પ્રિયા હોસ્પિટલના બિછાને પડી હતી. ન તો તેનામા પથારીમાથી ઊઠવાની શક્તિ હતી. કે ના આંખો ઉઘાડી પોતે કયા છે એ જોવાની શક્તિ હતી. પ્રિયાની આ હાલતથી સાવ અજાણ તેનો સમગ્ર પરિવાર ગામડે હતો. અહિની સરકારી હોસ્પિટલનો સ્ટાફ પણ જાણે પરાણે પ્રિયાની સારવાર કરતો હોય એમ તેની સાથે વર્તતો હતો.
ગર્ભવતી પ્રિયાને હોસ્પિટલમા દાખલ કરાવીને સુજય ત્યાથી ગાયબ થઈ ગયો હતો. કારણ કે તેણે માત્ર મોજ કરવા ખાતર જ પ્રિયા સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો. તેનો ઈરાદો પ્રિયા સાથે લગ્ન કરવાનો બિલકુલ ન હતો. પ્રિયા જયારે તેના સંતાનની કુંવારી માતા બનવાની છે એ વાત જણાવી અને વહેલામા વહેલી તકે કોર્ટ મેરેજ કરી લેવાની વાત કરી ત્યારે સુજયે તેને ગર્ભપાત કરાવી લેવાની સલાહ આપી લગ્ન માટે ધરાર ના પાડી લીધી. પ્રિયા સુજયની નિયત પારખી ગઈ. પોતાની મુર્ખામી પર પસ્તવો કરવાથી હવે કાંઈ વળવાનુ ન હતુ. સુજયે તેને દગો કર્યો હતો. પણ આ વાત ગામડે પોતાના પરિવાર સૂધી ન પહોંચે તેમા જ પ્રિયાની ભલાઈ હતી.
આ તરફ પ્રિયાએ પુત્રને જન્મ આપ્યો. પણ પ્રિયાની હાલત ગંભીર થઈ ગઈ હતી. પોતે આ પુત્રને લઈ ને કયા રહેશે, કોની મદદ માંગે, સુજય તેને છોડીને ભાગી ગયો છે. હવે શુ કરશે? આ ચિંતામા તેનુ મગજ ફાટી રહ્યુ હતુ. કદાચ તેને પ્રસવ પીડા પણ એટલી કષ્ટદાયી નહી લાગી હોય , જેટલો આધાત એને પોતેની મુર્ખામીને લીધે લાગ્યો. તે અર્ધ બહોશ જેવી થઈ ગઈ.
થોડીવારમા તેના માથા પર કોઈનો પ્રેમાળ હાથ ફરતો હતો. આ સ્પર્શ પ્રિયાને રાહત આપતો હોય એવુ લાગ્યુ. પ્રિયાએ આંખો ખોલી જોવાનો પ્રયત્ન કર્યો. તો તેની આંખો અચાનક જ પહોળી થઈ ગઈ. જે વ્યકિત તેના માથે હાથ ફેરવી રહયો હતો એ વિનયનુ તો પ્રિયા મોઢુ પણ જોતી નહોતી. આ એજ અભાગ્યો વિનય હતો જેને જન્મ આપતા જ તેની માતાનુ પ્રસુતિ દરમિયાન મૃત્યુ થઈ ગયુ. તેની છઠ્ઠીને દિવસે જ તેના દાદાનુ નહેરમા પડી જવાથી મૃત્યુ થઈ ગયુ. તેના પિતા તેનુ મોઢુ પણ જોવા માંગતા નહતા. એમાય વળી, તેના શરીર પર કોઢ હોવાથી આખા ગામ માટે વિનય અપશુકનિયાળ બની ગયો. કોઈ તેને અડતુ પણ નહી, કે તેની સાથે રમતુ પણ નહી. એકવાર પ્રિયા દાદરા પરથી લપસી પડી ત્યારે વિનયે તેને ઊભી કરી ત્યારે પ્રિયાએ તેને ઘણુ બધુ ના બોલવાનુ સંભળાવી તેનુ અપમાન કર્યુ હતુ. પોતાને આ અભાગ્યાએ હાથ લગાવ્યો છે તેથી ગામના લોકો પાસે માર પણ ખવડાવી હતી. આજે એજ અણગમતો સ્પર્શ તેને પોતીકો લાગી રહ્યો છે. ચોધાર આંસુએ તે વિનય સામે જોઈ રહી છે. કશુ જ બોલવાની તેનામા શક્તિ રહી નથી.
પ્રિયાની અવદશાથી વાકેફ વિનયે તેના ખિસ્સામાથી મંગળસુત્ર કાઢી પ્રિયાના ગળામા પહેરાવ્યુ. અને તેની માંગમા સિંદૂર પૂર્યુ . તેણે પ્રિયાની પડખે સૂતેલા પુત્રને પોતાના હાથમા લઈ તેને વહાલ કરી તેના માથે ચુંબન કરી કહ્યુ મારા દિકરાનુ નામ વિપ્રવ રાખુ તો ગમશે? પ્રિયાએ હાકારમા માથુ હલાવ્યુ. અને તરત જ ઊઠવાનો પ્રયાસ કરતા વિનયે તેને સહારો આપી બેઠી કરી. પ્રિયા વિનયને વળગી પડી. પ્રિયા વિનયને પોતાની આપવિતી જણાવવા માંગતી પણ વિનયે તેના મોઢે હાથ રાખી માત્ર એટલુ જ કહ્યુ હુ બધુ જ જાણુ છુ. હુ સુજયના બંગલામા માળીકામ કરતો હતો. તુ સુજલની પ્રેમ જાળમા ફસાઈ ગઈ હતી એ પણ ખબર છે. સુજયની દાનતથી અવગત કરાવવામા હુ મોડો પડ્યો. તે પ્રિયા અને વિપ્રવને વહાલ કરવા લાગ્યો. આજે પ્રિયાને આ અણગમતો સ્પર્શ પોતીકો લાગતો હતો.