Prem - Nafrat - 112 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૧૧૨

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૧૧૨

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૧૨

રચનાએ બાળકને પડાવી નાખવાના પોતાના નિર્ણય પર પુન:વિચાર કરી જોયો એ પછી પણ એને લાગ્યું કે આ સંજોગોમાં બાળકને રહેવા દેવાનું યોગ્ય નથી. પોતે આરવ અને એના પરિવારથી છૂટી થવા માગે છે. એમણે અમારું જીવન દોહ્યલું બનાવી દીધું હતું. બાળપણ નિરાધાર સંતાન તરીકે જ વ્યતીત કરવું પડ્યું હતું. મનમાં બદલો લેવાની જે ધૂન હતી એ યુવાનીમાં પૂરી કરવામાં સફળ થઈ રહી છું. હવે મા પણ બાળક ના અવતરે એ માટે તૈયાર થઈ ગઈ છે. એ પણ સમજે છે કે લખમલભાઈના પરિવારે અમારા આધારને છીનવી લીધો હતો. એમનો વંશ આગળ વધારવો ના જોઈએ.

મીતાબેન તૈયાર થઈને આવ્યા અને કહ્યું:ચાલ, આપણે દવાખાને પહોંચી જઈએ...

પણ મા, આપણે કયા દવાખાને જઈશું? હું તપાસ કરી લઉં?’ રચના વિચાર કરતાં બોલી.

બેટા, મને ખબર છે એક દવાખાનાની. આપણાં જૂના ઘરથી થોડે દૂર એક દવાખાનું છે. ત્યાં મહિલા ડૉક્ટર જ છે. આપણે એને સમજાવીશું. એ તૈયાર થઈ જાય તો કોઈ પ્રશ્ન જ રહેશે નહીં. પણ ફરી એક વખત વિચારી લેજે. તારો આ નિર્ણય યોગ્ય જ હશે ને? પછી પસ્તાવો ના થવો જોઈએ. મીતાબેન સહેજ ખચકાતા હોય એમ બોલ્યા.

મા, તારો સાથ છે તો મને કોઈ ચિંતા નથી. મેં ઘણું વિચારી લીધું છે. આપણે બને એટલા વહેલા લખમલભાઈના પરિવારને છોડી દેવાના ધ્યેય સાથે કામ કરીશું... રચના ઉત્સાહમાં બોલી પણ એ સાથે એના દિલમાં એક ટીસ તો ઊઠી જ હતી. એક સ્ત્રી તરીકે ગર્ભના બાળકની હત્યા કરવાનું પાપ તો એના માથા પર લાગવાનુ જ છે. પણ લખમલભાઈએ તો આનાથી મોટા પાપ કર્યા છે. એમને એની સજા તો મળવી જોઈએ. એક જીવને આ શરીરથી અલગ કરતાં દુ:ખ તો થઈ રહ્યું છે. એનો કોઈ વાંક નથી. એને આ દુનિયામાં અવતરતા રોકવાનો મારો કોઇ અધિકાર નથી. પણ બીજી એક વાત છે કે મેં મારી મરજીથી આ બાળક લાવવાનો પ્રયત્ન કર્યો નથી. મારી જાણ બહાર આપમેળે આવી ગયું છે. એમાં હું ગુનેગાર નથી.

રચના પોતાના મનને સમજાવતી રહી. પોતે કોઈ ખોટું કરી રહી નથી એનું આશ્વાસન આપતી રહી. આટલા સમયથી લખમલભાઈના ધંધાને બરબાદ કરવા જે મહેનત કરી છે એને એળે જવા દેવી નથી.

બીજી તરફ મીતાબેન વિચારી રહ્યા હતા:રચનાનો આ નિર્ણય ખરેખર યોગ્ય હતો? જે વ્યક્તિ મૃત્યુ પામી છે એના આત્માની શાંતિ માટે જે કરી રહ્યા છે એ ન્યાયપૂર્ણ ગણાય? કોઈના આત્માની શાંતિના પ્રયાસમાં કોઈ જીવનું બલિદાન યોગ્ય કેવી રીતે ગણાય? રચના તો નાની છે. નાદાન પણ છે. એના દિલમાં વેરની આગ છે. એ ગમે તે વિચારતી હોય મારે તટસ્થ રીતે વિચારવું જોઈએ... હું વિચારું છું ત્યારે બંને પલ્લા સરખા લાગે છે. રચના એના સ્થાને સાચી લાગે છે. જો આવું જ હતું તો એણે જ્યારે બદલાની શરૂઆત કરી ત્યારે સાથ આપવાનો ન હતો. અને હવે લખમલભાઈને એમના કરેલા કે ન કરેલા ગુનાની સજા અપાઈ રહી છે એની પણ સમજણ પડતી નથી.

ત્યાં રચના બોલી:મા, તું હવે ડગતી નહીં. મારાથી આ ભૂલ થઈ ગઈ હોય પણ એને સુધારવાની તક મળી છે. આપણે આપણું મિશન પૂરું કરવાની કગાર પર છે. તું મનમાં કંઇ લાવીશ નહીં. આ લોકોથી દૂર જઈને આપણે શાંતિથી એક નવી જિંદગી શરૂ કરીશું. એમને એમના પાપની સજા આપવામાં આપણે નિમિત્ત બન્યા છીએ એમ સમજવાનું.

હા, બેટા. કહી મીતાબેન ચૂપ થઈ ગયા.

દવાખાને પહોંચીને મીતાબેન ડૉક્ટરને મળ્યા અને દસ મિનિટ વાત કરી બહાર આવ્યા પછી કહ્યું:ચાલ, બધી વાત થઈ ગઈ છે. આપણું કામ થઈ જશે.

રચનાને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી એ પછી મીતાબેન ત્યાં રૂમમાં મૂકેલી ગણેશજીની મૂર્તિને મનોમન વંદન કરીને બોલ્યા:ભગવાન અમને માફ કરી દેજો...

ક્રમશ: