ધોધમાર વરસાદ આજે તેનું અતિ રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો હતો. આટલી રાત્રે દરવાજે વાગેલા ટકોરા સાંભળીને બંને ભાઈ વિચારમાં પડી જાય છે. યશવર્ધનભાઈ નીચે ઉતરીને જેવો દરવાજો ખોલ્યો કે તેમની સામે હતા....
ફોઈ....
તમે અહીંયા?
ફોઈ,તેમના દીકરો શ્યામ અને દીકરી શારદા ત્રણેય યશવર્ધનભાઈ ના દરવાજા પર ઉભા હતા. શરમ ના મારે ફોઈ આંખો નીચે કરીને ઉભેલા હતા. બધા વરસાદમાં પૂરેપૂરા પલળી ગયા હતા અને તેમના હાથમાં હતો ઘણો બધો સામાન. તેમના મૂરઝાઈ ગયેલા ચહેરા પરથી જાણ થઈ આવતી હતી કે તેમણે કેટલાય દિવસથી કઈ જમ્યું નથી.
ફોઈ આવોને અંદર આવોને કહેતા યશોવર્ધનભાઈ તેમને અંદર ઘરમાં લઈને જાય છે.રવિન્દ્ર પણ ફોઈ અને તેમના પરિવારને જોઈને તરત નીચે દોડી આવે છે.
મોટાભાઈ.....
પપ્પા.....
આટલું કહેતા કહેતા તો શારદાની આંખમાંથી આંસુ સરી પડ્યા. યશવર્ધનભાઈ સમજી ગયા કે ફુવા હવે આ દુનિયામાં નથી રહ્યા.અને ફોઇનું આખું પરિવાર હવે એકલું પડી ગયું છે.
"દીકરા મને માફ કરી દે તારા સિવાય આ દુનિયામાં હવે અમારું કોઈ નથી અમારી મદદ કર દીકરા...અમારી મદદ કર.... કહેતા કહેતા ફોઈ હાથ જોડીને ચોધાર આંસુએ રડી પડ્યા."
"અરે ફોઇ તમે આમ હાથ ના જોડશો અને ચિંતા તો બિલકુલ જ ના કરો તમારો મોટો દીકરો જીવતો છે"- કહેતા યશવર્ધનભાઈ એ ત્રણેય ની જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી.
શ્યામ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને શારદા હવે 12માની પરીક્ષા આપવાની છે. ધીમે ધીમે સમય વીતે છે અને તેમના પરિવારની ગાડી ફરી પાટા પર આવે છે.ફોઈ ઘરને ખૂબ સારી રીતે સાચવી રહ્યા હતા આમ સમગ્ર પરિવારનું જીવન શાંતિથી વ્યતિત થઈ રહ્યું હતું.
યશવર્ધન ભાઈ પણ પોલીસ સ્ટેશનમાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા હતા.
"ફોઈ આજે રાત્રે મારે રાઉન્ડ પર જવાનું છે મને આવતા મોડું થઈ જશે આથી તમે લોકો જમીને આરામથી સુઈ જજો હું પોલીસ સ્ટેશન થી હવે સવારમાં જ આવીશ."- કહેતા યશવર્ધનભાઈ એ બાઈક શરૂ કરી.
યશવર્ધનભાઈ પોતાની બાઈક પર શહેરના રાઉન્ડ પર નીકળ્યા હતા અને રસ્તામાં તેમની ગાડી સાથે એક છોકરીની ટક્કર થઈ. એ છોકરી કોઈથી ડરીને ભાગી રહી હતી. બાઈક સાથે ટક્કર થવાથી તે તરત જ ત્યાં બેભાન થઈ ગઈ. યશવર્ધનભાઈએ આજુબાજુ નજર ફેરવી મદદ માટે પરંતુ ત્યાં કોઈ નહોતું. રાત્રિના અંધકાર મા તે છોકરીનો ચહેરો પણ બરાબર નહોતો દેખાઈ રહ્યો. યશવર્ધનભાઈ તેને ઊંચકીને પોતાની બાઈક પર બેસાડે છે અને તેને ઘરે લઈને આવે છે.
તેના ફાટેલા કપડાં પરથી જાણ થઈ આવી હતી કે તે પોતાનું જીવન અને ઈજ્જત બંને બચાવી ને ભાગી રહી હતી.
"એ કોણ છે બેટા?"- ફોઈએ પૂછ્યું
"હું નથી જાણતો ફોઈ. રસ્તામાં તેની ટક્કર મારી બાઇક સાથે થઈ ગઈ હતી અને તે ત્યાં જ બેભાન થઈ ગઈ હતી આથી હું એને ઘરે લઈ આવ્યો છું.સવારમાં ડોક્ટર બોલાવી લઈશું અત્યારે તેને આરામ કરવા દો" - કહેતા યશવર્ધનભાઈ ફરી પોલીસ સ્ટેશન પર જાય છે.
સવારના છ વાગ્યાની આસપાસ યશવર્ધનભાઈ નાઈટ ડ્યુટી પતાવીને ઘરે આવે છે ત્યારે તે છોકરી જમીન પર બેઠેલી હતી.
યશવર્ધનભાઈ ને જોતા જ તે ગભરાઈને ઊભી થઈ જાય છે.
દેખાવથી 22 કે 23 વર્ષની જણાઈ આવી રહી હતી તે છોકરી.....લજામણી ના છોડ જેવી નાજુક.... તેની સુંદર કાળી આંખો.... ફૂલ ગુલાબી ચહેરો..... ભરાવદાર હોઠ....અને અત્યંત લચીલું શરીર....
યશવર્ધન ભાઈ તો તેને જોતા જ રહી ગયા.....
(આખરે કોણ હતી તે છોકરી? શું થશે હવે તેનું?જાણીશું આવતા ભાગમાં)