Rasdhara of Saurashtra - A Review in Gujarati Book Reviews by Dr. Ranjan Joshi books and stories PDF | સૌરાષ્ટ્રની રસધાર - સમીક્ષા

Featured Books
  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

  • જે ભગવાનના થયા.

      ગોવર્ધન ગીરધારી ગોવર્ધન તત્વજ્ઞાનિક અર્થ છે – જીવનમાં પ્રક...

Categories
Share

સૌરાષ્ટ્રની રસધાર - સમીક્ષા

પુસ્તકનું નામ:- સૌરાષ્ટ્રની રસધાર

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૬ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઈ 'કુરબાનીની કથાઓ' ની રચના કરી કે જે તેમનું પહેલું પ્રકાશિત પુસ્તક હતું. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી. કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમિકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તિકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમના પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.

મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ ગ્રંથ, તેર જીવનચરિત્રની રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું માણસાઈના દીવામાં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.

રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૨૮) સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે,

શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે. સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક, સમતુલા, શાસ્ત્રીયતા, વિશાલતા જન્માવે છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : સૌરાષ્ટ્રની રસધાર (ભાગ ૧-૫)

લેખક : ઝવેરચંદ મેઘાણી

પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

કિંમત : 400 ₹.

પૃષ્ઠ સંખ્યા : 640

 

બાહ્ય મૂલ્યાંકન:-

આ પુસ્તકના મુખપૃષ્ઠ પર ગ્રામીણ પરિવેશનું ચિત્ર અને શીર્ષક મુદ્રિત છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. દરેક ભાગનું કદ મધ્યમ છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

આપણા ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની રસાળ કલમે આલેખાયેલી અમર કૃતિઓ પૈકીની એક એટલે ‘સૌરાષ્ટ્રની રસધાર’. લગભગ એક સૈકો થવા આવ્યો આ કાળજયી કૃતિને, પણ એમાં વહેતી સૌરાષ્ટ્રની ભોમકાની શૌર્ય, વટ, વચનની વાતો આજે પણ વાંચતાં વેંત જ રૂંવાડાં ઊભાં કરાવી દે.

સાદાં અને સીધાં શૌર્ય અગર સ્નેહ અને સત્યવાદીપણાની વાત તો સહેજે પચી જાય છે, પરંતુ આ તો જીવનકથાઓ છે. અને જીવન એટલું સાદું નથી હોતું. જીવનમાં અનેક પરસ્પરવિરોધી ભાવોના ઉછાળા આવે છે. અસલી યુગનાં તત્ત્વોને ન સમજી શકનાર માનવી એને ગપ્પાં કહે છે, ને કાં માને છે નાદાની : જેમ કે, સૌરાષ્ટ્રની રસધાર ભાગ -૪ ની વાર્તા 'સંઘજી કાવેઠિયો' માં કરણસંગ પોતાના પિતૃપક્ષ પરથી મહેણું ઉતારવા માટે પોતાના ભાઈને જ પોતાનું જ માથું કાપી લેવા બોલાવે તે નાદાની કે પછી 'દસ્તાવેજ'માં રજપૂતની બેલડી પોતાની બન્નેની વચ્ચે તલવાર મૂકીને એક જ પથારીએ પોઢે તે નાદાની કે પછી ભાગ - ૧ ની વાર્તા 'ભાઈબંધી' માં માણસિયો વાળો પોતાનો દેહ છેદીને પંખીને ખવરાવે તે નાદાની  અને જાલમસંગ જાડેજો પોતાની શરદી ઉડાડવા પોતાના આશ્રયદાતાની પત્નીને પડખે બાલભાવે પોઢી જાય તે નાદાની - એ બધા વિરોધી દેખાતા અને જંગલી જણાતા માનવધર્મોનો મેળ સમજવો મુશ્કેલ થઈ પડે છે. એટલે જ કદાચ મેઘાણી લખે છે કે "વાચક ! તારી કલ્પનાશક્તિને ઠગી જવાની આ રમત નથી. તું પોતે જ તારી દૃષ્ટિને દિલસોજ બનાવી માનવજીવનનાં આ આત્મમંથનોને ન્યાય આપજે. યુગ યુગના જૂજવા કુલધર્મો ઉકેલવાની આંખ કેળવજે."

સીતા અને સાવિત્રીનાં સતીત્વ તો સીધાં અને સુગમ્ય છે. પણ સોરઠી સંસ્કૃતિનું સતીત્વ એટલે તો સાંઈ નેસડીનું, દાંત પાડી નાખનાર કાઠિયાણીનું અને નાગાજણ ચારણની સ્ત્રી('મરશિયાની મોજ')નું સમસ્યાભર્યું અને જટિલ સતીત્વ: એ આપણી મતિને મુંઝવી નાખે છે. એનો તાપ આપણાથી જલદી ઝીલાતો નથી. માટે જ એને પચાવવાની પ્રબળ કલ્પનાશક્તિ જોઈએ છે.

