No Girls Allowed - 18 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | નો ગર્લ્સ અલાઉડ - ભાગ 18

Featured Books
Categories
Share

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 18



બે ઘડી વિચાર કર્યા બાદ અનન્યા એ જવાબ આપતા કહ્યું." સાચુ કહુ આકાશ, તો મને હવે પ્રેમમાં રસ રહ્યો જ નથી. મને લાગે છે કે આ પ્રેમ બસ થોડાક વર્ષોનું નાટક માત્ર છે, જે બંને પાત્રો સામે સામેથી પોતાના જુઠ્ઠા કિરદાર નિભાવતા જતા હોય છે..અને ખાસ કરીને જ્યારે મેં પર્સનલી પ્રેમનો અનુભવ કર્યો ત્યારે મને લાગ્યું કે જાણે હું એક અલગ જ દુનિયામાં પહોંચી ગઈ છું. રાહુલ સાથે વિતાવેલા એ પળો તો હું આજે પણ ભુલાવી શકી નથી..મને હજી વિશ્વાસ નથી આવતો કે રાહુલ આવું કરી શકે! પણ અફસોસ વ્યક્તિ જેવા સામેથી દેખાતા હોય છે એવા ખરેખર ક્યાં કોઈ હોય જ છે!"

થોડાક સમયના વિરામ બાદ અનન્યા એ પોતાની ભીની થયેલી પાંપણોને રૂમાલથી લૂછી અને કહ્યું." તો મારો જવાબ મળી ગયો તને?"

" હમમ.." આકાશે હામાં માથુ હલાવ્યું.

" તો હવે બોલ કેમ અચાનક આજે આવો સવાલ?"

આકાશ કંઇક આગળ બોલે એ પહેલા જ વેઇટર આકાશ માટે ચાઇનિઝ ભેલ અને અનન્યા માટે પાણીપુરી લઈને આવી પહોંચ્યો. બંને પોતપોતાના વિચારોમાં ખોવાઈને જમી રહ્યા હતા. અનન્યા એ આજે લાંબા સમય બાદ કોઈ સામે પ્રેમ વિશેના વિચારો રજૂ કર્યા હતા. મનમાં રહેલી વાતો કહીને જે હળવાશનો અનુભવ થાય છે. એવો જ અનુભવ અનન્યાને પણ થયો. તે જમતા જમતા ક્યારેક આકાશ તરફ પણ નજર નાખવા લાગી હતી. પરંતુ હજી અનન્યાના મનમાં આકાશને લઈને કોઈ વિશેષ ખ્યાલ નહોતો જન્મ્યો. જમવાનું પતાવીને જ્યારે બંને ત્યાંથી ઘર તરફ રવાના થયા ત્યારે અનન્યા એ એ અધૂરો સવાલ ફરી આકાશને પૂછ્યો હતો પરંતુ આકાશે આસપાસની વાતો કરીને સવાલને ટાળી દીધો.

અનન્યા ઘરે પહોંચીને આરામથી સુઈ ગઈ પરંતુ આકાશની ઊંઘ અને હોશ તો રેસ્ટોરન્ટમાં જ ઉડી ગયા હતા. અનન્યાના પ્રેમ વિશેના વિચારો જાણીને આકાશને લાગ્યું કે અનન્યા હજુ રાહુલને પ્રેમ કરે જ છે. એના મનમાં રાહુલ સિવાય અન્ય કોઈ છોકરાનો ખ્યાલ તક નથી. પરંતુ હકીકતમાં અનન્યાના મનમાં એક ખાસ વ્યક્તિનો ખ્યાલ વારંવાર ઘૂમી રહ્યો હતો અને એ હતો આદિત્ય ખન્ના. અનન્યા આદિત્યને પસંદ કે પ્રેમ તો નહોતી કરતી પણ એમને આ આદિત્ય નામના વ્યક્તિનું પઝલ સોલ્વ કરવાની ખૂબ ઇચ્છા હતી. લાંબા સમય પહેલાની આદિત્ય સાથેની એ મુલાકાત પણ અનન્યા ભૂલી શકી ન હતી.

