહેરમાં નહિ પરંતુ આખા ગુજરાત રાજ્યના દરેક શહેરોમાં પોતાનો બિઝનેસ ફેલાવશે. આ વિચારને હકીકત બનાવવામાં એક મોટી મુશ્કેલી આકાશને દેખાઈ રહી હતી. જ્યાં એક શહેરમાં આ બિઝનેસને સફળ થવામાં એક વર્ષ લાગી ગયું એમ જો દરેક શહેરમાં બિઝનેસ ફેલાવવા માટે એક એક વર્ષ ખર્ચ કરતા રહીએ તો આ બિઝનેસ એક પણ શહેરમાં યોગ્ય રીતે ચાલી શકશે નહિ. આ મુશ્કેલીનો અંત લાવવા માટે તેમણે એક મોટો નિર્ણય લઈ લીધો.
" મે આઈ કમ ઈન મેમ?" અનન્યાની ઓફિસની બહાર દરવાજાને ઠપકારતા આકાશે કહ્યું.
" આકાશ.. મેં તને કેટલી વાર કહ્યું મને તું મેમ કહીને ના બોલાવ, મને નથી ગમતું.." કામમાંથી નજર હટાવીને અનન્યા એ આકાશ તરફ જોયું.
" તો શું કહીને બોલવું કે તને ગમે?" આકાશ ઓફિસની અંદર આવીને અનન્યાની સામેની ટેબલ પર બેસ્યો.
" અનન્યા.. શોર્ટ એન્ડ સ્વીટ નામ છે મારું..."
" ઓકે અનન્યા જી, આ બઘું કામ તમે સાઈડમાં રાખો અને મારી એક ખાસ વાત ધ્યાનથી સાંભળો.." આકાશ ટેબલ પર પડેલી બુક્સ એન્ડ લેપટોપને એક તરફ કરતો બોલ્યો.
" અરે પણ એવી તે શું જરૂરી વાત છે?"
" અનન્યા મારી પાસે એક મસ્ત પ્લાન છે..."
" અને એ શું પ્લાન છે?"
" જો આપણે આ બિઝનેસની શરૂઆત કરી એમનું એક વર્ષ થઈ ગયું છે અને આ એક વર્ષના સમયગાળામાં જ આપણે આ આખા શહેરમાં આપણો બિઝનેસ ફેલાવી દીધો છે તો મેં વિચાર્યું છે કે આપણે આ બિઝનેસને વધુ એક કદમ આગળ લઈ જઈને આ મેજિક ડ્રીંકસને આખા ગુજરાત રાજ્યમાં ફેલાવી દઈએ તો?"
" વાવ..વોટ અ બ્રિલિયન્ટ આઈડિયા!!"
" મતલબ તારી હા છે ને?"
" અરે હા આકાશ, મારી હા જ હોય ને! મતલબ વિચાર તો કર આપણી ખુદની મેજિક ડ્રીંકસ કંપની હવે આખા રાજ્યના દરેક શહેરોમાં ફેલાઈ જશે..અને જો લોકોને આ ડ્રીંકસ પસંદ આવી ગઈ તો...!! હું તો વિચાર પણ નથી કરી શકતી...!"
અનન્યા જાણે પોતાનું ભવિષ્ય આ કંપની સાથે જોવા લાગી હતી. ગુજરાત રાજ્યથી લઈને ધીમે ધીમે એમની પોતાની કંપની આખા દેશમાં ફેલાવી જશે અને કંપનીની સાથે સાથે પોતાનું પણ નામ આખા દેશમાં ફેમસ થઈ જશે એ વિચારીને જ અનન્યા મનમાં ખુશીથી ઝૂમી ઉઠી.
" હજી મારી વાત પૂરી નથી થઈ!"
" તો હવે કઈ વાત બાકી છે?"
" જો અનન્યા મેં આ આઈડિયા પર ઘણો વિચાર કર્યો અને મને એવું લાગ્યું કે જો આ બિઝનેસને આખા રાજ્યના દરેક શહેરોમાં ફેલાવવો હોય તો આપણે આપણી ડ્રીંકસની એક એડ તૈયાર કરવી પડશે. લોકો ટીવીમાં, મોબાઇલ ફોનમાં, સોશિયલ મીડિયામાં જો આપણી ડ્રીંકસની એડ જોશે તો લોકો આપોઆપ આપણી ડ્રીંકસ ખરીદવા આકર્ષાશે..અને આખા દેશમાં આપણી કંપનીને સ્થાપિત કરવાનુ જે આપણું સપનું છે એ પણ એક દિવસ સાકાર થઈ જશે..."