'અણનમ માથાં'ની ઘટના આપણી અસલી સંસ્કૃતિમાં એક નવી રેખા આંકે છે. કોઈ મિથ્યાભિમાની પોતાના ગર્વથી બહેકી જઈ અન્યને માથું ન નમાવે તે કાંઈ ગૌરવગાથાની વસ્તુ નથી. અહીં તો માનવી માનવી વચ્ચેની ઈશ્વરદત્ત સમાનતા અને બંધુતાના સિદ્ધાંત પર બાર વીરોનું નિરભિમાની બલિદાન ચડેલું છે. અને બારમો એક બાકી રહી ગયેલો મિત્ર દોડીને કોઈ સતીની માફક પોતાના મિત્રની ચિતામાં શરીર હોમે એવો બનાવ દુનિયાના અન્ય સાહિત્યમાં હજી શોધાયો નથી. આ બધું તો તમે આ પાંચેય ભાગ વાંચો ને તો જ સાક્ષાત અનુભવો.

 

શીર્ષક:-

"સૌરાષ્ટ્રની રસધાર”ના પાંચ ભાગોની લોક કથાઓ એ સ્વ. મેઘાણીનો  લોક સાહિત્યનો અણમોલ ખજાનો છે. ગુજરાતી સાહિત્ય એનાથી સમૃદ્ધ બન્યું છે. આ કથાઓ એકઠી કરવા માટે તેઓ સૌરાષ્ટ્રનાં ગામો ખુંદી વળ્યા હતા. સૌરાષ્ટ્રની લોકબોલીમાં લખાયેલી આ કથાઓમાં સૌરાષ્ટ્રની ધરતીની મહેક છે જે રસધાર નામને સાર્થક કરે છે.

 

પાત્રરચના:-

‘રસધાર’નાં અનેક પાત્રો એ સામાન્ય જનના પ્રતિનિધિ જેવા છે. આથી આ પાત્રોના માધ્યમથી જે તે કાળની વાત આબેહૂબ પ્રગટ થાય છે. આ વાતો ખુમારીની છે. નેક અને ટેક માટે ખુવાર થઇ જવાની આ લોકની તૈયારી છે. તેમાંના કેટલાક સમાજના છેવાડે બેઠેલા માનવીઓ છે. સમાજ તેમના તરફ એક ઉપેક્ષા ભાવથી સામાન્ય રીતે જુએ છે. આમ છતાં પ્રસંગ આવ્યે આવા મરજીવાઓ પડકારને ઝીલી લેવા માટે સૌથી આગળ આવીને ઊભા રહે છે. મેઘાણીએ રસધારમાં લખેલી ફકીરા કરપડાની કથા એ પણ આવી અસામાન્ય વીરતાનું દર્શન કરાવે છે. મૂળુ ખાચરની સમગ્ર ફોજને પડકાર કરીને એક સામાન્ય માનવી ફકીરો કરપડો ઊભો છે. પોતાની ધરતીનું તેણે રક્ષણ કરવું છે. સેનામાંથી કોઈએ એકલા ઊભેલા બે માથાના ફકીર પર અણચિંતવ્યો જ ગોળીબાર કર્યો. જાન આપ્યો પણ માલિકની ધરતીનું રખેવાળું કરવા પ્રયાસ કર્યો. લોકકવિએ તેને બિરદાવતાં લખ્યું:

“લીધી પણ દીધી નહિ,

ધણિયુંવાળી ધરા,

કીધી કરપડા, ફતેહ

આંગત ફકીરીયા.”

દુશ્મનની પણ આંખો આ ઉજળું બલિદાન જોઈને ભીની થઇ. આવા જ પાત્રો તમને 'રસધાર'ની દરેક કથાઓમાં જોવા મળે છે.

 

સંવાદો/વર્ણન:-

વટ, વચન ને વીરતાની વાતું હોય ત્યાં સંવાદોમાં કંઈ ઘટે? માણો કેટલાક રોચક તો કેટલાક હૃદયદ્રાવક સંવાદો:

‘આનું નામ તે ધણી ! જે ધણીની મેં ચોરી કરી હતી, તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ એ વાતમાંયે હું ભોંઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહિ ! અરે, આવો ધણી મને બીજે ક્યાં મળે ?’

"કે આખો દી સાંસલા ને કાળિયાર જ માર્યા કરશે કે વસ્તીના સામું ​કો‘ક દી જોશે ? અને રાણિયુંના ઓરડામાં ગયો છે તે નીકળતો જ નથી ! ખેડુનાં ઘરમાં ખાવા ધાન નો રે‘વા દીધું ! ઈ તો રાજા છે કે કસાઈ ? વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય !"

"એમાં શું ખોટું થયું, ભાઈ ? તમે તો અમારા છોરુ કહેવાઓ. તમરે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક્ક છે. બચ્ચાંની ગાળો તો માવતરને ઊલટી મીઠી લાગે."

