HUN ANE AME - 21 in Gujarati Love Stories by Rupesh Sutariya books and stories PDF | હું અને અમે - પ્રકરણ 21

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

હું અને અમે - પ્રકરણ 21

રાકેશની બેગ અંદર મુકતા તેણે કહ્યું,"ઓકે તો હવે બધું સેટ છે. તમે ફ્રેશ થઈને નીચે આવો પછી આપણે નાસ્તો કરીને ઓફિસે જઈએ." એ બહાર જતો રહ્યો. બહાર આવી જોયું તો રાધિકા ઉદાસ થઈને ત્યાંજ ઉભેલી. તેણે રાધિકા સાથે વાત પણ ના કરી અને પોતાની રૂમ તરફ જતો રહ્યો. દાદર ચડતા બોલ્યો, "નાહીને આવું છું."

તેના મનમાં શું ચાલે છે તે પરિસ્થિતિને સમજવી આ સમયે થોડી અઘરી હતી. તેનો ખુલાસો તો જ્યારે તે તેના મોઢે કરશે ત્યારે જ સમજાશે. તે ફરી પાછી રસોઈ ઘરમાં જઈને કામે વળગી ગઈ.

"આ મોહન અત્યારમાં ક્યાં ચાલ્યો ગયો છે?" તેણે શારદાને પૂછ્યું.

"શું બેનીબા! તમને ખબર છેને કે એના નાના ભાઈના લગન માટે કેટલો ઘાંઘો થયો છે. આજ કાલ પાછળની ગલીમાં જે નાગબાપા દેખાયા હતા ને, એના દર્શને જાય છે."

"ખરો છે હા તે પણ, એક સાપ નીકળ્યો એમાં તો ગામ ગાંડુ કર્યું તેણે."

એટલા માં મયુર તૈય્યાર થઈને નીચે આવ્યો અને નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ પર બેસતા બોલ્યો, "રાકેશ હજુ નથી આવ્યો?"

રસોડામાંથી તેના માટે નાસ્તો અને ચા લઈને રાધિકા આવી. એટલામાં રાકેશ પણ આવીને ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો. રાધિકા રસોડા તરફ જવા લાગી તો મયુરે તેને રોકતા કહ્યું, "લે! રાકેશ માટે તો મૂકતી જા."

પણ તે ચુપચાપ અંદર જતી રહી અને શારદા રાકેશ માટે નાસ્તો લઈને બહાર આવી. તેનો પરિચય આપતા મયુરે કહ્યું, "રાકેશ, આ શારદાકાકી છે. અહીં રસોઈનું દરેક કામ એ જ કરે છે. એકલા છે એટલે દિન રાત અહીં જ રહે છે." સાંભળી તે થોડી ઉદાસ થઈ. પરંતુ પોતાની ઉદાસીને છુપાવતા તે કોઈ સ્પ્રિંગની જેમ ઉછળી અને કહેવા લાગી, "અરે સાહેબ, ચાલીશ વર્ષથી આ કામ કરું છું, એટલો અનુભવ છે. રસોઈની ફાવટ મારા જેવી કોઈને નઈ હો. તમ-તમારે મન ફાવે તે કહી દેજો. આમ, ચપટી વગાડતા બનાવી આપીશ. હા.."

રાકેશ બોલ્યો, "એમ..! તો તો તમારા હાથની દરેક વાનગી જમવી પડશે."

મયુરે કહ્યું, " આ સિવાય એક મોહનભાઈ છે. તે પણ ઘરનું તમામ કામ કરે છે. લાગે છે અત્યારે બહાર ગયો છે."

"પાછલી ગલીમાં ગયો છે. નાગબાપા ના દર્શન કરવા." શારદાએ જવાબ આપ્યો. રાકેશ અને મયુરને આશ્વર્ય થયું. રાકેશે પૂછ્યું, "નાગબાપાના દર્શન કરવા!?"

"એની તો માનતા અને દર્શનનો પ્રોગ્રામ ચાલુ જ હોય છે. અરે એને છોડો સાહેબ, હુકમ કરોને. જે કહેશો એ વાનગી બનાવી આપીશ."

"ના એ પછી રાખીએ. અત્યારે તો આટલું જ બસ છે."

"ઠીક છે સાહેબ. બાકી બિન્દાસ બોલી દેજો." કહી તે રસોડામાં ગઈ તો રાધિકાએ તેને વધાવી લીધી, " આવી ગયા તમારી એડ્વર્ટાઇઝ કરીને, મન ફાવે તે કહી દેજો. આમ, ચપટી વગાડતા બનાવી આપીશ... પત્યું તમારું."

"પણ બેનબા હું તો...."

"બસ વધારે વાતો નઈ, કામ કરો તમારું."

"રાકેશ્ભાઈને ચા થોડીક જ વધી 'તી તો સાવ થોડીક જ ભાગમાં આવી છે. હું બીજી બનાવી આપી આવું?"