" આઇડિયા તો સરસ છે, પણ એડ બનાવવા માટે અને ટીવી, મોબાઇલ અને સોશિયલ મીડિયામાં એડ ચલાવવા માટે કેટલો ખર્ચો થાય છે એ તને અંદાજો પણ છે?"
" અનન્યા મેં બધો હિસાબ પહેલા જ તૈયાર કરી રાખ્યો છે..અને તું ખર્ચાની ચિંતા ન કર, ખૂબ વ્યાજબી ભાવે મેં એક એડ એજન્સી સાથે ઓલરેડી વાત કરી લીધી છે.."
" જો તે પહેલા જ એડ એજન્સી સાથે વાતચીત કરી લીધી છે, તે હિસાબ પણ કરી જ લીધો છે તો મારી કોઈ ના નથી..."
" ઓકે તો ડન!... આપણે કાલ સવારે જ એ એડ એજન્સી સાથે મુલાકાત કરી લઈએ...અને ડીલ સારી લાગે તો ફાઈનલ પણ કરી જ લઈશું...ઓકે?"
" ઓકે..તો હું મારું કામ જલ્દી ખતમ કરી લવ છું પછી આપણે એક સાથે ઘરે જવા નીકળી જઈએ.."
અનન્યા મન લગાવીને ફરી કામ કરવા લાગી ગઈ. ભવિષ્યની ઘટનાઓથી અજાણ અનન્યાને જરા પણ ખ્યાલ ન હતો કે જેની સાથે એ કાલે મુલાકાત કરવા જવાની છે એ બીજું કોઈ પરંતુ આદિત્ય ખન્ના છે.
આદિત્યે કાલના કાર્યો માટે એમના આસિસ્ટન્ટ મહેન્દ્ર સાથે વાત કરતા બોલ્યો.
" કાલ આખા દિવસમાં કોઈ જરૂરી મિટિંગ નથી ને?"
" સોરી સર, બટ કાલ સવારે જ એક સોફ્ટ ડ્રીંકસ મેજિક કંપનીના માલિક સાથે તમારી મિટિંગ છે..."
આદિત્યનું માથુ દર્દ કરી રહ્યું હતું. છેલ્લા કેટલાય દિવસોથી વધુ કામ કરવાને લીધે એમની તબિયત બગડવા લાગી હતી. બોસની આવી હાલત જોઈને મહેન્દ્રે કહ્યું. "સર તમે કહેતા હો તો મિટિંગ એક દિવસ માટે પોસ્ટપોન કરી દવ?"
" ના...એની કોઈ જરુરત નથી...હું કાલની મિટિંગ હેન્ડલ કરી લઈશ.. એમને મેઈલ કરીને કાલની મીટીંગ માટે ફરી એક યાદ અપાવી દેજે ઓકે?"
" ઓકે સર..."
આદિત્યની તબિયત ઠીક ન હોવાથી તે સમય પહેલા જ ઘરે જવા નિકળી ગયો હતો. કાલની મિટિંગ માટે કાળજી લેતો આદિત્ય પથારીમાં પડતાં જ ઘસઘસાટ સુઈ ગયો. જ્યાં આદિત્ય આરામથી સુઈ રહ્યો હતો ત્યાં અનન્યા કાલની મિટિંગ માટે ઉત્સાહિત થઈ રહી હતી. મમ્મી પપ્પા સાથે જ્યારે અનન્યા એ એડની વાત કરી ત્યારે રમણીકભાઈ એ એમની દીકરીના ખૂબ વખાણ કર્યા. કડવી બેને તો ફ્રીઝમાંથી મીઠાઈ કાઢીને અનન્યાનું મોં મીઠુ પણ કરાવી દીધું.
" અરે મમ્મી મિટિંગ હજી કાલે છે અને ડીલ ફાઇનલ થઈ જ જશે એ પણ નક્કી નથી! અને તમે બન્ને એ તો પહેલા જ જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું!"
" મારી દીકરી પર મને પૂરો ભરોસો છે.. કાલ તારી ડીલ ફાઇનલ થઈ જ જશે!" ત્રીજો એક પેંડો મોં માં નાખતા રમણીકભાઈએ કહ્યું.
રમણીકભાઈ અનન્યાને જેટલા સારી રીતે જાણતા હતા એટલી સારી રીતે તો ખુદ અનન્યા પણ જાણતી ન હતી. અનન્યા પાસે લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરવાની જે આવડત હતી એ જ અનન્યાને અન્ય કરતા કંઇક ખાસ બનાવતી હતી.
શું થશે જ્યારે અનન્યા ફરી એક વખત આદિત્ય ખન્નાને મળશે? એકબીજા વચ્ચેની નફરત શું દોસ્તીમાં પરિણમશે? જાણવા માટે વાંચવા રહો નો ગર્લ્સ અલાઉડ.
ક્રમશઃ