આકાશે પોતાની દિલની વાત દિલમાં જ દબાવી રાખી અને અનન્યા સાથે બિઝનેસમાં પુષ્કળ મહેનત કરવા લાગ્યો. ચોવીસે કલાક કામની ફુરસતમાં પ્રેમ શબ્દ તો ક્યાંક ખોવાઈ જતો હતો. જે આકાશ અને અનન્યા બંને માટે સારું જ હતું.

લાંબા વેકેશન પરથી આવીને આદિત્ય તરત પોતાના કામમાં લાગી ગયો. તેમનું એક અલગ વર્ઝન જ બધા સામે રજૂ થઈ ગયું હતું. નિયમો હજુ જૂના જ હતા. પરંતુ આદિત્યની કામ કરવાની સ્ટાઇલ થોડીક બદલાઈ ગઈ હતી. એડની શૂટિંગ કરવા માટેનો સ્ટાફ પણ તેણે ચેન્જ કરી લીધો હતો. આદિત્યનું નામ જ્યાં માર્કેટમાં ડાઉન ચાલી રહ્યું હતું તે થોડાક જ મહિનાઓ અપ જવા લાગ્યું. મોટી મોટી કંપનીની પ્રોડક્ટ માટે પણ એડની ઓફરો આદિત્યને મળવા લાગી હતી. આદિત્યનો બિઝનેસ પહેલા કરતા પણ વધુ સારી રીતે ચાલતા જોઈને કાવ્યા અને પાર્વતી બેન ખૂબ ખુશ થયા.

" ભગવાન, તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે...અમારા પરિવાર ઉપર આવી જ પોતાની કૃપા દ્રષ્ટિ રાખજો..." હાથ જોડીને વંદન કરતા પાર્વતી બેન બોલ્યા.

કાવ્યા એ પણ ભગવાન સામે પોતાનું માથુ ટેકાવ્યું અને હાથ જોડીને મનમાં આભાર વ્યક્ત કર્યો. ઘર નજીક આવેલા મંદિરમાં દર્શન કરીને કાવ્યા અને પાર્વતી બેન ઘર તરફ જવા નીકળી પડ્યા. મંદિરના દાદરા ઉતરતી વખતે એક જાણીતો અવાજ પાર્વતી બેનના કાને પડ્યો.

" અરે પાર્વતી!.." પાછળથી કોકિલા બેન હાંફતા હાંફતા બોલ્યા.

પાર્વતી બેન કોકિલાને જોઈને બબડ્યા. " આવી ગઈ પંચાત કરવા.." બાજુમાં ઊભેલી કાવ્યા મૂંઝાયેલી ઊભી રહી.

" ઘણા લાંબા સમય બાદ આજે મળ્યા નહિ?" કોકિલા બેન એકદમ આગળ આવીને પાર્વતી બેન સામે ઊભા રહી ગયા.

" હમમ.." પાર્વતી બેન વાતનો જલ્દી અંત લાવવા ઇચ્છતા હતા.

" હું શું કહેતી હતી કે મારા ધ્યાનમાં એક રૂપાળો, સરકારી નોકરી વાળો એક છોકરો ધ્યાનમાં છે, તું જો કહેતી હોય તો તારી દિકરીની વાત ત્યાં ચલાવું? "

" કોકિલા બેન તમે અમારી ખોટી ઉપાધિ ન કરો..મારી દીકરી હજી નાની છે, એમનાં લગ્ન કરવાની અમારે કોઈ ઉતાવળ નથી.."