"કંઈ  જરૂર નથી. સવારમાં આવતાની સાથે તો આખો કપ ભરીને પીધેલી, હવે કેટલી ઢીંચશે?"

"મને ખબર છે. એ અહીં આવ્યા છે એ તમને નથી ગમતું."

"કાકી..!"

બહાર મયુરે સાદ કર્યો પણ એ સાંભળવા છતાં રાધિકા બહાર ન આવી. રાકેશ સમજી ગયો એટલે તેણે જ વધારે ચા મંગાવવાની ના કહી. મોહન બહારથી આવ્યો અને આવતાની સાથે પ્રસાદીની એક પ્લેટ ટેબલ પર મૂકી.

"નમસ્તે સર."

"અરે મોહનભાઈ ક્યાં ગયા 'તા સવારના?"

"શું છે સાહેબ, પાછલી ગલીમાં પેલા મંજુબેન ખરાને! તેને સપનામાં એક નાગબાપા દેખાયેલા અને એને ઘરના મંદિરમાં બાપાની પૂજા કરવા કીધેલું. એ જાગ્યા તો થયું કે આતો સપનું છે. એને ક્યાં સાચું ગણવું. પણ જેવો દરવાજો ખોલ્યો કે સામે જ એક નાગદાદા ઉભેલા. પછી તેને વિશ્વાસ આવી ગયો અને ઘરના મંદિરમાં નાગદાદાની સવાર સાંજ આરતી શરુ કરી દીધી. બઉ ભીડ થાય છે. માંડ માંડ કરીને દર્શન થયા. લ્યો આ પ્રસાદી ખાઓ."

તેણે બંનેને પ્રસાદી આપી અને બંને તેની આ વાત પર અંદરો અંદર હસતા હતા. મયુરે પરિચય કરાવતા કહ્યું, "આ મોહનભાઈ છે અને મોહનભાઈ આ મારો ફ્રેન્ડ છે રાકેશ. તે થોડા સમય માટે અહીં જ રહેવાનો છે."

"અચ્છા અચ્છા. તમે જેનો સામાન લાવેલા એ જ ને?"

"હા એ જ."

તેણે રાકેશને કહ્યું, "સાહેબ મારે લાયક જે કંઈ કામ હોય, જે જરૂર હોય કહી દેજો. તમારી સેવામાં આ સેવક કોઈ તાણ નય આવવા દે."

રાકેશ હસતા મોઢે બોલ્યો: "સારું"

રોજની જેમ મયુર ઓફિસ જવા નીકળ્યો અને આજે રાકેશ સાથે હતો. પણ રોજની જેમ રાધિકા આજે તેની બેગ લઈને ના આવી કે ના તેને રોજની જેમ દરવાજા સુધી છોડવા આવી. તેને રાધિકાનો આ સ્વભાવ વિચિત્ર લાગ્યો. ઓફિસમાં પણ એ સતત આના વિશે જ વિચારતો રહ્યો. એવું જ પુનરાવર્તન રાત્રીના ભોજનમાં થયું. રોજે પતિ પત્ની સાથે બેસીને જમતા. આજે પહેલા મયુર અને રાકેશને પીરસાયું અને બન્નેના જમ્યા પછી રાધિકા જમવા બેઠી. મયુરને આ અજુગતું લાગ્યું. રાકેશની સામે કશું બોલાય તેમ હતું નહિ. કારણ કે જો એને ખબર પડે તો તેને ખોટું લાગે અને તે ત્યાંથી ચાલ્યો જાય અને મયુરને તેનું જવું મંજુર ના હતું.

રાત્રે રાધિકા સુવા માટે રૂમમાં આવી તો મયુર બેઠો બેઠો ટીવી જોઈ રહ્યો હતો.

"બસ હવે સુઈ જાવ, કાલે પાછા મોડે સુધી જાગશો નહિ."

"મનને શાંતિ નથી એટલે ટીવી જોઉં છું."

"લે! શું થયું છે તમારા મનને? એક કામ કરો. કોઈ ધાર્મિક ચેનલ લગાવો મન શાંત થઈ જશે."

"એ તો ધાર્મિક ચેનલ વિના પણ થઈ જશે અને હું અત્યારે મજાકના મૂડમાં નથી."

"અચ્છા! શું થયું છે તમને?"

"મને નહીં તને થયું છે."

"મને શું થયું?" આશ્વર્યથી તેણે પૂછ્યું.

"એ તો તને ખબર શું થયું છે. આમ અજાણ ના બન, હું સવારથી જોઉં છું. જ્યારથી રાકેશ આ ઘરમાં આવ્યો છે ત્યારથી તારું વર્તન બદલાય ગયું છે. મારી બેગ મને તારા બદલે મોહનભાઈ આપવા આવ્યા!"