"અરે બેટા, હવે વળી મારે ભીંત્યું અડવી શું ને ભરી શું? ઉતારી લે, બાઈ ! એકેએક ચીજ ઉતારી લે. મેંથી એ નહિ જોયું જાય, બેટા ! મને એ માંડ્યછાંડ્ય કરનારી સાંભરશે ને ઠાલું મારું મન બળશે.”

 

લેખનશૈલી:-

'રસધાર'ના સર્જક ઝવેરચંદ મેઘાણીની ભાષા શૈલીએ પણ ગુજરાતી ગદ્યમાં એક આગવી છાપ ઉભી કરી છે. ભાષાની આ બળકટતા એ 'રસધાર'ની સાર્વત્રિક લોકપ્રિયતાનું એક મહત્વનું અંગ છે. સર્જકના પોતાના કથન મુજબ શરૂઆતના તબક્કે ભાષાની કોઈ ચોક્કસ શૈલી સ્વીકારી ન હતી પરંતુ રસધારના બીજા ત્રીજા ભાગથી સોરઠી પરિભાષાનો વ્યાપક ઉપયોગ સર્જકે કર્યો છે. “જેની જીવનકથાઓ આલેખાય છે તેઓની જ ભાષા યોજાવી જોઈએ નહિ તો ભાવ માર્યા જાય છે. અસલી જીવનની જોરદાર છાપ ઊઠતી નથી.” એ વાત મેઘાણીએ લખી છે તે રસધારની ભાષાશૈલી સંબંધમાં સ્પષ્ટતા આપનારી છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

'રસધાર' એ મહાન સર્જક ઝવેરચંદ મેઘાણીની કાળના ધસમસતા પ્રવાહમાં ઝાંખી-પાંખી ન થાય તેવી સોગાત છે. રસધાર લખવા પાછળના અનેક કારણો હશે. આમાંનું એક મહત્વનું કારણ રસધારના સર્જક પ્રારંભે જ લખે છે. મેઘાણી કહે છે: “મુંબઈના એક સાક્ષરે નિઃશ્વાસ નાખેલો કે કાઠિયાવાડ-ગુજરાતની ભૂમિમાં કવિઓને પ્રેરણા સ્ફુરે એવું નથી.” મેઘાણી કહે છે કે આપણી ભૂમિની પિછાન કરાવીને આ મહેણું ભાંગવાની રસધારની અભિલાષા છે. જો કે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન રંગોને દર્શાવતા રસભાવો અગાઉ પણ પ્રકાશમાં આવ્યા છે. લોકોએ તેમને માણ્યાં અને વધાવ્યાં પણ છે. પરંતુ તે પર્યાપ્ત નથી. રસધારનો પ્રયાસ આ ઇતિહાસને સમગ્રતાથી ગાવાનો છે. જગતના ચોકમાં ઇતિહાસની મહામૂડી સમાન આ વાતો મુકવાનો છે. માત્ર કલ્પનાઓ ગાવાનો આ પ્રયાસ નથી. મેઘાણીના નિરંતર તથા નિયમિત ભ્રમણની આ ટાંચણો તથા સ્મરણ નોંધો છે. તેથી તેમાં ઘટનાઓ કે પ્રસંગોની ચોક્કસતા લાવવાનો પ્રામાણિક પ્રયાસ છે.

મેઘાણીના આ સમગ્ર સાહિત્યમાં-કથાઓ તથા ગીતોમાં-મેઘાણીના હૈયાના ભાવ પ્રગટ થયા છે. સાંઈ મકરન્દ લખે છે તેમ “આપણી ભાષા માટે મેઘાણીએ શેડકઢા દૂધનાં બોઘરણાં અને ગોરસનાં દોણાં ભરી દીધાં છે.” સમગ્ર સૌરાષ્ટ્રની અસ્મિતાનું દર્શન આ સર્જક ટૂંકા આયખામાં કરાવીને ગયા તે તાજુબ તથા અહોભાવ ઉપજાવે તેવી ઘટના છે. ઉમાશંકર જોશીએ યથાર્થ કહ્યું છે.

“મેઘાણી એટલે સાક્ષાત સૌરાષ્ટ્ર. પચાસ પચાસ વરસ સૌરાષ્ટ્રની ધરતી મેઘાણીના દેહરૂપે સૌની વચ્ચે વિહરીને પોતાના કેવાં હૈયાં ધબકાર રેલાવી ગઈ ! એ ભૂમિનું બધું મેઘાણીની વાણીના સ્પર્શથી સજીવન થઈને ગુજરાતી ભાષામાં અમરપદને પામ્યું.”

 

મુખવાસ:-

મરેલાને જીવતો કરી દે ને જીવતાને જીવન શીખવાડે એવી વાતોનો ગાગરમાં સાગર એટલે 'સૌરાષ્ટ્રની રસધાર'.