એ ઘટના બાદ લક્ષ્મી એ અમરજીતના ઘરે જવાનું ટાળી વાળ્યું હતું. એના બદલે લક્ષ્મી એ માત્ર સિલાઈ કામ પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. રાતે માત્ર બે કલાક નીંદર કરીને આખો દિવસ બસ સિલાઈ મશીન પર જ બેઠી રહેતી.
ઘરની અને માની આવી ગંભીર હાલત જોઈને અંશ પણ ઉંમર પહેલા મોટો થઈ ગયો. તેમણે ઘરે પૈસા આપવાનું શરૂ કરી દીધું. એક મહિના બાદ સ્કુલેથી આવીને અંશે એક મોટી રકમ મમ્મીના હાથમાં સોંપી.
" આટલા બધા પૈસા?? તું ક્યાંથી લાવ્યો?? સાચું સાચું બોલ તે ચોરી નથી કરી ને??"
" મા હું તારો દીકરો છું...આ પૈસા મેં ચોરી કરીને નહી પણ મહેનત કરીને લાવ્યો છું..."
" મહેનત? હું કઈ સમજી નહિ દીકરા..."
" મા આ પૈસા મને સ્કૂલેથી મળ્યા છે..મારો સ્કૂલમાં પ્રથમ નંબર આવ્યો ને એ બદલામાં પ્રિન્સિપાલે મને આ રકમ ભેટ સ્વરૂપે આપી છે..."
" પણ દીકરા આટલા બધા પૈસા આપ્યા??"
" શું મમ્મી... તું પણ! હું અહીંયા મારી પહેલી કમાણી તારા હાથમાં આપુ છું ને તું છે કે સવાલ પર સવાલ, સવાલ પર સવાલ કરે છે...મારે હવે તો સ્પર્ધામાં પણ ભાગ નથી લેવો..." મોં ફેરવીને અંશે પોતાની નારાજગી વ્યક્ત કરી.
" ઓકે બાબા ઠીક છે હું માની ગઈ બસ, અને મને મારા દીકરા પર પૂરો ભરોસો છે કે મારો દીકરો એવું કોઈ કાર્ય નહિ કરે કે જેથી મારે નીચું મોં કરીને ચાલવું પડે..."
" આઈ લવ યુ મમ્મી..." ગળે મળીને અંશે કહ્યું.
" આઈ લવ યુ ટુ દીકરા.." લક્ષ્મી એ અંશના કપાળ પર પ્રેમભર્યું ચુંબન કર્યું.
" હે ભગવાન બસ મારા દીકરાને આમ જ સદ્બુદ્ધિ આપતો રહેજે..."
" ચલ મમ્મી મારે જવું છે..." ઉતાવળ પગે અંશે કહ્યું.
" અરે પણ ક્યાં ? હજી તો સ્કૂલેથી આવ્યો છે તું! થોડુંક તો જમી લે...."
" ના મમ્મી હું આવીને જમી લઈશ..અત્યારે હું મારા મિત્રના ઘરે જવ છું....ત્યાં હું મારું બધું હોમવર્ક કરી નાખીશ..ઓકે મમ્મી બાય..."
" બાય દીકરા...અને પોતાનું ધ્યાન રાખજે..."
લાંબા સમયબાદ લક્ષ્મીના ચહેરા પર સ્મિત ફર્યું હતું.
મિત્રના બહાને અંશ ગામની બહાર થોડે દૂર એક ચાની હોટલ પાસે પહોંચ્યો. ત્યાં પહોંચતા જ અંશે મોં પર રૂપાલ બાંધી દીધો અને હોટલમાં શેઠ પાસે પહોચ્યો.
" આવી ગયો છોટુ...ચલ પેલા બે નંબરના ટેબલ પર રૂમાલ માર અને આ લે આ બે કપ ચાઈ પેલા ત્રણ નંબરના ટેબલ પર બેઠેલા શેઠને આપી દે..."
અંશે બન્ને હાથની બાયુ ચડાવી અને ફટાફટ કામે લાગી ગયો.
અંશે જે રકમ મમ્મીના હાથોમાં આપી હતી એ રકમ એમને સ્કૂલ તરફથી નહિ પરંતુ હોટલમાં કામ કરવાને બદલે શેઠે આપી હતી. માની નજરે ન આવીને અંશ ઘરમાં પૈસા લાવતો થઈ ગયો હતો. ગામમાં કોઈને પણ ખબર ન હતી કે અંશ હોટલમાં એક નોકરનું કાર્ય કરતો હતો.
ચા આપીને અંશ જ્યારે બીજા ટેબલ પર રૂમાલ મારતો પહોચ્યો તો અમરજીત ચા નાસ્તો કરવા એ જ ટેબલ આવીને બેસી ગયો. તેમણે અંશ પર ધ્યાન ન આપ્યું અને સીધી શેઠ પર નજર કરીને કહ્યું. " ઓ શેઠ એક ગરમા ગરમ ચા અને એક બિસ્કીટ આપજો ને..."
" અરે અમરજીત ભાઈ તમે? જાજે દિવસે દેખાયા..." શેઠે ચા બનાવતા કહ્યું.
" હા..આજ કલ બેંકમાં કામ થોડુંક વધી ગયું છે ને..સમય જ નથી મળતો અહીંયા આવીને તમારા હાથની ચા પીવાનો.... આજ મન થયું ચલ શેઠના હાથની ચા પીતો જ જાવ.."
" બોવ સારું કર્યું તમે આવ્યા... એ છોટુ જરા આ ચાનો કપ અને આ બિસ્કીટ પેલા બે નંબરના ટેબલ પર દઈ આવ..."
ચા અને બિસ્કીટ લઈને અંશ બે નંબર પરના ટેબલ પાસે પહોંચ્યો અને ટેબલ પર ચાનો કપ અને બિસ્કીટ મૂક્યું.
" શું નામ છે તારું?" અમરજીતે સવાલ કર્યો.
અંશ જવાબ આપ્યા વિના જ બીજા ટેબલ પર કામ કરવા જતો રહ્યો.
" આ કોને કામ પર લગાવી દીધો તમે?" અમરજીતે શેઠને કહ્યું.
" નામ તો મને પણ નથી ખબર પણ હું એને છોટુ કહીને બોલાવું છું...સ્કૂલેથી છૂટીને અહીંયા આવે છે અને થોડાઘણા કામના બદલામાં હું એમને પૈસા આપી દવ છું...દેખાવમાં દસેક વર્ષનો લાગે છે પણ હોશિયાર બોવ છે હો..."
" ઓહો તો તો મારે આની હોશિયારી જોવી જ પડશે... એ છોટુ જરા અહીંયા આવ તો..." અમરજીતે કહ્યું.
અંશ ધ્રુજતા પગે આગળ વધ્યો અને અમરજીત પાસે પહોંચ્યો.
" પહેલાં તારા મોં પરથી રૂમાલ તો ઉઠાવ મને પણ ખબર પડે ને કે આ છોટુ આખિર છે કોણ?"
અંશ પાસે રૂમાલ હટાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.
ક્રમશઃ