" શું? કાવ્યા હજી નાની છે! પણ મને તો કાલે વર્ષા કહેતી હતી કે કાવ્યા તો પચીસ વર્ષની થઈ ગઈ છે.." કોકિલા બેન ઘરેથી બધી માહિતી એકઠી કરીને જ નીકળ્યા હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું. વર્ષા કોકિલા બેનની મોટી દીકરી હતી જેના લગ્ન ત્રણ વર્ષ પહેલા જ થઈ ચૂક્યા હતા. વર્ષા કાવ્યાને સોશિયલ મીડિયામાં ફોલો કરતી હોવાથી ઉંમર છુપાવવી હવે શક્ય ન હતી. પાર્વતી બેને એક તીખી નજર કાવ્યા સામે નાખી અને ગુસ્સામાં તેણે કોકિલાને કહ્યું. " ચલ, કોકીલા અમારે મોડુ થાય છે.." એટલું કહીને પાર્વતી એ કાવ્યાનો હાથ પકડ્યો અને ત્યાંથી બન્ને એ પોતાના કદમ ઘર તરફ ઉપાડ્યા.

ઘરે પહોંચતા જ પાર્વતી બેન ગુસ્સામાં બોલ્યા. " મળી ગઈ તારી આત્માને ઠંડક?"

" પણ મમ્મી મેં શું કર્યું?"

" શું જરૂર હતી પોતાની ઉંમર ગામ લોકોને દેખાડવાની?"

" પણ મમ્મી... આજ કલ બધા લોકો પોતાની થોડી ઘણી પર્સનલ લાઇફ તો ઓનલાઈન શેર કરતા જ હોય છે..!"

" હા પણ પેલી વર્ષાને તારી ઉંમર દેખાડવાની શું જરૂર હતી?"

" મમ્મી, એ શક્ય નથી! મારી પ્રોફાઈલ એકને દેખાય એ બધાને સરખી જ દેખાતી હોય છે...."

પાર્વતી બેનને આ સોશિયલ મીડિયા શું કહેવાય એ જ કંઈ સમજાઈ નહતું રહ્યું. એમાં પ્રોફાઈલ અને ઓનલાઇન જેવા શબ્દો સાંભળીને તો પાર્વતી બેનનું મૂડ વધારે ખરાબ થયું.

કાવ્યાની ઉંમર પચીસ વર્ષની થઈ ગઈ હતી. હવે આજના સમયમાં જે છોકરીની ઉંમર વીસને વટે ત્યાં જ એમના લગ્ન કરાવી દેવામાં આવતા હોય ત્યાં પચીસ વર્ષની કોઈ છોકરી પરણ્યા વિના ઘરે બેસી રહે એ વાત સમાજ કઈ રીતે પચાવી શકે? કારણ ગમે તે હોય પણ આજનો સમાજ કોઈ છોકરીને લાંબા સમય સુધી પરણ્યા વિનાની જોઈ શકતો નથી. છોકરો ભલે પોતાની કારકિર્દી માટે ત્રીસ પાંત્રીસની ઉંમર વટાવી લે તો ચાલશે પરંતુ જો કોઈ છોકરી પોતાની કારકિર્દી માટે બે ત્રણ વર્ષ પણ વધુ માંગી લે તો આ સમાજ એ હકીકત પણ સ્વીકારી શકતો નથી. આવી જ હાલત કાવ્યાની પણ થઈ ગઈ હતી. પાર્વતી બેન જ્યારે પણ ઘરની બહાર કોઈ ફેમિલી પ્રસંગમાં હાજરી આપવા માટે જાય તો ત્યાં કાવ્યાના લગ્નની વાત અચૂક નીકળતી. જ્યારે આદિત્યની સફળતાની ચર્ચાઓ કરવા માટે કોઈ પાસે સમય ન હતો ત્યાં કાવ્યા હજુ કુંવારી કેમ છે? એવા પ્રશ્નોના જવાબ જાણવામાં લોકોને ખૂબ રસ પડતો.

કાવ્યા પણ સમય જતાં પોતાના મમ્મીની હાલત સમજવા લાગી હતી. પોતાની દીકરીના ચરિત્ર ઉપર કોઈ કારણ વિના કીચડ ઉછાળે તો કઈ મા શાંત થઈને બેસી રહેવાની છે? પાર્વતી બેને ઘણાના મોં એ સમયે જ બંધ કરી દીધા હતા. જેના લીધે એમના ઘણા નજીકના સબંધોમાં ખારાશ ભળી ગઈ હતી.

ક્રમશઃ