બલરાજે શિવાભાઈને ઉપરથી નીચે નિહાળ્યો અને કહ્યું. " કોણ છે તું?"
શિવાભાઈ આગળ આવ્યા અને બોલ્યા. " શિવ નામ છે મારું.."
" શિવ શિવ શિવ....નામ સાથે દારૂનું કામ બંધબેસતું નથી લાગતું હે ને! ચલ ઠીક છે કામ સાથે તારું નામ પણ બદલી નાખશું...બોલ ક્યું નામ પસંદ છે તને?"
" હું તારા સાથે કામ કોઈ સંજોગે પણ નહિ કરું...સમજ્યો?" ગુસ્સામાં આવીને શિવાભાઈ બોલ્યા.
ત્યાં જ બલરાજની બાજુમાં અડીખમ ઊભેલા આદમીઓ એ પોતાના બે કદમ આગળ વધાર્યા પરંતુ બલરાજે એમને અટકાવ્યા અને શિવાભાઈ તરફ જોઈને કહ્યું. " ઠીક છે..તું જઈ શકે છે...પણ એટલું યાદ રાખી લેજે..કે તારે મારી પાસે એક દિવસ કામ માટે આવવું જ પડશે..."
" ચાલો બધા..." બલરાજ ફેક્ટરીના નવ યુવાનોને પોતાની સાથે લઈ ગયો. માત્ર શિવાભાઈ જ એકલો ત્યાં ઊભા રહ્યો.
થોડાક સમય બાદ શિવાભાઈ ઘરે પહોંચ્યા પણ ઘરે પહોંચતા જ જોયું તો રસીલાબેન કેશવને પથારીમાં સુવડાવી એમની કાળજી લઈ રહ્યા હતા. કેશવ ઠંડીના લીધે થરથર કાંપી રહ્યો હતો. તાવના લીધે કેશવનું આખુ શરીર ગરમ હતું.
" સારું થયું તમે જલ્દી આવી ગયા.....ચાલો જલ્દી આપણે કેશવને દવાખાને લઈ જઈએ..." રસીલાબેને કેશવને ગોદમાં ઉઠાડીને ઘરની બહાર નીકળી ગઈ. એની પાછળ શિવાભાઈ પણ ચાલતા થયા.
ગામથી થોડે દૂર જ એક હોસ્પિટલ હતું. ત્યાં ઈમરજન્સી કેસ સાથે કેશવને દાખલ કરવામાં આવ્યો. ડોકટરે ચેક અપ કર્યું અને અમુક દવા લખીને શિવાભાઈના હાથમાં સોંપી.
" આ દવા જલ્દી જઈને મેડિકલેથી લઇ આવો..." ડોકટરે કહ્યું.
" ઓકે ડોકટર..." શિવાભાઈ તરત દોડીને મેડિકલ સ્ટોર પહોંચ્યા અને દવા લખેલી પર્ચી કેમિસ્ટને આપી.
કેમિસ્ટે દવા શોધીને આપી અને એની સાથે બિલ પણ આપ્યું.
" આટલા પૈસા તો મારી પાસે નથી..." મનમાં શિવાભાઈ એ કહ્યું. દવા મોંઘી હતી અને કેશવને દવા આપવી ખૂબ જરૂરી હતી.
" ક્યાં રહી ગયા...." પગ પછાડતી રસીલા એ કહ્યું.
" પેશન્ટને દવાની સખ્ત જરૂર છે ક્યાં રહી ગયા એ?...." ડોકટરે કહ્યું.
" એક મિનિટ ડોકટર, હું હમણાં લઈને આવું છું..." રસીલાબેન પણ મેડિકલ સ્ટોર પહોંચ્યા અને શિવાભાઈને ત્યાં મૌન ઉભા રહેતા જોઈને કહ્યું. " શું થયું છે? કેમ અહીંયા ઉભા છો? ચાલો જલ્દી! ડોકટર સાહેબ બોલાવે છે.."
શિવાભાઈ એ રસીલાનો હાથ પકડ્યો અને નજર નીચી કરી નાખી. રસીલાબેન તરત સમજી ગયા કે પતિ પાસે દવાના પૈસા પૂરતા નથી.
રસીલાબેને કઈ પણ વિચાર કર્યા વિના પોતાનું મંગળસૂત્ર ગળામાંથી નિકાળ્યું અને કેમિસ્ટ પાસે મૂક્યું.
" આ તું શું કરે છે??" શિવાભાઇ એ કહ્યું.
" મને અત્યારે ન રોકો, મારો દીકરો બીમાર છે અને આપણે પૈસાની હાલમાં ખૂબ જરૂર છે...ભાઈ તમે આ મંગળસૂત્ર લઈ લો..."
શિવાભાઈ એ ટેબલ પરથી મંગળસૂત્ર પોતાના હાથમાં લીધું અને કહ્યું. " તુ રૂક હું હમણાં પૈસા લઈને આવું છું..."
" ક્યાંથી લાવશો?" રસીલાબેને સવાલ કરતા કહ્યું.
" તું વિશ્વાસ રાખ... હું હમણાં આવું છું, ઠીક છે...." શિવાભાઈ એટલું કહીને ત્યાંથી જતા રહ્યા અને રસીલાબેન દવા લઈને ત્યાં જ ઉભા રહ્યા.
શિવાભાઈ દોડીને ફેક્ટરીના માલિક પાસે પહોંચ્યા.
" શેઠ મારે આ મહિનાનો પગાર અત્યારે જોયે છે...મારો દીકરો હોસ્પિટલમાં દાખલ છે અને પૈસાની સખ્ત જરૂર છે..પ્લીઝ મને પગાર અત્યારે આપી દેશો..." વિનંતી કરતાં શિવાભાઈ બોલી ઉઠ્યા.
" શેનો પગાર? કેવો પગાર??" તંબાકુ ખાતો માલિક બોલ્યો.
" આ મહિનાનો પગાર બાકી છે! હું એ જ પગાર માંગુ છું.."
" તો હું શું કરું?? પગાર જોતો હોય તો એક મહિના પછી આવજે, અત્યારે ધંધાનો ટાઇમ ખોટી ન કર ચલ નીકળ..."
શેઠના તેવર બદલાયેલા જોઈને શિવાભાઈને ખૂબ ગુસ્સો આવ્યો પરંતુ જઘડા કરવાનો એની પાસે બિલકુલ સમય ન હતો એટલે તેણે થોડીક ધીરજ રાખી અને કહ્યું.
" શેઠ, મારે પેલા મોટા સાહેબને મળવું છે જે સવારે આવ્યા હતા, યાદ છે...?"
" ઓહ.. એ બલરાજ સિંહને મળવું છે... એ અહીંયાથી એક કિલોમીટર આગળ મળશે....પણ મને નથી લાગતું એ તારી કોઈ મદદ કરશે..." ફેક્ટરીના માલિકે કહ્યું.
" થેંક્યું શેઠ...." હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો અને શેઠે કહેલા એ રસ્તે શિવાભાઈ નીકળી પડ્યા.
એક કિલોમીટર દોડીને શિવાભાઈ બલરાજ સિંહ પાસે પહોંચ્યા જ્યાં બલરાજ પોતાના આદમીઓને કામ સમજાવી રહ્યા હતા.
શું બલરાજ સિંહ શિવાભાઈની મદદ કરશે?
ક્રમશઃ