"હા તો હું કામમાં હતી."

"જાણી જોઈને. ચાલ ઠીક છે. પણ મેં તને કહ્યું કે રાકેશ માટે નાસ્તો મુક્તી જા તો અંદર જઈને તે શારદકાકીને મોકલ્યા! શું તકલીફ છે તને?"

"એ બધી માથાફોડ કરવાની તમારે જરૂર નથી."

"હમ, તને શું થાય છે એ જાણવાની પણ તસદી  હું ના લઉં, એમ?!"

"એના માટે થઈને તમે મારી સાથે શું કામ ઝગડો છો?"

સ્વસ્થ થતા ટીવીનું રિમોટ બાજુમાં મૂકી તે બોલ્યો, "હું ઝગડો નથી કરતો. ચિંતા થાય છે મને તારી. આજે મારો આખો દિવસ ઓફિસમાં કેવો ચિંતામાં ગયો એ ખબર છે તને?"

"ના કરોને. શું કામ ચિંતા કરો છો? તમારી ઈચ્છાને મેં હા કહી કે નય? મેં તમારા માટે તેને આ ઘરમાં રહેવા માટે કહી દીધું. હવે વધારે એની વાતો ના કરો. મારે શું કરવું એ મને ખબર છે."

"તું જે કરે છેને એ એને દેખાય છે. મહેમાન સામે આ રીતનું વર્તન.., એના મનમાં તારી ને મારી કેવી છાપ પડશે? મારા જેટલા પણ ફ્રેન્ડ્સ આજ સુધી મળ્યા, તું હસી ખુશીથી તેઓની સાથે વાતો કરે છે. બધા સાથે ભળી જાય છે. પણ રાકેશ સાથે અવળું વર્તન કેમ? શું કારણ છે?"

ડચકારા કરતી એ બોલી, "હું અહીં રહીશને તો તમે તમારા દોસ્તની વાતો જ કર્યા કરશો. તમે સુઈ જાવ હું આજે નીચે સોફા પર સુઈ જઈશ."

તે ફટાફટ રૂમની બહાર નીકળી ગઈ અને બહાર આવી દાદર ઉતરતા જોયું તો રાકેશ સોફા પર બેસીને પોતાના લેપટોપ પર કામ કરી રહ્યો હતો. તેને જોઈ ઊંડા શ્વાસો લેતી તે પાછી રૂમમાં ચાલી ગઈ. મયુર બેડ પર સૂતો હતો.

"કેમ શું થયું? કેમ પાછી આવી?"

"બાવો બેઠો છે બહાર. ખોટી પંચાત ના કરો અને સુઈ જાવ." કહી તે અવળું ફરી બેડ પર બેસી ગઈ. મયુરને મનોમન રાકેશ માટે ખોટું લાગી રહ્યું હતું. રાધિકા લાઈટ બંધ કરી સુઈ ગઈ. થોડીવાર પછી તેણે લાઈટ ચાલુ કરી પાછળ ફરીને જોયું તો મયુર બીજી બાજુ ફરીને સૂતેલો, તે જોઈ ફરી લાઈટ બંધ કરીને સુઈ ગઈ. એમ વિચારીને કે તે ઊંઘી ગયો છે. પણ તે ઊંઘ્યો નહોતો.

જાગતી આંખે તે વિચાર કરતો હતો, "એવું તે શું છે? કે રાકેશના આવતાની સાથે જ રાધિકાનો સ્વભાવ એકદમ અલગ થઈ ગયો. તે મારા બધા દોસ્તોની સાથે અને એના પરિવાર સાથે ભળી જાય છે. તો રાકેશ સાથે અલગ વર્તન શું કામ? મહેમાનો આવતા મરી પડે એવી મારી રાધુ, ઘરમાં આવેલા મહેમાનની સામે પણ આવવા તૈય્યાર નથી! હશે. તેને લઈને તેના મનમાં કોઈ ગેરસમજ હશે. આમેય સવારે કહેવા લાગેલી કે તે વ્યક્તિ મને યોગ્ય નથી લાગતો. હવે બધું સમય સાથે જ ચાલવા દઉ. અત્યારે નહિ પણ સમય સાથે કદાચ તે સમજી જશે કે રાકેશ સર કેવા માણસ છે. હવે આ મુદ્દે હું એની સાથે વાત નહીં કરું. એને હું નહિ સમજાવી શકું કે સરે અત્યાર સુધીમાં આપણે ખાતર કેટલું કર્યું છે? બસ, હવે તો જેટલો સમય તે અહીં છે ત્યાં સુધીમાં રાધિકા તેને સમજી જાય."

તેણે પડખું ફરી રાધિકા સામે જોયું, તો તે બીજી બાજુ ફરીને સુઈ ગયેલી. તેને જોયા બાદ મયુર પણ આંખ બંધ કરીને સુઈ ગયો.